શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૬. શંકર મિસ્ત્રી
હમણાં એક પ્રદર્શન હતું હસ્તકલાના નમૂનાઓનું. હું જોવા ગયો. ત્યાંની સ્વયંસેવિકા મને ઓળખતી હતી. મને આવકારતાં કહે, ‘આવો, આવો, તમને એક અફલાતૂન ચીજ બતાવું.’…અને તે મને ઉત્સાહપૂર્વક એક કાષ્ઠપ્રતિમા પાસે દોરી લઈ ગઈ. પ્રતિમા સાચે જ મનોહર હતી. કમનીય દેહયષ્ટિ અને રમણીય ભાવભંગિમાઓ! થાય કે એને જોયા જ કરીએ. એ પ્રતિમા કળશધારી એક કન્યાની હતી. એના કરકમળમાં ધારણ કરાયેલે કળશ વિશુદ્ધ લાવણ્યરસે–સૌન્દર્યરસે જાણે ઊભરાતો હતો. એ પ્રવાહમાં અવશ ખેંચાતા રહેવામાં જ મજા હતી.
એ કાષ્ઠપ્રતિમાને જોતાં જ મને થયું કે આને ક્યાંક નિહાળી છે. ક્યાં?… ક્યાં?… અને. અને મારી દૃષ્ટિ સમક્ષ એક સોહામણો, ભરાવદાર ચહેરો પ્રગટી આવ્યો. એ ચહેરો હતો અમારો શંકર મિસ્ત્રીનો એના હાથનો તો આ ઇલમ નહીં? મને ઊંડે ઊંડે લાગ્યું કે આ પ્રતિમાના ઘડવૈયા શંકર મિસ્ત્રી જ હોય. મેં ખાતરી કરવા માટે પેલી સ્વયંસેવિકાને પૂછ્યું, પરંતુ તેને એ અંગે કશી માહિતી હતી નહીં. મેં એ પ્રતિમાની વેચાણકિંમત પૂછી. એણે કહ્યું, ‘એ વેચાણ માટે નથી.’ મને આનંદ થયોઃ ‘મારા શંકર મિસ્ત્રીની કળા કંઈ બજારુ ચીજ હોય? એ તો અમૂલ્ય જ!’
અમારા બાળપણના જે કેટલાક મનગમતા દૈવી પુરુષો, એમાં આ શંકર મિસ્ત્રીનું નિઃશંક આદરભર્યું સ્થાન, અમારી બાળપણની છૂક છૂક ગાડી મજેદાર રીતે ચાલતી એમાં પ્રતાપ આ મિસ્ત્રીનોય ખરો. અમારી છૂક છૂક ગાડીનાં પૈડાં બનાવવામાં નક્કર ફાળો એમનો. અમારે ગિલ્લી-દંડાની સિઝન આવે ને શંકર મિસ્ત્રી અમારી વહારે ધાય. અમારી સાથે ટોળટપ્પાં કરતા જાય ને વગડાઉ લાકડાંમાંથી લિસ્સા દંડા અને અણિયાળી ગિલ્લીઓ ઉતારતા જાય. એક વાર મિસ્ત્રી અમને છોકરાંઓને ઈંટોના સ્ટમ્પ, ધોકેણાનું બૅટ તથા ચીંથરાનો હાથે ગૂંથેલો દડો લઈને ક્રિકેટ રમતા જોઈ ગયા. કંઈ બોલ્યા નહીં, મીઠું મલકયા, બીજે દહાડે મને અને મારા દોસ્તોને બોલાવીને કહે, ’તમારા ફળિયામાં હું રહેતું હોઉં ને આમ ધોકેણે ક્રિકેટ રમાય? લઈ જાઓ આ સ્ટમ્પ ને બૅટ.’ અમને સ્ટમ્પબૅટ આપતાં બે રૂપિયા છોગાનાય આપ્યા ને કહ્યું, ‘આમાંથી બૉલ લાવજો. ચીંથરાનો દડો ગેંડીમાં ચાલે, બૅટમાં ન ચાલે, સમજ્યા?’ તે દિવસે અમે સૌએ મોટે મોટેથી શંકર મિસ્ત્રીની જય જય પોકારતું સરઘસ પણ ફળિયામાં ફેરવેલું!
