કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૨૩.ઘણે વર્ષે વતનમાં
૧
આજે મને લાગ્યું :
કે હું ખૂબ વધી ગયો.
મૂતરતાં મૂતરતાં જોયેલું છાપરું
બંગલો બની ગયું.
સતુતુ રમતા’તા એ ભાગોળ
મને લેવા અઢી – બે માઈલ સામે આવી
એનો તો મને હવે ખ્યાલ આવ્યો
કે
બાપજીના મંદિરમાં
જશમા ઓડણનો પાઠ કરતો’તો
એ માધલાના નાના નાના છ-સાત માધલા થઈ ગયા.
હનુમાનજીના પથરા જેવા મને જોઈને
બધા કૈંક રાજી થયા
પણ
આ લોકોને તે શી રીતે સમજાવું કે
ત્રણ-ચાર બસ ચૂકીને હું ચાલતો આવું છું.
૨
ખેતરો વચ્ચેથી ટ્રેન સરકી જાય એટલો વખત
વૃક્ષ નીચેનાં વાતોડિયાં ઊભાં થઈ જુએ,
હળ હાંકતો ખેડુ રાશમાં બળદ ખેંચી લે,
આજ પરોઢે દોતાં દોતાં પાસો છોડેલો તે
ભેંસ શેઢા પરથી માથું ઊંચકે.
ડોસીની કીકી વચ્ચેથી ભાગી છૂટી ધસમસતી,
ખેતરો વચ્ચે થૈ
ગામ-બંગડી જેવું ફેંકી ભાગી.
ડબ્બે ડબ્બે ડોકાતી’તી ટ્રેન.
ઘાસની જોડે વાત કરી લેવાની હોય એમ
મજૂરની છાતીમાં વ્હિસલ થઈ પેઠી સરકી.
આંખ ખૂલીને બંધ થાય કે
વૃક્ષ નીચેનાં પેલાં બેઠાં હેઠાં ચૂપ નિર્જીવ એમ.
કાનમાં કરપાતું ઘાસ, ભેંસ; હળ
ને
ગુપચુપ ગુપચુપ પાછી ફરી વારકી ટ્રેન સરી ગઈ સ્હેજ.
(અંગત, પૃ. ૩૭-૩૮))