અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /રેવા
'[૨]'
એવૂં તે શૂં દરદ મુજને ઊંડું તાવે સદાય?
ધીરે ધીરે કહું જ સકલે જો કદી વર્ણ્યું જાય.
રેવા તૂંથી અધિક મુજને કોણ છે, કોણ છે રે!
ધાવંતાયે નિરખિ રહતો માડિને કે ત્હને રે,
ધાવંતા જે નિંદરસપનાંલ્હેરમાં ઓષ્ઠ મ્હારા,
થંભી હ્રેતા હતા, ત્યાં પણ નિરખત હું થાન કે ઊર્મિ ત્હારા.
ને ઓ રેવા, રમત રમતો ને થયો ન્હાસતો જ્યાં,
ખોવાતો કે લપઈ છૂપતો, તો મ્હને શોધતા ક્યાં?
ત્હારી સૉડે, તું જ મુજ હતી બ્હેનડી રેવડી રે!
(ખાતો મીઠી, અરધ તુજને આપતો તે સ્મરે કે?)
ને જે દોસ્તો પરમપ્રિય ને શિષ્ય સાથી થનારા,
તેમાં ચ્હાતો વિવેકે, — તું પર પ્રણયમાં જે વડા તે જ મ્હારા.
એ વર્ષોમાં પણ જુદિ તરે શી છબી એક ત્હારી
ઘેરી જે મેં ચકિત નયને ત્રૂટતે શ્વાસ ભાળી;
આવ્યા ટોળે મળિ સ્વજન સૌ તાહરા પાસ માડી,
હું સૌ પ્હેલો, કુમળિ વયનો તોય સ્ફુલ્લિંગધારી,
રોતો પ્હેલાં યદિ યદિ થતો સ્વસ્થ તૂંથી ઘડીમાં,
આ વેળા તે કરાલી તુજ દૃગતડિતે રોતું હૈયૂં છળ્યૂં ત્યાં!
[૩]
આવ્યાં વેગે વરસ ધસતાં સાહસોત્સાહકેરાં,
હૈયૂં ઝંખે અમિત અતળાં ઊડવાં બૂડવાં જ્યાં :
વર્ષાભીની ધસતિ ચડતી જેમ રેવા તું રેલે,
કાંઠા ભેદે, વનઉપવનો ખેતરો ગામ વેડે;
તોયે દેતી રસકસ નવા જીવનો હાથ બ્હૉળે,–
છે ના સૃષ્ટિ વિશે કૈં ક્ષણિક તદપિ તાજી જુવાનીનિ તોલે!
એ વર્ષોમાં ત્યજિ તુજ તટો દુર દેશે ભમંતાં,
જ્યાં જાતો ત્યાં સ્મૃતિ વિવિધ ને સ્વપ્ન ત્હારાં સ્ફુરંતાં;
ને જ્યાં જોતો કુદરતતણું ભવ્ય કૈં રમ્ય કૈં યે
સાથે ત્હારાં હૃદય ઉઠતાં બિંબ શાં તે ઘડીએ!
રેવા, ત્હારી દિલભર મનોહારિતા શી કવાયે?
સંધાયાં સૃષ્ટિ ને તૂં મુજ ઘટ ઘટમાં પંડબ્રહ્માંડન્યાયે!
એ વર્ષોમાં ત્યજિ સ્વજનને છંદિલૂં આચરંતાં
ખાધી ઠેશો, ચ્યૂતપથ થયો, જૈ ફસ્યો આંધિયોમાં,
કીધાં પાપો નવલ જ રસાસ્વાદ કૌતૂહલોમાં,
દુઃખો દીધાં, –બસ હુંપદ ધોધે ધસી પૂર્ણ વ્હૉમાં :
તોયે એ સૌ અનુભવ ખરે ધન્ય આત્મોત્પ્લુતીના,—
દુઃખે પાપે ઘવાતાં ઉર ગહન ખુલ્યાં, ને શિખ્યો ‘અન્ય’ જોતાં.