લીલુડી ધરતી - ૧/પાતાળનાં પાણી

From Ekatra Wiki
Revision as of 08:18, 28 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પાતાળનાં પાણી|}} {{Poem2Open}} ‘એલાવ, હાલો માંડણીયાની વાડીએ દાર ધર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પાતાળનાં પાણી

‘એલાવ, હાલો માંડણીયાની વાડીએ દાર ધરબાય છે ઈ જોવા જાઈએ—’

‘ગોબરભાઈ વિલાયતી ટોટા ફોડે છે !’

‘ધડીમ્ ધડીમ્‌ ધડાકા થાય છે. બમ-ગિલોલા ફૂટે છે, ને પાતાળ કૂવો ફૂટે છે—’

‘દિવાળી–ટાણાના ગડદિયા જેવા ધડાકા થાય છે. ડુંગર ડુંગર જેટલે ઊંચે શિલા ઊડે છે...’

કૂવામાં પાણી લાવવા માટે ગોબરે યોજેલો કારસો ગામલોકો માટે કૌતુકનો વિષય થઈ પડ્યો, ‘વેલાતી દારૂ’ વડે થતું આ ખોદકામ આબાલવૃદ્ધ સહુને માટે એક જોણું થઈ પડ્યું.

સવારસાંજ ટોળેટોળાં માંડણની વાડી નજીક એકઠાં થવા લાગ્યાં.

દુકાળના વરસમાં હવે સાથી રાખવો પોસાય નહિ એમ સમજીને ગોબર, સંતુ ને માંડણ થઈને જ ખોદકામ કરતાં હતાં. માંડણિયો તો એક હાથે ઠૂંઠો એટલે અરધો ગણાય, એમ મજાક કરીને ગોબર કહેતો કે અમે રોકડા અઢી જણ છીએ, ને પાંચ હાથની મદદથી જ પાતાળ ફોડવું છે. અલબત્ત, માંડણિયાના સાખ પડોશી જસરાજે ખોદકામમાં સાથ આપવાની તૈયારી બતાવેલી, પણ ગોબરે એને વારેલો, ‘આ તો દાર ધરબવાનું કામ... ટોટા ફોડવા એટલે જોખમના મામલા... જરાક વેમ નો રિયે છે સરતસૂચક થઈ જાય તો માલીપાની છીપરી ભેગા માણસના ય ફુરચા ઊડી જાય !’ ​અને એ ખરેખર જોખમનો જ મામલો હતો. કૂવાને તળિયે કાળમીંઢ પથરામાં કાણું પાડીને ગોબર એમાં પોટાશનો ટોટો ગોઠવતો, પછી પોતે મંડાણમાં બાંધેલું મજબૂત રાંઢવું ઝાલીને બહાર આવતો રહે એટલે કાંઠેથી લાંબી વાટ ઉપર માંડણ પોતાના હાથમાંની સળગતી જામગરી વડે વાટને જાણે કે તોપ દાગતો હોય એ ઢબે પલિતો ચાંપતો, અને તુરત સહુ દોડતાકને છેક શેઢા સુધી દૂર ભાગી જતા. લાંબી વાટ સળગતી સળગતી ટોટા સુધી પહોંચે અને સ્ફોટક પદાર્થને સ્પર્શે કે તુરત કાન ફાડી નાખે એવો ધડાકો થતો અને ચિરાડ પડેલા પથ્થરના મોટા મોટા ટુકડા ઊંચે ઊછળતા; સાથે ધુમાડાના ગોટેગોટા બહાર આવતા, ફૂટેલા દારૂની અણગમતી વાસ પણ ફેલાતી અને શેઢા નજીક ટોળે વળેલાં લોકો આ ‘ગંધારી બદબૂ’ ટાળવા નાક આડે કપડાના ડૂચા દાબીને કૂવો ફોડવાનો આ નવતર કીમિયો અવલોકી રહેતાં.

જેટલું નવતર આ પાતાળ-સરવણી ખોદવાનું દૃશ્ય હતું એથી ય વધારે આકર્ષક તો આ બે પિતરાઈઓ વચ્ચે જામેલી નવી ભાઈબંધીનું દૃશ્ય હતું.

