શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૯૮. અગિયાર આફ્રિકી કાવ્યોમાંથી

From Ekatra Wiki
Revision as of 12:21, 11 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯૮. અગિયાર આફ્રિકી કાવ્યોમાંથી|}} <poem> <center>'''૪. મસાઇમારાના આકા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૯૮. અગિયાર આફ્રિકી કાવ્યોમાંથી


૪. મસાઇમારાના આકાશમાં ચંદ્ર

ઓ રહ્યો પેલો રૂપેરી દડો
કોઈ શ્યામાંગનાના લાવણ્યસર-શા
વ્યોમ-પટમાં તરતો-સરતો!
મસાઇમારાના કોઈ જિરાફે
ઊંચી ડોકે ફંગોળ્યો હશે એને અહીંયાં
કે
કોઈ તોતિંગ ગજરાજે
લાંબી સૂંઢે લપેટીને
ઉછાળ્યો હશે એને અહીંયાં?

એ દડાનો મીઠો માંસલ પિંડ જોતાં
પેલી ઝાડીમાંના સિંહશાવકના પંજા
સળવળતા હશે
પોતાના તીખા નહોર એમાં ખૂંપાવી દેવાને,
આ તરફ શ્યામ અશ્વો-સમા
હબસી તરુણોના ચરણ પણ
થનગનતા હશે
પેલા દડાને ક્ષિતિજની ઓ પાર પહોંચાડવાને.

મૂર્તિમંત અમાવાસ્યા-શી
કોઈ સ્નિગ્ધ શ્યામાંગના
પોતાના શ્યામ સ્તનની જેમ
ગૌર ચંદ્રનેય
ચુસ્તીથી, હથેલી આડે દબાવતી,
ખુલ્લંખુલ્લા લલકારે છે
પેલા તીખા તરુણોના દેહને
માઝમરાતે – મઝધારે!

કમ્પાલા,
૮-૬-૨૦૦૨

(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૪૨)

 

૫. ચાંદની પ્રવાહી મોગરા-શી

આ ચાંદની
પ્રવાહી મોગરા-શી,
શ્યામાંગનાના મત્ત મનને લહેરાવતી,
ઉત્કટ આવેગે માટીને મહેકાવતી,
વહી જાય છે આ નીલશ્યામ ધરા પર!
ધરતીની અંધાર-આંજી કામણગારી
આંખોનો ચમકાર હવામાં!
ઝરણાંની નકશીદાર રેખાઓના
નમણા ચહેરે ઝળહળતો
અવકાશ ભીતરનો!

જિરાફની ડોકે ચડીને
આ છાકટું મન ધોધ જેમ
ખાબકે છે
ખડકાળી શ્યામ ચટ્ટાનો તોડી
ગહનગંભીર ધરાઓમાં.
આટઆટલા લીલાછમ ઘાસમાં ફરતાં લોહી પણ લીલુંછમ!
એનો ફિણોટાતો છાક
છલકાય છે આ ચાંદનીની છોળોમાં!
ભીતરની ગહ્‌વરોમાં હવે એકાકાર
પૂનમ અને અમાસ,
અમાસ અને પૂનમ!

નાઇરોબી,
૩૧-૫-૨૦૦૨

(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૪૩)