લીલુડી ધરતી - ૧/ખેાળો પાથર્યો
ફળિયામાં ઢાળેલા ખાટલા ઉપર હાદા પટેલ જાગતા પડ્યા હતા.
આમે ય વૃદ્ધાવસ્થાને કારણે એમની ઊંઘ તો ઓછી થઈ જ ગઈ હતી, પણ પરબતના મૃત્યુ પછી તો ઓછી ઊંઘ પણ લગભગ દુર્લભ થઈ પડી હતી, અને એક અનંત અજંપા જેવી સ્થિતિ તેઓ ભોગવી રહ્યા હતા. દિવસો જતાં પરબતનો વિયોગ તો ધીમે ધીમે વિસારે પડવા લાગેલો, પણ અત્યારે ઘરના આ મોભીને મૃત પુત્રને બદલે ગૃહત્યાગ કરી ગયેલા જ્યેષ્ઠ પુત્ર દેવશીની યાદ તાજી થઈ આવી હતી, તેથી અંતર વલોવાતું હતું.
એક દાયકાના વિયોગકાળ પછી પણ હાદા પટેલને દેવશીના વિયોગનો જખમ પૂરેપૂરો રુઝાયો નહોતો. સમયના વહેણ સાથે એ જખમ જરા વિસારે પડ્યો હતો ખરો, પણ અત્યારે અનાયાસે જ એ વ્રણ પર સ્મૃતિસ્પર્શ થઈ જતાં એ જ વેદના એટલી જ વસમી લાગતી હતી. આજે દેવશી હાજર હોત તો પરબતના મૃત્યુની ખોટ આટલી અસહ્ય ન લાગત. પણ છોકરાને કોણ જાણે શી કમત સૂઝી તે અતીત બાવાની મંડળી ભેગો હાલી નીકળ્યો. ભૂતેશ્વરના મહંતે જ કાચી બુદ્ધિવાળા દેવશીને ભોળવ્યો. અણસમજુ ઉંમરમાં જ છોકરાને ભગતાણું ભરાવી દીધું ને સંસારમાંથી એનું મન ખાટું કરી મૂક્યું. ને એવામાં અતીતની ભજનમંડળી, ભૂતેશ્વરની વાડીમાં ઊતરી. મંડળીના મુખીએ કોણ જાણે કેવું ય કામણ કર્યું કે ભોળિયો છોકરો ઘરે કાંઈ કીધાકારવ્યા વિના જ હાલી નીકળ્યો. એણે ઘરડા બાપનો તો ઠીક, પણ બાયડી-છોકરાંનો ય વિચાર ન કર્યો. પાછળ સહુ કેવાં વલવલશે એની ય ફિકર ન કરી ને ભગવા પહેરી લીધાં. એના કરતાં તો દેવશીની ઘરવાળી ઊજમ વધારે સમજુ. કાચી ઉંમરમાં એ ઘરનો ઊંબરો ઝાલીને બેઠી રહી. નાતરે જાવાનાં કેટકેટલાં કહેણ આવ્યાં, કેટલા ય ચૌદશિયાઓએ બાઈને આંબાઆંબલી બતાવીને ભોળવવા મહેનત કરી, પણ ઊજમ તો એક જ વાતને વળગી રહી : ‘મારો ધણી કાંઈ મરી નથી ગયો. કાલ્ય સવારે પાછો આવશે. મારું જીવતર સુધારવા સારુ થઈને મારાં જણ્યાંનાં જીવતર નથી બગાડવાં. હું મારા જ સવારથનો વિચાર કરીને બચકી બાંધીને હાલતી થઈ જાઉં તો મારા ગલઢા સસરાને કોણ પાળે..?'
‘અરેરે, છોકરાએ ઘર છોડતાં પહેલાં આવી કુળવાન પત્ની તરફ પણ નહિ જોયું હોય ?’ એમ વિચારીને હાદા પટેલે ખાટલામાં પડખું ફેરવ્યું અને મન શું આશ્વાસન લીધુ : કદાચ આવી પુણ્યશાળી પત્નીને નસીબે જ પુત્ર કોઈક દિવસ વહેલો કે મોડો પણ પાછો ફરશે !
વિચાર કરી કરીને પટેલ તંદ્રામાં પડ્યા કે તુરત ખડકીની આ ડેલી પર સાંકળ ખખડી.
‘દેવશી આવ્યો કે શું ?’
પિતા વર્ષોથી જેના આગમનની અનંત પ્રતીક્ષા કરી રહ્યા હતા એના અત્યારે ભણકારા વાગ્યા, માનવસહજ આશા અને ઉત્સુકતાથી તેઓ ઊભા થયા અને હળવેકથી આગળિયો ઉઘાડ્યો.
આવકારની રાહ જોયા વિના એક યુવતી અંદર ધસી આવી.
