સોરઠી સંતવાણી/પ્રેમનું ખેતર

From Ekatra Wiki
Revision as of 05:32, 27 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રેમનું ખેતર| }} <poem> ચેતી લેને ચેતી લેને પરદેશી ઘેલા રે! ખે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રેમનું ખેતર

ચેતી લેને ચેતી લેને પરદેશી ઘેલા રે!
ખેતર આ પડતર તારા પ્રેમનું હે જી.
હરિ નામનાં રે હળિયાં લૈને જોડાવ,
ધોરી રે મેલ્ય તારા ઢળકતા હે જી.
વિધવિધ નામનાં રે વાવણિયાં લઈને જોડાવ,
બીઆં રે બોઆવ બહુનામનાં હે જી.
રામ રે નામની વાડ્યું રે લૈને કરાવ,
ભુંડણ રે ખેતર તારાં ભેળશે હે જી.
મન રે પવનનો મેડો રે લૈને નખાવ,
ટોયો રે રાખ તારા તનનો હે જી.
ગોવિંદ નામની ગોફણ લૈને ગુંથાવ,
ગોળા રે ફેંક ગરુના નામના હે જી.
આવી રે મોસમ તારી, માર રે લૈને સંભાળ,
ખળામાં રે જમડા જીવને લૂંટશે હે જી.
કહે રે અખોજી, જીતી રે બાજી મત હાર!
ગામેતી પતળ્યા તારા શેર’ના હે જી.