મુકામ પોસ્ટ હૃદય
દિલીપ રાવલ
પાત્રો
ભૂમિકાઓ
ડૉ. ઋષિ
માનસી
વિશ્વેશ
વિરાજ
મનજી
મયંક
ભદ્રિક
(પડદો ખૂલતાં જ નેપથ્યમાં પ્રકાશ આયોજન દ્વારા મગજ દર્શાવવામાં આવ્યું છે. મંચની ડાબી બાજુએ ડૉ. ઋષિ વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા હોય તે રીતે બોલવાનું શરૂ કરે છે.)
ડૉ. ઋષિઃ
|
માણસનું મન એને ખબર પણ ન પડે એટલી હદે પ્રપંચી હોય છે. માણસને છેતરવાનો કસબ એને કોઠે પડી ગયો છે. મનની સાથે ‘લોહી’ના સંબંધે બંધાયું હોય છે ‘મગજ’. મગજના દોઢ અબજ તંતુઓની કુંજગલીમાં રાધાની જેમ ભટકી જવાનું મન, મનને પણ ઘણી વાર થાય, અને આમ જ મન પર સવાર થઈ જાય. ક્યારેક મગજ તો ક્યારેક મગજની ધુરા પોતાના હાથમાં લઈ લે. મન-હૃદય પરંતુ મગજની ભુલભુલામણીમાં દટાયેલાં અનેક રહસ્યોનો તાગ મેળવવાનો પ્રયાસ માનવી વર્ષોથી કરતો આવ્યો છે. અને છતાંય અમુક પડળો તો વણઉખેળ્યાં રહી જ ગયાં છે. ઉત્તરરૂપી પૂર્ણવિરામી ટપકાંનો હાશકારો માણસ અનુભવે–ન અનુભવે ત્યાં તો એક નવો જ પ્રશ્ન દાતરડાની તીક્ષ્ણ ધાર લઈને પેલાં ટપકાંને રહેંસી નાખવા તૈયાર જ ઊભો હોય. એક મનોવૈજ્ઞાનિક તરીકે આવો જ એક કેસ Solve કરવાના પ્રયાસમાં છું જેમાં દર્દી કોઈ આઘાત લાગવાથી ચિત્તભ્રમ થઈ જાય. તેની માનસિક સમતુલા આમ તો જળવાયેલી હોય પણ એની તુલા ક્યારે પોતાનું સમતોલપણું ગુમાવશે એ કહી ન શકાય. અને ત્યારે… ત્યારે દર્દીના મગજ પર ટકોરા મારીને પ્રવેશવાનો પ્રયાસ પ્રારંભી દેવાનો.
|
(આ સાથે જ ડૉ. ઋષિ મંચની જમણી બાજુ આવી જાય છે અને બારણે ટકોરા મારે છે. ‘વિશ્વેશ મઝુમદાર’ના ઘરનું બારણું થોડી વારે ‘માનસી’ આવીને ખોલે છે.)
ડૉ. ઋષિઃ
|
હલ્લો? માત્ર હલ્લો? અને એ પણ કેવું લુખ્ખું! આજે આ ઉંમરે પણ હું તને “હા…ય” કેવા લહેકાથી કહી શકું… અને તું?
|
ડૉ. ઋષિઃ
|
By the way કેમ છે તું?
|
માનસીઃ
|
એ…જ સદીઓથી ઘસાયેલો… ચવાઈને ચુથ્થો થઈ ગયેલો જવાબ સાંભળવો છે તમારે? મજામાં.
|
ડૉ. ઋષિઃ
|
અરે દીકરા, વાસ્તવમાં આ જગતમાં કોઈ મજામાં હોતું જ નથી. પણ એવો દંભી દેખાડો કરવો બધાને ગમે છે. ક્યારેક બાજીને સારું લગાડવા તો ક્યારેક પોતાની જાતને. તો પછી આપણે એમાંથી શા માટે બાકાત રહી જઈએ?
|
ડૉ. ઋષિઃ
|
ઓકે. માન્યું કે તું મજામાં નથી. પણ આ તો Routin થઈ ગયું છે નહિ. “હું મજામાં છું એ મારો વહેમ છે… ખાસ પૂછવાનું કે તમને કેમ છે?”
|
(માનસી આ દરમ્યાન ચૂપચાપ એક ખૂણામાં જઈને શૂન્યમનસ્ક બેસી જાય છે.)
માનસીઃ
|
ઑલરાઇટ… પપ્પા ક્યાં છે? (વિરામ) વિશ્વેશ… વિશ્વેશ… ડૉ. ઋષિ આવ્યા છે. એને કૉફીબોફી પિવડાવીશ કે પછી અંદર જ ગોંધાઈ રહીશ.
|
(ત્યાં અંદરથી વિશ્વેશ પ્રવેશે છે.)
વિશ્વેશઃ
|
ડૉ. ઋષિ… અલ્યા ઋષિડા… ઋષિ-મુનિઓને કાચાં શાક-પાંદડાં અને નદીનું પાણી પીવાની લાલસા હોઈ શકે, કૉફીની લાલચ નહીં સમજ્યો!
|
ડૉ. ઋષિઃ
|
તારે ના પિવડાવવી હોય તો ના પાડ. પણ let me tell you, આ ઋષિ પેલા જંગલમાં તપ કરનારો નહિ પરંતુ આ મુંબઈ જેવા મહાનગરમાં રહેનારો મનોવૈજ્ઞાનિક છે.
|
ડૉ. ઋષિઃ
|
તો તને એ પણ ખબર હશે જ કે દિવસભર અનેક માનસિક વિકલાંગોને મળીને મારા મગજની નસો પણ એટલી તંગ થઈ જાય છે કે એને આ એક કપ કૉફી જ રાહત લેવડાવી શકે.
|
માનસીઃ
|
લો ડૉ. અંકલ તમારી કૉફી આવી ગઈ. મનજી સ્ટ્રૉંગ બનાવી છે ને?
|
માનસીઃ
|
હા… બાકી ડૉ. અંકલને જેવુંતેવું ન ચાલે… અંકલ તમે પુસ્તકનું પૂછતા હતા ને… રમેશ પારેખનો સમગ્ર કાવ્યસંગ્રહ ‘છ અક્ષરનું નામ’ હમણાં વાંચ્યો.
|
|
સાંજ ભર્યા ધુમ્મસમાં ખરબચડું ઝાડ સાવ
|
|
આ બાજુ પોતાના કલરવમાં બૂડી જતી
|
|
કિસ્સા પર વળી એક કિસ્સો કે ચડ્યું
|
|
મને ધુમ્મસનું ઝેર જોતજોતાં
|
|
મારી છાતી શણગારતા ન્હોતા.
|
(આમ મસ્તીમાં ગાતાં ગાતાં અંદર ચાલી જાય છે.)