હાદા પટેલ થોડી વાર તો વિચારમાં પડી ગયા. આ તે સપનું છે કે સાચું ? સાશંક બનીને એમણે પૂછ્યું :
‘કોણ ?...સંતુ...?’
યુવતીએ મૌખિક હકાર ભણવાને બદલે શ્વશુરની અદબ જાળવતો ઘૂમટો ખેંચ્યો.
આવે અસુરે ટાણે ને એકાંત વાતાવરણમાં, આણું વાળ્યા વિનાની પુત્રવધૂનું આગમન એટલું તો વિચિત્ર અને અકળાવનારું હતું કે હાદા પટેલને પૂછવાનું મન થઈ આવ્યું : ‘દીકરી ! ખડકી તો નથી ભૂલી ને ?’ પણ શ્વશુરને સમજાતાં વાર ન લાગી કે સંતુના આગમન પાછળ કશુંક સૂચક રહસ્ય છે, તેથી એમણે પૂછ્યું :
‘કાંઈ બવ અસુરું કામ પડ્યું ?’
‘હા, તમારી સામે ખોળો પાથરવા આવી છું.’
‘બોલ્ય, શી વપત્ય પડી છે ?’
‘અસ્ત્રીની જાત્ય ઉપર બીજી તી કઈ વપત્ય પડે ?’
‘કોઈએ તારી સામે ઊંચી આંખે જોયું છે ? કોઈની કૂડી નજર ?’
‘તમારી જાણ્ય બાર્ય તો હવે થોડું રિયું હશે ? આજ સવારમાં હોટર આગળ— ’
‘સાંજે ચોરાને ઓટે કાંઈક વાત તો થાતી’તી, પણ હુ આવા ગામગપાટા સાચા ન માનું.’
‘ગપાટા નથી, સાચી વાત છે. શાદૂળિયે મારા પગમાં લાકડીની આંટી નાખી. મારે માથેથી ભર્યું બેડું હેઠું પડ્યું, નંદવાણું, ને હું માંડ માંડ બચી.’
‘ભાર્યે ભૂંડો નીકળ્યો શાદૂળિયો તો !’
‘ઈ ભૂંડાની લાકડી આંચકીને મેં કોઢ્યના ખપેડામાં સંતાડી દીધી છે. હવે ઈ કેવરાવે છે કે લાકડી દઈ જાવ ને બેડું લઈ જાવ. મને થાય છે કે ઈ જ લાકડીએ લાકડીએ શાદૂળિયાનો વાંસો ખોખરો કરું તો હું સાચી ?’
‘શાબાશ, દીકરા !’ હાદા પટેલે સંતોષથી કહ્યું. ‘આ તો મારે કરવાનું કામ તેં ઉપાડી લીધું.’
‘પણ એમાં એક વિઘન છે.’
‘શાદૂળિયાની બીક લાગે છે ?’
‘મને તો નથી લાગતી, પણ મારાં માબાપને લાગે છે.’ ‘લાગે જ. ભૂંડા માણહનો સહુને ભો.’
‘એટલે તો હું હંધી ય લાજમરજાદ છોડીને તમારી આગળ ખોળો પાથરું છું.’
‘ભલે પાથર્યો, દીકરી ! તું તો મારા ઘરની લખમી છો. કાંઈ વપત્ય પડે તો મારું માથું માગી લેવાનો તને હક છે.’
‘અટાણે તો માથું નહિ પણ બે ઠામવાસણ માગવા આવી છું.’
‘ઠામવાસણ ?’
‘હા, એક હાંડો ને એક ઘડો. લાકડીના બાનામાં રઘલો મા’રાજ મારું બેડું દબાવીને બેઠો છે. હવે મોઢામાં તરણું લઈને ઈ બેડું છોડાવવા જાવાની નાનમ મારે નથી જોતી’
‘મને ય એ નાનમ નથી ગમતી.’ હાદા પટેલે પાણિયારા તરફ આંગળી ચીંધીને કહ્યું. ‘લઈ જા, બેડું.’
‘સાચે જ ?’
‘હા. એમાં શું ? આ બેડે ને આ પાણિયારે ય અંતે તે તારે જ પાણી ભરવાનાં છે ને ? જાતે દી’એ તારે જ આ ઘરનો ભાર ઉપાડવાનો છે ને ? તે કાલ્યથી જ ભરવા માંડ્ય પાણી ! બે બેડાં આંહી રેડજે ને બે બેડાં ટીહાને પાણિયારે રેડજે.’
સાંભળીને સંતુ હરખાઈ ઊઠી. પોતાની માગણી આટલી સરળતાથી સ્વીકારાઈ જશે એવી એણે આશા નહોતી રાખી.
