શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૦૨. હવે જે થાય તે ખરું!
અહીં ક્યાં છે કોઈ પુલ અને ક્યાં છે કોઈ રસ્તો?
અહીં તો આપણે ઊભા જ રહેવાનું છે.
કોઈ આપણને આસન આપે ને આપણને બેસવાનું કહે
– એવું બનવાનું જ નથી.
અહીં કોઈ આપણું પોતીકું કહેવાય એવું છે ખરું?
અહીં તો દરેકને છે પોતાના સ્વાર્થ,
પોતાની કુંડળીઓ, પોતાનાં કુળ અને કૂંડાળાં!
જેટલો આપણો ખપ એટલી આપણી કિંમત.
અહીં દીવા તો છે અનેક,
પણ આપણું અંધારું ટાળે એવા કેટલા?
આ તો બધા શગ વિનાનાં કોડિયાં જાણે!
કીકી વગરની આંખો ને પડદા વગરના કાન:
આપણને એ કેમ કરીને આવવાનાં કામ?
હથેલીવિહોણા હાથ ને ગતિવિહોણા પગ:
એ શું પહોંચાડે આપણને આપણે ઠામ?
બુઠ્ઠાં હથિયાર, ખોટવાયેલા હાથપગ
ને તૂટેલા બુરજ સરખાં બદન,
ચિંતાથી ચાળણી થઈ ગયેલાં મન ને જર્જરિત સદન,
ક્યાંય કોઈ એવી ભોંય ખરી,
જ્યાં કોળ્યાં હોય આપણાં સ્મરણ?
જ્યાં વવાયાં હોય આપણાં સ્વપન?
અહીં તો અસલમાં સમજણની જ કટોકટી!
આપણા ઘરના માળામાં જન્મેલી ને ઊછરેલી ચલ્લીયે
ક્યાં ઓળખે છે આપણને?!
અહીંના કોઈ તાળાને ખૂલવું જ નથી આપણી ચાવીથી!
દરેકને રાખવું છે પોતપોતાનું સઘળું તાળાબંધ – અકબંધ!
આપણા લોહીને ઉકાળતી
ને આપણાં આંસુને વરાળ કરતી અંદરની જે આગ
તેને ઠારી શકે એવું ક્યાં કશું પણ છે આપણી પાસ?
હવે તો આપણે આપણી માળાના બધાય મણકા ને મેરને
ટીચી ટીચીને તોડી નાખવા છે
અને એ માટે જોઈએ છે એક કાળમીંઢ નઘરોળ પથ્થર માત્ર!
શાલિગ્રામનો ભાર હવે ઊંચકાય એમ નથી!
હું જોઈ રહ્યો છું.
મારા ગળામાં ગાળિયું નાખી
હળવે હળવે ખેંચતાં ને તંગ કરતાં
મારાં કેટલાંયે સ્વજનોને!
તેઓ મારું ગળું તો ટૂંપી શકશે
પણ મારા અંદરના અવાજનું શું કરશે?
મેં તો કોઈ જાદુગરની જેમ
મારા એ અવાજને કબૂતરમાં ફેરવીને
ઉડાવી દીધો છે મુક્ત હવામાં…
હવે જે થાય તે ખરું!
(ચિદાકાશનાં ચાંદરણાં, ૨૦૧૨, પૃ. ૮૬)