વિશ્વેશઃ
|
ઋષિ, આ બેવડા વ્યક્તિત્વ સાથે જીવતી મારી આ જુવાનજોધ છોકરીની ચિંતા તો ચિતા કરતાંય વધુ દુષ્કર પુરવાર થતી જાય છે.
|
ડૉ. ઋષિઃ
|
વિશ્વેશ… તારી ચિંતાની જ્વાળાના ધુમાડાની મેશ મનેય કાળો કરી રહી છે. મારી પણ દીકરી જ છે ને? પણ આ રોગની કોઈ દવા જ નથી સિવાય કે એને હિંસક બનતી અટકાવવા સતત ઘેનની દવા આપ્યા કરીએ.
|
વિશ્વેશઃ
|
ના…ના ઘેની દવાથી તો એ સાવ નંખાઈ જશે. આ થોડીઘણી ચંચળતા બચી છે એ પણ સરી જશે. એનું ભણવાનું તો મુકાવડાવી દીધું. અને હૉસ્ટેલમાંથી ઘરે લઈ આવ્યો. હવે સાવ એનું વાંચવાલખવાનું બંધ નથી કરવું… કોઈ વચલો માર્ગ…
|
ડૉ. ઋષિઃ
|
શોધવો જ પડશે… પણ શોધવા જ્યાં જવું છે એ કેડીનો પંથ ધુમ્મસછાયો છે.
|
વિશ્વેશઃ
|
અને આપણા હાથમાંથી તો Tourch પણ પડી ગઈ છે.
|
ડૉ. ઋષિઃ
|
ખેર, તું કાલે મારી Clinic પર આવ. ત્યાં નિરાંતે વાત કરશું… (જાય છે.)
|
વિશ્વેશઃ
|
હોવાપણું જ ખોવાઈ ગયું હોય… ત્યાં નિરાંતે વાતો ક્યાંથી થાય? અને અફસોસ તો એટલો જ કે હોવાપણું શોધવા જનારી આંખ પણ અંધ પુરવાર થાય, અંધકારની જેમ.
|
(Blackout)
દૃશ્ય ૨
(ડૉ. ઋષિના ક્લિનિકનું દૃશ્ય. ડૉ. ઋષિ અને તેની સહાયક ડૉ. વિરાજ વાતો કરી રહ્યાં છે.)
ડૉ. ઋષિઃ
|
ડૉ. વિરાજ, આ Caseનો Medical science પ્રમાણે કોઈ ઇલાજ નથી. પરંતુ મને આ દર્દીમાં વધારે રસ છે કારણ કે મા વગરની આ છોકરી મારી સામે નાનેથી મોટી થઈ છે અને એક માનસચિકિત્સક તરીકે આ રોગ મારે માટે આહ્વાન છે.
|
ડૉ. વિરાજઃ
|
સર, છ મહિના પહેલાં એવી કોઈ ઘટના બની કે જેના લીધે એનું વ્યક્તિત્વ બેવડાઈ ગયું? I mean what was the reason?
|
ડૉ. ઋષિઃ
|
ભણવાગણવામાં, બોલવાચાલવામાં બધી રીતે હોશિયાર આ છોકરી હૉસ્ટેલમાં રહીને ભણતી. ત્યાં જ એને કોઈની સાથે pen friendship એટલે કે પત્રમૈત્રી થઈ ગઈ.
|
વિરાજઃ
|
આ કોઈ એટલે કોઈ પુરુષ… જુવાનજોધ છોકરો…?
|
ડૉ. ઋષિઃ
|
હા… નાસિકની હૉસ્ટેલમાં ભણતી માનસી પર પૂનાના ભદ્રિકે પત્રો લખીને ભૂરકી નાખી અને એ પત્રમૈત્રી એની પરાકાષ્ઠાએ પહોંચે અને પ્રેમમાં પરિણમે એ પહેલાં જ અચાનક જ એ છોકરાના પત્રો આવતા બંધ થઈ ગયા.
|
વિરાજઃ
|
અને એના પરિણામસ્વરૂપ…
|
ડૉ. ઋષિઃ
|
માનસીની વર્તમાન હાલત.
|
વિરાજઃ
|
પણ આ કારણ તો બહુ સામાન્ય કહેવાય.
|
ડૉ. ઋષિઃ
|
આપણા માટે વિરાજ, લોકોને સંમોહિત કરી કરીને આપણી સંવેદના ગુમાવી ચૂકેલા જાડી ચામડીવાળા આપણા માટે. પરંતુ માનસી તો અત્યંત લાગણીશીલ અને મૃદુ છોકરી છે. એને માટે આ આઘાત કારમો નીવડ્યો.
|
વિરાજઃ
|
તો પૂનામાં જઈને એ છોકરા વિશે વધુ તપાસ…
|
ડૉ. ઋષિઃ
|
કરાવી… વિશ્વેસ પોતે ત્યાં ગયો હતો પણ એ લોકો એ ઘર છોડીને ચાલ્યા ગયા હતા. દુનિયાના નકશા પર આપણા કહેવાતા ઘરની ઉપસ્થિતિ નથી હોતી ત્યાં ચહેરા વગરના પેલા છોકરાને ક્યાં ગોતવો.
|
(ત્યાં જ વિશ્વેશ પ્રવેશે છે…)
વિશ્વેશઃ
|
સ્મૃતિના ભીંગડાં કેમ વારંવાર ઉખેડવાં પડે છે.
|
ડૉ. ઋષિઃ
|
સ્મૃતિનાં ભીંગડાં ઊખડે તો જ ઉપચારની ત્વચા સામે આવે વિશ્વેશ.
|
વિશ્વેશઃ
|
પણ મારે માટે તો આ સ્મૃતિ બિહામણી સાબિત થાય છે.
|
વિરાજઃ
|
માફ કરજો અંકલ, પણ માણસ વાસ્તવિકતા તરફ આંખ-મીંચામણાં કરી શકે, સ્મૃતિ તરફ નહિ. અને અમારે તો દર્દીને જગાડવા માટે સ્મૃતિને જ ઢંઢોળવી પડે… સર, માનસીના cashમાં એક આશાનું કિરણ દેખાય છે.
|
વિરાજઃ
|
સર, એની વર્તમાન હાલત માટે જવાબદાર ભૂતકાળનું પુનરાવર્તન આજના વર્તમાનમાં કરીએ તો?
|
ડૉ. ઋષિઃ
|
મને સમજાતું નથી વિરાજ… કે તમે શું કહેવા માંગો છો?
|
વિરાજઃ
|
એ જ કે એની સાથે ફરી એક વાર પત્રમૈત્રી શરૂ કરાવીએ.
|
વિરાજઃ
|
એને પત્રમૈત્રીમાં રુચિ છે. એટલે કે લાગણીનું આદાન-પ્રદાન કરવું એને ગમે છે અને તમારા કહ્યાનુસાર આજે પણ એ વાંચે છે, લખે છે અને અનુભવે છે.
|
વિરાજઃ
|
તો આ જ બાબતને આપણે ઢાલ બનાવીને આગળ વધીએ અને માનસીને પત્ર લખીએ.
|
ડૉ ઋષિઃ
|
કોઈ એક ખાસ વ્યક્તિના નામે.