‘સાચે જ આ બેડું લઈ જાઉં ?’
‘હા. હું કહું છું ને ? અબઘડીએ જ લઈ જા ! આમે ય ઓલ્યું નંદવાયેલું બેડું અપશકન કરાવે. હવે ઈ આપણે ધોળે ધરમે ય પાછું નો જોયીં. હું શાપર હટાણે જાઈશ તંયે નવું બેડું લેતો આવીશ. ત્યાં લગણ આ આપણી હેલ્ય–ગાગરથી હલાવી લે, દીકરી !’
શ્વશુરને મોઢેથી આવા શબ્દો સાંભળીને સંતુ શાતા અનુભવી રહી. એના ઉદ્વિગ્ન ચિત્તમાંથી સઘળો ઉદ્વેગ ઓસરી ગયો. છેક સવારથી એને અકળાવી રહેલો હૈયાભાર હળવો થઈ ગયો.
હાદા પટેલની સૂચનાથી સંતુએ પ્રફુલ્લ ચિત્તે પાણિયારેથી બેઠું ઉપાડ્યું. હાથમાં ગાગર લેતી વેળા એ એક વિચિત્ર પ્રકારનો રોમાંચ અનુભવી રહી. જે ઘરના જીવનવહેણમાં પોતાનું જીવનવહેણ ભળી જવાનું છે જે કુટુંબ જોડે પોતે હવે ટૂંક સમયમાં જ તાદાત્મ્ય સાધવાનું છે એ ઘરનું માંગલ્યસૂચક બેડું અત્યારથી જ ઉપાડી લેતાં જાણે કે વિદ્યુતસ્પર્શ જેવી મીઠી ઝણઝણાટી અનુભવી રહી. સંતુને પૂછવાનું મન તો થઈ ગયું : ‘આટલી વાર લગણ ગોબરિયો હજી ક્યાં પડ્યો ઊંઘે છે ?' પણ શ્વશુરની મર્યાદા અને મલાજો સાચવવા ખાતર, હૈયામાંથી ઊઠેલા શબ્દોને એણે હોઠ બહાર નીકળવા ન દીધા.
બેડું લઈને ડેલી બહાર નીકળતાં સંતુથી બોલ્યા વિના ન રહેવાયું :
‘આ તો, ઠુમરને આંગણે હેલ્ય ઉતારવાને સાટે સામેથી ઠુમરની જ હેલ્ય ઉપાડી જાવા જેવું કર્યું મેં !’
‘કાંઈ વાંધો નહિ, હવે કાલ્યથી રોજ તારે આ પાણિયારે હેલ્ય ઉપર હેલ્ય રેડવાની જ છે ને !’ ચતુર સસરાએ આવી સૂચક વાણી વડે પુત્રવધૂને વિદાય આપી ત્યારે એ ખાલી હેલ્ય પણ સંતુના મુગ્ધ હૈયાની જેમ હર્ષ છોળે છલકાતી હતી.
ખડકી વાસીને હાદા પટેલે ફરી ખાટલા પર લાંબો વાંસો કર્યો ત્યારે એમના ચિત્તમાં દેવશીને બદલે હવે સંતુની ચિંતા શરૂ થઈ. હવે ગમે એમ કરીને પણ ઝટપટ આણું કરી લેવું પડશે. મરઘલી જેવી છોકરીને ગામનાં રોઝડાં રંજાડે એ હવે ન નિભાવાય... અરે, પણ ઠુમરને ખોરડે તો પરબત પાછો થયો છે, એનો શોક છે... જુવાનજોધ દીકરાના કાચા મરણનો શોક છે. ચૂલે ગળ્યું મીઠું રાંધણ ન ચડાવાય ત્યાં આણું વાળવાનો ઉત્સવ તો કેમ કરીને આરંભાય...? ઘરે શોક હોય કે ગમે એમ હોય, આ કામમાં હવે ઢીલ કરવી પોસાય એમ નથી, હાદા પટેલે પડખું ફેરવતાં નિર્ણય કરી નાખ્યો. અલ્યા, પણ નાતીલા શું કહેશે ? ગામમાં શું વાત થશે ? લોકો કુથલી કરશે કે પરબત હાર્યે તો જીવતાં લોહીની જ સગાઈ હતી : હજી તો એની ચેહ ટાઢી નથી થઈ ત્યાં તો નાના દીકરાની વહુનું આણું કરી નાખ્યું ? સહુ સવારથનાં સગાં છે !
ભલે ગામમાં આવી વાત થાય. ગોળાને મોઢે ગરણું બંધાય, ગામને મોઢે નહિ. સંતુનું બેડું નંદવાણું એટલેથી જ ચેતી જવું સારું. આજે તો અટકચાળો થયો, કાલ સવારે ઊઠીને બીજું કાંઈ થાય...’