રાજા-રાણી/બીજો પ્રવેશ1

From Ekatra Wiki
Revision as of 12:21, 25 July 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
બીજો પ્રવેશ

પહેલો અંક


         સ્થળ : અંત :પુર. વિક્રમદેવ, અને રાણીના પિયરિયા સભાસદો.

સભાસદ : ધન્ય, મહારાજ! ધન્ય!
વિક્રમદેવ : કેમ? આટલા બધા ધન્યવાદનું શું કારણ?
સભાસદ : મહાન્ પુરુષનું તો એ જ લક્ષણ છે. એની કૃપાદૃષ્ટિ તો સહુની ઉપર પડેલી હોય. પામર હોય તે જ અન્ય પામરોને જોઈ ન શકે. આપે તો પેલા દૂર પડેલા જયસેન, યુધોજિત આદિ સેવકોને પણ આ મહોત્સવમાં સંભાર્યા, એ આનંદથી તો એ બધા આતુર બની ગયા છે, અને પોતાના રસાલા લઈને સત્વર અહીં ચાલ્યા આવે છે.
વિક્રમદેવ : રાખો! રાખો! એવી નજીવી બાબતમાં પણ આટલાં બધાં યશોગાન! મને તો ખબર પણ નથી કે મહોત્સવમાં કોને કોને બોલાવ્યા છે!
સભાસદ : સૂર્યનો ઉદય માત્ર થતાં જ સકળ ચરાચર પ્રકાશિત બની ઊઠે છે. સૂર્યને તો નથી કાંઈ તજવીજ કે મહેનત પણ કરવી પડતી. નથી એનું તેજ વધતું કે નથી ઓછું થતું. એને તો ખબર પણ નથી હોતી કે ક્યાં, કયી વાડીની અંદર, કયું કયું ફૂલ, એનાં કનક-કિરણ પડતાં જ કેવા આનંદથી ખીલી ઊઠ્યું હશે! તમેય તે મહારાજ, બસ અજાણ્યે અજાણ્યે જ કૃપાવૃષ્ટિ કરો છો. જે એને પામે છે, તે ધન્ય બને છે.
વિક્રમદેવ : બસ કરો, બસ કરો! બહુ થયું. જેટલી સહેલાઈથી હું કૃપાવૃષ્ટિ કરું છું, તેથી અધિક સહેલાઈથી તો મારા સભાસદો સ્તુતિ-વૃષ્ટિ કરે છે! જે જે વાતો ગોઠવીને તમે આવેલા તે બધી હવે તો ખલ્લાસ થઈ ગઈ છે ને? જાઓ ત્યારે.

[સભાસદ જાય છે. સુમિત્રા પ્રવેશ કરે છે.]


         ક્યાં જાઓ છો, ઓ રાણીજી? એક વાર તો નજર કરો! પૃથ્વીની સમક્ષ હું રાજા મનાઉં છું, માત્ર તમારી આગળ હું એક કંગાલ બની આવું છું. આખા જગતમાં મારો પ્રતાપ વિસ્તરે છે, ફક્ત તમારી નજરમાં જ હું એક ભૂખ્યો, હાડપિંજર સમો, ગરીબ, વાસનાનો ગુલામ બની ગયો છું. એથી જ શું, ઓ મહારાણી, ઓ રાજરાજેશ્વરી, ગર્વમાં મને તરછોડીને તમે ચાલ્યાં જાઓ છો?