|
ડૉ. ઋષિઃ
|
(થોડું વિચારીને) દિલ્હીથી.
|
વિરાજઃ
|
હા… સર… તમે… તમે જ લખી શકો. કારણ કે તમે આ કેસનો ખૂબ જ વ્યવસ્થિત Study કર્યો છે. તમે એની લાગણીઓને ઓળખો છો અને last but not least. તમે પત્રો ખૂબ જ સરસ લખો છો.
|
વિશ્વેશઃ
|
ના…ના આ તો માનસીને છેતરવાની વાત થઈ કહેવાય. એની લાગણીઓ સાથે આમ રમત માંડવી મને નહિ ગમે.
|
ડૉ. ઋષિઃ
|
આ પ્રયોગ સાફલ્યને વરે તોપણ તમને નહિ ગમે? અને આમાં માનસીને છેતરવાનો પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થાય છે? આપણે તો માત્ર એક નિર્દોષ પ્રયોગ જ કરવાનો છે, બસ.
|
વિરાજઃ
|
દિલ્હીમાં રહેતો ચોવીસ વરસનો ગુજરાતી યુવાન. આપણી કલ્પનાના રંગોથી વાસ્તવિકતાના કૅન્વાસ પર ઊભરી આવેલું નખશિખ પાત્ર… “મયંક પુરોહિત” જે બનશે આપણી માનસીનો પત્રમિત્ર.
|
વિશ્વેશઃ
|
મારું મન માનતું નથી.
|
ડૉ. ઋષિઃ
|
એને મનાવવું પડશે અને આ વાત માનસીના ઋષિઅંકલ નથી કહી રહ્યા પણ ડૉ. ઋષિ રાજગોરનું મંતવ્ય છે આ.
|
વિશ્વેશઃ
|
આપણે લાકડીઓ વીંઝવા તો નીકળ્યા છીએ પણ એ ભૂલી જઈએ છીએ કે ચારેબાજુ દીવાલો અરીસાની છે.
|
ડૉ. ઋષિઃ
|
લાકડીઓ વીંઝતી વખતે આંખો પર ભાવનાની પટ્ટીઓ નથી જ મારી પણ ચડાવ્યાં છે જવાબદારીનાં પારદર્શક ચશ્માં.
|
વિરાજઃ
|
અને આ લાકડી ક્યાંય ખોટી વીંઝાઈ પણ ગઈ તોય શું થશે? અરીસાની દીવાલો એક ખણખણાટ સાથે બેસી જશે પણ પોતાનો પ્રતિબિંબિત કરવાનો ગુણધર્મ તો નહિ જ મૂકે ને? કરચે કરચે નવું પ્રતિબિંબ સામે આવશે એક નવી આશા લઈને.
|
વિશ્વેશઃ
|
ખેર, આપણા આ ‘મયંક પુરોહિત’ નામના મરજીવાને પાણીમાં કૂદવા તો દઈએ. મોતી લઈને પાછો ન આવે તો કાંઈ નહિ, પાણી તો ડહોળું નહિ જ કરે.
|
(Blackout)
દૃશ્ય ૩
(આ સાથે જ વિશ્વેશના ઘર પર પ્રકાશ. હાથમાં ટ્રે લઈને મનજી ઊભો છે. એમાંના ગ્લાસ તરફ આશ્ચર્ય સાથે માનસી જોઈ રહી છે.)
માનસીઃ
|
મનજી તને નથી લાગતું આ ગ્લાસનું પાણી ડહોળું છે?
|
મનજીઃ
|
ના બેબીબેન… આપણે તો વૉટરફિલ્ટરનું પાણી જ પીએ છીએ ને? આ પાણી…
|
માનસીઃ
|
‘ચોખ્ખું જ છે’ એમ કહીને મને છેતરવા માંગે છે. તમે બધા એકસરખા છો. કોઈના ઉપર વિશ્વાસ નથી મને…
|
માનસીઃ
|
(જોરથી) ચાલ્યો જા… કહું છું, ચાલ્યો જા અહીંથી.
|
(મનજી અંદર ચાલ્યો જાય છે.)
માનસીઃ
|
ચાલ્યો જા.. પોતાના કહેવડાવનારા તમે બધા પારકાથીય બદરત પુરવાર થયા છો. મને એકલી મૂકીને ચાલ્યાં જનારાં મમ્મી, મારી કહેવાતી ચિતામાં ડૂબેલા હોવાનો પ્લાસ્ટિકિયો દેખાવ કરનારા પપ્પા અને વહાલના અતિરેકથી મને ભીંજવી નાખવાના પ્રયાસ કરનાર ડૉ. અંકલ… પણ એમને ક્યાં ખબર છે કે મેં તો Raincoat પહેર્યો છે. લાગણીઓ સરી જવાની, પાંદડાં પરથી ઝાકળનાં ટીપાં સરી જાય એમ… સર… સર… સર.
|
(ત્યાં જ બૅલ વાગે છે. માનસી પોતે જ જઈને દરવાજો ખોલે છે. વિશ્વેશ મઝુમદાર અને સાથે ‘વિરાજ’ પ્રવેશે છે.)
માનસીઃ
|
ઓહ પપ્પા તમે? ક્યાં ચાલ્યા જાઓ છો મને એકલી મૂકી મૂકીને?
|
વિશ્વેશઃ
|
ક્યાંય નહીં બેટા.. એ તો જરા…
|
વિરાજઃ
|
મને મળવા આવ્યા હતા… હાય માનસી. હું ડૉ વિરાજ મહેતા. તારા ડૉ. અંકલ ખરા ને? એમની આસિસ્ટન્ટ.
|
માનસીઃ
|
(ફરીને ઊભી રહી જાય છે.) તો અહીંયાં શું કામ આવ્યા છો?
|
વિશ્વેશઃ
|
અરે બેટા, આમ વાત…
|
વિરાજઃ
|
(વિશ્વેશને હાથથી ઇશારો કરીને રોકે છે.) તને મળવા આવી છું.
|
વિરાજઃ
|
દરેક વાતનું કારણ હોય ખરું?
|
માનસીઃ
|
કારણ વગરની વાતો વાહિયાત કહેવાય.
|
વિરાજઃ
|
એટલે કે વ્યર્થ અને વાહિયાત બાબતો માટેની પાતળી ભેદરેખા પણ તું ઓળખી શકે છે.
|
માનસીઃ
|
ડૉ. અંકલ ક્યાં છે?
|
વિરાજઃ
|
એ તો ગયા દિલ્હી… અને હવે આવશે દસ–પંદર દિવસે.
|
(આ દરમ્યાન ધીમે ધીમે વિશ્વેશ અંદર ચાલ્યા જાય છે.)