હજી ગઈ સાલ જ વાવણીને પ્રસંગે ગોબર-માંડણ વચ્ચે આ ખેતરોમાં જ ચકમક ઝરી ગયેલી. ગોબરના જોરૂકા હાથની એક જ અડબોથે માંડણને લોહીનો કોગળો કરાવી નાખેલો, અને અનાજની વાવણીની જોડાજોડ વિષનાં પણ વાવેતર થઈ ગયેલાં. પછી શાદૂળને કારણે બે પિતરાઈઓ વચ્ચેનું અંતર વધતું જ ચાલેલું પણ એવામાં એક વિચિત્ર અકસ્માતે આ ભંગાણ સાંધી આપેલું.

ગિરનાર પર વેરસીએ ગોબર પર ઉગામેલો ઘા માંડણે આડેથી ઝીલીને બન્ને કુટુંબો વચ્ચેનાં સઘળાં વેરઝેર નષ્ટ કરી નાખેલાં. માંડણને હાડોહાડ ધિક્કારનાર સંતુને મન આ માણસ હવે ભગવાનથી ય અદકો ભલો લાગતો હતો. પોતાના પુત્રની રક્ષા કરવા જતાં માંડણે એક હાથ ખોયો તેથી એ અપંગ યુવાન પ્રત્યે હાદા ​પટેલનું અંતર દ્રવી ઊઠ્યું હતું. તેથી જ તો બન્ને ભાઈઓ શહેરમાંથી પોટાશ ખરીદીને આવ્યા ત્યારે એ પહેલવહેલો કોની વાડીના કૂવામાં ધરબવો એ પ્રશ્ન ઊભો થયો ત્યારે હાદા પટેલે સત્વરે સૂચવેલું : ‘પ્રથમ માંડણની વાવ્ય ખોદો.’

હાદા પટેલને મન્ આ અપંગ યુવાન સગા પુત્રથી ય સવાયો હતો. વિધિએ એને ઘોર અન્યાય કર્યો હતો, અને એમાં ગોબર આડકતરું નિમિત્ત બન્યો હતો, તેથી એની અગવડો ઓછી કરવા માટે હાદા પટેલ સતત પ્રયત્નશીલ રહેતા હતા. એ ઠૂંઠા માણસની ખેડ સંભાળવા માટે એમણે સાથી શોધી આપ્યો, પણ માંડણે દારૂના નશામાં અરજણને અસહ્ય માર માર્યો ત્યારે હાદા પટેલને પારાવાર દુ:ખ થયેલું. માંડણને દારૂની લતમાંથી છોડાવવા એમણે મહાપ્રયત્ન કરેલા. ગોબરને આ સંતપ્ત પિતરાઈ ઉપર આડકતરી ચોકી રાખવાનું અને સન્માર્ગે વાળવાનું સૂચવેલું.

મુખીને કાને માંડણની નશાબાજીની વાત પહોંચેલી ત્યારે ગામના મોવડી તરીકે એમણે આ બેવકૂફ યુવાનને સખત ઠપકો આપેલો. અને સાથોસાથ એ ઘરભંગ માણસને ફરી ઘરવાળો બનાવવાનું પણ હાદા પટેલને સૂચવેલું.

હાદા પટેલે ગામની તેમ જ પરગામની બેત્રણ યુવતીઓ માટે માંડણના નાતરાનું કહેણ નાખી જોયેલું, પણ એ સહુએ ‘ઈ ઠુંઠાનું ઘર તી કોણ માંડે ?’ એવો તોછડો ઉત્તર વાળેલો, તેથી તેઓ નિરાશ થઈને બેસી ગયેલા.

આખરે મુખીએ દૂર દૂરના ગામ ઉપર નજર દોડાવી. ત્યાં એક બચરવાળ બાઈ તાજેતરમાં જ વિધવા થઈ હતી. ભગવાનદાએ એને માંડણ જોડે ઘરઘરણું કરવાનું કહેણ મોકલાવ્યું. દુખિયારી બાઈ તો રાજી રાજી થઈ ગઈ : ‘મારાં ઘેરોએક છોકરાંને સાચવનારો જડ્યો’ એમ વિચારીને પ્રભુનો જ પાડ માનતી રહી, પણ ત્યાં તો માંડણે જ સામેથી નન્નો ભણ્યો : ‘મારે હવે નથી ઘરઘવું.’ ​ મુખીએ ઉગ્ર અવાજે પૂછેલું : ‘કેમ એલા, ભૂતેસરમાં બેહીને ભભૂત ચોળવી છે ? શું વિચાર છે તારો ?’ ત્યારે માંડણે અર્થસૂચક ઉત્તર આપેલો : ‘ઠામ ગ્યા પછે હવે ઠીકરું ઘરમાં ક્યાં ઘાલવું ?’

