ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘અનુભવબિંદુ’

From Ekatra Wiki
Revision as of 07:50, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘અનુભવબિંદુ’ :'''</span> આ નામે જાણીતી થયેલી ૪૦ છપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘અનુભવબિંદુ’ : આ નામે જાણીતી થયેલી ૪૦ છપ્પાની અખાની રચના હસ્તપ્રતોમાં ‘છપ્પા’ તરીકે જ ઓળખાવાયેલી છે, પણ મહાઅનુભવ-પરબ્રહ્મના અનુભવના લગભગ એક જ તાર પર ચાલતી હોવાથી આ પ્રચલિત નામ પામી જણાય છે. ૪ ચરણ રોળાનાં (માત્ર પહેલા છપ્પામાં દુહાનાં) અને ૨ ચરણ ઉલ્લાલાનાં - એ જાતની છપ્પાની રૂઢ આકૃતિને આ છપ્પાઓ અનુસરે છે અને રોળાનાં ૪ ચરણમાં સામાન્ય રીતે આંતરપ્રાસને યોજે છે. “નિર્ગુણ ગુણપતિ” પરબ્રહ્મની સ્તુતિમાં ગણપતિનો નામનિર્દેશ કરી લેતું આ કૃતિનું મંગલાચરણ ‘અખે-ગીતા’ની જેમ અનોખું છે. કૃતિનો મુખ્ય વિષય છે પરબ્રહ્મસ્વરૂપવર્ણન. પંચમહાભૂતો, ૩ ગુણો, પુણ્યપાપ વગેરે સર્વ ભેદોથી પર પરબ્રહ્મને અખાજી ‘મહાશૂન્ય’ કહી આકાશ સાથે તેમ સૃષ્ટિથી અલગ અને નિરાલંબ રહેતા આકાશમાંના ચંદ્ર સાથે સરખાવે છે. પરબ્રહ્મના અનુભવને પારસના જેવો અક્ષય્ય અને અનળપંખીના જેવો અનન્ય દર્શાવે છે તેમ જ એ અનુભવદશાની રમણીયતા દર્શાવવા શરદઋતુનું કાવ્યમય વર્ણન યોજે છે. પરબ્રહ્મ અને જીવની ભિન્નતાનું મિથ્યાત્વ દર્શાવવા એ એક નવીન દૃષ્ટાંત આપે છે : સાગરનું પાણી પૃથ્વી પર વરસીને નદી નામ ધારણ કરે છે અને અંતે સાગરમાં ભળે છે તેમ જીવ એ મધ્યદશા છે, આદિમાં ને અંતે પરબ્રહ્મ જ છે. પરબ્રહ્મ માયાના કારણે જગતતત્ત્વ રૂપે ભાસે છે પણ તત્ત્વત: તે એક છે તે સમજાવવા કામમંદિર, નારીકુંજર અને પ્રૌઢ પર્વતનાં વિશિષ્ટ દૃષ્ટાંતચિત્રો યોજાયાં છે. ષડ્દર્શનજ્ઞાન, દાનવીરપણું, કીર્તિ, ત્રિકાલવેત્તાપણું વગેરે સિદ્ધિઓ દ્વારા માયા માણસોને મર્કટ બનાવે છે એમ કહી આખા-ભગત એ બધાની તેમ જ ગાનતાન, વર્ણાશ્રમધર્મ, યોગ, દેવપૂજા, કાયાકલેશ આદિની સાધનાને છાશ પીને પેટ ભરવા જેવી તુચ્છ અને બકરીના દુઝાણા, બોરના વેપાર, ધાણીના આહાર તથા ઝાકળની વૃષ્ટિ જેવી નિરર્થક ગણાવે છે. આધ્યાત્મજ્ઞાન એટલે કે લિંગભંગ એ પરબ્રહ્માપ્રાપ્તિનું આવશ્યક સાધન છે અને એ માટે સદ્ગુરુનું શરણ લેવાનું તેમ જ પોતે પોતાના ગુરુ થવાનું સૂચવે છે. થોડી કૂટ લાગતી આ કૃતિ અનુભવના સંક્ષિપ્ત સઘન ઉદ્ગાર, વિષયની ઊર્જિતતાને પ્રગટ કરતાં પ્રૌઢિયુક્ત દૃષ્ટાંતચિત્રો તેમ જ કેટલીક અસરકારક વાક્છટાઓને લીધે “ચિંતનરસનું ઘૂંટેલું એક મૌક્તિકબિંદુ” (ઉમાશંકર જોશી) બની રહે છે. [જ.કો.]