પરિભ્રમણ ખંડ 1/કંઠસ્થ વ્રત-સાહિત્યનો પ્રવેશક : 1927
[‘કંકાવટી’ (મંડળ 1)નો પ્રવેશક : 1927]
જે ડોશીપુરાણ આજે પાખંડમાં પરિણમ્યું છે, તેની હિમાયત કે ધાર્મિક પ્રચાર ખાતર આ સંગ્રહ નથી. આ બધું તો શુદ્ધ કંઠસ્થ લોકસાહિત્યની સંશોધનદૃષ્ટિએ જ સંઘરાયું છે, કેમ કે આ સાહિત્યની અંદર આપણા સામાજિક ઇતિહાસનાં પગલાં પડેલાં છે. એ ધૂળમાંથી આપણે તો સોનું જ ધમવાનું છે. નવા યુગના ચણતર કાજે, લઈ શકાય તેટલી સામગ્રી પણ આ ખંડિયેરમાંથી લેવાની છે. શુદ્ધ, કશા પણ સેળભેળ વગરનું શુદ્ધ, લોકસાહિત્ય આટલી દૃષ્ટિએ તપાસવું ઘટે છે : 1. એમાં સંપૂર્ણ સચ્ચાઈથી પ્રતિબિમ્બિત થતા લોકાચારો, લોકવિચારો ઇત્યાદિ વાટે સમાજના વિકાસના ઇતિહાસનું સંશોધન. 2. ભાષાની ખિલવણી અને સાહિત્યસર્જનની શક્તિનું નિરીક્ષણ. 3. એમાં આલેખાયેલા યુગનાં પ્રેરક બળોનું દર્શન. 4. ધાર્મિક વિપ્લવ જગાવવાને કારણે પ્રજાએ એમાંથી ફગાવી દીધેલાં અમુક તત્ત્વોનો, નવી યુગદૃષ્ટિ વડે ધર્મભાવે પણ ફરી કરવો જોઈતો અભ્યાસ. પ્રાચીન ઈમારતોને રક્ષવામાં, અસલી રાચરચીલાને સંઘરવામાં અને આજની જીવનદૃષ્ટિએ તો નિરુપયોગી જણાતી એવી સેંકડો સામગ્રીઓનાં પ્રદર્શનો ભરવામાં જે સર્વદેશીય રસદૃષ્ટિ રખાય છે, તે જ દૃષ્ટિ રાખીને લગારે સુગાયા વગર આ બધી જીવંત ભાવનાસૃષ્ટિને પણ કેમ ન નીરખીએ?
સંશોધનદૃષ્ટિએ ન જોઈ શકનારને માટે પણ આમાં નરી પરીકથાની મોહક સૃષ્ટિ તો છલોછલ ભરી છે. તદુપરાંત શ્રી ધૂમકેતુએ બતાવેલ દૃષ્ટિ વિશેષ વિચારણીય છે :
આજથી પચીસ-પચાસ વર્ષે મૂળ કાઠિયાવાડ-ગુજરાતમાંથી બહાર નીકળેલાં પણ પછી તો સંસ્કારે ને સંગે પરદેશી થયેલાં ગુજરાતી કુટુંબો ‘જાપાનીસ ફેરી ટેઈલ્સ’ કે એવું કંઈક લઈને અંગ્રેજીમાંથી ભાષાંતર કરી છોકરાંને સમજાવવા બેસશે, તે વખતે આવો એકાદ સંગ્રહ ‘સંસ્કૃતિની એકતા’ સાચવવામાં કેટલી મદદ કરશે એ અનુમાન કરવામાં જ આ પ્રયાસની સફળતા થઈ ચૂકે છે. ‘સ્ટોરીઝ ફ્રોમ વેગનર’માં જે ‘મિસ્ટિસિઝમ’ ને અશક્ય છતાં આદર્શો