પરિભ્રમણ ખંડ 2/કંઠસ્થ વ્રત-સાહિત્ય (‘કંકાવટી’ (મંડળ 1) નો પ્રવેશક : 1927)

From Ekatra Wiki
Revision as of 12:57, 22 July 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
કંઠસ્થ વ્રત-સાહિત્ય

[2]
[‘કંકાવટી’ (મંડળ 2)નો પ્રવેશક : 1936]



શ્રી બલવંતરાય ઠાકોરનું એક પ્રિય કથન છે : દીવે દીવો પેટાય. લોકસાહિત્યના મારા સંશોધનકાર્યનો પણ એવો જ ઇતિહાસ બની ગયો. વ્રતસાહિત્યનો પ્રદેશ એક દિવસ સુરતમાં શ્રી દયાશંકર ભટ્ટને ઘેર જરીક ઝબૂકી ગયો. ઘેર જઈને મેં મારાં પડોશણ ડોશીઓને એ પ્રદેશના વાવડ પૂછ્યા. એમણે લખાવ્યું ને મેં લખ્યું. નાની છોકરીઓ ઘેર ઘેર ફરતી જે બડબડી જતી, તે મેં લખ્યું.


ડોશીશાસ્ત્ર કહીને!

એ સર્વનું ‘કંકાવટી’ નામ પાડીને જ્યારે પ્રગટ કરવાની તૈયારી હતી, ત્યારે લોકસાહિત્યના એક રસિક અભ્યાસીએ જ મને બીવરાવ્યો : ‘ગીતો-વાર્તાઓના તારા આજ સુધીના સંગ્રહો તો સન્માન પામ્યા, પણ આ ચોપડી બદલ તો લોકો તારાં પીંછડાં પીંખશે!’ આ બનેલું ભાવનગરમાં. તે પૂર્વે પાંચ-સાત વર્ષો પર ત્યાંના એક આર્યસમાજી ભાઈએ ડોશીશાસ્ત્રમાં રહેલા પાખંડ પર સસ્તા પ્રહારો કરતી એક નાની ચોપડી લખી છપાવી હતી તે પણ મારા લક્ષ પર મૂકવામાં આવી. મેં તેમાં આ જ વ્રતોની મજાક દીઠી. પેલા સ્નેહીએ બતાવેલો ડર મારા પર અસર કરી ગયોય ખરો.


ઇતિહાસનો દીવો

પરંતુ એ ડર કરતાં મારી સંશોધનવૃત્તિ વધુ સબળ નીવડી. મને લોકસાહિત્યમાં શ્રદ્ધા હતી; ધર્મનો હું પ્રેમી નહોતો. લોકસાહિત્યને હું સમાજના હજારો વર્ષના જીવન-ઇતિહાસને અજવાળનાર એક દીવો માનતો હતો. આજે પણ એ મારી માન્યતા છે. એ માન્યતા આજે તો જોરાવર બની છે. ઈ.સ. 1924-25માં આ ક્ષેત્રની તપાસ અન્યત્ર થઈ રહેલ છે તેની મને જાણ નહોતી. એક દશકા પૂર્વે આ લોકસાહિત્યને અને આ લોકવિદ્યાને સાહિત્ય અથવા ઇતિહાસને ત્રાજવે ચડાવનાર કોઈ હતું નહીં. આજે એની તુલા મંડાઈ છે. એ તોળાયું છે. એનો તોલ ન ઉવેખી શકાય તેવો નીવડ્યો છે. ‘કંકાવટી’નું પ્રકાશન એ આંતરગત આસ્થાને જોરે કરાવ્યું, ને મને દેખાડવામાં આવેલો ડર જૂઠો પડ્યો. ‘કંકાવટી’નું સાહિત્ય સાહિત્ય તરીકે પ્રત્યાઘાતી ન બન્યું. એ સાહિત્યનો સાહિત્ય હિસાબે તેમ જ આપણા લોકસમૂહના સંસ્કાર-વિકાસના ઇતિહાસને હિસાબે ઉકેલ સૂચવનારી મારી દૃષ્ટિ મેં મારા વિસ્તૃત પ્રવેશકમાં મૂકી હતી. એ દૃષ્ટિ સન્માન પામી.


