કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૧૨.માણસની વાત
બત્રીશ વરસથી
થરકતા
દીવાની વાટમાં જોઉં છું :
દીપકના બે દીકરા
કાજળ ને અજવાસ.
‘આ તો ચંડાળનું ઘર છે’ એમ માનીને
ચંદ્ર પોતાની ચાંદની ત્યાંથી લઈ લેતો નથી.
હું કમળોને શોભા આપીશ એવી પ્રતિજ્ઞા
સૂર્યે કોઈની પાસે લીધી છે ?
જો હાથી કાદવમાં ખૂંચી ગયો હોય તો
તેને બહાર ખેંચી કાઢવાની તાકાત
હાથી જ ધરાવે છે.
રાહુના મુખમાં પડ્યો હોય તોપણ
સૂર્ય કમળનાં વનોને વિકસિત કરે છે.
પણ ઉનાળાની નદીઓ
એક દેડકાને પણ ઢાંકી શકતી નથી
અને તેથી તો
સરસવનો દાણો નાનો હોય છે
અને કડવો હોય છે
છતાં પણ પોતાની ગોળાશ છોડતો નથી.
તેમ છતાં
છેદો, તપાવો, ઘસો કે ટીપો
પણ નદીઓ પોતાનાં જળ પી જતી નથી.
અને વડવાનલ હંમેશાં સમુદ્રને બાળે છે
છતાં કાચબો પોતાની પીઠ પર
પૃથ્વીને ધારણ કરે છે.
પણ ધારો કે
સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગે
પર્વતની ટોચ પરની શિલા પર કમલ ઊગે
અને ક્લિયોપેટ્રા દાસીના સ્તનમાં
સોનાની ટાંકણી ઘોંચે
અને આપણે
વાસના અને બુદ્ધિ વચ્ચે સંઘર્ષ થાય તો
બુદ્ધિને સ્વીકારીએ
વાસનાને નહીં.
આખલાની ખાંધમાં
ઝગમગી રહેલી તલવાર
ધીરે ધીરે અદૃશ્ય થવા માંડે
અને આંખોમાં બુદ્ધિ ચમકવા માંડે –
કપાળની નીચેના ભાગમાં
આગળની બાજુ બે ખાડા છે તે આંખ માટે છે.
એ ખાડામાં
જીવતા માણસોનાં મીણનાં પૂતળાં બનાવતો નરરાક્ષસ
મેલી વિદ્યાની આસુરી પ્રવૃત્તિ ધરાવતી સુંદરીને
બાડી આંખથી તાકી રહ્યો છે.
બંનેની વચ્ચે છે કમ ખર્ચનાં રોલિંગ શટરો –
જેની પર ખીલેલા કમળમાં
ભગવાન વિષ્ણુ જાગી ગયાનો ડૉળ કરે છે
અને દીપકના બે દીકરાને
આંખમાં આંજી
શાન્તાકાર બને છે.
ભુજગ પર શયન
શાન્ત આકાર
કમળ જેવી આંખો
પદ્મ જેવી નાભિ
મેઘ જેવો રંગ
હું રોલિંગ શટર છું.
મને છેદો, તપાવો, ઘસો કે ટીપો
પણ હું અહીં જ ઊભો રહીશ.
કાજળ અને અજવાસની વચ્ચે જ હું
રોલિંગ શટર થઈને પડ્યો છું.
ક્લિયોપેટ્રા દાસીની કમળ જેવી છાતી પર બેઠેલ
વિશ્વાધાર ભગવાન વિષ્ણુના કપાળમાં
બરાબર વચ્ચે
કે આજુબાજુ
સોનાની કે લોખંડની ટાંકણી
ઘોંચી શકે છે
એ હકીકતને ભૂલવા
રોલિંગ શટર પરથી રોજ
પ્રેમની કળીઓ આળસ મરડે છે.
ઓછા ખર્ચનાં રોલિંગ શટરો પર લખેલું છે :
Specially prepared for lower standards.
શબ્દબ્રહ્મના ઊકળતા તેલમાં
મારાં બત્રીશ વર્ષ બળી ગયાં છે
છતાં મારો રંગ બદલાયો નથી
હું કમળ જેવું હસી શકું છું
ને શાન્ત રહી શકું છું.
મેં ભુજગને નાથ્યો છે એમ સ્વીકારી શકું છુ.
જન્મ પછી જેણે ક્યારેય
આંખ ઉઘાડી નથી
એ શબ્દને
નચિકેતાની આંખોથી સતત તાક્યા કરું છું –
પણ એને બાજુમાં હઠાવી શકતો નથી;
અને નાટકના જન્મની વાટ જોઉં છું.
ચમત્કાર
બની જશે જીવનમાં.
બની જશે જીવન કંઈ અશુંકશું
હિમાદ્રિ શિખરો પરે સુભગ દૃશ્ય દીપી ઊઠે
સફેદ કલગી ઝીણી...
મનુષ્યને ઓળખતો છતાંય હું
ચાહી શકું કેમ મને ?
તને ?
અને તેમને ?
