કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૧. જળમાં લખવાં
Revision as of 16:39, 16 July 2022 by KhyatiJoshi (talk | contribs)
૧. જળમાં લખવાં
ઊણાં-અધૂરાં મેલી કામ,
ભાઈ, મારે જળમાં લખવાં નામ.
ભાઈ, મારે જળમાં લખવાં નામ.
આગમની એંધાણી મળે ન તોયે
રાખવા દોર ને દમામ,
ઝંખવાતી નજરુંના દીવડે
આંજવાં તેજને તમામ.
ભાઈ, મારે જળમાં લખવાં નામ.
ઊબડ-ખાબડ પંથ પડ્યા છે તોયે
ભીડવી ભવની હામ,
રથ અરથના અડધે તૂટે
ઠરવા નહીં કોઈ ઠામ,
તોયે મારે જળમાં લખવાં નામ,
ભાઈ, મારે જળમાં લખવાં નામ.
માર્ચ ’૭૪
(જળમાં લખવાં નામ, પૃ. ૩)