કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૬. પ્યારનો પારો

Revision as of 11:41, 18 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬. પ્યારનો પારો|}} <poem> જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૬. પ્યારનો પારો


જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?
આ આંખ ભટકતાં થાકી ગઈ, આ પ્રેમને પોરો ખાવો છે,
કોઈ દિલની સરાઈ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે?
છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે?
હું ઠપકો દઉં છું રોજ, હૃદયને રોજ દિલાસો આપું છું,
કે તુંય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?
સપનાંનું રેશમ જાય બળી, ને આશાની મૂરઝાય કળી,
કોઈ લીલાછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?
જ્યાં જોગ નથી, જ્યાં ભોગ નથી, સુખદુઃખના જ્યાં સંજોગ નથી,
જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી, એવો જન્મારો શા માટે?
હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
ને શબ જેવા આ દિલમાં યારબ! આ ધબકારો શા માટે?
(સિંજારવ, પૃ. ૫૦)