તેમને મેં જોયા છે :
શાહમૃગના ઈંડામાંથી બનાવેલા
ટેબલલૅમ્પમાં
વલભીપુરનો નાશ નોંતરતા,
ખગોળભૂગોળની રસમય વાતો કરતા,
પુરુષાર્થની પતાકા ફરકાવતા,
હાંડલું તૂટવાની રાહ જોતા,
સત્તાનો ત્રિકોણ રચતા,
શોકજનક અવસાન ઊજવતા,
કાયદેસર ગર્ભપાતનો વિરોધ કરતા,
સમૂહસ્નાન કરતા,
દશેરાની શાનદાર ઉજવણી કરતા,
૫૪ ખાણિયાઓની ધરપકડ કરતા,
ફક્ત ચાર મહિનામાં રેડિયો એન્જિનિયર બનતા,
રાતોરાત
ગૉળના ભાવ વધારનારા વેપારીઓને
પ્રશ્નો પૂછતા,
રાજકારણની ભીતરમાં
સાપ્તાહિક દૃષ્ટિ કરતા,
સ્મૃતિનાં ખંડેરોથી ગભરાઈ જતા,
બાળકોની વર્તણૂકથી મૂંઝાઈ જતા,
મિસરની વિલાસી મહારાણી
ક્લિયોપેટ્રાની કથા પરથી
સર્જાયેલા ભવ્ય ચિત્રને જોવા
૧૨૦ માઈલ લાંબી ક્યૂમાં છેક છેલ્લે ઊભેલા
અને ૨૦ કરોડ રૂપિયા ખર્ચી નાખવા તૈયાર થયેલા
તેમને
ગઈ કાલે
‘આપના દાંત અને પેઢાંની સંભાળ’ વિશેની
મફત રંગીન પુસ્તિકા માટે
ટૂથપેસ્ટ ખરીદતા
મેં જોયા છે, હંમેશાં,
તેમને
તેમની આંખોમાં,
તેમનાં મોટાં માથાંમાં,
તેમની ઐતિહાસિક ભૂલોમાં,
તેમના સોનેરી લેબલમાં,
ટાઇટલ ક્લિયરના સોલિસિટરનાં સર્ટિફિકેટોમાં,
અભિનેત્રી પરના બળાત્કારમાં,
મેઇન રોડ પરના ફ્લૅટમાં,
બગીચાના ફુવારા પાસે,
મંદિરની મરમ્મતમાં,
તીખી સડકના ઓગળતા સપનામાં,
ટિંક્ચરની ૨૫ બાટલીઓ કબજે કરવામાં
મોરારજીભાઈની સભામાં ઉમદા ધૂમ્રપાન કરતા
તેમને
જેણે જોયા છે
તે
નવી દિલ્હીના રેલવેસ્ટેશને
ટિકિટબારી પર
સો રૂપિયાની બનાવટી નોટ રજૂ કરવાના
આરોપસર
પકડાયો નથી
કે ઘરમાં
ઘડિયાળ કપડાં અને ફાઉન્ટન પેનની ચોરી કરનાર ચોરને
એણે પકડાવ્યો નથી
પણ જાતને પૂછ્યું છે :
ઘડિયાળ વગરના બાજુના રૂમમાં ઊગી નીકળતા
નસકોરાનાં ઝાડને
ચાદરમાં લપેટી શકીશ ખરો ?
કપડાં વગરની પછીતોને વળતા
પરસેવાને
લૂછી શકીશ ખરો ?
અને ફાઉન્ટનપેન વગરની
તારી પીઠની બરાબર વચ્ચે
સ્ટીલના પૉઇન્ટ જેટલી
ખૂજલીના
ઊછળતા અબ્ધિમાં તરી શકીશ ખરો ?
મારા દીવાલો વગરના ઘરનાં બારણાં ખખડાવતા
ચોરને
હું મારી સાથે
સ્વપ્નની તિરાડોમાં
નાટક જોવા ખેંચી શકીશ.
મારી આંખો વગરની પાંપણોની સંદૂક ખોલતા
ચોરની પીઠને હું
મારા અવાજના રેશમથી લપેટી શકીશ.
મારી ફર્શ પર અહીંતહીં પડેલાં
ભૂરી ઊંઘનાં ભીનાં પગલાંને
હું ચોરપગલે લૂછી શકીશ.
તો પછી દરવાજા તાળાં કૂંચી કૂતરાં કમાડ શા માટે ?
આગળ પાછળ શા માટે ?
નજીક આઘા શા માટે ?
ઉપર નીચે શા માટે ?
કાગ કોયલ શા માટે ?
ડાઘ દરિયો શા માટે ?
વાત તમારી સાચી છે
આ પીઠ પવનની પડછાયામાં હલતી
તે પણ શા માટે ?
બીજ પછીથી ત્રીજ
અને આ આવ અગર તો જાવ
તમારા કામક્રોધના ભાવ બધુંયે શા માટે ?
અરે ભઈ
ચા માટે
કડક મઝેની ચા માટે.
મને ગમે આ ચા
અમારી બા
સપનામાં આવીને પાતી
ચા ચા ચા.
ચોર પીશે ચા
ચોર ભલે આવે અંધારે
અમે કરીશું દીવો
સપનાના ધાગામાં ડૂબે
મનમોહન મરજીવો.
અમે અમારી આંખોમાં
આ જુઓ મૂકી છે સીડી
ચોરપગલે આવો હરિવર
બબડે બાકસ-બીડી.
બીડી શા માટે ?
બાકસ શા માટે ?
ચોર બનીને પૂછો છો તો
ચોર બનીને કહેશું
ચોરી શા માટે ?
સૂરજ શા માટે ?
ખેતર શા માટે ?
ભીતર શા માટે ?