માનસીઃ
|
ત્યાં સુધી મારી જવાબદારી તમને સોંપતા ગયા છે એમ ને?
|
વિરાજઃ
|
ના… તદ્દન ખોટું… મારે તો તારી સાથે ‘મનફ્રૅન્ડશિપ’ કરવી છે એટલે આવી છું.
|
વિરાજઃ
|
હા… જેમ પેનફ્રૅન્ડ હોય, ફોનફ્રૅન્ડ હોય એમ આપણે બનીએ મનફ્રૅન્ડ. મનથી મનમાં લાગણીઓના પુલ પર પસાર થઈ પ્રવેશવાનું નામ એટલે ‘મનફ્રૅન્ડશિપ.’
|
માનસીઃ
|
વાહ! તમે તો સાક્ષાત્ કવિતામાં વાત કરો છો.
|
વિરાજઃ
|
પણ તારી જેમ સુંદર કવિતાઓ લખતાં મને નથી આવડતી.
|
માનસીઃ
|
(શરમાઈ જતાં) તમે ક્યાં હજુ સાંભળી જ છે?
|
માનસીઃ
|
શું સંભળાવું… I mean કઈ કવિતા સંભળાવું?
|
વિરાજઃ
|
તને જે સૌથી પ્રિય હોય એ; ને કાં તો પછી છેલ્લી કવિતા જે લખી હોય…
|
માનસીઃ
|
હમણાં હમણાં મારી કવિતાના મિજાજનું વહેણ બદલાઈ ગયું છે.
|
વિરાજઃ
|
ક્યાંથી ક્યાં સુધી?
|
માનસીઃ
|
વહાલપથી વેદના સુધી… પ્રેમથી પીડા સુધી… સ્વાધીનતાથી પરાધીનતા સુધી… કોમળતાથી કઠોરતા સુધી…
|
માનસીઃ
|
એકસામટું માણસ નામે ટોળું તમને વળગે જાણે
|
|
સાતે ભવનું વેર વાળવા કમર કસી કોઈ શત્રુ દોડે
|
|
અને હાથથી હાથ વઢાતા જાય સહ્યું ના જાય
|
|
અને કંઈ ભ્રમણાની વણજારો લાગોલાગ ચડીને આવે ઘોડે.
|
|
ભ્રમણાના આકાશપારણે તમે ઝૂલવા
|
|
માંડો ને કંઈ તૂટી પડો ધરતી ઉપર તો.
|
|
ઇચ્છાની પાંખો વળગાડી ઊડવા માંડો
|
|
ખૂબ પછી રહી જાઓ તમે અધ્ધર અદ્ધર તો.
|
|
આવા જો ને તોની વચ્ચે જીવ ઘણો અટવાય પછીથી
|
|
આકુળ વ્યાકુળ થાય દેહ તો નતમસ્તકે થઈ હાથ જ જોડે.
|
|
એકસામટું માણસ નામે ટોળું તમને વળગે જાણે.
|
વિરાજઃ
|
વાહ માનસી! તું તો ઘણું સરસ લખે છે.
|
માનસીઃ
|
બસ; મારા ડૂમા અને ડૂસકાંને ઢોળી દઉં છું કાગળ ઉપર.
|
વિરાજઃ
|
અચ્છા માનસી તું આટલી સરસ કવિતાઓ લખે છે તો જ એટલા સરસ… પત્રો પણ લખતાં…
|
માનસીઃ
|
પત્રો? (જોરથી) પત્રો… કાગળના સફેદ કોરા આકાશ પર લાગણીઓનાં વાદળોનું છવાઈ જવું એટલે પત્ર.. આવા પત્રનું નામ શું કામ લીધું તમે? (એકદમ વિરાજ તરફ ધસી જાય છે.) મારી દુખતી રગને શા માટે દબાવી… મારા લીલા ઘા પર બળબળતો હાથ મૂકવાની ધૃષ્ટતા શા માટે કરી… શા માટે… શા માટે…?
|
(આમ બોલતાં બોલતાં હિંસક બની જાય છે અને વિરાજનું ગળું દબાવવા માંડે છે. ત્યાં અંદરથી મનજી અને વિશ્વેશ દોડીને આવી જાય છે. છોડાવવાનો પ્રયત્નો કરે છે.)
વિશ્વેશઃ
|
માનસી… માનસી એ આપણા ઘરે મહેમાન છે… એમને…
|
માનસીઃ
|
કૉફી પિવડાવશું નહિ? (એકદમ નૉર્મલ થઈ જાય છે.) અરે મનજી, આમ ડાચું વકાસીને ઊભો શું છે? જા ડૉ. વિરાજ માટે કૉફી લઈ આવ… અચ્છા વિરાજ… સ્ટ્રૉંગ કે લાઇટ?
|
માનસીઃ
|
આખો દિવસ માનસિક દર્દીઓની ચિકિત્સા કરતાં કરતાં તમારા મગજની નસો પણ તંગ થઈ જતી હશે નહીં? “ઉસકા એક હી ઉપાય – ગરમાગરમ કૉફી યા ચાય.”
|
(હસી પડે છે… અને એમાં વિરાજ પણ જોડાય છે. આ દરમ્યાન વિશ્વેશ એક ખૂણામાં જઈને ઊભા રહી જાય છે. માનસી એક ખૂણામાં જઈને યંત્રવત્ શૂન્યમનસ્ક ઊભી રહી જાય છે.)
વિરાજઃ
|
શું વિચારમાં પડી ગયા અંકલ?
|
વિશ્વેશઃ
|
એ જ કે દોરડું તો રેશમનું જ છે પણ એની ગાંઠ ઉકેલવા જાઉં છું ને ગૂંચ વધતી જાય છે.
|
વિરાજઃ
|
અંકલ; અમારે તો cash જેટલો complicated એટલી એને Solve કરવાની વધારે મજા આવે. પગમાં પડી રહેલા પતંગને તો પૂછતું જ નથી. એ તો જેટલો ઊંચે ને…
|
(આ સાથે Exit લેવા જાય છે. ત્યાં postman એક ગુલાબી કવર નાખી જાય છે. વિરાજ એને ઊંચકે છે. ઉપરનું નામ વાંચે છે. ધીમે રહીને ‘મનસી’ પાસે જાય છે.)
વિરાજઃ
|
માનસી… માનસી આમ જો તો…
|
વિરાજઃ
|
માનસી, જો; મન અને મગજને એકદમ સ્વસ્થ રાખીને જવાબ આપજે. તારે એક યુવાન છોકરાનું… કોઈ પણ એક યુવાન છોકરાનું નામ લેવાનું હોય તો તું શું કહે?
|
(વિરાજ હાથથી એમને અટકાવે છે.)
માનસીઃ
|
પત્રમિત્ર. (એકદમ યાંત્રિક રહીને જવાબ આપે છે.)
|
વિરાજઃ
|
માનસી… આજે હું તને એક નવું નામ આપું… આ જો… આ શું છે?
|
વિરાજઃ
|
કોઈનો નહિ, તારો પત્ર છે… તારા ઉપર લખાયેલો પત્ર છે.
|
માનસીઃ
|
(ઊભી થઈ જાય છે.) કોનો છે?
|
વિરાજઃ
|
From … મયંક પુરોહિત… કોણ છે આ?
|
માનસીઃ
|
હું નથી જાણતી. કદાચ પપ્પાનો હશે.
|
વિરાજઃ
|
ના… એ તારે નામે જ છે… લે વાંચ… ચલ ત્યારે હું જઈશ…Bye.
|
માનસીઃ
|
વિરાજ… એક મિનિટ… (વિરામ)
|
(આ દરમ્યાન માનસી પત્ર ખોલીને વાંચવા લાગે છે.) (થોડું અટકીને વિરાજ વિશ્વેશ પાસે આવે છે.)