એક વાર આ શંકર મિસ્ત્રી પાસે હું મારો ભમરડો લઈને ગયેલો, આર બેસાવડાવવા. ભમરડો જોઈને કહે, આના માટે ધના લુહારને ત્યાંથી આર લાવવી પડશે. મને કહે, ‘ત્યાં જા ને આર લેતો આવ.’ હું ધના પાસે ગયો. ભારેનો કાટ, મને કહે, ‘શેની આર ને શેની ધાર? ચલ, ફૂટ અહીંથી.’ હું તો સાવ પડી ગયેલા ચહેરે શંકર મિસ્ત્રી પાસે પાછો ફર્યો. બનેલી બીના જણાવી. શંકર મિસ્ત્રી ત્યારે ચા પીતા હતા તે અધૂરી છેડી માથે ટોપી મૂકી બાંડિયાભેર મારી સાથે નીકળ્યા. કહે, ‘ચાલ, હું આવું છું ધના પાસે,’ તેમને આવેલા જોઈને જ ધનો સાકરનો ટુકડો બની ગયો. કહે, ‘આવો આવો, મિસ્ત્રી, કંઈ કામ?’ મિસ્ત્રી કહે, ‘આ ભમરડા માટેની આર કાઢી આપને.’ ધનાએ વિના-આનાકાની એક આર તૈયાર કરી દીધી, ને મિસ્ત્રીએ એની કોઢમાં જ બેસીને તે ભમરડામાં નાખી દીધી અને મને કહ્યું, ‘ચલ, ફૂટ અહીંથી.’ હું હસતો-ઊછળતો ભાગ્યો.
મિસ્ત્રીનો બાંધો મજબૂત. શરીર કદાવર. વાન ગારો. મૂછ ખરી. ચહેરો કોઈ આનુવંશિક ગર્ભશ્રીમંતાઈની ચાડી ખાય એવો. જરાયે કરડે નહીં, ને છતાં પ્રભાવ તો ખરો જ. કાળા વાળ, વ્યવસ્થિત ઓળેલા હોય. ઘર બહાર જાય ત્યારે ટોપી અચૂક પહેરે – કાશ્મીરી ઢબની. સ્વભાવે શાંત. બોલે ઓછું. ઊંચા સાદે તો ભાગ્યે જ બોલે. ધંધામાં ઘરાક સાથે રકઝક કરવી બિલકુલ નાપસંદ, ઘરાકને એક વાર લાકડાનું માપ અને એના ભાવનો અંદાજ આપે; ને તે પછીયે જો ઘરાક ટકટક કરે તો તેઓ ઘરાકને ટકટક કરતો ઓટલા પર છોડીને ઘરની અંદર ચાલી જાય. એક વાર ઘરાક સાથે કામની બંધામણ થયા પછી ઘરાક હેરાન ન થાય, એનું વધુમાં વધુ હિત થાય, એની ફિકર એમને રહેતી. કદી કોઈ ઘરાકને સાગનું લાકડું કહીને બીજું ભળતું લાકડું પધરાવ્યું હોય એવું એમના કિસ્સામાં બનતું જ નહીં. વળી જે કામ હાથમાં લે તેમાં જરાય કવાણું ન રહે એની ખબરદારી તેઓ પોતે જ રાખે. આથી જ ગામ આખામાં શંકર મિસ્ત્રીની શાખ ચોખ્ખું ને અફલાતૂન કામ કરનાર કારીગરની હતી.
શંકર મિસ્ત્રીની આંખ લાકડું પરખવામાં ભારે કાબેલ. કોઈ નિષ્ણાત વૈદ્ય એની પાસે આવેલા માણસનો ચહેરે જોતાં જ એની વાત, પિત્ત કે કફની પ્રકૃતિ વિશે સચોટ અનુમાન બાંધી લે તેમ આ મિસ્ત્રી પણ લાકડાને જોતાં જ એનો મિજાજ વરતી લેતા. નવું લાકડું નજરમાં આવે ત્યારે કાવ્યરસિક કોઈ કાવ્યકૃતિને જુએ એટલા જ રસથી એની ઊંડી નિરીક્ષા કરતા. એમને લાકડાનો અપવ્યય થાય કે બગાડ થાય તે જરાયે ન રુચે. એક વાર એમના ઘર આગળ લાકડાનું ઘચિયું પડેલું ને તેના પર પડોશમાંનું એક બાળક સંડાસ કરવા બેઠેલું. એ વેળાએ તેમણે તેમના સ્વભાવ વિરુદ્ધ જઈને બાળકને અડાવેલું ને એનાં માબાપનેય ઠપકો દીધેલ.