સવાલ શા માટે ?
જવાબ શા માટે ?
ઊછળતા અબ્ધિમાં ઘડિયાળ ડૂબે
રખડતી આંખમાં કપડાં ફફડતાં
ચોરી કરો તે ચાલશે
પણ શબ્દના દર્પણની ઉપર
તમારો પડછાયો પડે છે
તે જલદી ખેસવીને
જે જોઈતું હોય તે લઈને ચાલતી પકડો
જાવ જલદી ચાલ્યા જાવ.
પણ એ ન ગયો.
એણે તો
ઇયળની આંખમાં સપનું જોયું.
અને એણે આંખ આડા કાન કર્યા.
એ ખડખડાટ હસ્યો નહીં
કે દાંત કચકચાવ્યા નહીં.
એણે ઇયળને ગરુડ બનીને
ઊડતી કલ્પી.
એણે સતત કલ્પના કર્યા કરી.
એણે ભુજગ પર બેઠેલા વિષ્ણુનાં ચિત્રો આલેખ્યાં
અને વિષ પીતા શંકરની સ્તુતિ કરી.
એણે પાણી પર પથ્થરને તરવા મૂક્યા.
અને આ બધું જ
એણે, આંખ વગરની ઇયળની
આંખમાં બેસીને કર્યા કર્યું.
એ ફૂલ બનીને ખીલ્યો છે
ને ઝાડ બનીને ઝૂલ્યો છે.
એ દરિયો થૈ ડૂબ્યો છે.
ને પ્હાડ બનીને કૂદ્યો છે.
એ આભ બનીને તૂટ્યો છે
ને કાચ બનીને ફૂટ્યો છે;
છતાંય ખૂટ્યો નથી એનો કલ્પનાવૈભવ.
એક ઉજ્જડ રાનમાં તલાવડી
અધમણ સોનું સવામણ રૂપું
અમ્મર પહેરે ને ઝમ્મર ઝમ્મર ચાલે,
એ આંગણે વાવે એલચી ને ચાવે નાગરવેલ
કનકા કટોરામાં કેસર ઘોળે
ને કરે સીતાની પેદાશ.
એની કાચની બરણીમાં લવંગિયાં અથાણાં
ને કાગજ લખે કપૂરથી.
પાંખ વિના તે ઊડતો
ન પંખી ન વિમાન
પૂરવેગથી દોડતો
છતાં ન ચાલે ડગ
ડાળે ખીલે ફૂલડાં
ને મૂળમાં લાગે ફળ.
આનંદમાં ડૂબકાં ખવરાવે
અને રસમાં તરબોળ કરે
તારલાની ગાડી, હો રસિયા
કોણ કોણ હાંકે ? હો રસિયા
કોણ કોણ બેસે ? હો રસિયા
ચકોભાઈ હાંકે, હો રસિયા
ચકીવહુ બેસે, હો રસિયા.
તમે તો ચંપો ને મરવો રોપિયો
રે કંઈ મરઘો ચરી ચરી જાય
તને મારું રે મનમરઘલા
પણ આડા આવે છે
કાજળ ને અજવાસ
વચ્ચેનાં કમખર્ચના રોલિંગ શટરો
હું હઠાવી શકતો નથી
ને પટાવી શકતો નથી મારા પ્રાણને.
ને છતાં
બંધ આંખવાળાથી વિશેષ જોઈ શકતો નથી.
પગ વગરનાથી વિશેષ ચાલી શકતો નથી.
મન વગરનાથી વિશેષ મહાલી શકતો નથી.
કેમ કે
સ્વાર્થ માનવીના હૃદયસિંહાસન પર
નર્તન કરતો હતો ત્યારે યુનોનો જન્મ થયો,
કેમ કે સૌરાષ્ટ્ર જનતા ટ્રેન અકસ્માતમાંથી ઊગરી શકી,
કેમ કે ખાડિયામાં દારૂની ભઠ્ઠી પકડાઈ,
કેમ કે મહુવામાં ગોળીબાર થયો.
સુપના ! તું સુલતાન છે
ઉત્તમ તેરી જાત,
ઈરણા રાણી ચકચકતી અથડાતી આવે
સુપનામાં –
ઈરણાબારી કચકચતી અથડાતી ફૂટે
સુપનામાં –
ફોગટ આપણી ભરવા નીકળ્યા
રણવગડાની વેળુમાં પડછાયા
કાળા મેઘના રે
હેજી પલકાતી પાંપણમાં ઈરણા રડી પડ્યાં.
રડી પડ્યાં રે
કાજળ ઢળી પડ્યાં રે
કોરી પાંપણને પડછાયે ઈરણા રડી પડ્યાં.
પણ ઓ ઈરણા આંખ ઉઘાડો
જ્ઞાનવિવેકની વીજળી પેદા કરવા માટે
શક્તિનો પ્રચંડ ધોધ નાથવાનો છે,
મુંબઈમાં અઢી લાખનું સોનું પકડાવાનું છે,
શ્રમજીવી વર્ગને અનાજની પ્રાયોરિટી આપવાની છે,
વૃદ્ધોની જિંદગી ટકાઉ બનાવવાની છે,
ટ્રેન નીચે આવી જતા
ડાકોર સ્ટેશન પર
મૃત્યુ પામેલા સાધુને જિવાડવાનો છે,
મેલી વિદ્યા શીખવા પુત્રીનું માથું કાપવાનું છે,
ઉત્તમ તમાકુમાંથી બનાવેલી
કુશળ કારીગરોના હસ્તે તૈયાર થયેલી
કડક મીઠી
અને લહેજતદાર બીડી પીવાની છે,
કેમ કે
બધી જ વસ્તુઓ પ્રગતિ કરે છે,
આગળ જાય છે
તે સ્થિર થોભી રહેતી નથી
પાછળ જોવા રોકાતી નથી
કોઈ જ શક્તિ તેમને પાછળ રાખી શકે નહીં
તે આગળ, આગળ ને આગળ વધે છે.
