પરિભ્રમણ ખંડ 1/પુરોગામી પુરાવા

From Ekatra Foundation
Revision as of 09:56, 19 May 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પુરોગામી પુરાવા}} <center>[મંડળ પહેલું : પાંચમી આવૃત્તિ]</center> '''આ'''...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પુરોગામી પુરાવા


[મંડળ પહેલું : પાંચમી આવૃત્તિ]

લોકવ્રતોના કાલનિર્ણયમાં મદદ કરે તેવા પુરાવા નીચે મુજબ હાથ લાગ્યા છે :


અલિંજર નાગની કથા

વિ. સં. 1405માં જૈન સાધુ શ્રી રાજશેખરસૂરિએ રચેલા ‘પ્રબંધકોશ’ અથવા ‘ચતુર્વિશતિપ્રબંધ’ની મુનિશ્રી જિનવિજયજી સંપાદિત આવૃત્તિની બીજી કથા ‘આર્યનંદિલ પ્રબંધ’ છે, તે ‘કંકાવટી’ની ‘નાગપાંચમ’ની કથા સાથે ઘણું સામ્ય ધરાવે છે. મૂળ સંસ્કૃત કથાનો સારાંશ એવો છે કે,

પદ્મિની ખંડપત્તન નામનું નગર છે. ત્યાં પદ્મદત્ત શેઠ રહે છે. તેની ભાર્યા પદ્મયશા છે. તેનો દીકરો પદ્મનાભ. વરદત્ત નામના સાર્થવાહની બેટી વૈરોટ્યા તેની વેરે પરણાવેલી છે. વૈરોટ્યાનો પિતા સપરિવાર વિદેશે જતાં રસ્તે વનદાવાનલમાં બળી મૂઓ. વૈરોટ્યાને સૌ નબાપી કહી મેંણાં દે છે. પણ વૈરોટ્યા સાસુના કટુ બોલે સંતાપ પામતી છતાં કોઈને નિંદતી નથી. પછી વૈરોટ્યાને ગર્ભ રહે છે. એને ખીરના ભાવા (પાયસ = દોહદ) ઉદ્ભવે છે. તેની સાસુ પદ્મયશાને ચૈત્રી પૂર્ણિમાના ઉપવાસનું પારણું આવે છે, તે દિવસે યતિઓને વહોરાવવા પાયસ (ખીર) રાંધે છે. પણ સાસુ, વહુને તો કળથીનું જ અન્ન આપે છે. વહુ થાળીમાં પાયસ (ખીર) છાનીમાની લઈ જઈ, વસ્ત્રમાં બાંધી, ઘડામાં નાખી, જલાશય પર જાય છે. ઘડો ઝાડને થડે મૂકીને જ્યારે એ હાથપગ ધોવા ગઈ, ત્યારે પાતાળવાસી અલિંજર નામના નાગની સગર્ભા પત્ની, જેને પણ ક્ષીરાન્નના ભાવા થયા છે તે આવીને વૈરોટ્યાના ઘડામાંથી ક્ષીરાન્ન ખાઈને ચાલી જાય છે. વૈરોટ્યા પાછી આવીને જુએ છે તો ક્ષીરાન્ન મળે નહિ! છતાં એ ક્રોધ કરતી નથી, કુવચન બોલતી નથી, પણ આશિષ આપે છે : ‘યેનેદં ભક્ષિતં ભક્ષ્યં પૂર્યતાં તન્મનોરથ:’ જેણે આ ખાધું હોય તેના મનોરથ પૂરા થજો! છુપાઈને ઊભેલી અલિંજર-પત્ની નાગણીએ આ શબ્દો સાંભળ્યા, અને પાતાળમાં જઈ પોતાના પતિને આ વાત કહી. વૈરોટ્યા પણ પોતાના ઘેર ગઈ. રાત્રિએ વૈરોટ્યાની પડોશણને સ્વપ્નમાં આવીને નાગપત્નીએ કહ્યું, કે આ વૈરોટ્યા મારી પુત્રી છે. એને ખીરના