સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/વતનની મમતા

From Ekatra Wiki
Revision as of 07:06, 6 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વતનની મમતા|}} {{Poem2Open}} કનડામાં આ વીર-જોડલું ઝાઝાં વરસો રહ્યું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વતનની મમતા

કનડામાં આ વીર-જોડલું ઝાઝાં વરસો રહ્યું હોવું જોઈએ. જેસલ અને જખરો નામે પુત્રોની જોડી પણ કનડાએ જ હોથલને બક્ષી હશે. પછી કનડો છોડ્યો ક્યારે? અષાઢી મેઘના પ્રથમ-પહેલા દોરિયા ફૂટ્યા તે દેખી ઓઢાને વતન સાંભર્યું ત્યારે? વતનની મમતા — એનો કાવ્યભાવ ઓઢા-હોથલની કથાના દોહામાં જેવો સંઘરાયો છે તેવો બીજે ક્યાંય જવલ્લે જ સંઘરાયો હશે. મેહુલાની ‘શેડ્યું’ ઉત્તર દિશામાં ક્ષિતિજ પર આલેખાઈ ગઈ, ડુંગરાઓ માથે ડમ્મર ચડ્યા, ઓઢાને સ્વજન સાંભર્યાં, મોરલાના ટહુકારે એ સ્મરણમાં વધુ દર્દ પૂર્યું, ઓઢાનાં નેણાં રડી રડી ત્રાંબાવરણાં બન્યાં. પોતે બેઠો હતો તે છીપર (શિલા) પણ ભીંજાઈ ગઈ; ઓઢો રડે છે જાણતાં તો હોથલ પોતાને ભોંયરેથી દોડતી આવી — ને આખરે તો એ સ્ત્રી ખરીને! બાયડીને સંશય પડ્યો : અરે વહાલા!

અમથી ઉત્તમ ગોરીયાં
ચડી તોજે ચિત્ત શેણ!

તારા ચિત્તમાં શું મારાથી કોઈ વધુ ગોરી સજની ચડી બેઠી છે? શીદ રડે છે? આવડા મોટા આક્ષેપની સામે ઓઢો માકાર ભણે છે. ને કબૂલ કરે છે કે પદમણી!

કનડે મોતી નીપજે

કચ્છમેં થીયેતા મઠ;

હોથલ જેહડી પદમણી

કચ્છમેં નેણે ન દઠ.

હું સમજું છું કે કચ્છ કંઈ સોરઠધરા સરખો પદમણીને નીપજાવનાર મુલક નથી. સોરઠના કનડામાં મોતી પાકે, ને કચ્છમાં પાકે છે મઠના ભૂંડા દાણા. સોરઠ ભલે લકુંબઝકુંબ વનરાજીથી વિભૂષિત, ને કચ્છમાં ભલે ‘ખેરી, બૂરી ને બાવરી’ જેવાં કાંટાળાં વગડાઉ ઝાડવાં થતાં; પણ એક વસ્તુ એવી છે કે જેને માટે, હોથલ! આપણે કચ્છમાં જવું પડશે —

હોથલ હલો કછડે,

જીતે માડુ સવાયા લખ.

હોથલ, હાલો કચ્છમાં, જ્યાં લાખેણા મર્દો પાકી શકે છે. હાલો એ રસકસહીણી ભોમમાં, કેમકે એનું પાણી પીવાથી —

વંકા કુંવર, વિકટ ભડ,

વંકા થીયેતા વછ,

વંકા વછેરા ત થીયે,

પાણી પીયે જો કચ્છ.

ગાયોના વાછડા, ઘોડીના વછેરા, ને માનવીના કુંવરો, એ બધા કચ્છનું પાણી પીધ્યે વંકા-બંકા બને. માટે, ઓ હોથલ! હાલો કચ્છમાં, કોઈ તુંથી ચડિયાતી ગોરીની શોધમાં નહીં, પણ આપણાં બે બાળકોને ‘બંકા નર’ બનાવવાની નેમથી