મને ખબર છે કે
જીવનનાટકનો એક દિવસ પડદો પડવાનો છે
અને આ ધરતીનું દર્શન બંધ થવાનું છે
અને છતાં
નીલ નિરભ્ર આકાશમાં
રજનીને નિહાળવા
તારા જેમ આવતા હતા તેમ આવ્યા કરશે.
જાણું છું કે
ચગી શકે પર્વતની પીઠોમાં
પ્રલંબતાનો દરિયો
કમાડ, ખુલ્લાં હશે તે થઈ જાય બંધ,
ને બંધને
વાસી શકાય બહારથી.
ઘડિયાળની ચરબી મહીં
ખંજર હુલાવી ભાગશે,
મારો જ કોઈ મિત્ર
ને
આ
રોજ ગાડીના અવાજો આવતા.
ઊંઘમાં ઊંડે ઊંડે સુપના મહીં
કોઈ ગાડી છુક છુકા છુક આવતી
સ્ટેશને ઊભી રહેતી,
ચાલતી.
દૂર લીલી ટેકરી પાસે
વળાંકે
છુક છુકા છુક જાય,
વળતી વાંકમાં.
રોજ ગાડીના અવાજો આવતા.
રોજ ખરતી કાંકરી
મોટી છબિ ઝાંખી થતી દીવાલ પર,
દીવાલ પર
બા-બાપુજી-પત્ની અને ત્રણ બાળકોની
સાથે પડાવેલી છબિ ઝાંખી થતી
ખીલા પરે મજબૂત સાંકળથી
ખુદ બાપુજીએ ફિટ બાંધી છે દીધી,
વર્ષો થયાં પડતી નથી દીવાલ
પણ
છત ખરે છે રોજ
એના છિદ્રમાંથી ગોળ ચાંદરડાં
ગ
રે
ની
ચે
અને એ હલબલ્યાં કરતાં બપોરે ઊંઘમાં
ને, ગાડી નદીના પુલને ઓળંગતી
છુક છુકા છુક જાય છે ચાલી.
હું ભીંતને ટેકે ઊભો રહું
ભીંત :
મારી વૃત્તિઓ
આ વૃક્ષ
પથ્થર
ટેકરી
પાણી
હવામાં ઊડતાં પંખી
ટગરનાં ફૂલ
બત્તી
કાચબાની પીઠ જેવી સાંજ
મારી ભીંત
મારી ભીંતને આંખો નથી
ને આંખમાં ઊભી રહી છે ભીંત
મારી ચામડી થીજી ગયેલી ભીંત છે.
જે મને દેખાય તે પણ ભીંત છે
મારું નામ-ગામ – તમામ
મારું–તમારું–તેમનું જે કંઈ બધું તે ભીંત
આ બધાં તે ભીંતનાં દૃશ્યો
આ બધાં તે ભીંતનાં
ગુણો
કર્મો
સંખ્યા
વિશેષણ
નામ
અવ્યય
અ અને વ્યયને વિશે અવકાશ તે પણ ભીંત
ભીંતનું ચણતર ચણે તે હાથ મારા ભીંત.
તારતમ્યોનાં કબૂતર
ભીંત પર બેસી કરે છે પ્રેમ તે જોયા કરું છું.
ભીંતને પણ પાંખ, જે ફફડે કદાચિત્.
તારતમ્યોની વચ્ચે
ફફડતી પાંખની વચ્ચે
પ્રણયનું એક તે ઈંડું
હજુ સેવી શકાયું ના
અને આ વાંઝણી ભીંતો
સુપનામાં સ્તન્યપાન કરાવતી
કોને ?
હરાયાં ઢોર જેવી દોડતી ભીંતો
હજુ શોધી રહી કોને ?
હરાયાં ઢોર જેવી દોડતી ભીંતો
હજુ અટકી નથી
અટક્યું નથી મારી નજરનું આ નદીપૂર
મારી નજરનું આંધળુંભીંત આ નદીપૂર
દોડતું અટક્યું નથી;
તો હવે
જે કંઈ નદીનું નામ
તે ચંચળ છતાં
અસ્થિર છતાં
દોડ્યે જતા ઊંડાણમાં તો
ઊંઘમાં પથ્થર સમું ઊભું રહ્યું છે.
ને ચરબીની ભીંતોમાં
ઝીણું ઝીણું સળગતી નજરોથી
હું તાક્યા કરું છું.
મારી ઝીણી આંખોના પહોળા પ્રકાશમાં
રઝળતા શબ્દોને
મારી ચરબીની ચીકાશમાં ભીંજવીને
પેટાવવાનું કામ મને કોણે સોંપ્યું છે ?
ધૂળના ઢગલા મેં કર્યા હતા તે ભૂંસી નાખવા.
સવારે આંખ ઉઘાડી હતી તે રાત્રે મીંચી દેવા.