માંડણની આ ઉક્તિ સાંભળીને ભવાનદા સમજ્યા કે એ એની મૃત પત્ની જીવતીનો ઉલ્લેખ કરી રહ્યો છે. તેથી તેઓ મનમાં ને મનમાં કહી રહ્યા : ‘મૂરખ ! બાયડી જીવતી’તી તે દિ’ તો એને ભૂંડે હાલે રાખી’તી ને હવે એને રોવા બેઠો છ ?’ પણ એમને કોણ સમજાવે કે માંડણ તો ‘ઠામ ગયું’ કહીને ‘સંતુ ગઈ’ એમ સૂચવી રહ્યો છે ?

આ બનાવ પછી હાદા પટેલે માંડણને થાળે પાડવાના પ્રયત્નો છોડી દીધેલા, પણ ગોબરને સૂચના આપી રાખેલી :

‘આજથી માંડણને માનો જણ્યો ભાઈ જ સમજજે. તને ભગવાન એક રોટલો આપે તો બે ય ભાઈયું અરધોઅરધ કરીને ખાજો. કાલ્ય સવારે મારી હયાતી હોય ન હોય, તો આટલું ધ્યાન રાખજે : ઈ પહુ જેવા અપંગ માણસને હવે તારે જ પાળવાનો છે ને તારે જ બાળવાનો છે.’

પિતાએ ગણાવેલા આ ‘માના જણ્યા ભાઈ’ની વાડીના કૂવામાં ગોબર જે તનતોડ મહેનત કરીને ખોદકામ કરી રહ્યો હતો એ જોઈને ગામલોકો કહેતાં હતાં :

‘આનું નામ ભાઈયું ! ગમે એટલાં વેરઝેર હોય પણ વપત્ય ટાણે હંધું ય ભુલાઈ જાય.’

‘સગાં-કટંબીનો અરથ જ ઈ. સુખને ટાણે પર સૌ આગાંપાછાં થઈ જાય, પણ દખને ટાણે આવીને પડખે ઊભાં રિયે એનું જ નામ સગાં.’

ગોબર-માંડણના સંબંધો આડે અંતરાય નાખનારા શાદૂળને ને રઘા ગોરને પણ કોઈએ યાદ કર્યા અને પછી એ વિષે વિવેચન કર્યું : ​‘માંડણિયો ઘાએ ચડીને ઓલ્યાં પારકાં ચૌદશિયાંવના પડખામાં ભરાણો’તો, પણ આ અટાણે કોઈ ખપમાં આવ્યાં ? ઈ તો મગચોખા જ ભેગાં ભળે, ને કોકડાં–કાંકરા એક કોર્યે રઈ જાય.’

એકેક ટોટાનો દારૂ ધરબાતો હતો અને શ્રાવણ મહિને ય ધોમ ધખતા તાપમાં ગોબર ગાળમાટીથી ખરડાઈને અને પરસેવે રેબઝેબ થઈને કૂવામાંથી રાંઢવું ઝાલીને બહાર નીકળતો હતો એ દૃશ્ય જોઈને ડાહ્યા માણસો જૂની લોક–કહેવત ટાંકતાં હતાં :

‘કડવી હોયે લીમડી, શીતળ એની છાંય; બાંધવ હોયે બાખડા, આખર પોતાની બાંય...’

ધરબેલી સુરંગ જેવો અકેક ટોટો ફૂટતો હતો. લોખંડ જેવી મજબૂત કાળમીંઢની એકેક શલ્યા તૂટતી હતી અને અડખેપડખેની ભેખડમાંથી એકેક સરવાણી વહેવા માંડતી હતી, એ જોઈને સંતુ અકથ્ય આહ્‌લાદ અનુભવતી હતી.