વિરાજઃ
|
અંકલ, આ ‘સોરી’ શબ્દમાં સારપનો રણકો સાંભળ્યો?
|
(આ સાથે જ વિરાજ ‘Exit’ લઈ લે છે અને ધીમે ધીમે વિશ્વેશ અંદર ચાલ્યા જાય છે. આ દરમ્યાન coverમાંથી માનસી પત્ર બહાર કાઢે છે અને નેપથ્યમાંથી પત્ર વાંચવાનો એક ‘પુરુષ’ અવાજ આવે છે.)
|
પહેલા જ પત્રમાં નામની આગળ સંબોધન કે વિશેષણના વળગણને જાણીને ટાળ્યું છે. કારણ કે હમણાં તો પરિચયની ઔપચારિકતાથી જ સામાન્ય શરૂઆત કરવી છે. હું ‘મયંક પુરોહિત’, દિલ્હીમાં રહીને એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું. આનાથી વધુ પરિચયની જરૂર માનતો પણ નથી અને ઇચ્છતો પણ નથી. ‘તારું સરનામું ક્યાંથી મેળવ્યું?’ આવો તુચ્છ પ્રશ્ન તને મનમાં નહિ જ ઊઠે એની ખાતરી છે.
|
|
ફાટફાટ થતી ગાંસડીમાં આખું આકાશ ભરીને તને પત્રમાં સંદેશા પાઠવવાનું મન છે. પણ અક્ષરોને જાણે આંગળીના ટેરવે બેઠેલા કોઈ ચોકીદાર અટકાવે છે, ‘અરે! પહેલા જ પત્રમાં આમ…!’ જવા દે; મારે લાગણીના વહેણમાં ડૂબવું નથી, તરવું છે. પાંપણની ઓથે. કીકીઓની પગથારે.
|
|
ગગનમાંથી સિતારાઓ ખરતા નથી એ તો ફક્ત સ્થિર થવા માટે જગ્યા જ બદલે છે. એમ મારી ઊર્મિઓએ આ પત્રના પારેવા દ્વારા સ્થળાંતર કર્યું છે તારી આંખોમાં. સ્થિર થઈ કે નહિ જણાવીશ.
|
(મનસી પત્ર પૂરો કરે છે. કવર ઉપાડીને જુએ છે. એના પર લખેલું સરનામું વાંચે છે.)
માનસીઃ
|
મયંક પુરોહિત, ૨૨/કૅનોટ પ્લે, ન્યૂ દિલ્હી–૪
|
(અને કવરને પહોળું કરે છે ત્યાં અંદરથી કેટલાંક સૂકાં ગુલાબની પાંખડીઓ સરી પડે છે અને આ સાથે દૃશ્ય પૂરું થાય છે.)
(Blackout)
દૃશ્ય ૪
(વિશ્વેશ ડૉ. ઋષિ સાથે ફોન પર વાત કરી રહ્યા છે.)
વિશ્વેશઃ
|
હલ્લો… કોણ ઋષિ? વિશ્વેશ વાત કરું છું… આવી ગયો Bombay? કેવી રહી દિલ્હીની Tou?… હા… હાહા… મળી ગયો છે. વિરાજ આવી હતી. એની હાજરીમાં જ આવ્યો… ભલે ત્યારે અનુકૂળ હોય ત્યારે આવી જજે. ભલે ત્યારે… મૂકું છું.
|
(ત્યાં અંદરથી માનસી હાથમાં એક Letter pad અને પત્ર લઈને પ્રવેશે છે.)
વિશ્વેશઃ
|
હલ્લો બેટા… How are you?
|
વિશ્વેશઃ
|
બોલ… કંઈ લાવવાનું છે તારે માટે. કોઈ નવાં પુસ્તકોનું list બનાવ્યું છે?… કે પછી કોઈ નવી લાઇબ્રેરીનું લવાજમ?
|
માનસીઃ
|
હમણાં તો એક જ વસ્તુની Demand કરું છું…
|
માનસીઃ
|
થોડાંક letter pads અને ગુલાબી કવરોનો એક Bunch જોઈએ છે.
|
માનસીઃ
|
પત્રોની શૃંખલા શરૂ કરવી છે.
|
માનસીઃ
|
મયંક પુરોહિત સાથે.
|
માનસીઃ
|
દિલ્હીનો મારો નવો પત્રમિત્ર.
|
વિશ્વેશઃ
|
ન ગમતા ઇતિહાસનું પુનરાવર્તન કરવું છે પાછું?
|
માનસીઃ
|
હા… કારણ કે મારી ભૌગોલિક પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
|
વિશ્વેશઃ
|
પણ ઇતિહાસ તારા માટે ઘાતક નહોતો પુરવાર થયો?
|
માનસીઃ
|
ઇતિહાસ તો ઉજ્જ્વળ હતો બસ એની પરાકાષ્ઠા જ અણગમતી પુરવાર થઈ. મારી નવલકથાનો અંત મને જોઈતો’તો એવો ન આવ્યો.
|
વિશ્વેશઃ
|
એટલે તારી વાર્તાને તું હવે વળાંક આપવા માંગે છે?
|
માનસીઃ
|
હા… ભદ્રિક ભાવસારથી મયંક પુરોહિત સુધી.
|
વિશ્વેશઃ
|
With you all the best બેટા… પણ મને ડર છે કે એક સૂર્યાસ્ત ્જોયા પછી… બીજા સૂર્યોદયને જીરવી શકીશ?
|
માનસીઃ
|
પપ્પા… આવતીકાલે સૂર્યોદય થવાનો છે એવો વિશ્વાસ દરેકને હોય છે અને કદાચ એટલે જ સૂર્યાસ્ત વખતે કોઈ કલ્પાંત નથી કરતું.
|
વિશ્વેશઃ
|
તારા સૂર્યોદયને શત શત પ્રણામ બેટા…
|
(અંદર ચાલ્યા જાય છે. આ દરમ્યાન ટેબલ પર માનસી પત્ર લખવા બેસે છે. આ ક્રિયા ચાલુ હોય છે એ દરમ્યાન clinic પર lights fade in થાય છે.)