ઊંચાનીચાં મકાનોની
વાંકીચૂંકી શેરીઓમાં
ગાયબકરીની સાથે અથડાતા
ને પછડાતા
એ પડછાયાને હું યાદ કરું છું
ઊઘડતી સવારોને હું યાદ કરું છું
પણ ચરબીની દીવાલોમાં
ઝીણું ઝીણું સળગતી
નજરોના પહોળા પ્રકાશમાં
બધું બેસૂધ અને બહેરું જણાય છે.
પવન તો વાય છે,
શબ્દોના પડછાયા પણ હલે છે
ઊંઘણશી દીવાલોનાં નસકોરાંનો અવાજ પણ
સંભળાય છે
પણ જાણે બધું
બેસૂધ અને બહેરું બહેરું લાગ્યા કરે છે.
હરણફાળે દોડતા પગોના પડછાયા
બોરડીમાં ભરાવા છતાં ચિરાયા નહોતા.
સાપની કાંચળીમાં સરકી શકેલો વિસ્મય
કમળની શય્યા પર આંખો બીડીને
એક પલક પણ
ઊંઘી શકશે હવે ?
મારા પ્રકાશની દશે ધારાઓ
અવિરત કંપ્યા કરે છે.
અને કંપ્યા કરે છે મારાં ક્રિયાપદોનાં
પૂર્ણ વિરામો.
વિરામ એ તો વિશ્વની પીઠ
અને વિશ્વાધારના અવિશ્વાસનું
અંધારું
મારી ચરબીને પોષ્યા કરે છે.
હું ગતિશૂન્ય.
મતિશૂન્ય મહારથીઓની વજ્રમુઠ્ઠીઓ
મારી રાત્રીઓને હચમચાવે છે.
તમરાંઓ ! તમારું પાંડિત્ય મારી ગોખણપટ્ટીનાં
ખંડેરોમાં
ચામાચીડિયાં બની અથડાય છે;
પછડાય છે
પર્વતોની જેવી શ્વેતરંગી કામનાઓ.
શું થયું હશે મારી કાગળની નૌકાઓનું ?
આંખ ઢાળી ઊભો છું અને
એ...યને આંબલીના પડછાયાનું પાણી
રેલાતું જાય છે રેલાતું જાય છે,
મારી ટચલી આંગળીથી તરતો તરતો હું
પતંગ જેવી પાતળી દીવાલો સાથે
અથડાતો અથડાતો
ખડખડ ખડખડ હસી પડું છું –
ને ફાટી ગયેલા પતંગના બાકોરામાંથી
બહાર નીકળી
ગિલ્લી બનીને ખબ દેતો પડું છું તળાવને તટે,
રટે છે મન હનુમાનચાલીસા
અને કડૂચી વાસમાં સોય પરોવીને
શનિવારની પોચી પોચી પીઠ પર
ગલોટિયાં ખાઉં છું.
શું એ હું હતો જે કાચનો ભૂકો ખાઈ શકતો ?
મારી ચરબીમાં બોળી બોળીને
શબ્દો પેટાવું છું –
પણ સળગતા નથી.
એના ભભકતા પ્રકાશમાં
દીપકના બે દીકરાને હું જોઈ શકતો નથી,
ને રોઈ શકતો નથી ભેંકડો તાણીને.
વાણીને મેં પ્રેમ કર્યો છે કિશોરવયથી
પવનમાં વ્યસ્ત બનેલા વાળને સરખા કર્યા નથી
ને આંખ બીડીને
ચામડીને સાંભળ્યા કરી છે.
નળની ધસમસતી ધારા નીચે
મારી કામનાનું ગુલાબી ફૂલ
ટટ્ટાર બની હર્ષોન્મત્ત બન્યું છે.
સફેદ બકરીની પીઠનો ઘસારો
મારી નજરને ગલીપચી કરતો મને ઓગાળે છે
ત્યાં તો
હસેલી આંખના ખૂણા મહીંથી
ફૂલ આવીને મને વાગ્યું
અહીં આ હૃદયના મર્મસ્થલે.
જાણું ના હું નામ કે ઠામ કાંઈ
આકૃતિનું રમ્ય કો’ શિલ્પ મારા
કોરાયું ના ચત્તમાં
ને છતાંય તે
ભીની ભીની આવતી ગંધ
વીંધી અંધારાને –,
જવાન ગોરી ચામડી નીચે
શ્વસે છે ઘોર અંધારું.
એ અંધારાનો હું આકુલ પ્રેમી.
એ અંધારાને નથી આંખ
નથી દૃષ્ટિનાં વામણાં બંધન.
અ દક્ષિણાનિલ
સુગંધથી ભર્યો
આવે ધસી પ્રબલ વેગ મહીં
સમસ્તને
ઉલ્લાસની અતુલ થાપટ એક દેતો,
પુષ્પ પારિજાતનાં ગર્યાં કરે
અંધકારમાં સુગંધલહેરખી તર્યા કરે.
ને ઘનઘોર વ્યોમથી
વેણીવિમુક્ત નીરખું અતિ કૃષ્ણ દીર્ઘ
લંબાયમાન અહીં ભોમ સુધી.
પંખીનો કલ કલ સ્વર
પવનની મીઠી ફરફર
ઝૂલી રહ્યું નવું રે પ્રસૂન
કલિ પરે અલિ ગુનગુન.
