પરિભ્રમણ ખંડ 1/કંઠસ્થ વ્રત-સાહિત્યનો પ્રવેશક : 1927
[‘કંકાવટી’ (મંડળ 1)નો પ્રવેશક : 1927]
જે ડોશીપુરાણ આજે પાખંડમાં પરિણમ્યું છે, તેની હિમાયત કે ધાર્મિક પ્રચાર ખાતર આ સંગ્રહ નથી. આ બધું તો શુદ્ધ કંઠસ્થ લોકસાહિત્યની સંશોધનદૃષ્ટિએ જ સંઘરાયું છે, કેમ કે આ સાહિત્યની અંદર આપણા સામાજિક ઇતિહાસનાં પગલાં પડેલાં છે. એ ધૂળમાંથી આપણે તો સોનું જ ધમવાનું છે. નવા યુગના ચણતર કાજે, લઈ શકાય તેટલી સામગ્રી પણ આ ખંડિયેરમાંથી લેવાની છે. શુદ્ધ, કશા પણ સેળભેળ વગરનું શુદ્ધ, લોકસાહિત્ય આટલી દૃષ્ટિએ તપાસવું ઘટે છે : 1. એમાં સંપૂર્ણ સચ્ચાઈથી પ્રતિબિમ્બિત થતા લોકાચારો, લોકવિચારો ઇત્યાદિ વાટે સમાજના વિકાસના ઇતિહાસનું સંશોધન. 2. ભાષાની ખિલવણી અને સાહિત્યસર્જનની શક્તિનું નિરીક્ષણ. 3. એમાં આલેખાયેલા યુગનાં પ્રેરક બળોનું દર્શન. 4. ધાર્મિક વિપ્લવ જગાવવાને કારણે પ્રજાએ એમાંથી ફગાવી દીધેલાં અમુક તત્ત્વોનો, નવી યુગદૃષ્ટિ વડે ધર્મભાવે પણ ફરી કરવો જોઈતો અભ્યાસ. પ્રાચીન ઈમારતોને રક્ષવામાં, અસલી રાચરચીલાને સંઘરવામાં અને આજની જીવનદૃષ્ટિએ તો નિરુપયોગી જણાતી એવી સેંકડો સામગ્રીઓનાં પ્રદર્શનો ભરવામાં જે સર્વદેશીય રસદૃષ્ટિ રખાય છે, તે જ દૃષ્ટિ રાખીને લગારે સુગાયા વગર આ બધી જીવંત ભાવનાસૃષ્ટિને પણ કેમ ન નીરખીએ?
સંશોધનદૃષ્ટિએ ન જોઈ શકનારને માટે પણ આમાં નરી પરીકથાની મોહક સૃષ્ટિ તો છલોછલ ભરી છે. તદુપરાંત શ્રી ધૂમકેતુએ બતાવેલ દૃષ્ટિ વિશેષ વિચારણીય છે :
આજથી પચીસ-પચાસ વર્ષે મૂળ કાઠિયાવાડ-ગુજરાતમાંથી બહાર નીકળેલાં પણ પછી તો સંસ્કારે ને સંગે પરદેશી થયેલાં ગુજરાતી કુટુંબો ‘જાપાનીસ ફેરી ટેઈલ્સ’ કે એવું કંઈક લઈને અંગ્રેજીમાંથી ભાષાંતર કરી છોકરાંને સમજાવવા બેસશે, તે વખતે આવો એકાદ સંગ્રહ ‘સંસ્કૃતિની એકતા’ સાચવવામાં કેટલી મદદ કરશે એ અનુમાન કરવામાં જ આ પ્રયાસની સફળતા થઈ ચૂકે છે. ‘સ્ટોરીઝ ફ્રોમ વેગનર’માં જે ‘મિસ્ટિસિઝમ’ ને અશક્ય છતાં આદર્શો મુકાયા છે તે ખરેખર હૂબહૂ આપણી વાતોને ઘણા મળતા છે. અથવા મધ્યયુગનું ચિત્ર જ બધા દેશોમાં સરખી માટીમાંથી મૂર્ત થયું છે. આપણે ત્યાં એ સવાલ ઉત્પન્ન થયો છે કે આવી વાતોથી શું? એનો સમય હવે છે કે નહિ? આજે હવે ‘પાઘડિયાળા પુત્ર’ની વાત જંગલી મનાશે : એનો એક જ પ્રત્યુત્તર છે કે તમે એવું શું અદ્ભુત તત્ત્વ મેળવ્યું છે કે આ જંગલીપણામાંથી દૂર ખસવા માગો છો? ‘ક્રિસ્ટમસ કાર્ડ’ પાછળની ફૅશન જો ઘેલછા નથી મનાતી પણ સુધરેલી મનોદશા મનાય છે, તો થોડા ખર્ચે જીવનમાં ઉલ્લાસ પણ પૂરે ને આદર્શ પણ ઘડે એવી આ વ્રતકથાઓ શું ખોટી છે? તરત જ જવાબ મળશે કે આપણો આદર્શ હવે એ પ્રમાણે રહી શકે : પુત્ર ને વહુ આવ્યાં એટલે જીવન જીત્યાં એ વાત આજે ચાલી ગઈ છે. પરંતુ નવો આદર્શ તો હજુ સ્થિર થયો નથી ત્યાં સુધી, જેમાંથી આદર્શો ઘડી શકવાની કંઈક પણ આશા છે એવી આ ભૂમિકાને વિચારો : એની સામાજિક રીતે સમાલોચના કરો : એમાં વહેતું માનસ જુઓ : તંદુરસ્તીભર્યો વૈભવ નિહાળો : અને પછી આજે ફેરવાયેલી પરિસ્થિતિને અનુકૂળ એટલું તમારું બનાવો. કોઈ પણ પ્રજા પોતાનામાંથી જેટલું સરજે તેટલું જ તેને તારશે [1].
- ↑ એમના એક પત્ર માંથી.