શંકર મિસ્ત્રી સબ બંદર કે વેપારી જેવા! કયો હુન્નર એમને ન આવડે એ કળવું જાણે મુશ્કેલ. કોઈનું ટ્રૅક્ટર બગડે તો તુરત કૉલ થાયઃ બોલાવે શંકર મિસ્ત્રીને. કોઈની જ્ઞાતિની વાડીમાં તાવડો કે બખડિયું તૂટે તો કહે લઈ જાવ એ શંકર મિસ્ત્રી કને, સરસ રીતે રિપેર કરશે. એક વાર ગામને પાદર રામલીલાનો ખેલ, ને પેટ્રોમેક્ષ ભપ કરીને બુઝાઈ ગઈ. તરત શંકર મિસ્ત્રી દોડ્યાઃ ને રામલીલામાં અજવાળું પાછું કરી દીધું. જેમ કોઈ બ્રાહ્મણ મંત્રવિદ હોય છે, તેમ આ મિસ્ત્રી યંત્રવિદ હતા. યંત્રની નાડ એ તુરત પકડી લેતા.
મિસ્ત્રીની આગળ ગરીબ હોય કે તવંગર સૌ સરખાં. ઊલટાનું ગરીબનું કામ તો ચાહીને તે વધારે કરે. એક વાર પસી રબારણનું છાપરું વરસાદના પહેલા સપાટાએ જ ઢબી ગયું. એ તો રોતીકકળતી પહોંચી મિસ્ત્રી કને, ખોળો પાથરી કહે, ‘કાંઈ પણ કરો, પણ મારું છાપરું બચાવી આપો.’ મિસ્ત્રીએ એને આશ્વાસન આપ્યું. બીજું કામ બાજુએ મૂકી, એના છાપરાની મરામતનું કામ હાથમાં લીધું. બે થાંભલીઓ સડેલી તે કાઢીને નવી નાખી દીધી ને ચાર દહાડામાં તો છાપરું અધર કરી દીધું. શરૂઆતમાં તે નવી થાંભલીઓ નાખવાના પૈસાયે મિસ્ત્રીએ ગાંઠના ચૂકવ્યા. દોઢ-બે વરસે પસીએ મિસ્ત્રીની બધી રકમ પાછી વાળી; પણ આવી મદદનો કદી પ્રચાર કે ન કરી જાહેરાત. કોઈનીયે ભીડમાં ઊભા રહેવું એ એમના સ્વભાવમાં હતું. કેઈને ઉપયોગી થવાતું ત્યારે તે ખુશખુશાલ થઈ જતા.
શંકર મિસ્ત્રી કંઈક મોજીલાયે ખરા, પૈસા બચાવવાનું તે સમજ્યા જ નહોતા. વિસ્તારમાં એ ને એમની પત્ની સવિતા, સાત-આઠ વરસ થયાં બાળક નહતું. એની ખેટ જેટલી સવિતાને સાલતી એટલી મિસ્ત્રીને સાલતી નહોતી. એ તો ‘રામ રાખે તેમ રહીએ’માં માનવાવાળા. ક્યારેક સવિતાને ય કહેતા, ‘ઘેલી, નસીબમાં હોય એ થાય. નકામો શું જીવ બાળવો? ભગવાન જે કંઈ આપે એ વાપરવું ને રાજી રહેવું. ‘ મિસ્ત્રી સવિતાની ખૂબ કાળજી લેતા. એને પહેરવે-ઓઢવે જરા ય ઓછપ ન લાગવી જોઈએ. શાહુકારના ઘરનાં બૈરાં ન પહેરે એવા સાડલા સવિતા ઘરમાં પહેરતી. નખશિખ ઘરેણાં વરસે દહાડે ચૂની, કાપ, અછોડો કે બંગડી – એવું તેવું કંઈક ને કંઈક ઘડાય જ, એ સાથે મિસ્ત્રી પણ પોતાના માટે વીંટી ઘડાવે કે નવી ઘડિયાળ ખરીદે. મિસ્ત્રીને ય વટમાં રહેવું ગમતું. એક વાર કહે, ‘ફનિચર પણ પૉલિશ કરો તો શોભે છે. આપણે ય થોડી પૉલિશ કરવી સારી ‘. મિસ્ત્રી ગામડાગામમાં રહે ને છતાં ઇસ્ત્રીબંધ કપડાં વિના તે બહાર જ નહીં નીકળતા. ધોતિયું સરસ કેલિકો કે અરવિંદનું જ હોય, મોઘુંદાટ ઝભ્ભાનું કાપડ પણ ‘બે ઘોડાની’ બોસ્કીનું. એક પગમાં ચાંદીનું વજનદાર કડલું યે ખરું.