ગુજરાતના પ્રયત્નો

— ને દીવે દીવો પેટાય! સૌરાષ્ટ્રના પ્રતિઘોષ ગુજરાતમાં પડ્યા હતા. ઉમરેઠમાં તે વખતે ગૂજરાત વિદ્યાપીઠનું એક નાનું યુવકમંડળ હતું. એ મંડળના મુખ્ય સંચાલક ભાઈશ્રી ઇંદુલાલ ભટ્ટ હતા. પોતાનાં સાથીજનોને ભાઈ ઇન્દુલાલે લોકસાહિત્યની શોધમાં પ્રેર્યાં. ચરોતરમાં જીવતાં રહેલાં ગીતોનો સ્વચ્છ સુંદર સંગ્રહ કરીને તેમણે મારા હાથમાં સોંપ્યો. ઈ.સ. 1928ની આ વાત. આઠ વર્ષો સુધી એ સંગ્રહ મારી જોડે રજોટાતો ને પાછો ઝાપટાતો સ્થળે સ્થળે આથડ્યા કર્યો. પ્રગટ કરવાના સુયોગો મને ન મળ્યા તે ન જ મળ્યા. ચારેક મહિના પર મેં એ હસ્તપ્રત ભાઈ ઇંદુલાલને પાછી આપી. પરંતુ ‘કંકાવટી’ના લોકસાહિત્યને હજુ હું ખલાસ નહોતો કરી શક્યો. ટીપે ટીપે મારી પાસે નવી સામગ્રી ઉમેરાતી હતી. વચગાળાનાં વર્ષોએ મારી પાસેથી બીજી કેટલીક પ્રવૃત્તિઓ માગી લીધી. પણ આજે પાછા ફરી વાર લોકસાહિત્યના કાર્ય પ્રત્યેનું મારું અધૂરું રહેલું ઋણ ચુકાવવા મારી ‘હરિની હાટડી’ માંડું છું ત્યારે મારા જૂના સંઘરામાંથી ગુજરાતની બે વસ્તુઓ નીકળી આવે છે : એક તો ભાઈ ઇંદુપ્રસાદે આઠ વર્ષ પર મોકલેલી બે વ્રતકથાઓ : ગાયવ્રતની કથા, : સૂરજ–પાંદડું વ્રતની કથા, અને બીજી તે, તે વખતના ગૂજરાત વિદ્યાપીઠના, શ્રી કાકા કાલેલકરના સંસ્કાર-રંગે રંગાએલ ભાઈ ઇન્દુપ્રસાદનો ટૂંકો લેખ (‘લોકજન્ય સમાજશાસ્ત્ર’), એ લેખ પ્રકટ કરું છું, પણ તેથી હું ભાઈ ઇન્દુપ્રસાદની વિચારસૃષ્ટિને આજે આઠ વર્ષે જરીકે બાંધી લેવાનો ઇરાદો નથી રાખતો. મુનિવ્રત ને મેઘરાજાનું વ્રત પણ મને ગુજરાતમાંથી મળ્યાં છે.


એક ડોશીમા

છેલ્લે પણ દીવે દીવો કેમ પેટાયો તે જણાવી લઉં. વિલેપારલેમાં એક જ ઓસરીએ રહેતા અમારા ઘરમાલિકનાં બુઢ્ઢાં મા મળી ગયાં. એ માએ જેમ –

બટકુંક રોટલો
થીનું ઘી
નાચ રે નાનકા
રાત ને દી.

અને

આજ મારો નાનકો
નાચ્યો નથી
કૂદ્યો નથી
કડ્યની ઘૂઘરી વાગી નથી.

અને

કૂદ ઘોડા કૂદ!
તારી નળીઓમાં દૂધ!
ઘોડો બાંધ્યો બજાર
ઘોડો ખાય ચણાની દાળ
મોટો થૈશ
ઢીંકા ખૈશ
તું તો શેરીએ ભાગ્યો જઈશ.

એવાં એવાં જોડકણાં બોલીને જેમ એક બાજુ મારા એક ધાવણા સંતાનને ‘મૂક’માંથી ‘વાચાલ’ તેમ જ ‘પંગુ’માંથી ‘ગિરિલંઘન’ માટે છલંગો દેતો કર્યો, તેમ બીજી બાજુ લોકસાહિત્યમાં રાચતા મારાય શિશુ-માનસને ભે’-બારશની કથા, રાણી રળકાદેની કથા, વિસામડાનાં ને કોયલ-વ્રતનાં જોડકણાં વગેરે ગાઈને નવા કૂદકા મારતું કર્યું.


