સરસ્વતીચંદ્ર ભાગ ૩/મનહરપુરીમાં મણિરાજ અને વિદ્યાચતુરનું કુટુંબ.

From Ekatra Wiki
Revision as of 10:12, 1 August 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


મનહરપુરીમાં મણિરાજ અને વિદ્યાચતુરનું કુટુંબ.

મનહરપુરીમાંથી માનચતુર સ્વારોને લેઈ નીકળ્યો તે પછી એના ઉતારામાં સર્વ સુવાને વેરાઈ ગયાં અને પોતપોતાની પથારીમાં સુતાં પણ બરોબર ઉંઘ્યા નહી. ચંદ્રકાંત પાછલી રાત્રના ત્રણ વાગતાં વિચાર કરતાં કરતાં ઉંઘી ગયો અને સરસ્વતીચંદ્રના સ્વપ્નોમાં પડ્યો. સુંદરગૌરી રોતી રોતી નિદ્રાવશ થઈ. ગુણસુંદરી સુતી ખરી પણ આંખો ઉઘાડી રાખી પ્હીંડો સામું જોઈ રહી અને પ્રાત:કાળમાં ઉઠી ત્યાંસુધી વિચાર અને ચિંતામાં કાળ ગાળ્યો. પ્રાતઃકાળ થતાં સર્વ કંઈ કંઈ કામમાં વળગ્યાં અને ઉંચે જીવે કામ કરવા લાગ્યાં. ચંદ્રકાંતનું આતિથેય[1]કરવાનું કુસુમને માથે આવ્યું. ચંદ્રકાંતને ચ્હા પાવાનું અને દુધ પાવાનું કામ

​કુસુમે કર્યું એટલું જ નહી, પણ એ નવરો પડે અને મિત્રશોકના વિચારમાં પડી ઉદ્વેગમાં ન ર્‌હે તેને માટે વિનોદ કરવાનું કામ પણ કુસુમે સાધ્યું. ઉતારાની ઓસરીમાં ચંદ્રકાંત બેઠો હતો ત્યાં એને સારુ કુસુમ એક બે પુસ્તક લઈ આવી અને બોલીઃ “ચંદ્રકાંતભાઈ, ગુણીયલે આ પુસ્તક કુમુદબ્હેનને શીખવેલાં છે અને મને શીખવવાનાં છે. પણ મ્હારા પિતાજી પણ એ પુસ્તકોના રસીયા છે માટે તમને પણ રસ પડશે ખરો.”

પુસ્તક જોતો જોતો ચંદ્રકાંત સુખી અને દુ:ખી થયો. આ સુકુટુંબનો સદભ્યાસ અને સદાગ્રહ જોઈ સુખી થયો. પોતાના મિત્રના અને એ કુટુંબનો સંબંધ કથાશેષ[2] થયો સ્મરી દુ:ખી થયો, કુસુમ તેના નિઃશ્વાસ ચેતી ગઈ અને બોલી,

“ચંદ્રકાંતભાઈ, સરસ્વતીચંદ્રનો દોષ તો મને દેખાતો નથી, પણ મને એમ લાગે છે કે ઘર છોડી રૉબિન્સન ક્રૂઝો જેવું કરવાનું એમને પ્રથમથી જ કંઈ મન હશે.”

દુઃખમાં પણ આ પ્રશ્રે ચંદ્રકાંતને હસાવ્યો, “ બ્હેન, તમને રૉબિન્સન ક્રૂઝો ક્યાંથી સાંભર્યો?”

“એને પણ ઘર છોડી આથડવાનું મન થયું હતું તેમ આમને પણ થયું હશે.”

“પણ એ કાંઈ સારું ક્‌હેવાય ?”

“મને તો એમ આથડવું બહુ ગમે. હું તો રોજ ગુણીયલને કહું છું કે ઘરમાં ને ઘરમાં શું ભરાઈ રહેવું ? ખરું પુછો તો ભદ્રેશ્વર જવાનું મ્હેં જ ઠરાવ્યું હતું. મને તો લાગે છે કે એમને બધે ફરવાનું મન થયું હશે અને ઘરમાં આવું થયું એટલે બધાંને માથે ઢોળી પાડવાનો લાગ ખોળી ભાઈસાહેબે મનમાનતું કર્યું !”

“તે તો પરણીને પણ થાત.”

“પણ એ બધી અણસરજી પીડા. આ જુવોને કુમુદબ્હેનને પરણ્યાનું જ ફળ છે કની ? મ્હારે કાંઈ છે ? પરણ્યાં એટલે પડ્યાં !!”

“બ્હેન ! એવું બોલાય નહીં હોં !”

કુસુમ કંઈક શરમાઈ ગઈ ને મનમાં બડબડી, “બળ્યું ! કોઈની સાથે ભળ ભાગે એટલે લુલીબાઈ હાથમાં ન ર્‌હે:” મ્હોટેથી, વાત ફેરવી, બોલી.

​“હું તો સ્હેજ કહું છું. તે એટલા સારું કે મને તો સરસ્વતીચંદ્રનો રજ વાંક વસતો નથી. અને જયારે બધું જાણીજોઈને નીકળ્યા છે ત્યારે તે એવા ચતુર પુરુષ કાંઈ વિચાર કરીને જ નીકળ્યા હશે. બ્હારવટીયાઓમાં હશે ત્હોયે એમની પાસેથી શું લુટવાનું હતું? મને તો લાગે છે કે એ પણ એમને મન જ થયું હશે.”