વિરાજઃ
|
કેવી રહી દિલ્હીની Tour?
|
વિશ્વેશઃ
|
કયા સંદર્ભમાં છે આ પ્રશ્ન?
|
વિરાજઃ
|
તમે જાણો છો સર… કે આ પ્રશ્ન કયા સંદર્ભમાં છે.
|
વિશ્વેશઃ
|
દિલ્હીથી માનસીને પત્ર લખાઈ ગયો અને હવે સતત એ સરનામેથી એને પત્રો મળતા રહે એવી જોગવાઈ પણ થઈ ગઈ છે. પણ ઘણું અઘરું છે હું વિરાજ…
|
વિરાજઃ
|
મશહૂર સાઇકિયાટ્રિસ્ટ ડૉ. ઋષિ માટે કોઈ વાત અઘરી હોઈ શકે ખરી?
|
વિશ્વેશઃ
|
હા! એમાંય જ્યારે દીકરીની ઉંમરની છોકરીને યુવાન થઈને પત્ર લખવો પડે ને ત્યારે તો મણ મણના બોજાનો ભાર વહન કરવો પડે છે.
|
વિરાજઃ
|
It’s part of profession, Sir?
|
વિશ્વેશઃ
|
I know. It’s a part of profession વિરાજ; પણ આ કિસ્સામાં તો આપણે છીએ રૂ જેવા અને નીકળ્યા છીએ અત્તરનો સોદો કરવા.
|
વિરાજઃ
|
આ જ તો દિલની દિલાવરીનો વેપાર છે સર; સુગંધને થોડી બાંધી રખાય છે?
|
(fade in અને તરત જ lights માનસી પર… પત્ર પૂરો કરીને Pen મૂકે છે… પત્ર વાંચે છે.)
|
તેં તો મને બાંધી લીધી. પહેલા જ પત્રની સાંકળથી. ઘણા લાંબા વખતે કોઈને પત્ર લખવા બેઠી… પણ એ ‘કોઈ’ એક જ પત્રથી પોતીકું કેમ લાગવા માંડ્યું? મારું મન સાવ એકલું પડીને ચોપાટની રમત રમતું’તું. અને બન્ને બાજુએથી પાસા નાખતું’તું. મારી જીત પણ મારી હતી અને હાર પણ… પણ એ ખાલીપાને એક હૂંફાળા મઘમઘાટથી ભરી દેતો તારો પત્ર આવ્યો. ‘તું’ જ કહું છું… ‘ચાલશે ને?’ ચલાવવું પડશે.
|
|
ભાંગેલા હડપ્પાના પ્રાણપ્રતિષ્ઠા જેવો તું… બંધ પડેલા ફોનના અચાનક શરૂ થતા રણકાર જેવો તું… અને… અને ભેંકાર રણમાં ઊગી આવેલા લીલા કૅક્ટસ જેવો ‘તું’… વિચિત્ર લાગે છે ને મારી ઉપમાઓ?… હું છું જ વિચિત્ર… મને સાંખી લેજે…
|
|
અને હા.. મરનારનું મૂલ્યાંકન ડાઘુઓની સંખ્યા પરથી કરવામાં આવતું હોય… નદીની પ્રતિષ્ઠા માછલીઓની સંખ્યા પરથી આંકવામાં આવતી હોય એવા દેશમાં મારા શબ્દોથી મને ના મૂલવતો…
|
(છેલ્લા વાક્ય દરમ્યાન ડૉ. ઋષિ અને વિરાજ પ્રવેશે છે અને માનસી થોડી છોભીલી પડી જાય છે.)
માનસીઃ
|
હેલ્લો ડૉ. અંકલ, હલ્લો વિરાજ… ક્યારે આવ્યા… અંકલ દિલ્હીથી? અને મારા માટે શું લાવ્યા?
|
ડૉ. ઋષિઃ
|
બહુ અઘરો પ્રશ્ન છે દીકરા… ક્યારે આવ્યો એ પ્રશ્નનો જવાબ આપી શકીશ… પણ શું લાવ્યા માટે એટલું જ કહીશ કે હું આખો આવ્યો… સાંગોપાંગ.
|
માનસીઃ
|
શું કરી આવ્યા દિલ્હી જઈને?
|
ડૉ. ઋષિઃ
|
બસ… ત્યાં પણ તારા જેવા અનેક… એટલે કે અનેક મિત્રોને મળી આવ્યો.
|
માનસીઃ
|
કે અચકાઓ છો અંકલ? એમ કેમ નથી કહેતા કે મારા જેવા અનેક દર્દીઓને મળીને આવ્યા… માનસિક રીતે અસ્વસ્થ દર્દીઓને.
|
વિરાજઃ
|
તારા જેવા? તું ક્યાં પેશન્ટ છે?… અને ડૉક્ટરને તો આ બધું રોજનું છે. By the way માનસી; હમણાં અમે લોકો આવ્યાં ત્યારે તું કંઈક લખેલું વાંચી રહી હતી ને? શું છે?
|
માનસીઃ
|
તમે મને તે દિવસે જતાં જતાં એક letter નહોતો આપી ગયા… I mean તમારી હાજરીમાં જે letter આવ્યો’તો. એ મારો દિલ્હીનો નવો Penfriend ‘મયંક પુરોહિત’.
|
ડૉ. ઋષિઃ
|
મયંક પુરોહિત? વાહ, સરસ નામ છે… દિલ્હીનો છે એટલે ક્યારેક મળાશે પણ ખરું…
|
માનસીઃ
|
ખૂબ જ સરસ પત્રો લખે છે? એકદમ લાગણીથી લથબથ…
|
{{ps |વિરાજઃ| ભીંજવી જાય એવી લાગણી કે તાણી જાય એવી?
માનસીઃ
|
વિરાજ! મોરપીંછનું પૃથક્કરણ કરી શકાય ખરું? નહિ ને? તો પછી લાગણીઓની વ્યાખ્યા આપવાનું પણ બંધ કરીએ… મનજી… એય મનજી… ડૉ. અંકલ અને વિરાજ માટે કૉફી લઈ આવ…
|
ડૉ. ઋષિઃ
|
ના… મનજીના હાથની નહિ! અમારે તો તારા હાથની જ કૉફી પીવી છે.
|
માનસીઃ
|
ભલે! હમણાં જ લઈ આવું…
|
(જાય છે.)
ડૉ. ઋષિઃ
|
જોયું, વિશ્વેશ… એક જ પત્રથી આ છોકરીમાં કેટલો ફરક પડી ગયો?
|
વિરાજઃ
|
અને હજુ તો શરૂઆત છે. લાગે છે આપણે ધાર્યાં નિશાન પાર પાડી શકીશું.
|
વિશ્વેશઃ
|
દીવાસળી પેટાવીને હાથ શેકવા તો નથી જઈ રહ્યાં ને આપણે?
|
વિરાજઃ
|
દીવાસળી તો પેટાવી છે પણ એનાથી જ શરૂઆત કરશું ધીમી આંચની.
|
વિશ્વેશઃ
|
અને ક્યારેક… ક્યારેક મયંક પુરોહિતનું પ્રકરણ ‘ભદ્રિક ભાવસાર’ પુરવાર થયું તો?
|
ડૉ. ઋષિઃ
|
‘ભદ્રિક ભાવસાર’ માનસીની જિંદગીના પુસ્તકમાં આવેલું એક જર્જરિત પાનું હતું… એ આવ્યો… એના પત્રોથી મનસીના માનસ સામે રમ્યો અને દુનિયાની અજાણી હવામાં ઓગળી ગયો. બસ…
|
વિશ્વેશઃ
|
પણ મારી માનસીને તો જીવતા જીવત જ…
|
વિરાજઃ
|
એવું મયંક પુરોહિતના કિસ્સામાં નહિ થાય અંકલ… દરેક સવાર સરખી નથી હોતી. ભદ્રિકના કિસ્સાને ભૂલી જાઓ.
|
(આ દરમ્યાન ટ્રે સાથે માનસી આવી ગઈ હોય છે અને વિરાજનો સંવાદ સાંભળી જાય છે.)
