બીડેલાં દ્વાર/10. બે પરોણા

From Ekatra Wiki
Revision as of 13:10, 6 May 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading |10. બે પરોણા}} '''શહેરમાં''' જઈને પ્રભા એક દિવસ પાછી આવતી હતી ત્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
10. બે પરોણા


શહેરમાં જઈને પ્રભા એક દિવસ પાછી આવતી હતી ત્યારે એણે પોતાની ચાલી સામે એક રૂપાળી મોટરકાર ઊભેલી દીઠી. એ ચાલીનાં છોકરાંને માટે આવી રૂપાળી મોટરનું ત્યાં આવવું એ નવી નવાઈ જેવું ને વૈભવ જેવું હતું. મોટરને ઘેરી વળેલાં છોકરામાં ‘બાબો’ પણ શામિલ હતો તે ‘બા! આ આપલી મોટલ’, ‘બા, મારે અંદલ બેછવું’ કહી રગરગવા લાગ્યો. પણ બાને કશી સમજ પડી નહિ. એના હાથમાં ખરીદેલી ચીજવસ્તુઓની થેલીઓ હતી. પાંચ-છ કલાક રખડપાટ કરી આવેલી એ સ્ત્રીનાં લૂગડાં, મૂળે હલકાં, તેમાં પાછાં રજોટાઈ-ચોળાઈ ગયાં હતાં. માથાના વાળ અસ્તવ્યસ્ત ઊડતા હતા. મોં પસીને ઓગળતું હતું. બગલમાં લીધેલાં બંડલો પડતાં-આખડતાં હતાં. તેવા દીદારે એ જ્યારે પોતાની ઓરડીમાં દાખલ થઈ, ત્યારે ત્યાં એક પ્રૌઢ ઉમરના પુરુષને તથા એક પ્રમાણમાં યુવાન વયની સ્ત્રીને પોતાના પતિ સાથે બેઠેલાં દીઠાં. બેઉ પરોણાને માટે ઘરની બે જ ખુરસીઓ રોકાઈ ગઈ હતી. અજિત ફાનસ મૂકવાના નાના સ્ટૂલ પર બેઠો હતો.

પરોણા સ્ત્રી-પુરુષ બેઉ રેશમી પરિધાનમાં સજ્જ હતાં. પુરુષ એક પુસ્તક જોતો હતો ને સ્ત્રી અજિત સાથે ચબરાક ગોષ્ઠી કરતી કરતી પોતાના શિરનો સેંથો વારંવાર આંગળીઓ વડે સમાર્યે જતી હતી. વાર્તાલાપ સંસ્કૃત સાહિત્ય અને ‘કાદમ્બરી’ના તેમજ ‘ઋતુસંહાર’ના સુવર્ણયુગ પર ચાલી રહ્યો હતો. અતિથિ સ્ત્રીનાં મોંમાં આજના યુગને મુકાબલે આ સંસ્કૃત યુગનાં કળાસાહિત્ય વિષે તેમજ તે કાળના નારી-જીવન વિષે ઉચ્ચ ઉદ્ગારો ઊછળી રહ્યા હતા તે વખતે જ પ્રભા પહોંચી. પોતાના દીદાર માટે એને અત્યંત શરમ આવી. અંદર જઈ રસોઈ કરવાની ચોકડી પર માંડમાંડ જગ્યા મેળવી એ સંકોડાઈને બેઠી. ને અજિતે જ્યારે ‘આ મારાં પત્ની’ કહી ઓળખાણ પડાવી, ત્યારે મહેમાન સ્ત્રીએ ઘરની ગૃહિણી સામે ફક્ત મહેરબાનીની રાહે જ મોં મલકાવ્યું. તે પછી જાણે એ ગૃહિણીની હાજરી કશી વિસાતમાં જ ન હોય તેવી અદાથી એ સન્નારીએ અજિત સાથે સંસ્કૃત સાહિત્યના સુવર્ણયુગ વિશેની વાતો ચાલુ રાખી. પ્રૌઢ પુરુષે તો ગૃહિણીને