અવિનાશી કૌમાર

એ દાદીમાની કથા કહેવાની લઢણ છેક જાફરાબાદ પંથકની. વિસામડાનું જોડકણું બોલતાં બોલતાં એ જે તાળીઓ દેતાં હતાં, તે તાળીઓ, તેમની અર્ધઅંધાપે ગયેલી આંખોની બોલતી વેળાની ચપળ, ઘેરી, દુઃખ વીસરતી પ્રસન્નતા, તેમનો દરેક હાવ અને ભાવ એક જ વાત કહેતાં હતાં કે વ્રતોએ પોષેલું ને એ વ્રતોએ રમાડેલું કૌમાર, એંશી વર્ષોને મૃત્યુ-આરે પહોંચેલા વૈધવ્યમાંથી પણ નાશ નથી પામતું.


પરસ્પર પ્રતીકો

એવાં દાદીમાઓ મને જાણે કે પ્રત્યેક વ્રતની માનવપ્રતિમા લાગે છે. જૂના કાળની ડોશીઓ, ડગુમગુ પગલે દેવમંદિરે જનારીઓ, ધીરે લહેકે સુખદુઃખની વાતો કહેનારીઓ, દીકરા-દીકરીઓનાં ધાવણાં બાળને એક પછી એક અણથાક લાગણીએ રમાડનારીઓ, સમતા અને સહિષ્ણુતાની સહજ મુખરેખાઓ ધારણ કરનારીઓ, સ્વભાવની અનેક લઘુતાઓની જોડે અનેક મહાનુભાવતાઓનો પણ મેળ મેળવનારીઓ, ગાળો દેનારીઓ તેમ કીર્તનો પણ ગાનારીઓ, ઊનાં બે આંસુ પાડીને પાછી બે જ ઘડીમાં હસી રહેનારીઓ, ઉદારતા અને કંજૂસાઈ વચ્ચેની સીમાદોરી ક્યાં દોરાય છે તેની સદા સર્વદા અજાણ, સો સો દુઃખોને પાર કરી જનાર, જીવનને ત્યજી દેવા તત્પર છતાંય જીવનની ઝીણામાં ઝીણી વિગતોનેય જમ જાણે કદાપિ આવવાનો જ નથી એટલી અટલ આસ્થાથી વળગી રહેનાર, એવી એ દાદીમાઓ અને આ વ્રતો, આ વ્રતકથાઓ : બન્ને મને એકબીજાનાં પ્રતીકો લાગે છે. જમાનાજૂનાં ઝુઝાડ આ વ્રતો; છતાં તેમની જુનવટ કંઈ સૂગ નથી કરાવતી. એમાં પડેલા વહેમો કેવળ બાલભાવે રંજિત છે. એમાં પડેલી તપશ્ચર્યામાં ફૂલોની હળવાશ છે.

એ ડોશીમાથી ઊલટા પ્રકારની સ્ત્રીઓને પણ તમે જોઈ હશે : બળેલી ને ઝળેલી, વાતવાતમાં છોવાઈ જતી, પગલે પગલે પાતક કલ્પતી ઉલ્લાસહીન અને ઊર્મિજડ ધર્મચુસ્ત નારીઓ. એને જુઓ તો જાણી લેજો કે એ છે ‘વ્રતરાજ’નાં ફળ. અનેક શાસ્ત્રો-પુરાણોનું સંશોધન કરીને સંવત 1793 [સન 1737]માં એ બનાવેલું છે એવું એની પ્રસ્તાવના બોલે છે. એની પોણા ચારસો પાનાંની શાસ્ત્રોક્ત વ્રત-સામગ્રી જોઈ જતાં આપણને સમજ પડે છે કે શ્રી અવનીન્દ્રનાથ ઠાકુરે લોકવ્રતો તેમ જ શાસ્ત્રીય વ્રતો વચ્ચે દોરેલી તુલના કેટલી સચોટ છે. પણ શ્રી અવનીન્દ્રનાથે નથી ચર્ચી તેવી કેટલીક વાતો અહીં સ્ફોટ માગે છે. વ્રતો કોણ કરી શકે? વ્રતનાં અધિકારી કોણ? ‘વ્રતરાજ’ ગ્રંથનું અવતરણ લઈએ :


વ્રતનાં અધિકારી

“સ્કંદપુરાણમાં વચન છે કે : હે રાજન્! પોતાના વર્ણના તથા આશ્રમના આચારમાં તત્પર, શુદ્ધ મનવાળો, લોભરહિત, સત્યવાદી, સર્વ પ્રાણીઓના કલ્યાણમાં તત્પર જે પુરુષ હોય તે વ્રતનો અધિકારી કહેવાય છે.” વગેરે વગેરે.

