પરિભ્રમણ ખંડ 1/કંઠસ્થ વ્રત-સાહિત્યનો પ્રવેશક : 1927
[‘કંકાવટી’ (મંડળ 1)નો પ્રવેશક : 1927]
જે ડોશીપુરાણ આજે પાખંડમાં પરિણમ્યું છે, તેની હિમાયત કે ધાર્મિક પ્રચાર ખાતર આ સંગ્રહ નથી. આ બધું તો શુદ્ધ કંઠસ્થ લોકસાહિત્યની સંશોધનદૃષ્ટિએ જ સંઘરાયું છે, કેમ કે આ સાહિત્યની અંદર આપણા સામાજિક ઇતિહાસનાં પગલાં પડેલાં છે. એ ધૂળમાંથી આપણે તો સોનું જ ધમવાનું છે. નવા યુગના ચણતર કાજે, લઈ શકાય તેટલી સામગ્રી પણ આ ખંડિયેરમાંથી લેવાની છે. શુદ્ધ, કશા પણ સેળભેળ વગરનું શુદ્ધ, લોકસાહિત્ય આટલી દૃષ્ટિએ તપાસવું ઘટે છે : 1. એમાં સંપૂર્ણ સચ્ચાઈથી પ્રતિબિમ્બિત થતા લોકાચારો, લોકવિચારો ઇત્યાદિ વાટે સમાજના વિકાસના ઇતિહાસનું સંશોધન. 2. ભાષાની ખિલવણી અને સાહિત્યસર્જનની શક્તિનું નિરીક્ષણ. 3. એમાં આલેખાયેલા યુગનાં પ્રેરક બળોનું દર્શન. 4. ધાર્મિક વિપ્લવ જગાવવાને કારણે પ્રજાએ એમાંથી ફગાવી દીધેલાં અમુક તત્ત્વોનો, નવી યુગદૃષ્ટિ વડે ધર્મભાવે પણ ફરી કરવો જોઈતો અભ્યાસ. પ્રાચીન ઈમારતોને રક્ષવામાં, અસલી રાચરચીલાને સંઘરવામાં અને આજની જીવનદૃષ્ટિએ તો નિરુપયોગી જણાતી એવી સેંકડો સામગ્રીઓનાં પ્રદર્શનો ભરવામાં જે સર્વદેશીય રસદૃષ્ટિ રખાય છે, તે જ દૃષ્ટિ રાખીને લગારે સુગાયા વગર આ બધી જીવંત ભાવનાસૃષ્ટિને પણ કેમ ન નીરખીએ?