મોં મલકાવવા પૂરતુંય માન ન દીધું. ફક્ત પોતે જે ચોપડીનું વાચન કરતો હતો, તેમાંથી થોડી થોડી વારે પ્રભાના દીદારનું દર્શન ચોરી લેવાની જ ચેષ્ટા એણે ચાલુ રાખી. પોતાના સ્વામીની ને મહેમાન વિદુષીની વચ્ચે ચાલતી સાહિત્યચર્ચાને ગરીબડી બનેલી પ્રભા ચૂપચાપ સાંભળતી હતી. ચર્ચા દરમિયાન સંસ્કૃત યુગની સ્ત્રીઓ આજને મુકાબલે વધુ સન્માનિત હતી એ એક જ તકરારી મુદ્દા વખતે વિદુષીએ પ્રભા તરફ ફરીને કહ્યું : “કેમ, તમને શું લાગે છે?” “મેં તો કંઈ એ ઇતિહાસ વાંચ્યો નથી.” એવું બોલીને જ પ્રભા ચૂપ રહી. વચ્ચે વચ્ચે વિદુષી નારી ‘મારા ફલાણા કાવ્યમાં’ વગેરે પ્રયોગ કરતી હતી તે પરથી એમ લાગ્યું કે આ કોઈ સ્ત્રીકવિ જણાય છે. પોતાના સ્વામી તરફ ફરીને આ વિદુષી વારંવાર પૂછી લેતી : “નહિ, હેં ડીઅર! મારા ફલાણા કાવ્યમાં…” પતિ જવાબ વાળતો : “યસ ડીઅર! અને તમારા પેલા મહાશ્વેતા પરના કાવ્યમાં પણ…” “ચા ને કંઈક નાસ્તો બનાવી નાખો!” એવું અજિતે કહેતાં પ્રભા જઈને રસોડામાં બેઠી અને અહીં સાહિત્યચર્ચા ચાલુ રહી. પ્રભા ચૂલો પેટાવી બીજી બાજુ બાબાને રડાવતી, હડફેટે ચડાવતી પાંઉ ને માખણ લઈ આવી, ઘરમાં કચોરી બનાવી નાખી, અને પછી જ્યારે તેણે બેઉ પરોણાને નાસ્તો પીરસ્યો ત્યારે બાબો ભૂખ્યો ભૂખ્યો જ સૂઈ ગયો હતો. “અમારાં તો સાધનો અધૂરાં છે. દિલગીર છીએ.” એવું અજિતે કહ્યું ત્યારે મહેમાન પુરુષે કહ્યું : “કંઈ નહિ, ચાલશે એ તો. અમનેય ઉજાણી જેવું કોઈ કોઈ વાર પસંદ પડે છે. વળી આજે તો અમે પણ ચિકાર ખાધું છે દરિયે, નહિ ડીઅર?” “હા, દરિયાને બંગલે તો ભૂખ બહુ જ ઊઘડે છે. તમે તો દરિયે રોજ જતાં હશો — નજીક છે એટલે.” પૂછતી વેળાએ વિદુષીને ભાન નહોતું કે પગે ચાલનારાં આ અર્ધરોગી દંપતી માટે જુહૂ નજીક ન કહેવાય. “ને હવે તો બસ પણ કેટલી સસ્તી થઈ ગઈ છે!” એવા એવા અભિપ્રાયો આપતી એ વિદુષી કચોરી ને ચા-પાઉં ખાતી હતી. “આજની રાત અમે દરિયે છીએ, ત્યાંથી સવારે પાછાં આવીશું. મારે હજુ ઘણી ચર્ચા કરવી છે.” એમ કહીને પરોણાએ પત્ની સાથે વિદાય લીધી ને તે પછી અજિતે પ્રભાને ઓળખાણ આપી. “આપણી યુનિવર્સિટીના એ અગ્રણી વિદ્વાન છે. એનું નામ ઇંદ્રમણિ છે : પરીક્ષકો નીમવામાં એનો બોલ અફર પડે છે. પોતે પણ એમ. એ. — બી. એ.