“એમાં તે મન શું થવાનું હતું ?”

“એ જ્યારે અમારે ઘેર આવ્યા હતા ત્યારે શેક્સપિયર વાંચતા હતા તેમાંની એક વાત એમણે મને કહી હતી. તેમાં વેરોનાનગરીનો ગૃહસ્થ વેલેંટાઈન ચોરલોકમાં ગયો ત્યારે ચોરનો સરદાર થઈ રહ્યો હતો. સરસ્વતીચંદ્રે પણ એમ કરવાનું કેમ ન ધાર્યું હોય ? એમાં પણ એક ગમત છે.”

“ચોરમાં ભળવું એ કાંઈ સારું ?”

“બ્હારવટીયા કાંઈ ચોર ક્‌હેવાય ?”

“ત્યારે બીજું શું ?”

“એ તો રાજાના સગા તે ન બને ત્યારે બ્હારવટું લે. રાજાઓ લ્હડે ત્યારે મારે તે કંઈ ખુન થાય ?” આ મુગ્ધ પણ બુદ્ધિશાળી વાર્તાથી ચંદ્રકાંતનું દુઃખ અર્ધું ઓછું થયું. વધારે બોલે છે એટલામાં બારણે હોંકારા થયા.

કુસુમે બારણે જોયું, મુખી ઘોડો દોડાવતો આવતો હતો અને જે મળે તેને વિજયસમાચાર ક્‌હેતો હતો, એટલે એના દોડતા ઘોડા પાછળ લોક દોડતા હતા અને આનંદના હોંકારા થતા હતા. થોડીવારમાં તો ગુણસુંદરી, ચંદ્રકાંત, અને સર્વ મંડળે આ સમાચાર વીગતવાર મુખીના મુખથી સાંભળી લીધા. પા કલાકમાં આનંદ પ્રવર્તી ગયો અને સર્વ સમાચાર જુના થઈ જતાં મુખી ચાલ્યો ગયો. હવે તો માત્ર માનચતુર અને કુમુદસુંદરીની વાટ જોવાના ઉમંગમાં અને આનંદભરી આતુરતામાં એક પળ એક જુગ જેવી લાગવા માંડી. એમ લાંબો થતો કાળ કેવી રીતે ગાળવો તે ન સુઝતાં ચંદ્રકાંત ઓસરીના ઓટલા ઉપર માર્ગમાં દ્રષ્ટિ નાંખતો ઉભો અને સ્ત્રીમંડળ ઉતારામાં પોતાના શયનખંડમાં જઈ બેઠું. થોડીવારમાં ગુણસુંદરી બોલી: “કુસુમ, ચાલ, એકલાં છીયે એટલામાં ભમરો ગાઈએ એટલે વખત જશે.”

સુંદર બોલીઃ “કુસુમ સારંગી વગાડે તો ગાવ.” ​કુસુમ એક પેટી ભણી દોડી અને ઉઘાડી તેમાંથી સારંગી ક્‌હાડી વગાડવા લાગી, અને તેમાં સ્વર બરોબર ઉતરવા માંડ્યો એટલે બોલી.

“ગુણીયલ, હું કમલિનીવાળું પદ બોલીશ અને તું ભમરો બોલજે.”

સારંગીના સ્વરથી ચંદ્રકાંત ચમક્યો. આ ખંડ અને ઓસરી વચ્ચે વ્હેંતની જાળી હતી તેમાંથી આ રમણીય દેખાવ એ જોવા લાગ્યો, ખાટલાની પાંગથ ઉપર સુંદર બેઠી હતી તેને ખભે હાથ મુકી ગુણસુંદરી પણ બેઠી હતી અને બેની ગૌર સુંદર કાંતિ એકબીજામાં એવી તો ભળી ગઈ દેખાતી હતી કે બે નહી પણ એક જ સ્ત્રી બેઠેલી લાગતી હતી. સામે એક પગ પેટી ઉપર વાંકો અને એક પગ જમીન ઉપર સ્વસ્થ રાખી કુસુમ કેળના છોડ જેવી ઉભી હતી અને નાજુક સારંગી કેળના પાંદડા જેવી લાગતી હતી. ધીમે ધીમે કુસુમનો સ્વર અને સારંગીનો સ્વર એકઠો મળી નીકળવા લાગ્યો.

“દૂર દૂર દૂર દૂર જા, ભમરા, તું દૂર દૂર.!-(ધ્રુવ) “કમલિની હું કોમળ દળવાળી, “કાંટાવાળો તું ક્રૂર ક્રૂર ! “જા ભમરા૦ “ભોગી પરાગનો, અલ્યા, તું એકલા “સ્વાર્થવીશે છે શૂર શૂર ! “જા ભમરા૦” કુસુમે છેલું પદ વારંવાર ગાયું, સુંદર પણ ઝીણેથી ગાવામાં ભળી, અને સારંગીની ધુન મચી રહી. થોડીવારમાં ગુણસુંદરીનું ગાન કિન્નરકંઠમાંથી નીકળવા લાગ્યું; અને ખંડ બ્હાર ચાકરો પણ કામ કરતાં અટકી પળવાર કાન માંડી ઉભા.

