સોરઠી બહારવટિયા ભાગ-1/નિવેદન
{{Heading|નિવેદન|
ભાગ 1|
પાંચ જ બહારવટિયાનાં આ વૃત્તાંતો છે. પાછળ એવાં ને એથી ચડિયાતાં બીજાં પંદર ચાલ્યાં આવે છે. પાઠકો આટલી વિગતોને સારી પેઠે પચાવી લ્યે; ત્યાં સમગ્ર બહારવટા-યુગની મીમાંસા કરતો એક પ્રવેશક પણ રજૂ થઈ જશે. ‘રસધાર’માં જોગીદાસ ખુમાણ, સંઘજી કાવેઠિયો, અભો સોરઠિયો, હીપો ખુમાણ, વરજાંગ ધાધલ વગેરે — એમ છૂટક છૂટક બહારવટિયા આલેખાતા આવ્યા છે. પરંતુ આમાં તો સાંગોપાંગ સંગ્રહની દૃષ્ટિ છે. તમામ બહારવટિયાની — અને એ પણ તેઓની કાળી-ઊજળી બંને બાજુની, મળી શકે તેટલા તમામ ઘટના-પ્રસંગોની, માત્ર પ્રશસ્તિની જ નહિ પણ સાથોસાથ નિંદ્ય ચારિત્ર્યદોષોની પણ — રજૂઆત કરવાનો આશય છે. માટે જ ‘રસધાર’ની રંગખિલાવટ ‘બહારવટિયા’માં મર્યાદિત દેખાશે. ભવિષ્યના કોઈ ઇતિહાસકારને માટે આ એક માર્ગદર્શન રચાય છે. રાજસત્તાઓનાં દફતરોમાં ફક્ત એકપક્ષી — ને તે પણ નજીવો જ ઇતિહાસ છે. લોકકંઠની પરંપરામાં બહુરંગી ને છલોછલ ઇતિહાસ છે. પ્રજા માર ખાતી, લૂંટાતી, પીડાતી, છતાં લૂંટારાઓની જવાંમર્દી ન વીસરતી. એ હત્યારાઓની નેકી પર આફરીન હતી. બહારવટિયાની કતલ એને મન સ્વાભાવિક હતી. પણ એ કતલના હાર્દમાં રહેલી વિલક્ષણ ધર્મનીતિ એની દૃષ્ટિમાં જાદુ આંજતી. માટે પ્રજાની એ મહત્તાની ચિરંજીવી મુખનોંધ રાખી લીધી. એ છતાં, આ કંઠસ્થ હકીકતોની ઐતિહાસિકતાને પણ મર્યાદા છે ખરી. એ લોકમુખની કથાઓ જુદી પણ છે. દૃષ્ટાંત દાખલ : ભીમા જતની માશૂક નન્નુનું અસ્તિત્વ ભાઈથી રાચયુરાનું કલ્પિત નથી, પણ વિશ્વાસપાત્ર લોકોક્તિ જ છે. તેમ તે પાત્રનો મને મળેલો ઇન્કાર પણ વિશ્વાસપાત્ર લોકોક્તિ જ છે. એવું બીજાં ઘણાંનું સમજવું, ઉપરાંત વીરપૂજક પ્રજાએ અનિષ્ટ વાતોને ઓછી સંઘરી હશે એમ પણ દીસે છે. સત્યાસત્ય નક્કી કરવા આજે સાધન પણ નથી રહ્યું, એટલી એની ઐતિહાસિકતા ઓછી. પણ આ બધું પ્રકટ કરવાથી અસત્ય હશે તે આપોઆપ લોકો જ આંગળી ચીંધાડીને બતાવી દેશે. ઇતિહાસની છણાવટ થશે. ભલે ઐતિહાસિકતા ઓછી રહી, લોકોની કલ્પના કદાચ હોય; તો એ બતાવે છે કે લોકોની કલ્પના કેવા આદર્શોને વંદન કરતી હતી. લોકો પવિત્રતાના પૂજક હતા. એ લોક-આદર્શ લગભગ તમામ બહારવટિયાની વાર્તામાં સ્પષ્ટ ભાખે છે કે જ્યારે જ્યારે બહારવટિયો નેકીને માર્ગેથી લપટ્યો છે ત્યારે ત્યારે જ એનો નાશ થયો છે. દેવતાઓની ગેબી સહાયતાની માન્યતા પણ એ જ કથા કહે છે. આટલું સ્મરણમાં રાખીએ કે બહારવટાનો ખરો યુગ અઢારમી સદીના અસ્ત સમયથી આરંભાયો, આખી ઓગણીસમી સદી ઉપર પથરાઈ રહ્યો, ને વીસમી સદીની પહેલી વીસીમાં જ ખલાસ થઈ ગયો. એનો છેલ્લો પ્રતિનિધિ રામ વાળો હતો. તે પછી રહી છે ફક્ત ચોરી ને લૂંટફાટ. કોઈ એને બહારવટું ન કહેજો. એ નર્યા ચોરડાકુઓને આ સંગ્રહમાં સ્થાન નથી. બહારવટાં-નીતિનો છેલ્લો ને ઓલવાતા દીવાની ઉજ્જ્વલ જ્યોત સરખો નેકીદાર પુરોહિત રામ વાળો જ આ સંગ્રહનો સ્તંભ બનશે. ભાઈશ્રી [રવિશંકર] રાવળે આલેખેલાં આ પુસ્તકનાં શોભા-ચિત્રો કોઈ બહારવટિયાની તસવીરો નથી, પણ પ્રત્યેકના ચરિત્રમાંથી ઊઠતા પ્રધાન ધ્વનિનાં દ્યોતક કલ્પના-ચિત્રો જ છે. છેલ્લાં બે ચિત્રો બદલ ‘બાલમિત્ર’ના તંત્રીજીનો ઋણી છું.
સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર : 18-11-’27 ઝવેરચંદ મેઘાણી