ચૂંદડી ભાગ 1/5.મારા ખેતરને શેઢડે (જાન જતી વેળા)
ફરી વાર પાછો જાણે ફૂલવાડીને શેઢે મળવાનો અવસર જડ્યો. વરે ફૂળઝાડની ઊંચી ડાળ નીચે નમાવી, કન્યાએ ફૂલો વીણીને છલકતી છાબ ભરી, અને ચતુર માલણે બન્ને માટે મોડિયો ને છોગું ગૂંથી બન્નેને ફૂલના સાજશણગાર કરાવ્યા. મનથી તો એ પુરુષને કન્યા વરી ચૂકી. અંતરમાં પ્રતિજ્ઞા પણ લેવાઈ કે પરણું તો એને જ પરણું : નહિ તો અખંડ કૌમારનાં તપ આદરું :
મારા ખેતરને શેઢડે રાય કરમલડી રે
ફાલી છે લચકા લોળ રાય કરમલડી રે
વાળો…ભાઈ ડાળખી! રાય કરમલડી રે
વીણો…વહુ ફૂલડાં રાય કરમલડી રે
વીણીચૂંટીને ગોરીઓ છાબ ભરી રાય કરમલડી રે
તેનો ગૂંથે માલણ મોડિયો રાય કરમલડી રે
મોડિયો…વહુને માથડે રાય કરમલડી રે
તેનો ગૂંથે માલણ છોગલો રાય કરમલડી રે
છોગલો દેખીને રાણી રવ ચડ્યાં રાય કરમલડી રે
પરણું…ભાઈના મોભીને રાય કરમલડી રે
નીકર ઊભી તપ કરું રાય કરમલડી રે