સભર આગથી મન્મથ
તુફાન મચવી રહે પ્રખર,
ઝંખના શી અરે
રહું જકડી બાહુમાં
નયન બીડતો
હોઠ બે
ચૂમું ચસચસી અહા –
હસેલી આંખના ખૂણા ઢળે
પ્રણય લળી જાય
મન ગળી જાય
આંખ ખોલું
દેહકળી દિગંબર બની ખીલી ઊઠી
કેસરી શી કટિ
ધીરી ઉદ્ધત ગતિ
કદલી જેવી જંઘા
યોનિનો ફાળ
અવશ એ ફાળ
મારી ડાળે ડાળે સૂરજનાં ફૂલ
મારી અપેક્ષાઓનો પાર નથી
મારી સ્થિતિ વિચિત્ર છે.
હૈયામાં કંઈ ઊંડું દર્દ દમે છે
અને દમે છે છતાં ગમે છે.
પ્રેમના દેવે પાંખો દીધી
અને નિર્જીવ દીવાલો પ્રેમના પૂર સામે
ટકી શકે શી રીતે ?
પ્રેમને ખાતર મોત મળે તોયે મહેફિલ છે,
જાણશો મૃત્યુથી પ્રીતિ.
મેં તાજ જોયો સ્નેહનો
શો શ્હેનશાહી સાજ જોયો.
અરે પણ
હવે માત્ર યંત્રનો અવાજ
પ્રેમ નહીં, પુરાયો છે પ્રાણ મારો.
કોઈ નથી ત્રાણ
હવે માત્ર યંત્રનો અવાજ
હવે માત્ર ગતિહીન ગતિ
આજે માત્ર મતિ
માત્ર પતિ
રતિ હવે
અતીતની વાત
ગાત ઊંચકવાં પડે
અને છતાં યંત્રતંત્ર
અવાજે છે ગતિહીન ગતિ
અવાજમાં શોધ્યા કરે
રતીભાર
રતિ.
હવે સપનની લીસી ધાર અડે નહીં,
આકાશથી ફોરું મારા ગાલ પર પડે નહીં;
આમ જોકે પડે, પણ
અડે નહીં.
કવિ હોવાનો કે થવાનો કે થયાનો
આ ફીણ ફીણ કૅફ
નિરક્ષર રેફ મારું મન હવે.
મારાં સૂજી ગયાં પોપચાંમાં
મરણનો ભાર
તે...ય મારે ઊંચકવો.
જાળની રસ્સીઓ ઘણી જ સખત છે.
પણ એમને તોડવાનો પ્રયત્ન કરતાં
મારું હૃદય દુઃખી થાય છે.
મારે મુક્તિ જોઈએ છે
એ જ મારી મોટામાં મોટી આકાંક્ષા છે.
મારી પરાજયકથા ઘણી મોટી છે
જેને જેને મેં મારા નામ સાથે જોડ્યાં
તે બધાં અહીં અંધારા ખૂણામાં જાણે કણસી રહ્યાં છે.
છૂટવું છે
છતાં હું તો
હજી મારી આસપાસની દીવાલને
જાણે અધ્ધર ને અધ્ધર
ઊંચે ને ઊંચે
લેતો જ જાઉં છું.
જેમ જેમ એ ઊંચી થતી જાય છે,
તેમ તેમ એના પડછાયામાં
હું મારી જાતને ભૂલતો જાઉં છું
અને દીવાલ તો રાતદિવસ
ઊંચી વધતી જ જાય છે,
મારો પ્રયત્ન પણ
એને બંધાતી રાખવાનો ચાલુ છે.
અને બધા જ પ્રયત્નોના બદલામાં
હું મારી ખરી જાતને ભૂલી રહ્યો છું.
જાણે એને ભૂલવા માટે હું આ કરી રહ્યો છું.
ના
મારી જાતને મેં ક્યારેય ઈશ્વર માની નથી.
હું માનું છું : જિંદગી જીવવા જેવી છે.
દુઃખ, દરદ, કંગાલિયત, ક્રૂરતા, મૃત્યુ
આ બધું છતાંયે હું આમાં માનું છું.
હું ઈશ્વરના અસ્તિત્વમાં નથી માનતો,
હું નથી માનતો માનવી આત્માની અમરતામાં.
ઈશ્વર આપણા સંઘર્ષોમાં
પક્ષ લેનાર વ્યક્તિ છે,
અથવા તો
વિશ્વની પ્રક્રિયામાં
હસ્તક્ષેપ કરનાર દૈવી જુલમગાર છે
એવી વૈયક્તિક ઈશ્વરની કલ્પનાનો
હું અસ્વીકાર કરું છું.
જે મારા અંતઃકરણમાં પ્રવેશી
પોતાના તેજથી
મારી સૂતેલી વાણીને જગાડે છે,
હાથ, પગ, કાન, ત્વચા વગેરેને
પોતપોતાના વિષયો ગ્રહણ કરવાની
શક્તિ આપે છે
તે અખિલશક્તિધર
પરમપુરુષને
હું નમસ્કાર કરતો નથી.
કેમ કે મારે અંતઃકરણ નથી
વાચા, હાથ, પગ, કાન, ત્વચા
કશા પર મારો અધિકાર નથી
કશું મારા વશમાં નથી
હું ઈશ્વરને ભજી પણ શકતો નથી
તજી પણ શકતો નથી.
