સોરઠી સંતવાણી/સંતદર્શન કરાવનારા
ગરમલી ગામમાં, દિવાળી ટાણું હતું. ભેખ્યું ભેખડોમાં આપા પોતે ગાઉં (ગાયો) ચારવા જાય. ત્યાં કણબીની એક છોકરી ઢોર ચારવા આવે. એના માથામાં ઊંદરી : માથું ગદગદી ગયેલ. આપાએ એના માથા પરથી ફૂંચલી ઊંચી કરી. ત્રણ વખત માથું ચાટ્યું, છોડીને નવનિરાંત થઈ ગઈ. આપા દાના નામના ચલાળાની જગ્યાના કાઠી સંતનું સ્મરણ કરાવતું ઉપલું ટાંચણ મારી પોથીમાં એક દૂબળા, પાતળા, બેઠી દડીના, આંખે લગભગ અખમ (નહીં દેખતા) અને દાંત વગરના મોંમાંથી વાતોનાં અખૂટ વહેન ચાલુ રાખતા બુઢ્ઢા સૂરા બારોટની આકૃતિને ખડી કરે છે. હડાળાના રૂપાળા દરબારગઢના બેઠકખાનામાં કયે ઠેકાણે સૂરા બારોટ બેઠા હતા, ગળામાં કેવા રંગના પારાની માળા હતી (કાળા રંગની) અને અવાજ કેવો હતો, તે બધું અઢાર વર્ષો ગયાં છતાં યાદ છે. સોરઠી સંતોના સંશોધનના શ્રીગણેશ એમણે કરાવ્યા. પાંચાળના મોલડી ગામના સિંહ-ભેરુ રતા ભગત કાઠીથી લઈ એમણે એ પ્રારંભ કરાવ્યો. ટાંચણ આવે છે — રામછાળી : ગેબી બાવાનું ભોંયરું : દૂધપાક : ત્રણ ભવનની સૂઝી : સૂરજ, વાસંગી, ગેબી, ને રતો, સોગઠે રમ્યા : આંતરે ગાંઠ્યું : ભાઈબંધાઈ : લાકડી પડે એમ પગુમાં પડી ગયા. પંજો નીમજ્યો : આપ સરીખા કર્યાં. રામછાળી એટલે હરિની બકરી. ચરવા આવતી બકરી પાછી સાંજે ડુંગરામાં ચાલી જતી, ક્યાં જતી! રતો પાછળ પાછળ ચાલ્યો. ગેબી બાવાને ભોંયરે જઈ ઊભી રહી. એ બકરી દોહીને બાવાએ રતાને દૂધપાક ખવરાવ્યો, રતો સંત બન્યો. સંતોના ગેબી ધામ કે દેવનાં પુરાતન થાનકો, હંમેશાં વાર્તાઓમાં આ રીતે જ પ્રકટ થતાં બતાવાય છે. કાં તો છાળી ને કાં ગાય એનાં થાનકોનો પત્તો આપનારાં હોય છે. ચરીને પાછી વળતી ગાય આપોઆપ જ્યાં ઊભી રહીને દૂધની ધારાઓ આંચળમાંથી વહેતી મૂકે તે સ્થાનમાં ઊંડા ઊતરો તો શિવલિંગ કાં શાલિગ્રામ સાંપડે. સૂરા રાવળે એ સોરઠી સંતોનાં દર્શન કરાવ્યાં. શુકનદાતા સારા મળ્યા, તે આજ પણ સંતો અને સંતવાણીની નવીનવી સામગ્રી લાધે છે. મારા સોરઠી સંતો — કાઠી, કુંભાર, કોળી, કડિયા, માળી, રબારી, મુસ્લિમ, અને હરિજન જેવી કોમોમાંથી ઊઠેલા નિજનિજના ધંધાધાપા કરતાં કરતાં, ખેતરો ખેડતાં, ઢોરાં ચારતાં, ચાકડો ચલાવતાં, ગાયોનાં છાણના સૂંડા શિર