લોકવ્રતોમાં આરપાર નીકળી જાઓ. ત્યાં કોઈને માટે પ્રવેશ-નિષેધ નથી. કોઈ શરત નથી. કોઈ બંધન નથી. મનુષ્ય તો વ્રત કરે છે, પણ વાંદરી (જુઓ ‘જીકાળિયો’ : ‘કંકાવટી’) અને પંખીઓ (જુઓ ‘ઘણકો-ઘણકી’ : ‘કંકાવટી’) પણ કરી શકે છે, વ્રતો કરે છે એટલું જ નહિ પણ માનવીઓના અધિકારો પર તે પશુપંખીડાં સરસાઈ પણ ભોગવે છે એવો એમાં ધ્વનિ મુકાયો છે.


પતિની રજા

શાસ્ત્રાધારે રચાયેલ ‘વ્રતરાજ’માં લખે છે કે વ્રત કરવાનો સ્ત્રીઓનો પણ અધિકાર છે. પરંતુ ત્યાં તો મર્યાદાઓ મુકાઈ છે : ‘સુવાસિની સ્ત્રીઓને પતિ વગેરેની આજ્ઞા વિના વ્રતનો અધિકાર નથી’. મદરત્નમાં માર્કંડેય પુરાણનું વચન : ‘પતિની, પિતાની વા પુત્રની આજ્ઞાથી સર્વ વ્રતમાં અધિકાર પ્રાપ્ત થાય છે, કારણ કે સ્ત્રી પતિની અનુમતિથી વ્રત વગેરે સર્વદા કરે એમ કાત્યાયનનું કહેવું છે. જે સ્ત્રી પતિ જીવતા છતાં ઉપવાસ વ્રત કરે છે તે સ્ત્રી પતિનું આયુષ્ય હરે છે ને પોતે નરકમાં પડે છે.’

લોકવ્રતોની પરંપરા આવો કોઈ પણ સંકોચ દાખવતી નથી. એક પણ આવો પ્રસંગ આટલાં લોકવ્રતોમાં નથી મળતો કે જ્યાં સ્ત્રી સ્વામીની રજા લેવા ગઈ હોય. લોકવ્રતોનું એ મૂગું ઔદાર્ય છે. સ્ત્રી-પુરુષ વચ્ચેના અધિકાર-ભેદની બનાવટ એમાં પેઠી નથી. એટલું જ નહિ પણ લોકોક્ત ‘કોયલ વ્રત’માં તો સ્ત્રી ધણીને પથારી સુધ્ધાં ન કરી આપે એટલી હદે વ્રતિની સ્ત્રી સ્વાધીન બને છે.


ન કરવાની સજા

“ગ્રહણ કરેલું વ્રત ન કરે તો તેના સંબંધમાં મદનરત્નમાં છાગલેય કહે છે કે જે પુરુષ પ્રથમ વ્રતનું ગ્રહણ કરી પછી ઈચ્છાથી વ્રત ન કરે, તે જીવતો ચાંડાલ થાય છે અને મુઆ પછી કૂતરો થઈ અવતરે છે.” (‘વ્રતરાજ’.)

શાસ્ત્રની આવી વાતોને લોકવ્રતમાં સ્થાન નથી. હા, એક વાર્તા છે : ઘણકા-ઘણકીની. પુરુષોત્તમ મહિનો નાહનાર એ લકડખોદ માદા પક્ષી મરીને રાજકુંવરી સરજે છે, ને ભોગ ભોગવનાર નરપક્ષી ઘણકો (લકડખોદ) બોકડો સરજે છે. છતાં તે સ્થિતિમાં કુમાશ તેમ જ મીઠાશ મૂકનાર એક તત્ત્વ લોકવ્રતોની સૃષ્ટિમાં સહજ આવી ગયું છે. બોકડો પણ રાજકુંવરીને ઘેર જ સરજાય છે. બેઉની પૂર્વજન્મની જુગલ-પ્રીતિ પણ અનામત રહે છે. સાસરે જતી એ કુમારી પોતાના પ્યારા બકરાને જોડે લઈ જાય છે. ત્યાં સાસરવાસીમાં પણ બન્નેના પરસ્પર પરિહાસ ચાલુ છે :

રૂમઝૂમતી રાણી મેડીએ ચડ્યા.
હા, મારા પીટ્યા!
અમે મેડીએ ચડ્યાં
તે કરકર બરકર ખાયા!

આ પરિહાસની અંદર એ મૂંગી વેદના છે. બન્નેના આત્માઓ દેહની દીવાલોની આરપાર જાણે કે મિલન શોધે છે. વાર્તાપ્રસંગ શાસ્ત્રોક્ત વ્રતોમાં ઊઠતી ભયાનકતાને લેશ પણ સ્થાન ન આપતાં કરુણતાની છાયા પાથરે છે.