માં પરીક્ષક નિમાય છે. પાંડિત્યશૈલીના એ પ્રખર સ્વામી છે. નિવૃત્ત થયેલા સરકારી અધિકારી છે. એમનાં પત્ની પણ જાણીતાં કવિ છે. મારું રચેલું નાટક એમણે રંગભૂમિ પર જોયું હશે. તેમાં રસ પડ્યો હોવાથી મને શોધતાં અહીં આવ્યાં હતાં. એમના મન પર જો આપણાં સર્જનો વિશે સારી છાપ પડે તો આપણી કેટલીય મૂંઝવણોનો સહેલાઈથી નિકાલ આવી જાય તેમ છે.” આ કહેતી વેળા અજિતના અંતરમાં પોતાની એકાદ કૃતિ પાઠ્યપુસ્તક તરીકે પેસી જાય એવી એક મજબૂત આશા હતી. “વર્ષે દહાડે પાંચ-સાત હજાર પ્રતોનો ઉપાડ થઈ જાય, હો પ્રભા!” અજિત એ બોલતાં બોલતાં પોતાની કૃતિનું ધમધોકાર છાપકામ થતું હોવાની ગુલાબી કલ્પના-પતંગો અંતરના આકાશમાં ઉડાવવા માંડી. વળતા દિવસે પ્રભાતે એ યુગલ પાછું આવ્યું. ઇંદ્રમણિના દૂબળા-પાતળા દેહની પાછળ કાલિદાસના ‘કુમારસંભવ’માંથી સીધેસીધી પ્રકટ થઈ પૃથ્વી પર ઊતરી આવી હોય તેવી એ યુવાન, માંસલ, સુડોલ મદમસ્ત કવિ-પત્ની મીનાક્ષીદેવી ચાલતી હતી. ઇંદ્રમણિ બોલતા હતા પણ પાંડિત્યશૈલીમાં. સૂત્રાત્મક શૈલીના એ સ્વામીની જબાનમાંથી, બસ, ઇરાદાપૂર્વક ઢળાયે જતાં સૂત્રો જ ટપકતાં હતાં. સાદી વાણીમાં બોલવું એને માટે અશક્ય હતું. ઇંદ્રમણિએ પોતાનાં કવયિત્રી પત્નીને પ્રભા પાસે મૂકી અજિતને પોતાની સાથે લટાર મારવા લીધો. અને એમનો વાર્તાલાપ શરૂ થયો : “હું તો જ્યાં હોય ત્યાંથી નવીનોને પકડવા માગું છું. તમારી પ્રાકૃતિક એકલતા વિશે મેં ખૂબ સાંભળ્યું હતું. પણ તમને શોધી કાઢવા હું ઉત્સુક હતો. તમારી શૈલીમાં ઊર્મિલતાનું તત્ત્વપ્રમાણ હદ બહારનું છે; અધીરાઈ અને પ્રમાણબુદ્ધિનો અભાવ, એ બે દૂષણોએ તમારી શૈલીના સામર્થ્યને હણી નાખેલ છે. તમે ઝનૂની શા માટે બનો છો? પ્રત્યેક વિચારને સંયમપૂર્વક વ્યક્ત કરવાનું તમારે શીખવું જોઈએ. બીજું દૂષણ તમારી પ્રકૃતિની એકલતાનું છે. દુનિયામાં તમારા જેવો મિત્રહીન ને સ્નેહીહીન યુવાન મેં બીજો કોઈ જોયો નથી. તમને મેં ક્યાંય સંભાસંમેલનોમાં જોયા નથી. જગતમાં વિચરીને બીજાઓ શું કરી રહ્યા છે તે જોયા વગર તમે તમારાં સર્જનોમાં જગતને રસ લેતું કઈ રીતે કરી શકો વારુ? તમારે હળવું જોઈએ, ભળવું જોઈએ, આપણા સાહિત્યની મહત્ત્વની વ્યક્તિઓની…” “— ખુશામત કરવી જોઈએ એમ કહો છો?” અજિતે અત્યાર સુધી સંઘરી રાખેલ દાઝ બહાર કાઢી. “ના, છેક એમ તો નહિ; પણ એમની સાથે હળતામળતા રહેવું જોઈએ ના!” “મારી પાસે એમની પાસે પહોંચવા મોટર નથી