માનસીઃ
|
‘ભદ્રિક’નું નામ કેમ લીધું?… મારી જિંદગીના કોરાકટ કાગળ પર આવીને શૂન્યતાનો ગુણાકાર કરી ગયો… સાલ્લો… મારી ચકચકિત ભાવનાઓને કાટ ચડાવી ગયો. મારી આંખોના કૂવાને છલકાવી ગયો… મારા પ્રત્યેક સ્મિતની કિંમત આંસુથી ચૂકવવી પડે મારે. ફૂલશય્યા જાણે હિમશય્યા સાબિત થઈ મારા માટે… ‘ભદ્રિક ભાવસાર’… પણ તોય હજુય… હજુય ક્યારેક તેનું નામ મારા કાનની બૂટ લાલ કરી જાય છે…
|
(એકદમ mood change…)
ટેન ટે ડેન. સુસ્તી ભગાને કા એક હી ઉપાય ગરમાગરમ કૉફી યા ચાય?
દૃશ્ય ૫
(નેપથ્યમાંથી ‘મયંક પુરોહિત’નો અવાજ માનસી એકલી મંચ પર બેસીને એનો પત્ર વાંચી રહી છે અને રાતનો સમય છે.)
|
તારી વિચિત્રતા ગમી… સ્પર્શી ગઈ અને એટલે આવતા પત્રથી નામની આગળ વિશેષણ મૂકવું પણ ગમશે. હું કૅક્ટસ છું તો તું મારી એકમાત્ર મિલકત લીલાશ છે. આપણું બધાનું જ એવું છે. સ્નેહના સુંવાળા શબ્દો વાપરીને જે પ્રેમ વ્યક્ત કરીએ છીએ આપણે. બીજા જ પત્રમાં આ અતિશયોક્તિ લાગે તોય ભલે… આપણે બધાં પીંછાં પણ નથી અને પાંદડાં પણ નથી તોય સતત ખરવાનો ભય લઈને જીવીએ છીએ એવા સમયમાં તારી આંખમાં એકત્ર થઈ જવું છે.
|
મયંક…
(માનસી આટલું વાંચવાનું પૂરું કરીને લખવા બેસી જાય છે. નેપથ્યમાંથી માનસીનો જ અવાજ.)
|
જેમ જેમ પત્રો મળતા જાય છે એમ એક છબી કંડારાતી જાય છે. મારી આંખોનો એકેએક ખૂણઓ મેં ખાલી રાખ્યો છે તારે માટે આવ અને ભરી દે એને…
|
|
મને થવું તરબોળ હવે તો ભીની ભીની
|
|
તું વરસાદી વાતો લઈને આવ સજનવા
|
મયંકઃ
|
સમજી ગયો… પણ સમજણ અધીરાઈમાં રૂપાંતરિત થઈ રહી છે. દીવા અને અંધકારની વચ્ચે એક જ અંતરાય હોય છે. જ્યોતિની… આવું અને ફૂંક મારીને ઓલવી નાખું તને?
|
|
તારી ફૂંકની આતુરતાપૂર્વક રાહ જોઉં છું. આ પત્રને તાર સમજીને મને મળવા દોડ્યો આવ. બરફનું ચોસલું માનીને મને આખેઆખી સાંગોપાંગ કંડારી નાખ. કારણ કે મારી દશા તો આવી થઈ ગઈ છે કે–
|
|
કાલ સુધી તો રમત હો ચાંદાપોળીની સજનવા
|
|
આજ અચાનક ગાંઠ ખૂલી જાય ચોળીની સજનવા…
|
(આ સાથે પ્રકાશ અન્ય પર જાય છે. વિરાજ, ડૉ. ઋષિ અને વિશ્વેશ વાત કરી રહ્યા છે.)
ડૉ. ઋષિઃ
|
એટલે હવે એ મયંકને મળવા માટે આતુર થઈ છે એમ જ ને?
|
વિશ્વેશઃ
|
હા… પણ એ કેવી રીતે શક્ય છે? માંડ માંડ સાજી થયેલી મારી માનસીને આ ઘેલછા પાછી… પાછી…
|
વિરાજઃ
|
ગાંડી નહિ કરી મૂકે… આપણી કલ્પનાના સામ્રાજ્યમાં જો ‘મયંક પુરોહિત’ ઉદ્ભવી શકતો હોય તો વાસ્તવિકતાની ધરતી પર આ પાત્ર સજીવન ન થઈ શકે?
|
ડૉ. ઋષિઃ
|
એટલે વિરાજ; તમે એમ કહેવા માંગો છો કે કોઈ યુવાનને ‘મયંક પુરોહિત’ બનાવીને…
|
વિશ્વેશઃ
|
ફરી એક વાર છેતરપિંડી…?
|
વિશ્વેશઃ
|
પણ એ કઈ રીતે શક્ય છે?
|
ડૉ. ઋષિઃ
|
વિશ્વેશ, કાળા માથાનો માનવી રૉબર્ટ બનાવતો થઈ ગયો… તો શું એક જુવાનજોધ છોકરો શોધીને એને ‘મયંક પુરોહિત’ના વાઘા નહિ પહેરાવી શકે?
|
ડૉ. ઋષિઃ
|
(આ સાથે જ clinic પરથી ઋષિ, વિરાજ અને વિશ્વેશ ઘર તરફ Turn થઈ જાય છે અને ઘર પર પ્રકાશ આવે છે.)
|
ડૉ. ઋષિઃ
|
માનસી… હાય માનસી…
|
માનસીઃ
|
હલ્લો! ડૉ. અંકલ હાય વિરાજ… તમને ખબર છે આજે મયંક આવી રહ્યો છે.
|
વિરાજઃ
|
અમને ખ્યાલ છે. અમે જ તો એને લેવા ગયાં’તાં.
|
ડૉ ઋષિઃ
|
હા… તને Surprise આપવા… ચાલ જાઉં; આંખ બંધ કર તો…
|
(માનસી આંખ બંધ કરે છે. ‘ઋષિ’ મયંકને બૂમ પાડીને બોલાવે છે. ‘મયંક પુરોહિત’ની entry)
મયંકઃ
|
માનસી… માનસી હું તારી સમક્ષ છું… મને ભૂલી જાય એટલી તીવ્રતાથી આંખો ઉઘાડ.
|
(માનસી આંખો ઉઘાડે છે. આશ્ચર્યથી મયંકને જોઈ રહે છે અને ધબ્બ કરતી બેસી જાય છે.)
