કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૭. નાની મહેચ્છા

From Ekatra Wiki
Revision as of 11:47, 18 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭. નાની મહેચ્છા|}} <poem> મારે હૈયે વનવનતણાં વૃક્ષનો છાંયડો ના,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૭. નાની મહેચ્છા


મારે હૈયે વનવનતણાં વૃક્ષનો છાંયડો ના,
ઊગ્યાં છૂટાં તૃણ રસભર્યાં ઊર્મિનાં ભાવભીનાં.
તોફાની વા જલ જલધિનાં ઊછળે ના સદાય,
નૈરાશ્યે આ અડગ ઉરની પાંદડી ના વિલાય.
મારે હૈયે પ્રણયબીજનો છોડ એકાદ નાનો,
એને મારો જીવનભર સંકલ્પ સંતોષવાનો.
હું છું નાનો મનુજ, ઉરમાં એક ઇચ્છાય નાની,
ફેલાવીને મધુરપ જગે જીવવા જિન્દગાની.
મારે થાવું કુસુમ સમ ના કોમળું – ઉગ્ર, કિંવા
થાવું મારે બીજ લઘુક જે વૃક્ષથીયે મહાન.
વાંછું ના હું સમદરઉરે નાચતું નાવ થાવા,
થાવું સાચી દિશ સૂચવતું માત્ર નાનું સુકાન.
છોને હું ના કનકદીવડી, કોડિયું માટીનું થૈ
ઉજ્જવાલું કો ગૃહ ગરીબનું, તોય મારે ઘણુંય.
(સિંજારવ, પૃ. ૫૯)