કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૨.અંતિમ ઇચ્છા
Revision as of 04:38, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨.અંતિમ ઇચ્છા|}} <poem> <center>૧</center> ને વૃદ્ધ હાથે પકડી બપોરના તું હ...")
૨.અંતિમ ઇચ્છા
ને વૃદ્ધ હાથે પકડી બપોરના
તું હોય રામાયણ વાંચતી સખી
ઝીણાં કરી લોચન બે નમીને;
ને વિપ્રલંભે કૃશકાય આકુલા
કારુણ્યમૂર્તિ અહ દગ્ધ જાનકી
ઊભી રહી હો તુજ નેત્રની નીચે
પૃષ્ઠો પરે જીર્ણ; જરાક રમ્ય
મોતી ઝઝૂમે ચખ વૃદ્ધમાં;
કહું?
ત્યારે અનુજ્ઞા લઈ ઇન્દ્રની સખી
પતંગિયું એક બની સુવર્ણનું
આવીશ પૃષ્ઠો પર બેસવા ક્ષણ.
ઊંચી તમારી પ્રિય પુષ્ટ કાયા
નાહ્યા પછી રોજની જેમ હાથમાં
પ્રવેશશે છાબ લઈ, અજસ્ર
મોંથી હસે મંત્ર ઝરંત, સિક્ત
નમેલ બે સ્કંધ પરે પ્રશસ્ત
ઢળ્યો હશે આતપ સ્હેજ હે સખે
વિશ્રબ્ધ મારા મુખ-શો; ધીમે ધીમે
આવી અહીં આંગણમાં કરેણની
ડાળી પરે દક્ષિણ હાથ દીર્ઘ
લંબાવશો; કંપતી અંગુલિ થકી
થશે જરી સ્પર્શ ત્યહીં જ હું પ્રિયે
ગરીશ (રાતું ફૂલ) રોજ છાબમાં.
(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૧૯-૨૦)