અવારનવાર મિસ્ત્રી ને સવિતા ગામમાં સાથે નીકળે ને ત્યારે એમનું જોડું જઈ ટોળટીકા કરતાં જુનવાણી જડબાં યે મનોમન તો આ ‘સુખી જોડું’ હેમખેમ રહે એમ જ ઇચ્છતા. આખા ગામમાં કોઈ એવું નહોતું જે આ મિસ્ત્રીનું સ્વપ્નેય અહિત ઈચ્છે, મિસ્ત્રી ભલે બોલતા ઓછું; પણ એમની સોબતમાં એક પ્રકારની રંગીની દેખાતી. ખાણીપીણીમાં એ પાછું વાળીને જોતા જ નહી, ચા તો દોઢ-બે કલાકે ખરી જ. વળી કેટલાક સમયથી અલીચાચાના હુસેને પાનનો ગલો કાઢેલો તેથી પાનની લત લાગેલી. દિવસમાં છ-આઠ પાન પણ ખરાં. વળી બાકી હોય તેમ હુસેનનાં પાનબીડાંએ સવિતાને ય લોભાવી. હુસેન એને ય પાનનાં બીડાં પહોંચાડતો, અલબત્ત, મિસ્ત્રી મારફત, અને વિના મૂલ્ય! આમ પાનથી ચાલુ થયેલી શંકર મિસ્ત્રી અને હુસેનમિયાંની પહેચાન રોજ રોજ વધારે ને વધારે ગાઢી થતી ગઈ. પછી તે શંકર મિસ્ત્રી અને હુસેનમિયા, સાથે સવિતા–એમ ત્રણેય સંગાથે પડખેના શહેરમાં નાટક-સિનેમા જેવા જતાં હોય એવા પ્રસંગો ય આવવા લાગ્યા. એ દિવસ ભાગ્યે જ વીતતો, જે દહાડે આ ત્રણેય મળ્યાં ન હોય. સવિતા અવારનવાર હુસેનમિયાં સાથે હસી મજાકમાં યે ઊતરતી ને ત્યારે શંકર મિસ્ત્રી દૂર બેઠાં, લાકડું ઘડતાં આ બંનેની મજાકમશ્કરીને રસ બરોબર માણતાં.
આ શંકર મિસ્ત્રીએ અને સવિતાએ બાળક માટે દાક્તરી તપાસ કરાવી. સવિતામાં મા બનવા માટેની પૂરતી પાત્રતા હોવાનું તબીબી અહેવાલે જણાવ્યું, પરંતુ મુશ્કેલી હતી શંકર મિસ્ત્રીના પક્ષે. મિસ્ત્રીએ જ્યારે આ જાણ્યું ત્યારે હસતાં હસતાં સવિતાને કહ્યું પણ ખરું. બોલ, ફારગતી લખી દઉં? તું મારી હારે રહેશે તો ક્યારેય મા નહીં થાય. ને ત્યારે સવિતાએ ગુસ્સાપૂર્વક કહેલું, ‘ખબરદાર, હવે આવી ફારગતીની વાત કરી છે તો.’ ને ત્યારે મિસ્ત્રી હસીને ચૂપ રહેલા.