સુમિત્રા : મહારાજ, આખી વસુંધરા જે પ્રેમ યાચી રહી છે, તે સમસ્ત પ્રેમ મને એકલીને કાં અર્પો? હું લાયક નથી.
વિક્રમદેવ : હું પામર છું, દીન કાપુરુષ છું, કર્તવ્યભ્રષ્ટ છું, રણવાસને વશ બન્યો છું. પરંતુ, ઓ મહારાણી, એ કાંઈ મારો સ્વભાવ છે? શું તમે મહીયસી, મને હું પામર છું? તમે ઊંચે, અને હું શું ધૂળમાં પડ્યો છું? ના, એમ નથી. મારી શક્તિનું મને ભાન છે. મારા હૃદયની અંદર એક દુર્જય શક્તિ રહેલી છે; પરંતુ પ્રીતિને રૂપે મેં એ શક્તિ તમને સમર્પી છે; મારા એ વજ્રાગ્નિને, વિદ્યુતની માળા બનાવી તમારે કંઠે પહેરાવી છે, પ્રિયે.
સુમિત્રા : એથી તો ભલું હતું કે તમે મારો તિરસ્કાર કરો, ને બને તો મને તદ્દન ભૂલી જાઓ; તુચ્છ એક નારીની ઉપર તમારા સમસ્ત પુરુષત્વને ઢોળી દેવું ન શોભે.
વિક્રમદેવ : આટલો આટલો પ્રેમ અને, હાય, એનો કેવો અનાદર! આ પ્રેમ શું નથી જોઈતો તમારે? નથી જોઈતો છતાં ચોરની માફક છીનવી લીધો છે, અંતરના મર્મમાં ઉપેક્ષાની કટારી હુલાવી, લોહી-તરબોળ ધગધગતો મારો પ્રેમ તમે કાપી લીધો છે! પને પછી, ઓ પ્રેમહીન, ઓ નિષ્ઠુર, તેં એને ધૂળમાં નાખી દીધો છે! પાષાણની પ્રતિમા! જેમ જેમ તને પ્રેમથી છાતીએ ચાંપતો જાઉં છું, તેમ તેમ છાતીમાં પથ્થર વાગે છે.
સુમિત્રા : આ પડી તમારા ચરણમાં, જે કરવું હોય તે કરો. પરંતુ આટલો તિરસ્કાર શા માટે, વહાલા? શા સારુ આજે આવાં કઠોર વેણ કાઢો છો? પૂર્વે તો તમે મારા કેટલાયે અપરાધો માફ કર્યા છે, છતાં આજે વિના અપરાધે કાં રોષ કરો?
વિક્રમદેવ : ઊઠો, વહાલી, આવો છાતીએ; ગાઢ આલિંગન આપીને આ સળગતી હૃદય-જ્વાળાને બુઝાવી નાખો. ઓ પ્રિયતમે, આ આંસુઓની અંદર કેટલું અમૃત, કેટલી ક્ષમા, અહો, કેટલો પ્રેમ ને કેટલો વિશ્વાસ ભર્યાં છે! અર્જુનનું બાણ વાગતાં ધરતીનું હૃદય ભેદીને ભાગીરથી ઊછળી, તેવી રીતે, ઓ પ્રિયે, હૃદયતલમાં તીખું મહેણું વાગીને પ્રીતિનું ઝરણ ફૂટ્યું.

[નેપથ્યમાંથી અવાજ.]

                  મહારાણી! }}

સુમિત્રા : [આંસુ લૂછીને] કોણ — દેવદત્ત? બોલો, શા ખબર છે?

[દેવદત્ત આવે છે.]

દેવદત્ત : દેવી, રાજ્યના અધિકારીઓએ રાજ-નિમંત્રણને ન ગણકાર્યું; અને બંડ જગાવવા તૈયાર બન્યા છે.
સુમિત્રા : સાંભળો છો કે, મહારાજ?
વિક્રમદેવ : દેવદત્ત, અંત :પુર એ કાંઈ મંત્રણાગૃહ નથી.
દેવદત્ત : અને, પ્રભુ! મંત્રણાગૃહ પણ અંત :પુર નથી. એટલે જ ત્યાં આપનાં દર્શન નથી થતાં.
સુમિત્રા : પાળેલા કૂતરાઓ રાજ્યનું એઠું અનાજ ચાટી ચાટીને કેટલા ફાટ્યા! રાજાની સામે બંડની તૈયારી! કેટલો અહંકાર! મહારાજ, આ શું વિચાર કરવાનો વખત છે? વિચાર કરવાનું હવે શું રહ્યું છે? જલદી સૈન્ય લઈને ચડો, ને એ લોહી ચૂસનારા કીડાઓને પગ નીચે છૂંદી ફેંકી દો.
વિક્રમદેવ : પણ સેનાપતિ તો શત્રુના પક્ષનો છે!
સુમિત્રા : અરે! તો તમે પોતે પધારો.
વિક્રમદેવ : અહા! હું શું તને એટલો બધો નડું છું? શાપ થઈ પડ્યો છું? કમભાગ્ય, કુસ્વપ્ન, કે હથેળીનો કાંટો થઈ પડ્યો છું? ના, રાણી, અહીંથી ડગલું પણ નહીં દઉં. સંધિનું કહેણ મોકલીશ. કોણે ઉતારી આ આફત? એક બ્રાહ્મણ અને બીજી સ્ત્રી, બન્નેએ મળીને રાફડામાં સૂતેલા સર્પને જગાડ્યો. આવી રમત! જેને આત્મ-રક્ષાની શક્તિ નથી, તે બધાં બેફિકરપણે પારકા ઉપર આફત ઉતારે.
સુમિત્રા : ધિક્ આ અભાગી રાજ્યને, અભાગી પ્રજાને, અને ધિક્કાર છે મને — આ રાજયની રાણીને.