ચાર દિવસમાં તો માંડણની વાડીમાં કૂવામાં કમરબૂડ પાણી ચડી ગયાં. માનવીના પુરુષાર્થને કુદરતે હોંકારો આપ્યો. આખી સીમનાં વાડી−ખેતર વેરાન થઈ ગયાં હતાં, નદીનાળાં સુકાઈ ગયાં હતાં, વાવ−કૂવા ખાલીખમ થઈ ગયાં હતાં, ત્યારે માંડણની વાડીએ ડોકાં દેતું પાણી જોઈને ગામના બીજા ખેડૂતોને ય પોતપોતાની વાડીઓમાં આ રીતે પાતળકૂવા ફોડવાની ચાનક ચડી. જેમનું ગજું નહોતું એમણે ઉછીઉધાર કરીને, કેટલાકોએ તો જીવા ખવાસને ત્યાં ઘરેણાં ગિરવીને પણ, શહેરમાંથી દારૂ અને ટોટા ખરીદવાનું નક્કી કર્યું.

માંડણની વાડીમાં નિર્જળ વાવને સજળ બનાવીને હાદા પટેલ, ગોબર અને સંતુ ત્રણે ય જણાં કૃતકૃત્યતા અનુભવી રહ્યાં. જાણે કે પ૨ભવનું કોઈક લેણું ચૂકવી દીધું. માંડણે અપંગ બનીને ગોબરને બક્ષેલા જીવતદાનનું ઋણફેડન કરી નાખ્યાનો સંતોષ સહુના દિલમાં રમી રહ્યો, અને છતાં આ પરવશ બની ગયેલા પિતરાઈ પ્રત્યે હવે ​ભવોભવના ઋણાનુબંધનો ભાવ સહુ અનુભવી રહ્યાં.

હવે ગોબરે પોતાની વાડીમાં ટોટા ફોડવાની શરૂઆત કરી.

વળી બન્ને પિતરાઈઓએ ખભેખભા મિલાવીને ખોદકામ કરવા માંડ્યું.

બંનેની વાડીઓ જોડાજોડ હોવાથી બંનેના કૂવાની સરવાણીઓ એક જ હતી. તેથી પોતાની વાડીમાં પણ ચારેક હાથ જેટલુ ખોદકામ કરતાં કૂવો ઊભરાઈ જશે એવી ગોબરને શ્રદ્ધા હતી.

આજકાલ સંતુના હૃદયમાં ઉમંગ માતો નહોતો. ગોબર અને માંડણ જોડે જાતતોડ જેવી આકરી મજૂરી કરવામાં એને અદકો આનંદાનુભવ થતો હતો. દારુણ દુર્ભિક્ષની યાતનાઓ દીનતાથી સહી લેવાને બદલે એની સામે પ્રચણ્ડ પુરુષાર્થ વડે વિજય મેળવવામાં એક પ્રકારની ખુમારી રહેલી હતી. એ ખુમારીનો એક નશો હતો, એક પ્રકારનો સાત્ત્વિક કેફ હતો. એ કેફમાં ચકચૂર થઈને આ ત્રિપુટી કાળી મજૂરી કરી રહી હતી.

ત્રણે ય જણાં એક પ્રકારની સ્વપ્નાવસ્થામાં વિહરી રહ્યાં હોય એમ લાગતું હતું... કોઈ કોઈ વાર સંતુ માંડણ જેઠની મીઠી મશ્કરી પણ કરતી હતી. માંડણને ફરી વાર ઘર માંડવાનું એ સૂચન કરતી હતી. એના ઉત્તરમાં માંડણ કહેતો હતો :

‘મારે એવી પળોજણ ન પોહાય–’

‘પણ મને મારી જેઠાણી વન્યા સોરવતું નથી એનું શું ?’ સંતુ સામી દલીલ કરતી હતી.