પ્રાયશ્ચિત્તની ભયાનકતા

વધુ મોટો ભેદ તો બંને પ્રકારનાં વ્રતોની વચ્ચે પ્રાયશ્ચિત્તના મુદ્દા પર પડી રહે છે. ‘વ્રતરાજ’માં લખે છે કે પ્રાયશ્ચિત્ત માટે ગરુડ તથા સ્કંદપુરાણમાં કહેલું છે : ‘ક્રોધથી, પ્રમાદથી વા લોભથી જો વ્રતનો ભંગ થાય તો ત્રણ દિવસ સુધી ભોજન કરવું નહિ, અથવા માથે મુંડન કરાવવું’. અને લોકવ્રતમાં ફક્ત આટલું જ : ‘વાર્તા ન કહીએ તો ઉપવાસ પડે’.

‘વાર્તા ન કહીએ તો ઉપવાસ પડે’ એ તો જાણે કે આ દેશની આબોહવાને માટે સરળ હળવી એક ચેતવણી છે. પણ માથું મૂંડાવવાની સજા મોટા પતનની સૂચક વાત છે. વાળની કાળી કાળી વાદળઘટા, હિંગળે પૂર્યો સેંથો, ફૂલભર્યો અંબોડો, કેશગૂંથણની કલા, ફૂલો અને વેણીના શિરસાજ, એ બધાં સૂચવે છે કે સ્ત્રીઓના રસજીવનમાં, તેમ જ પુરુષોના પણ સૌંદર્ય પ્રદેશમાં એ સ્ત્રીના માથાના કેશ મુખ્યત્વે રમણ કરનારા છે. એ રસતત્ત્વનો પ્રભાવ નરનારીના જુગલજીવનમાં એટલી હદ સુધી પડ્યો હતો કે જુગલજીવનના ખંડિત થવા સાથે કેશના શણગાર જ નહિ પણ કેશ પોતે નિરર્થક બનતા. સુંદરતા, મંગલતા અને સંસ્કારના પ્રતીક એવા કેશનું મુંડન કેટલું ભયાનક છે તે સમજ્યા પછી શાસ્ત્રીય વ્રતોનું જગત બિહામણું બની જાય છે. એ દુનિયામાં પેસનાર સ્ત્રીસમૂહ પોતાની સ્ફૂર્તિ અને પ્રફુલ્લતા હારી બેસે. એ વ્રતોનું રાજ્ય કોઈ પરદેશી શાસનનું પોલીસ-રાજ જ લાગે.


અરધી પૂજા અરધી રમત

પાપ-પુણ્યના આવા વિકરાળ ભાવોથી લોકાવ્રતો મુક્ત છે. આવી કલ્પના જ લોકવ્રતોના આશયથી વિરુદ્ધ જાય છે. અરધી પૂજા અને અરધી રમત જેવાં લોકવ્રતો જીવનના ફૂલને ફૂટવા આપે છે, ભસ્મ કરતાં નથી. તે વ્રતોનું નિર્માણ જ જીવનને મોકળું, પ્રફુલ્લિત અને નિયમપ્રેમી બનાવવાનું છે.

અને વ્રતોની દુનિયામાં વળી આ પવિત્ર અને આ પતિત એવા આ ભેદ શાના? ‘વ્રતરાજ’માં વિષ્ણુપુરાણનો આધાર ટાંકીને લખે છે કે ‘જો પતિત વગેરે નજરે પડે તો બુદ્ધિમાન પુરુષે સૂર્યદર્શન કરવું’. ‘બૃહન્નારદીય’નો આધાર ટાંકી કહે છે કે ‘વ્રતાદિકની મધ્યમાં રજસ્વલા, ચાંડાલ, મહાપાપી, સુવાવડી સ્ત્રી, પતિત, ઉચ્છિષ્ટ અથવા ધોબી વગેરે નજરે પડવાથી અથવા તેનો શબ્દ સાંભળવાથી બુદ્ધિમાન પુરુષે એક હજાર ને આઠ ગાયત્રી મંત્રનો જપ કરવો. હેમાદ્રિમાં પદ્મપુરાણનું વચન છે કે ‘ગર્ભિણી, સુવાવડી, કુમારી અથવા રોગિણી સ્ત્રી જ્યાં સુધી અશુદ્ધ હોય ત્યાં સુધી બીજા પાસે વ્રત કરાવે, અને શુદ્ધ થયા પછી પોતે વ્રત કરે.’