ને સમય નથી.” “તો તમે શહેરમાં જ કાં ન રહો?” “એટલું ભાડું નથી.” “તે બરાબર છે. પણ તમારી આ પ્રકૃતિગત અક્કડાઈ અને એકલપણું દુનિયામાં માર્ગ કાઢવા આડે મોટા અંતરાયો છે. તમારાં લખાણોમાં કટુતાયુક્ત કટાક્ષો ને પ્રહારો આવે છે, તમારી અંદર ધિક્કાર ઊભરાય છે, તમે સર્વત્ર દંભ અને ઢોંગ દેખો છે, તેનું મને તો એક ખાસ કારણ લાગે છે, મિ. અજિતકુમાર!” “શું?” “તમારા જેવા શક્તિશાળી માણસની શક્તિઓમાં કૂણાશ અને સુકોમલતા પૂરનારો જરૂરી સ્નેહ-સંપર્ક નથી.” “આપ શું કહો છો તે હું સમજી શકતો નથી.” “તમે આપણી ઊછરતી સ્ત્રી-શક્તિઓ પાસે પહોંચતા નથી. તેમનાં નૃત્ય, તેમના ગરબા, તેમની કવિતા, તેમના લેખો વગેરેનાં મૃદુ વિવેચનો દ્વારા તમે એમનો સહવાસ પામી શકો તેમ છો.” “આપ ભૂલી જાઓ છો કે હું પરણેલો છું.” “એ છતાંય — તમારે સંસ્કારવતી સ્ત્રીઓના સહવાસની જરૂર છે. તમારા ઘરમાં જે થોડો સમય કાલે કાઢ્યો તે પરથી મને આટલું સમજાયું છે.” આ શબ્દોએ અજિતના કલેજા પર છૂરી ફેરવી. આ માણસ શું સૂચવી રહ્યો છે! એની જીભ કાબૂમાં ન રહી. એણે અત્યાર સુધી નીચું રાખેલું મસ્તક ઇંદ્રમણિ તરફ ઊંચું કરીને પોતાની હમેશની સખ્તાઈ સાથે પૂછ્યું : “આપ શું એમ માનો છો કે હું કોઈ ઢીંગલીને પરણ્યો છું?” થોડી ઘડી થોથરાઈ જઈ ને ઇંદ્રમણિએ કહ્યું : “તમે કોને પરણ્યા છો તે તો હું જાણતો નથી.” “આવી બાબતમાં મને આપનાથી સલાહ ન આપી શકાય.” “નહિ, હું તો જોઈ શક્યો છું કે તમે સુખી નથી.” “એ ખરું છે. પણ મારે હવે વિશેષ સંસ્કારવતીઓના સહવાસની જરૂર નથી.” થોડી વાર રહીને એણે વધુ કટુતા વ્યક્ત કરી : “મારી પરણેલી પત્ની તમારા સમૂહની નથી — ખરે જ એ સંસ્કારવતી નથી.” “કઈ રીતે?” ઇંદ્રમણિ ઝાંખા પડ્યા. “એનામાં તમારા વર્ગની સંસ્કારિતા નથી, તમારી પત્નીઓને હોય છે તેવી માર્દવની રેખાઓ નથી. એ ન લખી શકે, ન ગાઈ શકે, ન કવિતા લખી શકે — ખરું છે, એ સંસ્કારવતી નથી.” “મને લાગે છે કે મારા કહેવાનો સાચો ભાવ તમે સમજ્યા નથી.” ઇંદ્રમણિ ધીરે સ્વરે બોલ્યા. “નહિ, નહિ.” અજિત આ માણસને ચોંકાવે તેવી સખ્ત વાણીમાં આગળ વધ્યો : “માની લ્યો ને, કે તમે કહો છો તેવી એ સંસ્કારવતી નારી નથી, છતાં એણે મારે ખાતર ભૂખમરો વેઠેલ છે, દૂધનો ઘૂંટડો છોડેલ છે. એ સંસ્કારહીનનો ત્યાગ કરી હું સંસ્કારવતીઓના સંપર્કમાં જવા માગતો નથી.”