ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘અશોકચન્દ્રરોહિણી-રાસ’

From Ekatra Wiki
Revision as of 12:57, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘અશોકચન્દ્રરોહિણી-રાસ’'''</span> [ર. ઈ.૧૭૧૬ કે ૧૭૧...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘અશોકચન્દ્રરોહિણી-રાસ’ [ર. ઈ.૧૭૧૬ કે ૧૭૧૮/સં. ૧૭૭૨ કે ૧૭૭૪, માગશર સુદ ૫] : મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ પણ પ્રસંગોપાત્ત કવિત, ગીત, તોટક આદિ પદ્યબંધને ઉપયોગમાં લેતો, ૩૧ ઢાળનો, જ્ઞાનવિમલસૂરિકૃત આ રાસ(મુ.) રોહિણીનક્ષત્રના દિવસે ૨૮ વર્ષ સુધી કરવામાં આવતા તપ - રોહિણીતપનો મહિમા ગાવા માટે રચાયેલો છે. રાજા અશોકચંદ્રની રાણી રોહિણી શોકભાવથી એટલી બધી અજાણ છે કે પુત્રમૃત્યુના દુ:ખે રડતી સ્ત્રીના રુદનમાં કયો રાગ છે એમ પૂછે છે. આવા પ્રશ્નથી અશોકચંદ્રને આ સ્ત્રીમાં બીજાનું દુ:ખ સમજવાની વૃત્તિનો અભાવ અને ગર્વ જણાયાં. તેથી તેને પાઠ ભણાવવા તે એના ખોળામા બેઠેલા પુત્ર લોકપાલને અટારીએથી નીચે નાખે છે. પરંતુ રોહિણીને તો આ ઘટનાથી પણ કશો શોક થતો નથી અને એના પુણ્યપ્રભાવે પુત્ર ક્ષેમકુશળ રહે છે. રોહિણીના આ વીતશોક-વીતરાગપણાના કારણરૂપે એના પૂર્વભવની કથા કહેવાય છે જેમાં એ પોતાના આગલા ભવના દુષ્કર્મને કારણે કુરૂપ અને દુર્ગંધી નારી બની હોય છે અને રોહિણીતપના આશ્રયથી એ દુષ્કર્મના પ્રભાવમાંથી છૂટીને આ રોહિણી અવતાર પામી હોય છે. રોહિણીના ૨ પૂર્વભવો, અશોકચંદ્ર તેમ જ રોહિણીનાં સંતાનોના પૂર્વભવો તથા એકાદ આડકથા વડે આ રાસ પ્રસ્તાર પામ્યો હોવા છતાં એમાં કથાતત્ત્વ પાંખું છે, કેમ કે એ એક જ ઘટનાસૂત્રવાળી સાદી કથા છે. ધર્મબોધના સ્ફુટ પ્રયોજનથી રચાયેલી આ કૃતિમાં કવિએ કર્મ, તપ ઇત્યાદિના સ્વરૂપ અને પ્રકારોની સાંપ્રદાયિક માહિતી ગૂંથી લીધી છે તેમ જ સુભાષિતો અને સમસ્યાઓનો પણ વિનિયોગ કર્યો છે. કાવ્યમાં કવિની કાવ્યશક્તિનો પણ પરિચય પ્રસંગોપાત્ત આપણને મળ્યા કરે છે. જેમ કે, મઘવા મુનિના પુણ્યપ્રતાપને પ્રગટ કરતા વાતાવરણનું ચિત્રણ કવિએ જે વીગતોથી કર્યું છે તે મનોરમ લાગે છે. નગર વગેરેનાં અન્ય કેટલાંક વર્ણનો પણ નોંધપાત્ર છે. આવાં વર્ણનોમાં રૂપકાદિ અલંકારોનો કવિએ લીધેલો આશ્રય એમની ક્ષમતાને પ્રગટ કરે છે. રોહિણીના રૂપવર્ણનમાં “ઉર્વસી પણિ મનિ નવિ વસી રે” જેવા વ્યતિરેક-યમકના સંકરાલંકારની હારમાળા યોજી છે અને પૌારણિક હકીકતોને રોહિણીના પ્રભાવના હેતુ રૂપે કલ્પી છે તે કવિની આ પ્રકારની વર્ણનક્ષમતાનું એક વિશિષ્ટ ઉદાહરણ છે. સમગ્ર રાસમાં શિષ્ટ પ્રૌઢ ભાષાછટાનું આકર્ષણ છે તો જુગુપ્સા અને તિરસ્કારના ભાવોને અનુરૂપ ભાષા પણ કવિ એટલી જ અસરકારકતાથી પ્રયોજી બતાવે છે. થોડીક સુંદર ધ્રુવાઓ અને ક્વચિત્ કરેલી ૪ પ્રાસની યોજના પણ કવિની કાવ્યશક્તિની દ્યોતક છે. [કુ.દે.]