સોરઠી સંતવાણી/સંસ્કાર જોવા
Revision as of 12:16, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સંસ્કાર જોવા|}} <poem> દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું ને :::: એવું...")
સંસ્કાર જોવા
દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું ને
એવું કરવું નહીં કામ રે,
આપણી વસ્તુ ન જાય અવરથા ને એ
જવાનું લેવું નહીં નામ રે —
ભાઈ રે સેવા કરવી તો છેલ્લા જનમવાળાની ને
ભજનમાં જોવા સંસ્કાર રે,
જો પુરવનું પુરુષારથ હોય એહનું ને
તો મેળવવો વાતનો એકતાર રે. — દળી દળીને.
ભાઈ રે વિષયવાળાને આ વાત ન કહેવી ને
એથી રાખવું અલોપ રે,
દેખાદેખીએ મરને કંઠી બંધાવે ને
શુદ્ધ રંગનો ચડે ન ઓપ રે. — દળી દળીને.
ભાઈ રે ઉત્તમ કર્મ જો કરે ફળની આશાએ ને
એવાને ન લાગે હરિનો લેશ રે,
ગંગાસતી એમ બોલિયાં ને
એઓ ક્યાંથી ભાળે અખંડ દેશ રે. — દળી દળીને.