અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/શરદપૂનમ
પડ્યો હતો તે તટ વિશ્વનો વડો,
અગાધ એકાન્ત હતો ઊંડો ઊંડો;
પ્રશાન્ત ઝૂકી હતી આભની ઘટા,
માઝાવતી સાગરની હતી છટા.
શાન્તિ શાન્તિ હતી ગાઢ હૈયામાં અંતરિક્ષમાં,
ત્યાં સંધ્યાના મહાઆરે દીઠી ઊગન્તી પૂર્ણિમા.
લજ્જાનમેલું નિજ મન્દ પોપચું,
કો મુગ્ધ બાલા શરમાતી આવરે;
ને શોભી ર્હે નિર્મલ નેનની લીલા,
એવી ઊગી ચન્દ્રકલા ધીરે ધીરે.
અન્તરે ઊઘડ્યાં, સિન્ધુ સળક્યો, જાગી ચેતના,
અને ગુંજી રહી મિઠ્ઠી ગોષ્ઠિની મન્દ મૂર્છના.
ઝીલી પ્રિયાનયનનાં શર, ને વીંધાઈ,
પોઢ્યો હતાશ પ્રિય મૂર્છિત રૂપદર્શે;
તે વ્હાલી-સ્પર્શથી સચેતન થાય, તેમ
જાગ્યો નૃલોક નવચેતન ચન્દ્રીસ્પર્શે.
મીઠી મ્હેરામણે ક્યાંક વાદળી કોક વર્ષશે,
અને કો છીપમાં આજે મેઘનાં મોતીડાં થશે.
વદન પૂનમચંદ શું વિહાસે,
જલધરનું ધરી ઓઢણું વિલાસે;
પરિમલ પ્રગટાવતી ઉમંગે,
શરદ સુહાય રસીલી અંગઅંગે.
હૈયાના મ્હેલમાં જેવી કવિતા ચમકી રહે,
એવી ગેબી પ્રભાવન્તી ચન્દ્રીની ચન્દ્રિકા વહે.
મદે ભરેલી ઝીણી ટીલડી કરી,
સોહાગી દેહે રસપામરી ધરી;
શોભે ઊગી સુન્દરી જેમ બારીએ;
ચન્દ્રી ચડે છે નભની અટારીએ.
હસે છે સ્નેહની લ્હેરે જેવું તું, ઓ સુધામુખી!
હસે છે એવું અત્યારે ચારુ ચન્દ્રકલા, સખી!
સરવરજલ જેવું વ્યોમનીર
અતલ પડ્યું પથરાઈ નીલઘેરું :
પરિમલ પમરી સુધાપ્રભાના
કમલ ખીલ્યું મહીં એક ચન્દ્રી કેરું.
નમી આ આંખડી મારી ભાળી એ દેવબાલિકા;
નમ્યાં સૌ જગનાં લોકો, નમી સૌ ઝાંખી તારિકા.
જેવું ઝૂલે સાગર ઉર નાવડું,
કે મેઘને અંક કપોતિની રૂડું;
એવી સખી! ચન્દ્રકલા સુઝૂલતી,
જ્યોત્સ્નાસરે એકલ ભીંજતી જતી.
ગાજે છે મધ્યરાત્રી. ને ગાજે છે તેજનિર્ઝરી;
ગાજે છે ખોખરા શબ્દે દૂર સાગરખંજરી.
કો સ્નેહી કેરા સ્નેહના કુંજઆરે
અખંડજ્યોત્સ્ના સ્નેહરાણી પધારે,
ને એકલી એ સ્નેહકુંજે ઝઝૂમે :
મધ્યાકાશે ત્યમ સુતનુ તે ચન્દ્રી એકાકી ઘૂમે.
એકલાં ઊગવું, સ્હોવું, એકલાં આથમી જવું :
સ્નેહથી છલકાતા આ સંસારે એમ શે થવું?
દેવી! અમારા ઉરમાં પધારજો!
દ્વારે દીપો એમ દિલે સદા હજો!
આત્મા વિશે રંક, ગરીબ બારણે
આ પાટ માંડ્યા સહુ આપ કારણે.
સાગરે ભરતી જામી, ને જામી ભરતી ઉરે;
ઘેરા ઘેરા અનેરા ત્યાં જાગ્યા સંગીતના સૂરે.
કરી સ્તુતિ તે વિધુકન્યકા તણી,
ઉચ્ચારી કીર્તિ પ્રભુની ઘણી ઘણી;
ને સ્નેહમન્ત્રોય અનેક ભાખિયા;
એ સ્તોત્રના સૌ ધ્વનિ વ્યોમ વ્યાપિયા.
અમીથી આંખડી આંજી, મન્ત્ર સૌભાગ્યના લખી,
વિશ્વના ચોકમાં રાસ ખેલે ચન્દ્રકલા, સખી!
સ્નેહી હતાં દૂર, સમક્ષ તે થયાં,
આઘે હતાં, તે ઉરમાં રમી રહ્યાં;
ને મૃત્યુશાયી પણ પ્રાણમાં ઊભાં :
એવી બધે સાત્ત્વિક વિસ્તરી પ્રભા.
તપે છે સૃષ્ટિને માથે પુણ્યજ્યોત મહા પ્રભુ :
તપી તેવી ઘડી તે તો પુણ્યની પૂર્ણિમા વિભુ.
(ચિત્રદર્શનો, પૃ. ૬-૯)