“કમલિની ! ખોટું સમજવે તું શૂરી ! “માનિની ! આમ ન ભુલ ભુલ ! માનિની૦ (ધ્રુવ) “રાત રાખીને કેદ કરે, બની “વજ્રસમું કુંળું ફુલ ફુલ ! માનિની૦ “તજી કુસુમવન, કામી કમળનો “શિર ઘાલે પરાગની ધુળ ધુળ !! ' માનિની૦ !” છેલી કડી ગાવામાં ત્રણે જણ ભળ્યાં અને પા ઘડી તેમના સ્વરની અને સારંગીની રમઝટ ચાલી, એટલું જ નહી પણ

“ શિર ઘાલે પરાગની ધુળ ધુળ ધુળ ધુળ.” ​એટલું ગાતાં ગાતાં તો કુસુમસુંદરીના પગ, હાથ, અને લલાટ વેગભર્યું નૃત્ય કરી ર્‌હેવા લાગ્યાં અને એ નૃત્યપ્રસંગે તે વર માગવા ગયેલી દેવકન્યા પાર્વતી-સન્મુખ મહાદેવીને પ્રસન્ન કરવા દિવ્ય નૃત્ય કરતી હોય, અથવા કાકી અને માની આરસ જેવી પ્રતિમાઓ પાસે ફુવારા પેઠે ઉછળી રહી હોય, એવી દેખાવા લાગી. આખરે આ તાનમાં સુંદરે હસી પડી ભંગ પાડ્યોઃ

“કુસુમ ! હવે તો બરોબર નાચી ? વાહ ! વાહ ! હવે તો ચંદ્રકાંતને બોલાવ ત્હારી ફજેતી જોવા ! ” સુંદરગૌરી ઉઠી અને સામેથી કુસુમને વળગી પડી અને વ્હાલથી એને ગાલે ચુંબન કરી, નીચી વળી, એના મ્હોં સામું જોઈ પુછવા લાગી.

“તને વળી આ કોણે શીખવ્યું અને ક્યાંથી આવડ્યું? બોલ, બોલ !”

કુસુમ સુંદરની છાતીમાં મ્હોં ઘાલી શરમાઈ થોડી વાર ઉભી રહી; પછી હળવે રહી આઘી ખસી ગુણસુંદરીની પાસે જઈ બેઠી અને નીચું જોઈ રહી. એના ગોરા ગાલે શરમના શેરડા પડી ગયા અને ગાલના મધ્ય ભાગમાં નારંગીનો રંગ ચળકવા લાગ્યો. ગુણસુંદરી એને વાંસે ધીમેથી હાથ ફેરવવા લાગી અને મલકતે મ્હોંયે બોલી.

“ કુસુમ, વારુ ક્‌હે જોઈએ, આ ક્યાં શીખી ?”

કંઈક હીમત આણી હજી નીચું જોતી કુસુમ બોલી :

“આટલું બધું પુછો છો તે શું કંઈ આમાં નીચું છે?”

“ના ના, ઉચું હશે !” સુંદર હસતી હસતી બોલી.

“જો નીચું હોય તો માલવિકા અને ઈરાવતી કેમ નૃત્યકળા શિખતાં હતાં ? પુછો ગુણીયલને !” વળી કંઈક વિચાર કરી સંભારી ક્‌હાડી બોલી: “વારુ જુવો, આ આપણી ગુજરાતીમાંએ સામળ ભટની વિદ્યાવિલાસિની નૃત્યકળા શીખી હતીસ્તો !”

“એ તો ઠીક, પણ તું ક્યાં શીખી?” ગુણસુંદરીએ પુછયું.

“મહારાજને આપણે ઘેર તેડ્યા હતા ત્યારે નૃત્ય કરાવ્યું હતું તે સઉએ ચકમાં રહી જોયું હતું તે ભુલી ગયાં હશો !” હવે કુસુમને ઉચું જોવાની હીંમત આવી.

"ઓ મ્હારા બાપરે ! તે, કુસુમ, તું એટલું એક વાર જોયાથી આટલું શીખી ગઈ ! મ્હારી કુમુદને તો આવો છંદ કંઈ વળગતો ન હતો !” સુંદર બોલી. કુસુમ ખીજવાયા જેવી દેખાઈ. ​સુંદરને આંખવડે ગુપ્ત અણસારો કરી ગુણસુંદરી બોલીઃ “એ તો જેમાં જેવી આવડ. પણ હું પુછું છું એટલા માટે કે તને આ કળા ગમતી હોય તો ત્હારા પિતાને કહી આમાં પણ કેળવણી આપનાર રાખીએ.”

પિતાનું નામ સાંભળી કુસુમ ગભરાઈ. કેળવણી આપનારનું નામ સાંભળી ચમકીઃ “ તે કોણ રાંડ નાયકા મને કેળવણી આપનાર હતી? “તમે પણ, ગુણીયલ, ઠીક છો !” રીસાઈને કુસુમ માનાથી પણ જરીક છેટે જઈ બેઠી.

“ત્યારે તું ક્‌હે તે કરીયે.”

“અમારે શીખવું હશે તો આટલું કોણ શીખવવા આવ્યું હતું ? ને વળી પિતાજીને જણવવું છે !”

“ત્યારે સાસરીયાંને જણવીશ?”

“હા, તે એવી વાતો નહી હોય જે પીયરીયાંએ ન જાણે ને સાસરીયાંએ ન જાણે ?”

“ત્યારે બીજું કોણ જાણે ? ત્હારો વર?” સુંદરે વીજળીની ત્વરાથી પુછયું.

