શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૨૮. ખરી પડતા વાળ અટકાવવા જતાં
અમે જો હસી શક્યા હોત
તો ફૂલો સલામત હોત,
આકાશ મોગરા જેવું સ્વચ્છ હોત,
ને પવનની ગતિયે સરળ હોત નિર્મળ સરોવર-શી.
પણ અમે અમારા હાથની મુઠ્ઠીઓ વાળી
બધુંયે કરી દીધું જટિલ અને ભારેખમ.
પગલાં પૂજાય એ લોભથી અમે એમને
અટકાવીને બાંધી દીધાં જડબેસલાક.
પાંચ માણસમાં પુછાતા થઈએ તે માટે
અમે પ્રશ્નોને ફૂટતા ડામી દીધા ભીતરમાં,
અમે ફૂલ પર ઢોળ ચઢાવ્યો પ્રૌઢત્વનો
ને ઠરેલ થવા બેઠા અમારા ભોગે.
ચારે બાજુએથી – અરીસામાંથી, પથારીમાંથી,
થાળીમાંથી ને થોથાંમાંથી
ઢગલાબંધ ઝાંખરાં ફૂટીફૂટીને
અમને ઘેરવા લાગ્યાં છે ચોતરફથી.
હવે તો શ્વાસ પણ લઈ શકાતો નથી ઉઝરડાયા વિના!
આંસુના એક ઊના ટબકલાથી
દૂમ દબાવીને ભાગતી આ સસલા જેવી જિંદગી
એને કેમ પાછી વાળી શકાશે પારધીની નજરમાંથી?
કોઈ જૂઈની નિર્દોષ આંખડીમાં આંખ ડુબાવીને જોયું હોત…
કોક આંગણે ચડી આવેલા રખડુ ચંદ્રકિરણને
બારણાની તરાડમાંથીયે અંદર પ્રવેશવા દીધું હોત…
કોક ખિસકોલીને એમ જ ખેલવા દીધી હોત ઉંબરા પર…
પણ… અમે તો પાણીનો ઘૂંટ ભરતાં થતા અવાજ વિશે
ગંભીરપણે ચિંતન કર્યું!
સવારે અકસ્માત્ આવેલી છીંક વિશે
રાતોની રાતો જાગીને વિચાર્યું!
અમને અમારા ટી-ટેબલની સુઘડ રીતભાત
પાયામાંથી જરાયે ડગે તે મંજૂર નથી.
અમારા સુગંધીદાર રૂમાલના ભોગે કશીયે
ચોખવટ થાય એમાં અમને ઉત્સાહ નથી.
અમે હવે બાલિશ બનીને અમારી સર્વમાન્ય
પ્રૌઢિની ઉપેક્ષા ન કરી શકીએ;
ને અમે હવે રમતની રીતે જીવનને વેતરી પણ ન શકીએ!
હું પૂછું છું : એવું તે શું બની ગયું છે કે
સૂરજ હવે મ્લાન થતો જાય છે?
ને કોક ફિક્કાશ ફરી વળે છે આ વિચારશીલ ચહેરામાં?
કદાચ સારું થાત,
જો અમે ફૂલની જેમ ઝડપથી ખરી ગયા હોત
ને અમારે હસવું જોઈએ એમ અમને ન લાગ્યું હોત તો.
પણ શું થાય?
ખરી પડતા વાળને અટકાવવા જતાં જ
આવું કંઈક બની ગયું અણધાર્યું – એકાએક!
(પડઘાની પેલે પાર, ૧૯૮૭, પૃ. ૧૦)