અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/વિપ્રયોગ

From Ekatra Wiki
Revision as of 07:40, 21 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> ‘આકાશે એની એ તારા : એની એ જ્યોત્સ્નાની ધારા : તરુણ નિશા એની એ : દા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

‘આકાશે એની એ તારા :
એની એ જ્યોત્સ્નાની ધારા :
તરુણ નિશા એની એ : દારા–
         ક્યાં છે એની એ?

‘શું એ હાવાં નહિ જોવાની?
આંખલડી શું નહિ લ્હોવાની?
ત્યાંએ ત્યારે શું રોવાની? –
         દારા એની એ?’


‘છે, જ્યાં છે સ્વામીની તારા!
સ્વર્ગોની જ્યોત્સ્નાની ધારા :
નહિ જ નિશા જ્યાં આવે, દારા –
         ત્યાં છે એની એ!

‘છે ત્યારે એ ત્યાં જોવાની :
આંખલડી એ ત્યાં લ્હોવાની :
સ્વામી સાથે નહિ રોવાની –
         દારા એની એ!’
(પૂર્વાલાપ, પૃ. ૧૦૧-૧૦૨)