કુસુમ ઉઠી, કાકીને બે ખભે હાથેલીએ વડે જરીક ચાંપ્યાં, અને ખંડ બ્હાર દોડી ગઈ એ દોડી બારણા બ્હાર નીકળતી હતી એટલામાં એની પાછળ હસતી હસતી સુંદર જરીક મ્હોટેથી બોલીઃ “એ તો એ જ! “ હા ! અમે સમજયાં ત્હારા મનનો ઉત્તર.” ગુણસુંદરી વિચારમાં પડી.

“કેમ, ભાભીજી, વિચારમાં પડ્યાં !” સુંદરે પુછયું.

“આ કુસુમ જુવે એટલું શીખે, સાંભળે એટલું સરત રાખે, ગમે એટલું બોલે અને ઝાલી ઝલાય નહીં. આપણા ઘરમાં તો ઠીક છે, પણ કોણ જાણે કોણ વર મળશે અને સાસરીયામાં એના આ ગુણ દોષરૂપ થશે અને એ દુ:ખી થશે. સાસરે તે આ પુતળું કેમ સમાશે ?”

“વારુ, એવા એવા વિચાર તે આજથી શા કરવા? સઉ સઉનું પ્રારબ્ધ સાથે બાંધી ફરે છે.”

“હવે કાંઈ વિચાર કરવાની વાર છે ? હવે તે ક્યાં સુધી આમ કુમારી રખાઈ? એનું કાઠું તો જુવો. રાત્રે નહી એટલી દ્‌હાડે અને દ્‌હાડે નહીં એટલી રાત્રે વધે છે ! મળસ્કું કેવું જોતા જોતામાં વધે ?” !

“હાસ્તો. મ્હારી કુમુદનાથી આટલી ન્હાની છે પણ એને તો ક્યાંયે ઢાંકી નાંખે એવી આ થઈ છે.” સુંદરને પણ કાંઈ વિચાર સુઝયા અને દેરાણીના પ્રવાહમાં ભળી ગઈ. ​“અને મોઈ-હજી તો એને મીરાંબાઈ જેવાં ર્‌હેવાનું મન થાય છે.”

“હા ! બાઈ, આ તમારી દીકરી જેવી તો કોઈયે દીઠી નહીં.”

"એને મીરાંબાઈ થવું છે, એને ઘરમાં બંધાઈ ર્‌હેવું નથી. એને વીલાયત મોકલીયે તો ત્યાં યે જવું છે, તળાવમાં તરતાં શીખી, અને અધુરામાં પુરું નાચતાં યે શીખી ! સાપનો ભારો સાચવવા જેવું વિકટ કામ છે.”

"પણ એનામાં હજી કળિ આવ્યો નથી."

"હા, એટલું વળી ઠીક છે. પણ કુમુદના જેવી ગરીબડી નથી. કે જયાં જાય ત્યાં સમાય. સિંહણ જેવી છે તેને તે સિંહ જોઈએ તે કાંઈ ભરી રાખ્યા છે જગતમાં?"

"એ તો ખરું.”

"જો સરસ્વતીચંદ્ર જડે અને કહ્યું માને તો એમને હાથ તો ર્‌હે ખરી. પણ જે ધણીને દશ લાખ રુપીયાની ગાદી છોડતાં વાર ન લાગી તેને આપણે તે શું સમજાવનાર હતાં ?"

"આ ચંદ્રકાંતના હાથમાં કંઈ વાત હશે."

"હા, એટલા જ સારુ હું કુસુમને એમની નજરે જરા પડવા દેઉ છું કની?"

“એ તો ઠીક કરો છો.”

ચંદ્રકાંતે બારણે નિઃશ્વાસ મુક્યો, અને આ વાતો સાંભળવી મુકી દેઈ, કપાળે હાથ મુકી, અસ્ત થઈ જઈ ગાદી ઉપર પડ્યો. થોડીક વારમાં કુસુમ એની પાસે દોડતી આવી; “ચંદ્રકાંતભાઈ, ચંદ્રકાંતભાઈ ઉઠો જરી. મહારાજશ્રી આ રસ્તે થઈને પધારે છે તે અંહીયાં ચક નાંખી દેવડાવીયે છીયે કે ગુણીયલ અને અમે સઉ એમનાં દર્શનનો લાભ પામીયે ! તમે આણી પાસ બેઠા બેઠા સ્વારી જોજો."

ઓસરીમાં ચાકરોએ ચક નાંખી દીધા, સ્ત્રીમંડળ પણ ગુપચુચ આવી મણિરાજની વાટ જોતું બેઠું, માર્ગ ઉપર ધામધુમ થવા લાગી, લોક તરવરવા લાગ્યા અને આઘે બુમ પડી; “પધાર્યા, પધાર્યા, મહારાજ પધાર્યા !” કુસુમસુંદરી સ્ત્રીમંડળની એક પાસ ચકને એક છેડે લપાઈ જઈ બેઠી અને ચંદ્રકાંત દેખે નહી એમ જમીન ઉપર ચક બે આંગળ ઉંચો કરી, જરીક સુઈ ગયા જેવી થઈ ચક અને ભાંયના વચાળામાંથી પોતાનું મ્હોં દેખાય નહી એમ જોવા લાગી.

સુંદરે કુસુમના વાંસામાં પાછળથી ધીમી લાપટ મારી કાકીનો હાથ ક્‌હાડી નાંખી હસતી હસતી ભત્રીજી જોવા લાગી અને ધીમે રહી બોલી: ​“કાકી, એ તો આપણને કોઈ દેખે નહી એટલી સંભાળ રાખવાની છે. આપણે ન જોવું એમ કાંઈ નથી.”