એ પછી કેટલોક સમય ગયો. સવિતા-હુસેન-શંકર મિસ્ત્રી આ ત્રણેયના દિવસે રંગેચંગે જતા હતા. હુસેન તો જાણે મિસ્ત્રીના ઘરને જ માણસ હોય તેમ અવારનવાર એમના ઘેર જમતો. કોઈકોઈ તો કહેતું ય ખરું: ‘આ ત્રણેયને હવે એક થાળીમાંથી જમવાનું જ બાકી રહ્યું છે. બીજા એક-બેએ આડકતરી રીતે મિસ્ત્રીને ચેતવેલા યે ખરા કે ઘરમાં પરપુરુષની ઝાઝી અવરજવર ને ઘાલમેલ સારી નહિ, પણ મિસ્ત્રી તો એવી ચેતવણી હસતાં હસતાં ઘોળી પી ગયા, કેમ કે એમને સવિતામાં પોતાનામાં હતો તેથી યે ઝાઝો વિશ્વાસ હતોઃ
પરંતુ છેવટે એક દિવસ એવો આવ્યો, જ્યારે ગામ આખાને ખબર પડી કે સવિતા અને હુસેન પોતાને ખોળે નથી, ક્યાંક ચાલ્યાં ગયાં છે. મિસ્ત્રીનું ઘર ઉઘાડું ફટાક હતું. મિસ્ત્રી અસ્તવ્યસ્ત હાલે ઘરના ઉંબર પર બેઠેલો. ન કશું બોલે કે ચાલે. પડોશીઓએ ઘણું સમજાવ્યા પણ એમના તરફ નજર સુધ્ધાં ન કરી. એમના માટે પડોશમાંથી ચા આવી, પણ ન પીધી. સિગારેટનું ભરેલું પૅકેટ એમની બાજુમાં જેમનું તેમ પડ્યું રહેલું. હુસેનના બાંધી આપેલાં પાન પણ ઉઘાડાં પડેલાં. સૌને લાગ્યું કે આમ તો મિસ્ત્રીનું ફટકી જશે, કંઈ કરવું જોઈએ. હુસેનના બાપ – અલીચાચા આવ્યા. ખૂબ અકળાયેલા હતા. હુસેનને ઘણી ગાળો કાઢી, ‘સાલો નાપાક, જેના ઘરનું ખાધું એનું જ ખોદ્યું! આના કરતાં તો ખુદાએ એ નિમકહરામને જન્મ જ ન આપ્યો હોત તો દુરસ્ત હતું.’ તેમણે મિસ્ત્રીને ઘણું સમજાવ્યા. છેવટે અલીચાચાનાં ઘરડાં માજી આવ્યાં. તેમણે જેમતેમ કરીને મિસ્ત્રીને ઉઠાડ્યા, અને ખીચડીના બેપાંચ કોળિયા ભરાવ્યા. એ દિવસે તો અલચાચા મિસ્ત્રીને ઘેર જ સૂઈ રહ્યા.
આ પછી દિવસો પર દિવસો, મહિના પર મહિનાઓ ને વરસો પર વરસો જવા લાગ્યાં. હુસેન અને સવિતાને ગયે પાકાં બારતેર વરસ થયાં. મિસ્ત્રી યે હવે ખખડી ગયેલા. કામધંધો કંઈ કરતા નહેાતા. શરીર પરથી ઘરેણાંગાંઠાં ને ઘરમાંથી માલસામાન રફતે રફતે અસ્ત થતો જતો હતો; ઘરનું ખાલી બોખું ને કટાયેલાં નિષ્ક્રિય ઓજારો એટલું જ રહેલું સિલકમાં. મિસ્ત્રીયે હવે પહેલાંના મિસ્ત્રી ક્યાં રહેલા? વાળનું ઠેકાણું નહીં. કપડાં ફાટેલાં. કોણ સાંધે? ખાવાપીવામાંયે ઠેકાણું નહીં. ક્યારેક તો જ્યાં મોડી રાતે બેઠા હોય ત્યાં જ બાકીની રાત પણ ખેંચી કાઢે. અલીચાચા તે મિસ્ત્રીની આ હાલતથી ભારે પરેશાન હતા. એક વાર મિસ્ત્રીની તબિયત બગડી ત્યારે પરાણે તેઓ એમને પોતાના ઘરે તેડી ગયા. પોતે મુસલમાન, મિસ્ત્રી હિન્દુ તેથી એ ન વટલાય તેનીયે બધી કાળજી એ રાખતા. મિસ્ત્રીની સારવાર ચાલતી હતી તે દરમિયાન એક સાંજે અલીચાચાના ઘર આગળ એક ગાડું આવીને ઊભું. એમાંથી સાવ ખખડી ગયેલો એક પાંત્રીસ-ચાલીસનો આદમી અને એક દસબાર વરસનો છોકરો ઊતર્યા. અલીચાચા તો પેલા આદમીને જોતાં જ ડઘાઈ ગયા જાણે! ‘કોણ? હુસેન, શયતાનના બચ્ચા, પાછો આવ્યો તારો નાપાક ચહેરો દેખાડવા?’ અલીચાચા આ રીતે કંઈ કેટલું યે બોલત; પણ તુરત માજી ત્યાં આવી લાગ્યાં, અલીચાચાને વઢ્યાં ને હુસેનના બરડે હાથ ફેરવતાં એને એની પડખેની પાટ પર બેસાડ્યો.