મુકાયા છે તે ખરેખર હૂબહૂ આપણી વાતોને ઘણા મળતા છે. અથવા મધ્યયુગનું ચિત્ર જ બધા દેશોમાં સરખી માટીમાંથી મૂર્ત થયું છે. આપણે ત્યાં એ સવાલ ઉત્પન્ન થયો છે કે આવી વાતોથી શું? એનો સમય હવે છે કે નહિ? આજે હવે ‘પાઘડિયાળા પુત્ર’ની વાત જંગલી મનાશે : એનો એક જ પ્રત્યુત્તર છે કે તમે એવું શું અદ્ભુત તત્ત્વ મેળવ્યું છે કે આ જંગલીપણામાંથી દૂર ખસવા માગો છો? ‘ક્રિસ્ટમસ કાર્ડ’ પાછળની ફૅશન જો ઘેલછા નથી મનાતી પણ સુધરેલી મનોદશા મનાય છે, તો થોડા ખર્ચે જીવનમાં ઉલ્લાસ પણ પૂરે ને આદર્શ પણ ઘડે એવી આ વ્રતકથાઓ શું ખોટી છે? તરત જ જવાબ મળશે કે આપણો આદર્શ હવે એ પ્રમાણે રહી શકે : પુત્ર ને વહુ આવ્યાં એટલે જીવન જીત્યાં એ વાત આજે ચાલી ગઈ છે. પરંતુ નવો આદર્શ તો હજુ સ્થિર થયો નથી ત્યાં સુધી, જેમાંથી આદર્શો ઘડી શકવાની કંઈક પણ આશા છે એવી આ ભૂમિકાને વિચારો : એની સામાજિક રીતે સમાલોચના કરો : એમાં વહેતું માનસ જુઓ : તંદુરસ્તીભર્યો વૈભવ નિહાળો : અને પછી આજે ફેરવાયેલી પરિસ્થિતિને અનુકૂળ એટલું તમારું બનાવો. કોઈ પણ પ્રજા પોતાનામાંથી જેટલું સરજે તેટલું જ તેને તારશે.
એવી સામટી દૃષ્ટિનો દોર રાખીને હવે આપણે આ લોકવ્રતોની તપાસમાં ઊતરીએ. દુનિયાની ઘણીખરી પ્રજાને પોતપોતાનાં વ્રતો હતાં. સરજનહારની અને પોતાની વચ્ચે સહુ જાતિઓએ અન્ય દેવદેવીઓની મંગલ-અંમગલ સત્તા કલ્પી છે. દૂધ, ધનધાન્યનાં નૈવદ્ય ઉપરાંત નરબલિ, પશુબલિ અને પોતાનાં સંતાનોના બત્રીસા પણ ચડાવીને પોતાની મનકામનાના પરિતોષને માટે ઘણી પ્રજાએ પોતાના દેવતાનું આરાધન કરેલ છે. અને એ આરાધનની વિધિમાં સંગીત, નૃત્ય, શિલ્પ, ચિત્ર, વાદ્ય અને વાર્તાઓનું કલાસર્જન પણ વિકસાવવાનો તેઓએ પ્રયત્ન કરેલ છે. મેક્સિકો ને મિસર, બોહિમિયા ને બ્રિટન, બધી પ્રજાનાં પ્રાચીન પુરાણો આજ પોતપોતાના વ્રત-સાહિત્યનું દર્શન કરાવે છે અને એમાંથી તે તે પ્રજાઓના વિકાસક્રમનો પંથ સૂઝે છે, સર્વ પ્રજાની સાંસ્કૃતિક સમાનતા પણ સૂઝે છે.
