શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૬. અટેકણે સૂવાની ટેવ
Revision as of 13:18, 7 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૬. અટેકણે સૂવાની ટેવ|}} <poem> અરમાનોના ઓશીકે માથું ટેકવી સૂવ...")
૧૬. અટેકણે સૂવાની ટેવ
અરમાનોના ઓશીકે માથું ટેકવી સૂવાની મારી ટેવ
આજ તૂટી ગઈ!
રોજ તો બધું ઝળાંઝળાં હતું સાઠ વૉલ્ટના અજવાળામાં
ગમતુંય હતું આંખને બધું વાંચવું – જોવું
પણ આજ તો કોણ જાણે શાથી
ઊડી ગયો છે ફ્યૂઝ અકાળે
જે જામી પડ્યો છે અંધકાર મારી શય્યાને ભીંસતો.
મને ટાઢ વાય છે
ને મારી પત્ની પોઢી છે બરફનું પૂતળું થઈ
શય્યામાં ક્યાંક કોઈ અજાણ્યા ખૂણે!
કાનની બૂટને ભીંજવે છે ખારો ઘુઘવાટ ભરતીનો;
ને સંભળાય છે કોઈ ડૂબનારના હાથની મૂંગી ચીસ!
કાશીના કરવતથી વહેરાઈ રહ્યા છે પાયા પલંગના;
કોઈ ભીની કાથીથી બંધાઈ રહ્યું છે પૂતળું અડદનું!
સંભવ છે :
એક તોફાન ઓશીકા પર પછડાઈને
ફેલાઈ જાય પથારીમાં ઉત્તરદક્ષિણ
ને
એક સૂરજ માથામાંથી તૂટી પડી
ગુલાંટો ખાતો
પટકાય પગમાં ને ફૂટી જાય કણ કણ,
મને ભય છે :
અટેકણે સૂવાની મારી ટેવ
સંસારની એક ગમખ્વાર ઘટનાનું જલ્લાદ કારણ બને.
(ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૨૯)