પર ધરી વાસીદાં વાળતાં, કોઈ ઘરસંસારી, લોકસમાજની વચ્ચે રહેતા, ધરતીની ધૂળમાં આળોટતા, સાદા ને સરળ આ મારા સોરઠી સંતો — મને વહાલા લાગે છે. ટાંચણ બોલે છે કે — રતો ભગત ખેતરમાં સાંતી હાંકે. સાંતીની કોશ ધરતીમાં દટાયેલ કોઈ ચરુના કડામાં ભરાય ત્યારે ભગત ભાખે કે — લખમી, તારે મારી ઈરખા (ઈર્ષ્યા) હોય તો પેટ પડ (મારે ઘેર અવતાર લે) બાકી હું તો પરસેવાનો પૈસો ખાનારો. એવા રતા ભગતને ઘેર માંગબાઈ દીકરી જન્મી, મોટી થઈ, પરણાવી, પણ જમાઈ જાદરો કપાતર કાઠી, દીકરીને દુઃખ દેવામાં અવધિ કરી, પણ ભગત બોલે નહીં. જાદરાએ એક દિવસ જોયા — બે સાવઝોની સાથે ખેતરમાં સસરાના ખેલ. ડઘાઈ ગયો. કુકર્મોનો પરિતાપ ઊપડ્યો, કહે કે ‘મને ઉદ્ધારો!’ ‘જા, હું નહીં, તને તો થાનગઢમાં કુંભાર મેપો પરમોદ દેશે.’ ગયો થાનગઢને કુંભારવાડે, મેપો ચાકડો ચલાવે, ઠામડાં ઉતારે, વહુઉં–દીકરીઉં ઠામ લઈ તડકે સૂકવે. કુકર્મી જાદરો ટાંપીને બેસે. બાઈઓ ત્રાસે, મેપાએ જાદરાને ત્રણ ચાકફેરણી (લાકડી) મેલી, ઊઠી આવી, જાણ્યું કે બસ, આનો માંયલો મરી ગયો છે.’ પ્રમોદ્યો. (દીક્ષા દીધી.) એવાં એવાં સંતચરિત્રો સૂરા બારોટે હડાળા ગામે કથ્યાં; અને એમણે અધૂરા મૂકેલ ત્રાગડા ફરી પાછા મહિનાઓ ગયે, વડિયામાં રાવત જેબલિયાએ ઉપાડી લીધા. વૃદ્ધ અને સૂરદાસ કાઠી રાવતભાઈ, વડિયાના સ્વ. દરબાર શ્રી બાવા વાળાના સસરા, એણે મને પાસે બેસારી, પ્રેમથી સંતોની વાતો કરી. ટાંચણ બોલે છે : દાના ભગત કુંડલાના ગામ કરજાળે ગાયું ચારે. ભાવનગર મહારાજને છોરુ નહીં. ભગતને વાત કરી. ભગતે નાળિયેર મોકલ્યું. મહારાજને કુંવર અવતર્યો. એ પ્રતાપ ભગતનો જાણીને મહારાજે કરજાળા ગામ દીધું. ભગતનો જવાબ તો જુઓ — ના બાપ, બાવાને ગામ ન્હોય, ખેડૂતોને મારી ગાયુંના સંતાપ હશે તેથી જ ગામ દીધું લાગે છે. અર્થ એમ કે હવે આંઈથી વયા જાવ! હાલો. ચાલી નીકળ્યા. બુડી-વા બુડી-વા (તસુ તસુ જેટલીયે) જમીનને માટે જ્યાં ઝાટકા ઊડે, ત્યાં, તે જ સોરઠી ધરામાં ગામગરાસનો છાંયો પણ નહીં લેનારા સંતો એ જ ભોંયભૂખી કોમોને પેટ પાક્યા, માટે જ મને સોરઠી સંતો વહાલા લાગે છે. માટે જ મેં એમને મારા ‘સોરઠી સંતો’ અને ‘પુરાતન જ્યોત’માં લાડ લડાવ્યા છે, પણ હજુ જરાક