‘તમારે કોઈક પસંદગી કરવાની આવે
અને તમે ન કરો
તો તે પણ એક પસંદગી છે’
પણ તમારો તર્કનો પાયો જ ડગમગે છે.
મારે કોઈ પસંદગી કરવાની આવે
એમ હું માની શકતો નથી.
હવે હું કદાચ મને મળી શકીશ.
તમે કદી તમને મળ્યા છો ?
આ વિચિત્ર સવાલ લાગશે
પણ વિચારી જોતાં
એનો હકારમાં ઉત્તર આપવાનું મુશ્કેલ બની જશે.
‘પ્રત્યેક વ્યક્તિને
સાચા માણસ બનવાની ઇચ્છા હોય છે.’
હું ખડખડ હસી પડું છું :
માણસ પોતાનાં પુસ્તકો કેમ ખાઈ જતો નથી.
એની ઊધઈને હંમેશાં નવાઈ લાગતી હશે.
પણ ના મને નવાઈ લાગતી નથી.
માણસ ઈશ્વરથી ખવાઈ ગયો છે
માણસ પુસ્તકોથી ખવાઈ ગયો છે
માણસ ઇચ્છાઓથી ખવાઈ ગયો છે
માણસ ધર્મ, અમૃત, જ્ઞાન, ચિંતન, પ્રેમ,
પરાક્રમ, પરાજય – આ બધાંથી ખવાઈ ગયો છે.
કેમ કે માણસ છે જ નહીં
જે હોય તે હોઈ શકે.
જે ન હોય તે ન હોઈ શકે,
માણસ માણસ જ છે.
અને તેથી તે કશું જ નથી
આ મારા અનુભવની વાત છે.
બત્રીશ વર્ષના મૌન પછી
આ વાત મારે સ્વીકારવી પડી છે.
બત્રીશ બત્રીશ વર્ષ સુધી
મારે હાથ છે
પગ છે
વાચા છે
એમ મેં માન્યા કર્યું છે.
પણ હવે હું બેસૂધ નથી.
હવે હું જાણી ગયો છું.
કે મારે
હાથ હોવા છતાં હાથ નથી
પગ હોવા છતાં પગ નથી
વાચા હોવા છતાં વાચા નથી
હવે આજથી હું બફૂન નથી
હું મૂર્ખ નથી
જ્ઞાની પણ નથી અને અજ્ઞાની પણ નથી
હું ભલે નિર્બળ છું.
પણ હવે હું સક્રિય થવાનો નથી.
હવે મજાકનો ભોગ બનવાનો નથી.
કેમ કે મને કંટાળો આવતો નથી.
શબ્દ પાસે પણ મારી કોઈ આશા નથી.
કવિની શ્રદ્ધા મને રંગલો બનાવી શકશે નહીં.
આકાશના તારાઓ મારે ગણવા નથી
કેમ કે મારે આંખો નથી.
હું નિષ્ફળ ગયો છું એટલે મારે સફળ થવું નથી.
હું મારી બારી બંધ કરી દઉં છું
જોકે એ બંધ જ હતી
બારી જ નથી
તમે બહાર છો જ નહીં
અંદર જ છો
કશું બહાર નથી
બધું અંદર જ છે.
આ બધું તમે વાંચી ગયા અને મારી
વાત માની પણ લીધી ?
ન માની હોય તોપણ તમે મૂર્ખ છો !
કેમ કે આ બધાંને
માનવા સાથે સંબંધ નથી.
કાચબો પાણીમાં તરે
અને તળિયેથી ઉપર સપાટી પર આવે
પાછો તળિયે જાય
ક્યારેક કાંઠા પર પડ્યો રહે
આ બધાંને
માનવા સાથે સંબંધ નથી
અનુરોધ કે વિરોધનો પ્રશ્ન જ નથી.
આ તો એક ટેવનો પ્રકાર છે.
એથીયે વિશેષ પ્રકૃતિનો પ્રશ્ન છે
પ્રશ્ન એટલે સ્થિતિ
આ એક સ્થિતિ છે
સ્થિત્યન્તર એક ભ્રમ છે અથવા ઝંખના છે
અને એથી મૂર્ખતા છે
બધા જ નાટ્યકારો મૂરખા છે
કેમ કે તેઓ ભ્રમમાં છે
તેઓ આંધળા છે.
હસવા જેવી વાત છે:
આંધળો માણસ રૂપકો લખે !
તો ફરી કહું છું કે આ એક સ્થિતિ છે
પ્રશ્ન એનો પર્યાય છે
પ્રશ્ન એ સ્થિતિનો સળવળાટ નથી
માત્ર પર્યાય છે,
પર્યાય પણ નથી
કેમ કે માણસનો પર્યાય માણસ છે.
માણસનું કોઈ ઉપમાન નથી.
તમે એને અનુપમ કહી શકો.
જોકે એને એક લાભ છે
મૂરખ બનવાનો.
એ મૂરખ બની શકે છે
યુગો સુધી મૂરખ બની શકે છે.
આ લાભ માત્ર એના જ ભાગ્યમાં છે.
મૂર્ખતા એ માણસનું સદ્ ભાગ્ય છે,
વ્યાવર્તકતા છે.
મૂર્ખતા એ બુદ્ધિનો જ અંશ છે.
વિચારી જોજો
બુદ્ધિ વગર મૂર્ખતા સંભવે નહીં.
અને બુદ્ધિ એ માણસનું સદ્ ભાગ્ય છે
કારણ કે એથી સમય પસાર થઈ જાય છે.