હિન્દુઓના વેદ પોતે જ એક રીતે તો એના વ્રતોત્સવની સ્તવનગાથા છે. આર્ય સંસ્કૃતિના પારણામાં એક દિવસ હિન્દુ જાતિ હીંચકતી હતી. પહાડોનાં શિખરો ઉપર, સરિતાને તીરે અથવા સાગરને કિનારે આર્ય માનવ એક દિવસ ઊભો હતો. અચાનક એણે અરણીના બે ટુકડાના ઘર્ષણમાંથી જ્વાલા ઝરતી નિહાળી, ને એણે ‘અગ્નિદેવ’ની કલ્પના કરી; અષાઢના આસમાનનું વક્ષ:સ્થલ વીંધી વિદ્યુતના સનસનાટ, મેઘમાલાના ગડગડાટ અને અવિરત જલધારાઓ એણે ઝરતાં જોયાં, કે તરત જ ત્યાં એણે કોઈ પર્જન્યદેવને પોતાનાં વજ્રાયુધો વીંઝતો, યુદ્ધની રણકિકિયારી કરતો ને વિજયના ભેરીનાદ ગજવતો માન્યો. પ્રલયના વાયરાની થપાટે થપાટે જ્યારે જલધિનાં મોજાં મહાન રાક્ષસોની માફક ઊછળી ઊછળીને આકાશ સામે ત્રાડ દેતાં એણે જોયાં ત્યારે એણે એ ઘમસાણ જગવતા ને શમવતા એક સમર્થ જલદેવતાનું અસ્તિત્વ માન્યું. સ્થળે સ્થળે ને ક્ષણે ક્ષણે કોઈ વિશાળ દેવમંડલને એણે આ સૃષ્ટિ ઉપર શાસન ચલાવતું માન્યું.
આર્ય ડર્યો, નમ્યો અને પ્રાર્થનાએ ચડ્યો. પોતાનાં સુખદુઃખમાં, જય-પરાજયમાં ને આરોગ્ય-અનારોગ્યમાં એ અમર શક્તિઓનો હાથ હોવાની એને ભ્રમણા થઈ. અને તરત એ આર્યના પ્રાણમાં પ્રાર્થનાનું સંગીત ઉદ્ભવ્યું. પ્રકૃતિનાં રમ્ય-ભીષણ તત્ત્વોને એણે કવિતામાં આરાધ્યાં. અરુણોદયમાંથી એણે કોઈ દેદીપ્યમાન ઉષાકુમારીનાં કુંકુમ પગલાંનું આગમન ગાયું. તેજના અથડાતા ગોળાને એણે સાતમુખા અશ્વ પર સવાર થઈ ગગનવિહાર કરતા કોઈ સૂર્યરૂપે સ્તવ્યો. આર્યના કંઠમાંથી તે દિવસે કાવ્યનો પ્રથમ જન્મ ઊજવાયો.
ત્યાર પછી તો આર્ય દેવતાઓની કલ્પના પુરાણકાળની વિકૃતિને પણ પામી. એ યુગ પણ આવીને ઊતર્યો. પરંતુ આર્ય તપોધન તો સત્યની શોધે ચડેલો હતો, એનો આત્મા જંપ્યો નહિ. દેવદેવીઓ વિશેની એની કલ્પના આછરતી આછરતી ભવ્ય બની. આખરે સ્રષ્ટાની શોધમાં વ્યાકુલ બનીને ઘૂમતી એની આત્મદૃષ્ટિએ બધી અવિદ્યાનાં પડો વીંધી પરિબ્રહ્મનાં દર્શન કર્યાં. આર્ય એકેશ્વરવાદ પર થંભ્યો. એ જ રીતે કૉકેસસ પહાડની પેલી મેર પળેલા પાશ્ચાત્ય આર્યોએ પણ ગ્રીક માઈથોલોજીનું સારું-નરસું દેવમંડળ કલ્પ્યું ને આખરે એની શોધ ઈસુના ‘અવર ફાધર ઈન હેવન’માં પરિણમી. એ આર્ય સંસ્કૃતિના પ્રવાસમાર્ગે પડેલી એંધાણીઓ છે. કયે કયે વખતે આર્ય પ્રજા વિકાસક્રમના કયા પગથિયા પર ઊભી હતી ને એની કલ્પનામાં એનું શુદ્ધ કે મલિન, સબળ કે નિર્બળ, ઉન્નત કે ભ્રષ્ટ, કેવું માનસ વ્યક્ત થતું હતું, તે દાખવનારી આ આખી સામગ્રી આર્ય-ઇતિહાસના હજારો વર્ષોના પંથ પર વેરાયેલી ને વિણાયેલી પડી છે.