સુંદર છાનું છાનું બોલીઃ “હા, પણ ચક ઉંચો કરે છે તે ?”

“સારું ! સારું ! એટલી ચોરી કરતાં આવડતી નહી હોય? બોલો જોઈએ મ્હેં તમારી પાસેથી શું ચોર્યું ? ખબર છે કાંઈ?”

“મોઈ રાંડ, ચોરી કરતાં યે આવડી:” સુંદર જરી ઉંચી થઈ શરીર સંભાળવા લાગી.

“બેસો, બેસો, એ તો જરા મ્હારે માગ કરાવવો હતો તે ઉઠાડ્યાં.”

“આ ચંદ્રકાંત અંહી ન હત કેની તો ત્હારા માથાપર બેસત. મને પણ ઠગે છે !”

“હું યે મ્હારો વખત જોઈ ઠગું છું કે તમારાથી બોલાય નહી. ચંદ્રકાંતભાઈ ન હત તો બેસત નહી તમારા ખોળામાં ?”

“બેશ, બેશ હવે કાંઈ ઝાલતાં ઝલાય છે ?”

કુસુમ મોકળાશથી બેઠી. આ વાતો એટલી ચુપકીથી કરી હતી કે પાસે બેઠેલા ચંદ્રકાંતને કાને સ્વર સરખો ગયો ન હતો.

બારણે મહારાજની સવારી પાસે આવી.

રત્નનગરીના જુવાન મહારાજ મણિરાજનું વય આજ વીશ એકવીશ વર્ષનું હશે, એના પિતા મલ્લરાજ ગુજરી ગયે બે ત્રણ વર્ષ થયાં હતાં અને મણિરાજ ગાદી ઉપર બેઠા પ્હેલાં થોડા કાળ ઉપર વિદ્યાચતુરને પ્રધાનપદ મળેલું હતું. મણિરાજને ન્હાનપણમાંથી મૃગયાનો સ્વાદ પડેલો હતો અને તે દિવસે દિવસે વધેલો હતો. સુંદરગિરિ અને મનહરપુરીની આસપાસનાં જંગલો આ વૃત્તિને ઘણાં અનુકૂલ હતાં, કારણ તેમાં મનુષ્યની વસ્તી આછી અને પશુની વસતી ઘાડી હતી. એ જંગલનું લાકડ પોતાની જાતની આજ્ઞા વિના કપાય નહીં અને જંગલનો નાશ થાય નહી એ વાતની મણિરાજ જાતે વ્યવસ્થા રાખતો. જ્યાં જંગલ ઘાડું ત્યાં દુષ્કાળની ભીતિ ઓછી એ નવીન શાસ્ત્ર મણિરાજને ગમી ગયું હતું, કારણ જંગલના રક્ષણથી મૃગયાના સ્વાદભોગને અનુકૂલતા હતી એટલું જ નહીં પણ જુની વાતોના નાશના આ યુગમાં કાંઈપણ પ્રાચીન પદાર્થનું રક્ષણ નવા શાસ્ત્રને બળે થતું હોય તો તે શાસ્ત્રનું ગ્રહણ કરવામાં મણિરાજને ઓર આનંદ મળતો. એ શુદ્ધ રાજપુત્ર[૧] ઉચ્ચાભિલાષનો ગર્ભશ્રીમંત હતો, અને એ અભિલાષ-લક્ષ્મીને

