બીડેલાં દ્વાર/કડી તેરમી

From Ekatra Wiki
Revision as of 13:21, 30 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading |કડી તેરમી}} '''મંદિરના''' પાડોશમાં જ ભરવાડોના વાસ હતા. માગશર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કડી તેરમી


મંદિરના પાડોશમાં જ ભરવાડોના વાસ હતા. માગશર મહિનાના પ્રભાત સાથે ચંપકવરણા તડકાની ચાદરો પથરાઈ જતી. દરિયાની આસમાની દેગમાંથી ધરતીને હૈયે ઝાલકો છંટાતી.

ભરવાડોના વાસમાંથી તાજાં જન્મેલ ઘેટાં લથડતે પગે બહાર નીકળી તડકામાં ગરમ થતાં હતાં. તેઓના બેંબેંકારમાં પ્રભાને જાણે કોઈ ઊંડેથી આતમઓળખાણના સાદ સંભળાતા. પ્રભા એ મેંઢાંને હૈયાસરસાં ભીંસી તેમનાં ગંધાતાં મોઢાં ઉપર ચૂમીઓ કરતી. મેંઢાંનાં લીંડી-પિશાબમાં પ્રભાની સાડી ગંદી થતી. પરસાળમાં બેસીને કાવ્યો વાંચતો અજિત આ દેખીને દિંગ થતો. સગર્ભાવસ્થાની આ તે કઈ તરેહની વિલક્ષણ ઇચ્છાઓ! વધુ રમૂજભર્યો તો પ્રભાનો ખાણીપીણીનો શોખ હતો. આખો દિવસ ખા, ખા ને ખા! ગાજર, મૂળા અને કોબીનાં કાચાં પાંદડાં ખાવાની વાતો; બાજરાનો રોટલો ત્રણ દિવસનો જૂનો થાય, તેનો ભુક્કો કરીને વઘારી પ્રભા અમૃતસ્વાદે ખાય. મૂળાનું શાક તપેલું ભરીને કરે તે દિવસમાં ચાર વાર જમી જાય. ખાય તે તો ઠીક પણ — “આમ તો જુવો! સાંભળો તો ખરા!” એવું કહી અજિતને વાંચતો-લખતો રોકે, ઢંઢોળે, પોતાનું આહારપુરાણ સાંભળવાની ફરજ પાડે. “જુઓ, મેં સવારે શું ખાધું, કહું? પરમ દિવસનું થોડુંક દહીં પડ્યું હતું ને —” “હં!” અજિતનું નવું કાવ્ય ખોટી થતું હતું. “પછી બપોરે એક સંતરું ભાંગીને તેમાંથી અરધું ખાધું, ત્યાં પેલી વાઘરણ ખાટાં ચીભડાં લઈને આવી, એટલે હું એ લેવામાં રોકાઈ ગઈ. સંતરાની બાકી રહેલી બે પેશીઓ પડી રહી તે એ ગયા પછી મને માંડ અત્યારે યાદ આવી, તે મેં અત્યારે ખાધી…” પછી તેના ઓડકાર, તેની ખટાશ, તેનાં બિયાં, તેની છાલ વગેરે પ્રશ્નો પર પ્રભાનું વિવરણ લંબાય તે પહેલાં તો અજિત ચોપડી બંધ કરી નાસી છૂટતો; પરંતુ આવા આવા પ્રસંગોમાં આખરે એની ચીડ શમી જતી. ચિડાયા બદલ તેને પસ્તાવો થતો. કેમકે તેને ઊંડા વિચારથી ભાન થયું હતું કે પ્રભાની રસજ્ઞતામાં આવેલો આ નવીન પલટો કાં તો કુદરતના જ કાવતરાનો એક અંશમાત્ર હતો, અથવા તો પ્રભાનું આવું વાઘરણપણું મૂળ જે હતું તે જ હતું. એના ઉપર કવિતા અને સંગીતના સોનેરી વરખ ચડાવનાર બેવકૂફ તો હું જ હતો. મારે મન આ ગર્ભિણી સ્ત્રીનાં રીંગણાં, મૂળા, ચીભડાં ને થેપલાં જેટલાં તુચ્છ છે, તેટલાં જ તુચ્છ અત્યારે મારાં ગીતો ને કાવ્યોય એને લાગતાં હશે ને! — ને કોને માલૂમ, કુદરતની આ અકળ લીલાભૂમિની અંદર એક બેકાર સાહિત્યઘેલડાનું જોડકણું વધુ જરૂરનું છે, કે એક માનવદેહને પોતાનાં રુધિર-માંસમાંથી ઘડી ઘડી નવ-નવ માસ સુધીનું છૂપું શિલ્પ કરી રહેલ સ્ત્રીનો મૂળો વધુ મહત્ત્વનો છે. ભલે ખાતી. છોને ખાધા જ કરતી. એને તો બે જણાનો આહાર જોઈએ. એ ખાતી નથી, પણ ખવરાવે છે; ઘડાઈ રહેલો જીવાત્મા પોષણ માગે છે. જ્ઞાનના અને આડમ્બરી અહંતાના મદને ગાળી નાખે તેવું આ માતૃ-દર્શન હતું. એના ઉપર ચિંતન ચલાવતા આ માનવને પોતાની બીજી સિદ્ધિઓ કેવળ ઠેકડીરૂપ લાગી. કુદરતે સંસારપ્રવાહને અતૂટ વહેતો રાખવાનું આ મહાકાર્ય પુરુષને ન સોંપતાં સ્ત્રીને ભળાવ્યું છે, એ વાતમાં જ અજિતને પુરુષનું સ્ત્રી કરતાં ઊતરતાપણું સમજાયું; પ્રભાનાં અત્યારના નિર્માલ્ય ટાયલાં પર રોષ ચડતો તે ઊતરી ગયો. મૂળા-ગાજરની વાતો પણ પ્રભાને એણે પેટ ભરી ભરી કરવા દીધી. પ્રભાના અર્થહીન છોકરવાદનેય એણે આદર દીધો. પરિણામે કશીય દવાની મદદ વગર પ્રભાના દેહ-મનની પ્રફુલ્લતા ફાગણના પુષ્પ-વન-શી ઊઘડવા લાગી. પારવતી કોળણની વાડીએ પ્રભા અજિતને શાકપાંદડું લેવા ખેંચી જતી, અને ત્યાંથી પાછા વળતાં ઘેરે પહોંચીને ખાવાની ધીરજ ગુમાવી પ્રભા રસ્તામાં જ બેસીને રતાળુ ચાવતી, ત્યારે રસ્તે નીકળતા ગામડિયાની ઠેકડીથી અજિત બળતો. પાછો હસતો. એને યાદ આવતું : “કુદરતનું બાળ પોષણ માગે છે.” દાક્તરે તેમજ ઓળખીતા એકથી વધુ લોકોએ એને ચેતવ્યો હતો : ‘જોજે હાં! ખૂબ ખાવા દેજે, ભડકી જતો નહીં. ને જાણછ! એક બાઈને આવી અવસ્થામાં જમરૂખ ખાવાનો ભાવ થયેલો, પણ એને કોઈએ આપ્યાં નહિ; છોકરું અવતર્યું — રો રો જ કરે, છાનું જ ન રહે. પછી તો, માડી! છોકરાને જમરૂખ ચખાડ્યું તયેં જ એનું રોવું અટક્યું!’