મયંકઃ
|
ભીની ભીની રાતો અને વરસાદી વાતો લઈને હું હાજર છું. માનસી તારી આંખોમાં એકત્ર થવા માટે… તને ફૂંક મારીને ઓલવી નાખવા માટે હું આવી ગયો છું માનસી…
|
વિરાજઃ
|
માનસી! તારા પત્રમિત્ર ‘મયંક પુરોહિત’ને નથી ઓળખતી તું?
|
ડૉ. ઋષિઃ
|
દિલ્હીથી ખાસ તારી Demand પર આવ્યો છે.
|
વિશ્વેશઃ
|
માનસી! બેટા, શું વિચારે છે તું.
|
મયંકઃ
|
મને… મને વિચારે છે તું… બરફના ચોસલા જેવી તને હું ક્યારે સાંગોપાંગ કંડારું એ વિષે જ વિચારી રહી છે ને તું?
|
ડૉ. ઋષિઃ
|
સતત વિચારતાં રહેવું એ તો માનસીનો શોખ છે. નહિ માનસી?
|
વિશ્વેશઃ
|
અને વિચારોના ઘોડાને પલાણીને પહોંચી જવું મયંક પાસે.
|
મયંકઃ
|
હા… માનસી આવી જા મારી પાસે તારા મનનાં કમાડ ઉઘાડીને! હું પ્રત્યક્ષ છું તારી સામે.
|
વિશ્વેશઃ
|
આટલા મહિનાઓથી સતત જેની સાથે સંપર્ક રાખ્યો એને નથી મળવું તારે?
|
મયંકઃ
|
લખાયેલ શબ્દો દ્વારા તેં એકસરખી વાતો કરી છે મારી સાથે.
|
વિશ્વેશઃ
|
હવે તારા મીઠા અવાજનો ઉપયોગ કર… વાત કર એની સાથે.
|
મયંકઃ
|
મારી આંગળીના ટેરવેથી ક્ષણોનાં પતંગિયાં ઊડીને તને મળવા દોડી આવ્યાં છે. માનસી હું જ તારો મયંક.
|
માનસીઃ
|
ના… ‘તું મયંક પુરોહિત નથી’… ‘તું મયંક હોઈ જ ન શકે.’
|
ડૉ. ઋષિઃ
|
અરે પણ તેં એને ક્યાં પ્રત્યક્ષ જોયો છે?
|
માનસીઃ
|
મેં મયંકને જોયો છે. પ્રત્યક્ષ મળી છું હું એને. મેં જોયો છે એને મનની આંખોથી.
|
વિશ્વેશઃ
|
એ તારા મનના આરસ પર કોતરાયેલો એક ચકચકિત વિચારમાત્ર છે.
|
વિશ્વેશઃ
|
લાગણીના વમળમાં તું તણાઈ જાય એ પહેલાં વાસ્તવિકતાના તરાપાને ઝાલીને બહાર આવી જા માનસી.
|
વિરાજઃ
|
ઓળખ આને! આ જ તારો મયંક છે.
|
ડૉ. ઋષિઃ
|
માત્ર વિચારની માટીથી ઘડાયેલો આકાર.
|
વિશ્વેશઃ
|
તારા જ શબ્દોની માયાજાળ… અક્ષરોનું ષડ્યંત્ર.
|
મયંકઃ
|
હું જ તારું સ્વપ્ન.
|
વિરાજઃ
|
એ પત્રોને એક દુઃસ્વપ્ન માનીને ભૂલી જા… અને સ્વીકાર કર તારા વર્તમાનને.
|
મયંકઃ
|
ફૂંક મારીને ઓલવી નાખું તને?
|
માનસીઃ
|
ના… ના… ના… તું મારો મયંક નથી. મેં જોયો છે મયંકને… મારા હૃદયની આંખથી જોયો છે. એની એક નખશિખ છબી કંડારી છે મેં મારા મનમાં. એ છબીની ફ્રેમમાં આ વ્યક્તિ ફિટ નથી બેસતી. મારા બનાવેલા ‘મયંક પુરોહિત’ના બીબામાં આ માણસ ક્યારેય ઢળાઈ ન શકે. આ ગમે તે હોઈ શકે… પણ… પણ… ઓહ… ઓહ… આ એક પછી એક વીંઝાતી જાતી તલવારોનો હિસાબ હું કઈ રીતે રાખી શકું? કઈ રીતે સ્મૃતિના બોરને ચાખવાનું બંધ કરું? સદીઓથી ચાલી નથી અને છતાંય મારી અંદર… કોઈ સતત થાકી રહ્યું છે. એવું તમને બધાને નથી લાગતું. ભદ્રિક નામની તલવારનો ઘા રૂઝાય ન રૂઝાય ત્યાં તો મયંકનો લસરકો લોહીઝાણ કરી ગયો. (સ્મિત સાથે) પણ તોય… ઘાયલ થવાની મજા પડી ગઈ… જેવી મજા તમને પડી મારી સાથે રમત કરીને! તમને ખબર છે… “એક માણસ કોઈના સોનેરી વાળ જોઈને પ્રેમમાં પડ્યો અને પછી આખા શરીરને પરણવાની ભૂલ કરી બેઠો.” જે પત્રોના પારેવાને પંપાળતાં પંપાળતાં… સુંવાળપ અનુભવતી’તી એ ક્યારે બાજ બની ગયું એની ખબર જ ન પડી.
|
|
રંજ એ વાતનો નથી કે મારા ભાગ્યમાં મારા વાલમનું નામ સરનામું વાંચી ન શકાયું અને મારી જિન્દગીનો પત્ર અહીં-તહીં ભટક્યા કર્યો. રંજ તો એ વાતનો છે કે મારી જિન્દગીનો સમગ્ર પત્ર મેં લખી નાખ્યો. અને… અને સરનામું જ ખોવાઈ ગયું… ‘મુકામ પોસ્ટ હૃદય’ હંઅ… (હાસ્ય) ક્યાં છે હૃદય… ક્યાં છે હૃદય? શક્યતાના બ્રહ્માંડમાં શૂન્યતા સાથે હું સંચાર કરવા નીકળી… બાવડાં ઘેરે ભૂલી દરિયાઓ તરવા નીકળી… (Mood change)
|
|
સાંજ ભર્યા ધુમ્મસમાં ખરબચડું ઝાડ સાવ બની ગયું
|
આ બાજુ પોતાના કલરવમાં ડૂબી જતી ચકલી પોતે જ
એક કિસ્સો.
(થોડી વાર માટે બધાં જ શાંત થઈ જાય છે ત્યાં જ ભદ્રિક ભાવસાર પ્રવેશે છે.)
{{ps |ભદ્રિકઃ| હાય! I am ભદ્રિક ભાવસાર… માનસી છે?
(માનસી ભદ્રિકની સામે જોઈ રહે છે અને જોરથી પોતાની જાત પર હસતી હોય તે રીતે હસી પડે છે. હસતી રહે છે.)
(પ્રસિદ્ધ એકાંકીઓ)