૧. રાજપુત્ર-રજપુત

​વિદ્યાચતુરની બુદ્ધિએ ચોપાસ વિકસાવી વિસ્તારી હતી. વિદ્યાચતુર બ્રાહ્મણ હતો પણ એવું માનતો કે ક્ષાત્રઉદ્રેકનું[૧] રક્ષણ કરે એવું જીવન આ સમયમાં મૃગયાથી ર્‌હે એમ છે અને તેથી ન્હાનપણમાંથી એની સૂચનાને આધારે મલ્લરાજે મણિરાજની આશપાસ શૂરા રજપુતોનો કીલ્લો બાંધી મુક્યો હતો અને તેમના સંગમાં મણિરાજનું ક્ષાત્રતેજ દિવસે દિવસે પ્રદીપ્ત થવા પામ્યું હતું. વિદ્યાચતુરની આ સૂચના એને વીશે મલ્લરાજના મનમાં ઉચ્ચ અભિપ્રાય બંધાવનારી થઈ પડી હતી. કારણ “મ્હારા પુત્રને બ્રાહ્મણ - વાણીયો ન કરશો.” એ આજ્ઞાનું આ સૂચનાથી પાલન થયું હતું. છતાં વિદ્યાચતુરે પોતાનું બ્રાહ્મણત્વ ઢાંક્યું પણ ન હતું, રજપુતોના ગુણની સાથે તેમના દોષ પણ મણિરાજમાં આવી જાય નહી તેને વાસ્તે પોતે અત્યંત ખંત રાખતો. એટલું જ નહીં, પણ એની બ્રાહ્મણતા બાળક રાજપુત્રને હાસ્યાસ્પદ લાગે નહી અને તેથી એની બુદ્ધિ ઉપર બીજા વિષયમાં પણ અનાસ્થા થઈ જાય નહી એટલા માટે, આટલા ક્ષાત્ર વ્યસનનું મૂલ્ય એની બુદ્ધિ સમજે છે એવી આસ્થા કોમળ વયના રાજપુત્રના મનમાં વધારવામાં પણ આ સૂચના સહાયભૂત થઈ પડી હતી. આથી બીજા રજપુતોને પણ આ બ્રાહ્મણમાં કાંઈ છિદ્ર ક્‌હાડવાની બારી ર્‌હેતી ન હતી, અને તેમને અને રાજકુમારનો સંગ રાખનાર ઉપર પ્રીતિ ર્‌હેતી. મૃગયાથી રાજકુમાર પાછો ફરે ત્યારે તે તરત વિદ્યાચતુરને મળે, મૃગયાનું વર્ણન કરે, અને પોતાના સહચારી રજપુત બાળકોની વાર્તાઓ તથા ચર્ચાઓ પણ વિશ્રામ્ભથી [૨] કહી જાય એવો વ્યવહાર રાખ્યો હતો. તે પ્રસંગનો લાભ લઈ એ બાળકોથી તેમ એ બાળકોમાં કંઈપણ અસદ્વિચાર અથવા સદાચારનું બીજ ઉત્પન્ન થતું હોય તે શોધી ક્‌હાડવાની; અને જડે તો તે બીજને બીજ દશામાં જ નાશ કરવાની, વિદ્યાચતુર ખંત રાખતો, અને એક રાજકુમારને ઠેકાણે અનેક રાજપુત્રોનાં બાળકોનો પોતે પ્રિય ગુરુ થઈ પડ્યો હતો. આ બાળકો ઘેર જઈ માબાપની પાસે રસથી વાતો કરે તેથી વર્તમાન રજપુત મંડળનો વિદ્યાચતુર માનીતો થયો હતો. બ્રાહ્મણ-ક્ષત્રિયનો હૃદય-ભેદ એની વાતમાં આથી દૂર થયો હતો. આ સર્વ સ્થિતિનો લાભ લેઈ મૃગયાના વ્યસનમાં રહેલું અમૃત રાખી વિદ્યાચતુરે તેમાંનું વિષ ઉતાર્યું. રાજાનો ધર્મ અને રાજાનું પરાક્રમ એ છે કે નિર્દોષ અને નિર્બળનું રક્ષણ કરવું અને દુષ્ટને શાસન કરવું. આ જ ન્યાય મનુષ્યપ્રજામાં તેમ પશુવર્ગમાં પ્રવર્તાવવાનો અભિલાષ મણિરાજમાં વધાર્યો, મૃગયા કરવી પણ મૃગ અને સસલાં જેવાં નિર્દોષ પ્રાણીનો ઘાત કરવાનો તિરસ્કાર અને સિંહ

૧. ક્ષાત્ર ઉદ્રેક = martial spirit; ક્ષત્રિયના શૌર્યનું ઉભરાતું પૂર.
૨. કંઈ વાત સામાની પાસે ક્‌હેતાં મન આંચકો ખાય નહી એવા વિશ્વાસ.

​વાઘ આદિ ક્રૂર પ્રાણીયોને નાશ કરવામાં આગ્રહ એ બેને માળી વિદ્યાચતુરે ચતુરાઈથી મણિરાજના ઉચ્ચ મૃગયાભિલાષરૂપ વેલાને ચ્હડવાના આધારવૃક્ષ કરી રાખ્યા હતા. આ અભિલાષ અમાંસાહારી વસ્તીનો પણ રક્ષક હતો અને રાજ્યનાં જંગલોને પણ રક્ષક થઈ પડ્યો હતો. ગ્રીષ્મ ઋતુના અનુકૂળ સમયમાં આ અભિલાષનો ધારક મહારાજ મણિરાજ રાતના પાંચ વાગતાં આજ મૃગયા રમવા નીકળી પડેલો હતો, એક સિંહનો શીકાર જડી આવવાથી તેનું મન પ્રફુલ્લ થયું હતું, અને એટલામાં જ વસ્તીની ભાળ રાખવામાં જાગૃત રાજાને બ્હારવટીયાના સમાચાર મળવાથી તે અચીન્ત્યો અત્યારે મનહરપુરીમાં આવી ચ્હડ્યો હતો. વૃક્ષ, પશુ અને મનુષ્યોનો મહારાજ પોતાના ન્હાનકડા ગામમાં પ્રાત:કાળમાં પધારતો જોઈ ગરીબ વસ્તી તેને સત્કાર દેવા અત્યારે તરવરવા લાગી.

ગુણસુંદરીએ તપાસ કરવા મોકલેલો એક સીપાઈ એટલામાં એની પાસે આવ્યો અને નીચો વળી બોલ્યો, “મહારાજ અને રાજપુત્રોની મંડળી મૃગયા કરવા ગયેલી તે આવે છે; ઘોડાઓ પાછળ ચાલે છે અને આગળ મહારાજ મંડળ સહિત પાળા ચાલે છે.”

