શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૩૪. આજે એ મનાય છે સતી ને અમે...?

Revision as of 11:34, 8 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૪. આજે એ મનાય છે સતી ને અમે...?|}} <poem> અમે છાપાં માટે એને છબીલી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૪. આજે એ મનાય છે સતી ને અમે...?


અમે છાપાં માટે એને છબીલી છૂમછૂમ બનાવી,
એને કંઈક મહેફિલો ને મજલિસોમાં ફેરવી,
એને ટેવ પડી તાળીઓના નશાની,
અમે એને સજધજ કરી, સમજાવી, પટાવી
ફેરવ્યા કરી આ ઘેર, પેલે ઘેર.
અમે એને રંગ આપ્યો, રોનક આપી,
શાનમાનથી લચી પડતું ભવિષ્ય આપ્યું,
ને તોય અમે તો એના રહ્યા નાચીજ સેવક જ!
બધું બરોબર હતું :
ઘીને ઠામ ઘી હતું :
સંસાર સુખી હતો…
પણ… પણ…
એક ન બનવાની વાત બની ગઈ…
એક ગોઝારી ઘડીએ
એક હરામખોર અળવીતરાએ બેઅદબી કરી:
એણે ભરી સભામાં હાથ પકડ્યો એનો;
ને…
ગઈ કાલ સુધી તો અમોને પૂછીને પાણી પીનારી,
અમારાં વાક્યોને વેદવાક્યો સમજનારી,
એ શાલીન કન્યા
સટકી ગઈ અમારા હાથમાંથી એકાએક
શ્વેત પારેવડી જાણે સમડી બનીને છટકી!
ગઈ કાલ સુધી પ્રેમના અઢી અક્ષર પણ માંડ બોલી શકનારી,
એ આજે ફરી બેઠી – વીફરી બેઠી!…
આજે છેલ્લે પાટલે જઈને એ બેઠી!
એણે અમને લોહીનો વેપાર કરનારી ટોળકીના તરફદાર કહ્યા!
– અમને લોહીના વેપારીઓ કહ્યા
એણે મદિરાના ઘૂંટ પર ઘૂંટ ભરી
અમારા પર એના કોગળા કર્યા!
અમે સળગી ગયા, પરંતુ અમને તો હતી ને સભાની અદબ!
અમેય પકડી શકત ખુલ્લેઆમ એનો હાથ,
પરંતુ અમારે આગળ ઉલાળ ને પાછળ ધરાળ હતા!
અમે ગમ ખાધો, સંસ્કારિતાના ખયાલે;
અમે ખામોશ રહ્યા, સાંસ્કૃતિક ચિંતા ને ચિંતને.
અમે એને રોજરોજ ચઢાવતા હતા,
એક એકપે અદકું ચીર;
પરંતુ એ નાદાન – નઘરોળ છોકરી,
એ બેકદરની ઓલાદ,
એણે તો અમને બેધડક દુઃશાસન કહ્યા –
નવસોનવ્વાણું હરવા તત્પર દુઃશાસન…
ને બંધુજનો! જુઓ તો ખરા?
– મૂલ્યો કેવાં થઈ જાય છે વિપરીત!
આજે ય એ મનાય છે સતી ને અમે…?

(પડઘાની પેલે પાર, ૧૯૮૭, પૃ. ૬૧)