હુસેનની સાથે આવેલો છોકરો ઊભો ઊભો આ બધું જોતો હતો. હુસેને કહ્યું, ‘અમ્મા, માફ કર, હું હવે બહુ જીવવાનો નથી. આ છોકરો સવિતાનો છે, એને ઉછેરતાં જ એ અવલમંજિલે ગઈ; હવે હુંય ત્યાં જવાની તૈયારીમાં છું. હું જાઉં તો આ છોકરો રખડી પડે, એટલે તમને અરજ કરવા આવ્યો છું, આને રાખો તમારી પાસે.’ અલીચાચા તુરત બરાડી ઊઠ્યા, ‘બદતમીજ, તારા ગુનાહનું ફળ અમને દેવા આવ્યો છે, કેમ?’ ફરીથી માજીએ અલીચાચાને દાટ્યા. દરમિયાન બીમાર મિસ્ત્રી પણ પથારીમાંથી બેઠા થઈને ત્યાં આવી લાગ્યા. તેમણે દૃઢતાથી કહ્યું, ‘અલીચાચા, આ છોકરો ને હુસેન બેય આપણી સાથે જ રહેશે.’ અલીચાચા તો આભા બનીને મિસ્ત્રીને જોઈ જ રહ્યા, ખખડધજ મિસ્ત્રીમાંથી ફરીથી જાણે શંકર મિસ્ત્રી નવી શગની જેમ પ્રગટ થતા હતા. વળી તેમણે ભીના અવાજે કહ્યું, ‘અલીચાચા, આ તો મારી સવિતાની યાદગીરી છે. મારી સાથે જ રહેશે ને એ મારું કામ શીખશે.’ હુસેન મિસ્ત્રીના પગમાં પડી ગયો. મિસ્ત્રીએ તેને ઉઠાડ્યો ને પોતાની પથારીમાં લઈ જઈને સુવાડ્યો, હુસેન ત્યાં સૂતો તે સૂતો. ફરીથી બેઠો ન થયો.
શંકર મિસ્ત્રીએ પૂરી શક્તિ પેલા છોકરાને તૈયાર કરવામાં રોકી. ઓજારો ક્યારે કેમ વાપરવાં તે બતાવ્યું. લાકડાની પાકી દોસ્તીયે બંધાવી આપી. છોકરોય તણખાવાળો હતો. બાપની કળાકારીગરીનો ઇલમ પોતાને કરી દેતાં તેણે વાર ન લગાડી. શંકર મિસ્ત્રી ગાડાં કે બારીબારણાં ને મોભ-થાંભલા જ ઘડનાર કસબી નહોતા, પ્રસંગોપાત્ત ‘હમણાં બોલી ઊઠશે’, ‘હમણાં નાચી ઊઠશે’–એવી આબેહૂબ સુંદર પ્રતિમાઓ પણ ઘડી જાણતા હતા. કાષ્ઠની કોતરણીમાં એમના જેવો હાથ તો વિરલ જ ગણાય. એ હાથનો કસબ છોકરાના હાથમાં મૂકવા પ્રૌઢ વયે એમણે ભારે પરિશ્રમ આદર્યો ને એક દિવસે એમણે જોયું, છોકરો સવિતાનો ફોટો લઈને બેઠેલો અને એને જોઈ જોઈ એક લાકડાના ટુકડામાં તે રેખાઓ આંકતો હતો. શંકર મિસ્ત્રી એ જોઈ જ રહ્યા. જોઈ જ રહ્યા… એમને થયું: ‘મારે હવે વહેલી તકે દોડી જઈને સવિતા જ્યાં હોય ત્યાં આ ખબર પહોંચાડવી જોઈએ.’ પરંતુ એ માટેય ભગવાનની રજા જોઈએ ને! શંકર મિસ્ત્રી એ રજાની વાટ જોતા હજી બેઠા છે.