ગુણસુંદરીએ કુસુમ સામું જોયું: “કુસુમ, આપણે અંહીયાં છીએ તે એમને ખબર પણ હોય.” હરિણીનું બચ્યું દોડે એમ કુસુમ ઘરમાં દોડી ગઈ ગુણસુંદરીએ ચંદ્રકાંત ભણી દૃષ્ટિ કરી. ચંદ્રકાંત યોગ્ય વસ્ત્રાદિ પ્હેરી બેઠો જોઈ એ દૃષ્ટિ પાછી ફરી. પ્રધાન પત્ની બોલીઃ “ચંદ્રકાંતભાઈ મહારાજ આપનો સાથ ઈચ્છે તો તેમને અનુકૂલ થવા તત્પર ર્‌હેજો.” સુંદરે ગુણસુંદરી સામું જોયું તેને ઉત્તર મળ્યો: “ મહારાજ આ ગામડામાં આવે છે પણ મૃગયામાંથી થાકેલા, તે બુદ્ધિવિનોદ શોધ્યા વિના ર્‌હેનાર નથી અને તમારા દીયરના વિદ્વાન અતિથિ જેવું વિનોદસ્થાન એમને અંહી ક્યાં મળવાનું હતું ? ચંદ્રકાંતભાઈ અત્રે છે તે કાંઈ એ જાણ્યા વિના ર્‌હેવાના હતા ?” ઉત્તર દેવાતાં પ્હેલાં પોતાનાં ઉત્તમ કન્યાવસ્ત્ર પહેરી, હાથમાં સોનારૂપાના ગંગાયમુનાની ભાતવાળા મ્હોટા થાળમાં શોભા અને સુગંધવાળા કુસુમનો કોણાકાર રાશિ લેઈ કુસુમ આવી. ધોળી ભોંય ઉપર રાતાં અને લીલાં ફુલની કોરવાળું સોનારૂપાના તારાથી ભરેલું ભુરું રેશમી હીરણું પ્રાતઃકાળની કુલવાડી પેઠે એના ગૌર શરીર ઉપર પવનની સૂક્ષ્મ લ્હેરોમાં ફરકી રહ્યું. કસુંબલ ચણીયાની દેખાતી એક પાસ વળેલી કરચલીયો, પ્રભાતના પૂર્વાકાશમાં દેખાતી સૂર્યપ્રભાની રેખાઓ પેઠે, જોનારને નિર્દોષ આનંદ અને ઉત્સાહ આપવા લાગી. એને પગે ન્હાનાં નૂપુર સૂક્ષ્મ રણકાર કરી એની ગતિ સૂચવતાં હતાં. એની કેડ વાંકી ર્‌હેલી મોતી અને રંગીન મણિની ​ભરેલી મેખલા[૧]ઈન્દ્રધનુષ્ય જેવી લાગતી હતી, અને એ નવી જાતનો અલંકાર સંસ્કૃત પુસ્તકોમાં સ્ત્રીયોનું વર્ણન વાંચી એણે કાકીદ્વારા મા પાસે માગી કરાવ્યો હતો. બાકી હાથે, કંઠે, કાને, અને ચિબુકે કેવળ સ્વચ્છ શ્વેત હીરાના અલંકાર પહેરી પ્રધાનકન્યા માતા પાસે આવી ઉભી ત્યાં બારણે કોલાહલ થવા લાગ્યો. સર્વ ઉભાં થયાં. ગુણસુંદરી ચંદ્રકાંતને ફહેવા લાગી.

“ચંદ્રકાંતભાઈ તયાર થાવ. મહારાજ પળવારમાં પધારશે. ગમે તો બારણે પગથીયાં ઉપર ઉભા રહો.” ચંદ્રકાંતને તેમ કરવું સકારણ લાગ્યું અને પ્રધાનપત્નીની સૂચનાને અનુસર્યો.

ગુણસુંદરીની ઓસરી બ્‍હાર લોકની ઠઠ વધી, વધતી ગઈ. કોલાહલ વધ્યો અને અચીન્ત્યો શાંત થઈ ગયો. “ પધારો ! પધારો !” “અમર તપો !” ઈત્યાદિ બુમ આઘે સંભળાતી બંધ થઈ પાસે સંભળાવા લાગી. લોકની ઠઠના બે ભાગ થઈ ગયા. રસ્તાની બે પાસ લોક ઉભા રહ્યા અને પર્વતો વચ્ચે ખીણ હોય તેમ લોકની વચ્ચે માર્ગ થઈ ગયો. થોડી વારમાં મણિરાજને દેવાતા સ્વાગત-ધ્વનિ ઓસરી આગળ ઉઠી રહ્યા અને મહારાજ મણિરાજ પોતાના મંડળ સમેત આવતા દેખાયા.

સર્વ મંડળ પગે ચાલતું હતું, અને ઘોડાવાળા ઘોડાઓને પાછળ દોરતા હતા, તેમની પાછળ બે ગાડાં ઢાંકેલાં ધીમે ધીમે ચાલતાં હતાં અને તેની આશપાસ કાળા પણ બળવાન ઉઘાડાં અંગવાળા ભીલો તીરકામઠાં લઈ ગુપચુપ ચાલતા હતા.

સઉથી આગળ મણિરાજની બંધુક લેઈ એક સીપાઈ ચાલતો હતો, અને મણિરાજની બે પાસ તથા પાછળ જુદા જુદા વયના રાજપુત્રો પોતપોતાનાં શસ્ત્રાસ્ત્ર લેઈ ધીમે ધીમે પરસ્પર વાતો કરતા ચાલતા હતા. સર્વને માથે ન્હાના પણ રંગીન ફેંટા કસીને બાંધી દીધેલા હતા. પગે પાયજામા પહેર્યા હતા તેને છેક નીચે અકેક બોરીયાથી વ્યવસ્થિત રાખ્યા હતા. શરીરે ચૈત્ર માસને યોગ્ય મલમલનાં પ્‍હેરણ હતાં. કેડે લાંબા ઉપરણાં વીંટી બાંધી દીધા હતા, અને તેના ઉપર કમરબંધમાં શસ્ત્રોના શિખરભાગ, વૃક્ષની શાખાઓ ઉપર પક્ષિઓની ચાંચો અને કંઠ દેખાય તેમ, દેખાતા હતા. સર્વનાં શરીર પ્રચંડ બાંધાનાં, કોઈનાં શ્યામ અને કોઈનાં ઘઉવર્ણાં હતાં. કપાળ મ્‍હોટાં કે ન્હાનાં પણ શુરત્વની મુદ્રાથી મુદ્રાંકિત હતાં, કોઈની આંખ લાલ તો કોઈની વાઘના જેવી તીવ્ર હતી. નાસિકાઓ જોઈ ચંદ્રકાંતને રોમન લોકનાં ચિત્ર સાંભર્યા. કોઈનો નીચલો ઓઠ જાડો હતો, તો કોઈને પોતાનો એ ઓઠ દાંત