ભાવા થયા છે, તે તું પૂરા કરજે ને એને કહેજે કે તારે પિયર નથી તેની ખોટ હું પૂરી કરીશ. આ રીતે પ્રભાતે પાડોશણે વૈરોટ્યાને કહીને ખીર જમાડી. દોહદ સંતોષાતાં વૈરોટ્યાએ દીકરો જણ્યો. નાગપત્નીએ સો દીકરા જણ્યા. વૈરોટ્યાના બેટાનું નામ પાડવાને દિવસે નાગોએ ઉત્સવ કર્યો. વૈરોટ્યાના બાપનું ઘર જ્યાં અગાઉ હતું, તે જ ઠેકાણે નાગલોકોએ ધવલગૃહ ખડું કરીને શણગાર્યું. હાથી, ઘોડા ને વેલ પાલખી લઈને નાગ લોકો આવ્યા. અલિંજર નાગની સ્ત્રીએ અઢળક પહેરામણી આણી. પછી તો વૈરોટ્યા રોજ અલિંજર-પત્નીને ઘેર જાય-આવે છે, ને પૂરાં માનપાન પામે છે. પછી તો સાસુ પણ વહુને રૂડી રીતે રાખે છે. વૈરોટ્યાના રક્ષણાર્થે નાગણી માએ પોતાના નાગ-બેટાને ત્યાં મૂકેલ છે. વૈરોટ્યા તો એ સર્પોને ઘડામાં રાખે છે. એવામાં ઘરની કોઈક દાસીએ એ સર્પ ભર્યો ઘડો ધગેલી થાળી પર મૂક્યો. વૈરોટ્યાએ તરત જ એ ઉતારી નાખ્યો, ને એ સર્પોના ઉપર પાણી છાંટ્યું. એમાંથી એક સર્પ બચ્ચું પૂંછડા વગરનું બન્યું. જ્યારે જ્યારે એ બાંડું બચ્ચું પડે-આખડે છે ત્યારે વૈરોટ્યા બોલે છે : ‘બણ્ડો જીવતુ.’ વૈરોટ્યાના હેતથી પ્રસન્ન બનેલા ભાઈ જેવા સર્પકુમારો ખૂબ પહેરામણી સાથે નામ પાડીને પાછા ગયા. પછી એક દિવસ અલિંજર નાગ પોતાના એક પુત્રને બાંડો દેખીને ક્રોધ કરી ઊઠ્યો : ‘કોણ દુષ્ટે મારા દીકરાને પૂંછડા વગરનો કર્યો?’ અવધિજ્ઞાન મૂકીને એણે જાણી લીધું કે એ કરનાર વૈરોટ્યા છે. એના પર રોષે ભરાઈને રૂપ બદલીને વૈરોટ્યાના ઘરમાં જઈ બેઠો. વૈરોટ્યા બહારથી ઘેર આવી, ઘરમાં પ્રવેશતાં જ એ બોલી, ‘બણ્ડો મે જીવતુ ચિરમ્’. એ સાંભળીને પ્રસન્ન બનેલો નાગરાજ વૈરોટ્યાને ઝાંઝરની જોડી દઈને બોલ્યો : ‘બેટા, હવેથી તારે પાતાળમાં આવવું, નાગભાઈઓ પણ તારે ઘેર આવશે.’ પછી તો વૈરોટ્યા પાતાળમાં આવ-જા કરે છે. હવે, વૈરોટ્યાના સસરા પદ્મદત્તને શ્રી આર્યનંદિલ સાધુએ કહ્યું કે તારી પુત્રવધૂને કહે, એમણે નાગની પાસે માગવું કે તમારે પૃથ્વી પર કોઈને કરડવું નહિ. એ પ્રમાણે વૈરોટ્યાએ પાતાળમાં જઈ નાગલોકોને કહ્યું : ‘સાઽલિંજર પત્નીં જીયાત્! સોઽલિંજરો જીયાત્! યેનાઽહમપિતૃગૃહાઽપિ સપિતૃગૃહા કૃતા. અનાથાઽપિ સનાથા સંજાતા…’ વગેરે કહીને એ પાછી ઘેર આવી. ગુરુએ ‘વૈરોટ્યાસ્તવ’ નામનું સ્તોત્ર રચ્યું. એ સ્તવનનો જે પાઠ કરે તેને સર્પનો ભય ન રહે, વગેરે.