કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૬.પતંગિયું

From Ekatra Wiki
Revision as of 04:47, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬.પતંગિયું|}} <poem> વાયુ તણી આ ડમરી મહીં અરે આવી તણાયું મૃત કો’...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૬.પતંગિયું

વાયુ તણી આ ડમરી મહીં અરે
આવી તણાયું મૃત કો’ પતંગિયું
પડ્યું અહીં ફર્શ પરે વિશીર્ણ.
જ્યાં ઊંચકી અંગુલિએ હથેલીમાં
મૂકી રહું છું નીરખી :
પ્રકંપિતા
રંગો તણી સૃષ્ટિ સુરમ્ય શૈશવી
હથેલીમાં દક્ષિણ રે ઝૂલી ઊઠી :
કુમારીના કાંચનકેશ ફરફર્યા !
ને અશ્વની પીઠ પરે રતૂમડી
હલ્યા કરે મોજડી વામદક્ષિણે !
મોતી ચૂગે હંસ સરોવરે
ત્યહીં
ફરી સપાટા મહીં ચંડ વાયુના
હથેલીથી છિન્નવિછિન્ન થૈ બધે
ચતુર્દિશે શા ટુકડા ઊડે અરે !
પતંગિયું એક સુરમ્ય, શું થયું !
રાતાલીલા આ ટુકડા સ્મૃતિ સમા
પડ્યા બધે ફર્શ પરે અહીં તહીં !
એ સર્વને સાંધી શકું ન દૃષ્ટિથી !
પતંગિયું. ફર્શ. વ્યથા. રતૂમડી
શી મોજડી ! કાંચનકેશ;
હાથમાં
થેલી લઈ ચંપલ પ્હેરી ચાલતો
કચેરીએ, શી પલકે પુનઃ પુનઃ
દૃષ્ટિ :
અરે એક સુરમ્ય, શું થયું ?
પતંગિયું એક સુરમ્ય, ક્યાં ગયું ?
(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૪૬-૪૭)