[જાય છે.]

વિક્રમદેવ : દેવદત્ત, ભાઈ, આખરે દોસ્તીનું આ ઈનામ દીધું કે? હા! વ્યર્થ છે મારી આશા. રાજાના કિસ્મતમાં પ્રેમ નથી લખાયો. કેવો રાજાનો મહિમા! છાયાહીન, સંગીહીન કોઈ પહાડની માફક, નિર્જન આકાશની અંદર ધગધગતું મસ્તક રાખીને એકલવાયા ઊભા રહેવાનો એ પ્રેમહીન, રસવિહીન મહિમા! એને માથે વાવાઝોડાં ચડી આવે, વીજળીનાં વજ્ર એને વીંધી નાંખે, લાલ ડોળા ફાડી સૂર્ય એને ડરાવે, અને ધરતી એના ચરણ ઝાલીને નીચે પડી રહે. પરંતુ એને પ્રીતિ ક્યાં? રાજાનું હૃદય પણ એ પહાડના હૃદયની પેઠે રડે છે; હાય રે, બંધુ, માનવ-જન્મ લેવો, અને સાથે રાજત્વનો પ્રતાપ ધરવો, એ ક્રૂર મશ્કરી છે. એક વાર, ઓ બંધુ, બસ એક વાર, તમને — મારાં પ્રિયજનોને — મારા હૃદયની ગોદમાં ખેંચી શકાતાં હોય, તો ભલે આ દંભનું ઊંચું સિંહાસન ભાંગીને ભૂકો થઈ જતું. ઓ બાલસખા, હું રાજા છું એ વાત એક વાર વીસરી જા ને, તારા બાંધવ-હૃદયની અંદર, બીજા એક બાંધવ-હૃદયની વેદનાનો અનુભવ તો કર!
દેવદત્ત : સખા, આ મારા હૃદયને તમારું જ હૃદય સમજજો. ફક્ત તમારી પ્રીતિને જ નહીં, પણ અપ્રીતિનેય હું હોંશે હોંશે સહી લઈશ; અગાધ સાગર જેમ આકાશના વજ્રને પણ છાતીએ ઝીલે છે, તેમ હુંયે તમારા રોષને છાતી પાથરી ઝીલીશ.
વિક્રમદેવ : દેવદત્ત, અમારા સુખી માળામાં તું શા માટે વિયોગ પડાવી રહ્યો છે? અમારા સુખ-સ્વર્ગની અંદર કાં હાહાકાર જગાવે?
દેવદત્ત : ઓ ભાઈ, તારા ઘરમાં આગ લાગી છે. હું તો એ ખબર દેવા, તારી સુખ-નિદ્રા ઉડાડવા આવ્યો છું.
વિક્રમદેવ : એ કરતાં તો એ સુખ-સ્વપ્ન જોતાં જોતાં જ મરવું ભલું હતું!
દેવદત્ત : ધિક્કાર છે, મહારાજ, શરમ છે. આખા રાજ્યના મૃત્યુ કરતાં તુચ્છ એક સુખ-સ્વપ્ન વધુ હૈયે વળગ્યું?
વિક્રમદેવ : મૃત્યુ! રે, યોગમગ્ન કોઈ યોગીને મન આ આખા વિશ્વનો પ્રલય પણ શી વિસાતમાં છે! આ સંસાર સ્વપ્નમાત્ર બની ગયો! પચાસ વરસ પછી આજનાં સુખ-દુઃખ કોને સાંભરવાનાં છે? જા, સુખેથી જા, દેવદત્ત, જ્યાં તને ગમે ત્યાં જા. હું મારું સાંત્વન મારા પ્રાણમાંથી જ મેળવી લઈશ. સહુનું સાંત્વન પોતપોતાની પાસે જ રહ્યું છે. જા. લાવ, હુંય જરા જોઈ આવું, રાણી ક્યાં ગઈ.

[જાય છે.]