આગળ જઈએ, ને રાવત જેબલિયાએ કરાવેલ એક ચોંકાવનારું ટાંચણ ઉકેલીએ : ગીગો ભગત — જાતે ગધૈ. મા ધજડીની. નામ લાખુ : રાણપુર પરણાવેલી. પોતે જાડીમોટી. ધણી છેલબટાવ. કાઢી મૂકી. ચલાળે મોસાળ તેડી આવ્યા. ધણીએ બીજું ઘર કર્યું. મોસાળિયાં કહે કે આપણે ય લાખુને બીજે દઈએ. પણ લાખુએ ના પાડી. એક વાર ચલાળામાં લાખુ પાડોશણના છોકરાને રમાડે. રમાડતાં રમાડતાં મન થયું (સંતતિનું.) અવેડા પાસે થઈને ભગત (દાનો) નીકળ્યા. કહે કે — ‘ભણેં લાખુ, વાસના મારવી નહીં, વાસના નડે. ફલાણા બાવાનું બુંદ લઈ લે.’ લાખુને એક બાવા જોડે સંબંધ થયો. આશા રહી. ‘રાંડ ઘરઘાવતાં ઘરઘી નહીં, ને આપાના (દાના ભગતના) ખૂંટડાઓમાં જઈને રહી.’ એવી બદનામી થઈ : વિચાર્યું, ‘કૂવામાં પડું.’ ભગત રાતે નીકળ્યા, કૂવાકાંઠે લાખુને જોઈ. ‘લાખુ, કૂવામાં પડીને હાથપગ ભાંગતી નહીં. તારા પેટમાં છે બળભદર. ઈ કોઈનો માર્યો મરે નૈ.’ જનમ્યો. નામ પાડ્યું ગીગલો. ગીગલો છ મહિનાનો થયો. પોતે મંડ્યા તેડવા–રમાડવા. સાત વર્ષની ઉંમર. ગીગલો મંડ્યો વાછરુ ચારવા. ઈથી મોટો થયો એટલે મંડ્યો ગાઉં ચારવા. બાવીસ વર્ષનો થયો : પાંચાળના સોનગઢથી લાખો ભગત આવેલ તે ને દાનો ભગત બેઠા છે. ટેલવા ગાયોનું વાસીદું કરે છે. ગીગો છાણનો સૂંડો માથે લઈ નીકળે છે. છાણ આછું છે. મોં માથે રેગાડા ઊતરે છે. લાખો ભગત : ‘દાના, ગીગલાનો સૂંડલો ઉતરાવ.’ દાના ભગત : ‘તમે ઉતરાવો.’ ‘ગીગલા, આંઈ આવ.’ ગીગો કહે ‘બાપુ, હાથ ધોઈને આવું.’ ‘ના, ના, ઈં ને ઈં આવ્ય.’ એમ ને એમ આવ્યો. માથે હાથ મૂક્યો ‘ગીગલા, તારે બાવોજી પરસન, તું અમ બેયથી મોટો. ને લાખુ કીસેં (ક્યાં) ગઈ?’ બોલાવી. વૃદ્ધ લાખુ આવી. ભગતે રાબ કરાવી. પોતાની ભેળું ગીગાને અને લાખુને ખવરાવ્યું. રક્તપીત્તિયાંની સંતસેવા માનવતાનો આથી ઊંચો આદર્શ આપણને નહીં જડે. ‘વાસનાને મારવી નૈ, વાસના નડે, ફલાણા બાવાનું બુંદ લૈ લે’ એ તો આધુનિકોને યે અદ્યતન લાગે તેવી ઉદારતા છે. ‘કૂવે પડીને હાથપગ ભાંગીશ નૈ, તારા પેટમાં બળભદ્ર છે,’ એવી હામ દેનાર સંત દાનો પાપ–પુણ્યના રૂઢિગત ખ્યાલો લઈને બેઠેલા જનસમાજની વચ્ચે જીવતા હતા ને એ જનતાને આધારે નિર્વાહતા હતા. તે છતાં તેણે થડકાટ ન અનુભવ્યો, તિરસ્કૃત માતાને