આજ એક બીજી સંસ્કૃતિનું પાનું ઉકેલીએ. શિષ્ટ સંસ્કૃતિની સરિતાની સાથોસાથ ને પડખોપડખ છતાં નિરાળી ને નિરાળી ચાલી આવતી એ લોકસંસ્કૃતિની સરિતાને એક વિચિત્ર આરે આવીને આપણે ઊભા છીએ. આ કિનારો આપણે આજ સુધી દીઠો નથી. આજે જે કાળે એ આખી નદીમાં વેગવંત બુરાણ શરૂ થઈ ગયું છે ને એ કિનારાની નિશાનીઓ લોપાવા લાગી છે તે વેળા વિલંબ આપણને પાલવતો નથી. લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યના એ બુરાઈ જતા મહાનદના આરાનું નામ છે ‘સ્ત્રીઓનાં વ્રત ને વ્રતની વાર્તાઓ’. શાસ્ત્ર અને પુરાણનાં વ્રતવિધિઓથી નિરાળી, લગભગ સ્વતંત્ર કલ્પનામાંથી જન્મેલી એ લોકવ્રતની સામગ્રીને આજ આપણો સમુદાય ‘ડોશીપુરાણ’ના અળખામણા નામથી ઓળખે છે અને એને તિરસ્કારી સુગાય છે, શિષ્ટ જનોએ સુગાઈને ફેંકી દીધેલી એ પાખંડવિદ્યા મનાય છે, છતાં લોકમાનસનો ઇતિહાસ ઉકેલવામાં તો અવિદ્યાનો પણ ઉપયોગ છે. પ્રથમ તો સંસ્કૃતિની દૃષ્ટિએ એનાં મૂલ મૂલવવાં પડશે. કોઈ એક જનસંપ્રદાયને ધાર્મિક ગોટાળામાં નાખનારા પાખંડ તરીકેની એની પિછાન ઘડીભર ભૂલી જઈએ : સમજી લઈએ કે માનવીને કેવળ એકેશ્વરવાદથી ચાલ્યું જ નથી. સમસ્ત માનવજાતિએ દેવસૃષ્ટિ કલ્પી છે, તેમ પોતાના વિકાસની અમુક કક્ષાએ ઊભીને લોકસમુદાયે પણ દેવતાઓના એક કુટુંબમંડળની સહાય લીધી. જગન્નિયંતા એ માનવીને બહુ આઘો જણાયો. પોતાના અંતર સુખદુઃખની, આશા–આકાંક્ષાની ને રાગદ્વેષની ગોઠડી સાંભળે અને મિટાવે તેવું કોઈ સ્નેહવ્યથિત દેવ-સત્ત્વ એને જરૂરનું લાગ્યું. ને કોઈ બાલોચિત કવિત્વની પ્રેરણાપલે તદ્દન નવીન દેવમંડળી એણે સરજી લીધી.
નિરીક્ષણ કરીએ. આર્ય સંસ્કૃતિનાં દેવ-દેવીઓનું ચિત્ર આપણે અવલોકી ગયા. હવે પાખંડમાં ફસાયેલા લોકસમાજની દેવ-દુનિયાને ઊંડાણે જઈ નીરખીએ, કેમ કે એ સર્જનમાં નીતિ, ચારિત્ર્ય, શિયળ અને બલિદાનની અમુક લોકભાવના અંકિત થઈ છે. એણે ન કોઈ દેવને તદ્દન પુરાણમાંથી લીધો કે ન કોઈ વેદમાંથી ઉતાર્યો, પણ ઠીકઠીક સ્વયંભૂ કલ્પના કરી. એનાં દેવ-દેવી કોણ થઈ શક્યાં?
1. જે કસોટી કરી, ડરાવી, છેવટે માનવીનાં ધૈર્ય, પ્રેમ અને બલિદાનનો ઉચ્ચ બદલો આપે તે : જુઓ ‘એવરતની કથા’. 2. જે નાની કન્યાઓના નિર્દોષ કૌટુમ્બિક કોડ પૂરા કરીને અંતરંગ બહેનપણીનું સ્થાન શોભાવે તે : જુઓ ‘ગોર્યમા’. 3. જે કૌટુમ્બિક જીવનમાં અપમાન અને સંતાપ પામતી અનાથ દુખિયારીને એના નિર્મળ ચિંતનમાંથી પ્રગટ થઈ રિદ્ધિસિદ્ધિ અર્પે તે : વીરપસલી મા. 4. જે પરમાર્થથી સંતોષાય ને સ્વાર્થથી કોપાય તે : શીતલા મા. 5. જે પાપના પશ્ચાત્તાપથી પ્રસન્ન થાય તે : ‘નોળી નોમ.’ 6. જે કોઈ પશુપંખી કે વનસ્પતિ નિર્દોષ નિરાધારને આશરો આપે તેને પણ લોકલલનાઓએ દેવસ્થાને સ્થાપ્યાં : નાગ પાંચમ, ધ્રો આઠમ વગેરે. 7. જે શુદ્ધ તપશ્ચર્યાથી રીઝે તે : પુરુષોત્તમ માસ.
આ રીતે વ્રતોની અક્કેક વાર્તામાં લોકસમુદાયે અક્કેક કલ્યાણકારી ભાવનાને દેવપદવી દઈને સ્થાપેલી છે. અભ્યાસની દૃષ્ટિ રાખીને આ વાર્તાઓ વાંચનાર માનવ જોઈ શકશે કે આ દેવમંડળનો એક પણ દેવતા અનીતિ અથવા લંપટતા કે અસત્યનો આદેશ કરતો નથી. તેમ કેવળ પોતાની જ તૃપ્તિને કાજે ધૂપ દીપ ને નૈવેદ્ય સ્વીકારીને એ પોતાના ઉપાસક પર પ્રસન્ન થઈ જતો નથી પણ ઉપાસક વ્રતધારીની પાસેથી પુણ્ય અને ત્યાગનાં કાર્યોની અપેક્ષા રાખે છે. દૃષ્ટાંત તરીકે શીતળાનું વ્રત ખંડિત કરનાર જનેતા પોતાના દીકરાને કેવળ મોટાં નૈવેદ્ય કરીને જ સજીવન કરાવી શકતી નથી. પણ વળતા જ પ્રભાતે એને અનેક દુઃખી પ્રાણીઓની સેવા કરતાં કરતાં દેવીની પાસે પહોંચવું પડે છે. એટલે કે લોકવ્રતોનો દેવતા કેવળ સ્વાર્થી ને મનસ્વી નથી કલ્પાયો. એની પ્રસન્નતાનો પંથ લોકસેવા વાટે ચાલે છે.
કેવળ સ્વાર્થી દેવતાનું એક દૃષ્ટાંત છે, કાંઠા-ગોર્ય. એ પોતાની પૂજા ન કરનાર પર રૂઠે છે. પરંતુ ત્યાંયે અંધ કોપ નથી. નઠોર જેઠાણી જ્યારે માતાજીની મૂર્તિને પાટુ મારીને ભાંગી નાખવાની હદ સુધી જાય છે ત્યારે જ એના ઉપર કોપ ઊતરે છે. અને તે ઉપરાંત એ કોપ પણ ક્ષણિક છે. દેવ-કોપનું ઉગ્રમાં ઉગ્ર અને બેહૂદું સ્વરૂપ શ્રાવણિયા સોમવારની મોટી કથામાં છે. અજાણ્યે પણ એ વ્રતનું ખંડન કરનારી રાણી ઉપર મહાદેવ રૂઠે છે. કપટ કરાવીને એ રાજા કને રાણીને દેશવટો દેવરાવે છે. આવા અર્થહીન કોપની પ્રશંસા કરવા લોકપ્રાણ નથી બેઠો, ત્યાં તો આખરે એ રાણી તરફથી કશાંયે ક્ષમાયાચના કે પ્રાયશ્ચિત વગર રાણીના ધૈર્ય ને ત્યાગની સામે મહાદેવને જ નમવું પડ્યું છે. પવિત્રતાનો અને નિર્દોષતાનો એ દેવશક્તિની સામે પણ પડકાર છે. (આ વાર્તા અપ્રકટ રહી ગઈ છે.) દાખલા :
(1) શ્રાવણિયા સોમવારની ઉપર નિર્દેશેલી વાતમાં :