બુદ્ધિને કારણે તમે
સોલંકી યુગમાં પાંગરેલી
દેવાલયોની સ્થાપત્યરચનાનું મૂળ
શોધી શકો છો,
ગુજરાતનાં બંદરોએ
આપણી પ્રજાને
દરિયાઈ સફર
તથા દરિયાઈ વેપારની તમન્ના
અને કુનેહ બક્ષી છે એવું પ્રતિપાદન કરી શકો છો,
બુદ્ધિને કારણે જ તમે
લોકશાહીનાં મૂલ્યોની દૃષ્ટિએ
સ્વરાજ્યનાં
વીસ વર્ષનું સરવૈયું કાઢવામાં
છ અઠવાડિયાં ગાળી શકો છો,
બુદ્ધિને કારણે જ તમે
ગુજરાતના
આર્થિક વિકાસની સમસ્યાઓ
ઉકેલી શકો છો,
ગુજરાતમાં
શિષ્ય સંગીતના
ઉદ્ ભવ અને વિકાસ પર પ્રકાશ ફેંકી શકો છો,
બુદ્ધિને કારણે તમે ભાષાશાસ્ત્રમાં ડોકિયું કરી શકો છો
ડૉક્ટર બની શકો છો
નોકરી કરી શકો છો
બસ પકડી શકો છો
પરદેશ જઈ શકો છો
છાપાં કાઢી શકો છો
ભાષણ કરી શકો છો
હરીફાઈ યોજી શકો છો
‘બધું જ ક્ષણિક છે’ એવું પ્રતિપાદન કરી શકો છો
બોલતા બંધ થઈ શકો છો
ઘાસની રોટલી કરી શકો છો
દુખાવાનો હાંકી કાઢવાનો ત્વરિત ઉકેલ શોધી શકો છો,
સ્ત્રીરોગ અને પ્રસવવિદ્યા અંગેની
ખાસ ટિકિટો બહાર પાડી શકો છો,
કલાકના અઢી હજાર રૂપિયા કમાઈ શકો છો,
દુનિયાને ગાંડી કરી શકો છો,
સૌંદર્યસમૃદ્ધિ માટે
ઝાડનાં પાંદડાંઓનો ઉપયોગ કરી શકો છો,
ચેપી રોગ અને ગંદકીની નાબૂદી માટે
ઝુંબેશ ચલાવી શકો છો,
સીધો બિહાર પહોંચતો પેકિંગનો રસ્તો શોધી શકો છો,
હેન્રી મિલરની મુલાકાત લઈ શકો છો,
૫૧ વર્ષ સુધી માનવહિતપરાયણ
ચિંતનમગ્ન અને અમૂલ્ય એવું જીવન ગાળી શકો છો,
બુદ્ધિને કારણે સ્ત્રીઓ પંડિત થઈ શકે છે
રસજ્ઞ થઈ શકે છે,
કુટુંબપોષક થઈ શકે છે,
બુદ્ધિને કારણે જ
અવિદ્યાનો પુરસ્કાર કે તિરસ્કાર કરી શકો છો.
સાચે જ માણસ ભાગ્યવાન પ્રાણી છે.
હું હતાશ થવા કરતાં
મૂરખ થવાનું પસંદ કરું
પણ એ મારા હાથની વાત નથી
કશું જ મારા હાથમાં નથી
મારા હાથ પણ મારા હાથની વાત નથી.
હું સાકરની મીઠાશ ગુમાવી બેઠો છું.
વસંતઋતુમાં વિહ્વળ થઈ શકતો નથી
ખાટી કેરીની કચુંબર મને ભાવતી હતી,
પણ હવે –
અને છતાં હું ખાઉં છું
ઘરમાં, હોટલોમાં
મહેમાન બનીને મિજબાનીઓમાં હું ખાઉં છું –
હું જાણું છું કે હું ખવાઈ ગયો છું
અને છતાંયે હું ખાઉં છું.
ખવાઈ ગયેલો માણસ ખાઈ શકતો નથી
હાથ વગરનો માણસ લખી શકતો નથી
અને છતાં હું લખું છું.
આંખ વગરનો હોવા છતાં
રંગીન પુસ્તકો છપાવું છું
એક ટેવ છે આ,
માણસની આ ટેવ છે.
મૂર્ખ મટી ગયેલા દુર્ભાગી માણસની આ ટેવ છે,
માત્ર ટેવ છે.
ઊંઘમાં પણ એ લખતો જ હોય છે.
અભિમાનથી નથી કહેતો
અભિમાન માણસને હોઈ શકે નહીં
અભિમાન વંદાને કે કાબરને હોય
માણસને અભિમાન શેનું ?
માણસ મૂરખ હોય કે દુર્ભાગી હોય –
પણ ના
માણસ દુર્ભાગી નથી
માણસ સદ્ ભાગી છે.
માણસ મૂરખ જ હોઈ શકે.
હું હજી માણસ જ છું
કેમ કે દુઃખ એ જ સત્ય છે.
સુખ તો માયા છે
એનું દુઃખ તો પરમ ધન છે.
આ મારી વાત છે
બુદ્ધિશાળી માણસની વાત છે
માણસની વાત છે
મૂર્ખ રહેવા સર્જાયેલા માણસની વાત છે.
સપ્ટેમ્બર, ૧૯૬૭
(માણસની વાત)