માનભેર જિવાડી, એના પુત્રને સંતપદે સ્થાપ્યો. ને એ મુસ્લિમ મા–બેટાની સાથે સંતો એક થાળીમાં જમ્યા. આજે ગીરના પહાડો વચ્ચેનું ધર્મસ્થાન સતાધાર એ ગીગા ભગતનું કર્મક્ષેત્ર હતું. ધેનુઓની અને પિત્તિયાં કોઢિયાં માનવીઓની, એ બેની સેવા, સતાધારની આ બે સંત ધૂણીઓ હતી. ભયંકર રોગ રક્તપિત્ત, એની નિર્બંધ સારવાર કરનારાં સોરઠમાં ત્રણ સંતસ્થાનકો હતાં : ગદ્યૈ ગીગા ભગતનું સતાધાર, રબારી સંત દેવીદાસનું પરબવાવડી અને મુસ્લિમ સંત જમિયલશાહનો ગિરનારી દાતાર ડુંગરો. હિંદમાં બીજા કોઈ સંતે આ કાળ રોગની સેવા કરી જાણી નથી. રાવતભાઈ જેબલિયાની કથનીમાંથી તો સંતકુળની કલંકકથા પણ મળી હતી. લોકજબાન કૂડને છુપાવતી નથી. ગુરુ દાનાએ શિષ્યને જુદી જગ્યા કરી દઈને કહ્યું, ‘ગીગલા, અભ્યાગતોને રાબડી તો જાજે.’ આપો દાનો તો જતિ-પુરુષ, એની પછવાડે વંશ ચાલ્યો એના સંસારી ભાઈ આપા જીવણાનો, ચલાળાની ધર્મજગ્યા એ કુટુંબવારસે ચાલી ગઈ. દાના ભગત દેવ થયા, ભત્રીજા દેવા ભગતે, પોતાની જગ્યામાં આવનાર અભ્યાગતોને ચીંધવા માંડ્યું : ‘જાવ ગીગલા પાસે’. એકવાર ખાખી બાવાની જમાત આવી. ‘લાવ બે માલપુડા!’ ‘જાવ, ગીગલો દેશે.’ ગીગો ક્યાંથી દ્યે? ખાખીઓએ ગીગા ભક્તને માર માર્યો. દેવો કહે કે ‘જા અહીંથી’. ‘ક્યાં જાઉં?’ ‘જા સાવઝના મોંમાં.’ — એટલે કે સિંહભરપૂર ગીરના પહાડોમાં. ધેનુઓ હાંકીને સંત ગીગો સતાધાર એમ હડધૂત થઈને આવ્યા. સંતકુળોની વારસામોહિત સ્વાર્થપરતાની એ કાળી કથા છે. માટે જ પરબના દેવીદાસે જરજમીનના અર્પણનો અસ્વીકાર કરી કેવળ આકાશવૃત્તિનું જ કરડું વ્રત લીધું’તું ને! ‘મારી એબ જોઈ!’ રતો, મેપો, જાદરો, દાનો ને ગીગો : એ હતા વાણીવિહોણા સંતો. સેવા તેમની મૂંગી હતી. સૌપહેલી સંતવાણી મારે કાને કોળી સંત રામૈયાની પડી. જાંબુડી ગામનો આ મોટો શિકારી કોળી, નામે રામ ઘાંઘા. પશુઓના સંહાર સિવાય અન્ય કાંઈ ઉદ્યમ નહીં. એને મળ્યા સંત રૂખડિયો વેલો બાવો. એ પણ કોળી. એની ભાળ પણ મારા ચારણ મિત્ર ગગુભાઈ પાસેથી મળી. મેં પૂછયું હતું, કે અમે એક ગરબો ગાઈએ છીએ — રૂખડ બાવા, તું હળવો હળવો હાલ્ય જો, ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો. એ રૂખડ બાવો કોણ, જાણો છો? એ કહે કે એ તો વેલો બાવો— વેલા બાવા, તું હળવો હળવો હાલ્ય જો, ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો. એ તો કણબીઓ–કોળીઓનું પ્રિય ગીત છે. આજ ગિરનારની તળેટીમાં વેલાવડ છે, એ એના દાતણની ચીરથી રોપેલો. અને એ તો ‘ભેરવનો રમનારો ગુરુ મારો ભેરવનો રમનારો’ કહેવાય છે. ભેરવજપની ભયંકર ટૂક પર એનાં બેસણાં હતાં. સેંજળિયા શાખના કણબીઓ વેલાને માને છે, કારણ કે મૂળ જુવાનીમાં વેલો એક સેંજળિયા કણબીને ઘેર સાથી રહી ખેતર ખેડતા, સાંઠીઓ સૂડતા, ટાંચણ બોલે છે એના પહેલા પરચાની કાવ્યમય વાત. પોતે સાંઠીઓ સૂડવા જાય, પણ જઈને ખેતરે તો ઝાડવા હેઠે સૂઈ રહે છે એવી વાત સેંજળિયા કણબીને કાને આવી. ગયો બપોરે ખેતરે જોવા. જુઓ તો વેલો ઊંઘે છે, ને કોદાળી એકલી ખેતરમાં પોતાની જાણે સાંઠીઓ સૂડે છે! જમાડ્યો. પગે લાગ્યો. વેલો કહે કે ‘તેં મારી એબ જોઈ. હવે ન રહેવાય. લાવ મુસારો.’ પૈસા લઈને ચાલી નીકળ્યા, પૈસા છોકરાને વહેંચતા ગયા. ‘મારી એબ જોઈ — હવે નહીં રહું.’ લોકકથાઓનું આ પણ એક જાણીતું ‘મોટીફ’ છે; દેવપદમણી હોથલે પિયુ ઓઢા જામને વચને બાંધેલો, કે તારા ઘરમાંથી મને પ્રકટ કરીશ તે દી હું નહીં રહું. વચન લોપાયું, છતી કરી, ચાલી ગઈ. દેવાયત પંડિતને દેવપરી દેવલદેએ ચેતાવેલ — મારી એબ જોઈશ તે દી નહીં રહું. ઘરમાં બેઠી. લોકોમાં ચણભણાટ ચાલ્યો : ભગત, તમે ઘેર નથી હોતા ત્યારે ઘરમાં કોઈક પુરુષ આવે છે ને વાતું થાય છે. વહેમાયેલા પતિએ એક વાર એબ નિહાળી : હાથમાં કળશ ને વયો જાય અરવાર, મોલે સમાણાં દેવલદે નાર. એમ જ ચાલ્યા ગયા સંત વેલો. જગતને પ્રબોધવા લાગ્યા. શિકારી રામડો આવીને કહે, ‘કંઠી બાંધો’. કે ‘બાપ, તારાં પાપને ત્યાગ, પછી બાંધું.’ શિકારનો રસિયો મનને નિગ્રહવા મથ્યો. પણ ગામપાદરમાં જબરું એક રોઝ પ્રાણી આવ્યું. બાયડીએ ભોળવીને મોકલ્યો. નવ ગોળી મારી. ન મર્યું. ચાલ્યું ગયું. પરગામથી ગુરુનું તેડું આવ્યું. જઈને જુએ તો પથારીવશ વેલાને શરીર નવ નવ ગોળીના જખમો નીતરે! બોલ્યા — ‘બાપ, મને આખો દી બંધૂકે દીધો!’ બંદૂક છીપર પર પછાડીને ભાંગી રામડો પગે પડ્યો. ગુરુ છરી લઈને છાતી પર ચડી બેઠા. હુલાવી નાખું. જવાબમાં રામડાને વાણી ફૂટી. 350 ભજન ગાયાં. [‘પરકમ્મા’]