 *** તે દિવસે અરજણને માર મારતી વેળા માંડણ દારૂ પીધેલી હાલતમાં પકડાયો, એ પછી એ ઘણી ય વાર ગોબરના ખેાળામાં માથું મૂકીને ધ્રૂસકે ધ્રૂસકે રોયો હતો. પોતાના આ કૃત્ય બદલે એને પોતાને જ એવી તો ભોંઠામણ થયેલી કે એના પશ્ચાત્તાપ માટે રુદન સિવાય એની પાસે બીજી કોઈ ભાષા નહોતી. પછી તો એણે હાદા ​પટેલની હાજરીમાં સતીમાની દેરી સન્મુખ શપથ લીધેલા કે આ અવતારમાં કદી ય દારૂને નહિ અડું અને એ શપથ એણે ચુસ્તપણે પાળી બતાવ્યા એ પછી તો માંડણ પ્રત્યે સંતુ–ગોબરને અસીમ શ્રદ્ધા અને સદ્‌ભાવ જાગ્યાં હતાં.

‘તું ભલેની ‘ના ના,’ કર્યા કર, પણ તને પરાણે ઘરઘાવી દઈશું.’ ગોબર–સંતુ વારંવાર એને ધમકીઓ આપ્યા કરતાં હતાં.

‘મારા ઘરમાં બેહનારીના ય ભોગ લાગશે બચાડીના.’

‘તારા હાથમાં સાથી તો ટકતો નથી,’ ગોબરે કહ્યું, ‘તું તો સાથીને ય શાદૂળિયો સમજીને લાકડીએ લાકડીએ લમધારી નાખશ. પછી ઠુંઠે હાથે એકલાં એકલાં ખેડ્ય કેમ કરીને થાય ?’

‘પણ એવી તી કોણ કરમની ફૂટેલી હોય કે મારા જેવા ઠુંઠા માણહનું ઘર માંડવા આવે ?’

‘ફૂટ્યાં કરમવાળી નહિ પણ સાજાં કરમવાળી મેં એક ગોતી છે.’ સંતુએ કહ્યું.

‘કોણ છે ? કોણ છે ?’ ગોબર અને માંડણ બન્ને પૂછી રહ્યાં.

‘મારી એક સહીપણી માંડણ જેઠ ઉપર મોહી પડી છે.’

‘એલા માંડણ ! તારાં નસીબ ઊઘડી ગયાં !’ ગોબરે માંડણની પીઠ થાબડી.

‘ખોટી વાત,’ સંતુ તરફ ભેદી નજરે તાકી રહેતાં માંડણ કરુણ સ્વરે બોલ્યો. ‘આ ઠુંઠા માણહમાં મોહી પડવા જેવું શું બળ્યું છે ?’

‘તંયે તમને હજી ખબર નથી, માંડણ જેઠ !’ સંતુએ સમજાવ્યું. ‘મારી સહીપણી તો તમારી ઉપર વારી ગઈ છે. ઈ તો કિયે છ કે માંડણભાઈ એક હાથે શું, બેય હાથે ઠુંઠા હોય તો ય હું તો પરણું—’

‘કોણ છે ઈ અક્કલની બારદન ?’ માંડણે લાપરવાહીથી પૂછ્યું.

‘વાહ રે માંડણ જેઠ !’ સંતુએ એક મોહક અભિનય વડે ​માંડણની મજાક કરી : ‘આટલું કીધું એટલી વારમાં તો પૈણવાનું કેવું મન થઈ ગયું ! જોયું ને ?’

માંડણ સૂચક નજરે સંતુની દેહયષ્ટિ તરફ તાકી રહ્યો અને સંતુ બોલતી રહી :

‘એમ કાંઈ એનું નામ નહિ કહી દઉં !’

બપોરે રોંઢો નમ્યા પછી ગોબરે ખોદકામમાં વિસામો લીધો. કાળમીંઢ પથ્થરમાં દારૂ ધરબવા માટે સાર પાડવામાં વારંવાર કાંડાં દુખવા આવતાં હતાં. પથરાળ તળિયાનું એક થર પૂરું થતાં, બીજું થર કાપતાં પહેલાં ગોબરે ગડાકુ કાઢી ચૂંગી સળગાવી.

સંતુ સામે જોતાં જોતાં માંડણે ચૂંગીમાંથી બેએક ઘૂંટ ખેંચીને ધુમાડો કાઢ્યો અને એકાએક એની આંખોમાં શૂન્યતા છવાઈ ગઈ.

*