૧કંદોરાને ઠેકાણે પ્હેરવાની સાંકળી.

​વચ્ચે રાખવાની ટેવ હતી. વાઘના આગલા પગ પેઠે સર્વના પ્રબલ હાથ કાંઈક ગૂઢ ઉત્ક્રમના આતુર લાગતા હતા. હિમાલયની પેલી પારના – ચીન અને કાસ્પિયન સમુદ્ર વચ્ચેના-ઉગ્ર પ્રદેશમાંથી પ્રાચીન કાળમાં આ દેશ ઉપર ઉતરી પડેલા શકલોકોનું આર્ય ક્ષત્રિયોમાં મિશ્રણ થવાથી રાજપુત્રોની કેટલીક શાખાઓ બંધાઈ છે એ ઐતિહાસિક કલ્પના આ વીરમંડળના દેખાવથી ચંદ્રકાંતના મનમાં ખડી થઈ. આજ આપણે જીતાયલા દેશીયો છીયે અને ઇંગ્રેજો જીતનાર પરદેશી છે, તો થોડાક વર્ષશતક ઉપર મુસલમાનો જીતનાર પરદેશી હતા; તેમાં પણ મોઘલના પ્‍હેલાં બીજી જાતો હતી. મુસલમાન નામ ચૌદસો પંદરસો વર્ષથી પડ્યું છે, પણ તેમના પ્‍હેલાં પણ ગ્રીક અને શકલોક આ દેશ ઉપર ચ્‍હડી આવ્યા હતા ત્યારે તેઓ જીતનાર પરદેશી હતા. અત્યંત પ્રાચીન કાળમાં આર્ય ઋષિઓ અને રાજાઓ પણ અત્યંત ઉત્તરમાંથી સિન્ધુ ઓળંગી આ દેશમાં આવ્યા હતા ત્યારે આ દેશના દશ્યુ આદિ કાળા લોકને જીતનાર એ ગોરાઓ હતા. આજ કાળા ગોરાનો, દેશી પરદેશીનો, જીતાયલા અને જીતનારનો, ભેદ છે તે પરાપૂર્વથી ચાલતો આવ્યો છે; પણ એ ભેદ માનનાર વર્ગ, ચોપટનાં સોકઠાં પેઠે, ઘડી ઘડી ઘર બદલે છે અને એક વર્ગનાં સોકઠાં બીજામાં જાય છે. પરદેશી ગોરા ઋષિઓ અને રાજાઓ, જુના શકાદિ યવનો, મુસલમાનો, અને પારસીઓ જુના ભીલોના આ દેશના દેશીયો થઈ ગયા છે અને હાલ પરદેશી ગણાતા ઇંગ્રેજો પણ દેશી થઈ જશે. કાળ દેશપરદેશીના ભેદ આમ ભુલાવે છે; અને એ ભેદ ભસ્મસાત થતાં સર્વ ભસ્મમાં જ વિભૂતિ હોય એમ એકદેશીય રંગનું જ ભાન ધરી, આગળ નવો દેશી મુસલમાન સીપાઈ પાછળ જુના દેશી રજપુતો, અને તેની પાછળ અત્યંત પ્રાચીન દેશી ભીલો – એમનું મંડળ, સઉથી જુદા પડતા પણ સઉની રાજભક્તિના અને પ્રિયતાના સુપાત્ર મણિરાજની આશપાસ અને એના ચિત્તમાં એક થઈ જતું, ચાલતું હતું.

મણિરાજના શરીરને તેની માતાએ રંગ અને કાન્તિ આપ્યાં હતાં, અને પિતાએ બાંધો અને બળ આપ્યાં હતાં. એનો વર્ણ શુદ્ધ કનકગૌર હતો, પણ ક્ષત્રિયશૌર્યની લોહીની તપાયલા કનકના જેવી રતાશ એ ગૌરતામાં સ્પષ્ટ દેખાતી હતી. એના મુખની કાન્તિ કોમળ અને સુંદર હતી; છતાં, રાજપ્રતાપનો તાપ તે ઉપર એટલો બધો હતો કે એનું પદ ન જાણનાર માણસ પણ એની સાથે વાત કરતાં ડબાઈ જતું અને એને માન આપતું. આજ રજવાડામાં કેટલેક સ્થાને પિતાપુત્રભાવનો સંદેહ ગુપ્તપણે કે પ્રકટપણે હોય છે, પણ જે વૃદ્ધોએ યુવાન મલ્લરાજના ગુણ અને આકાર ​જોયા હતા તેઓ તો ઘરમાં અને મિત્રમંડળમાં એમ જ ક્‌હેતા કે મણિરાજ જેમ જેમ વયમાં વધે છે તેમ તેમ મલ્લરાજનું અપ્રતિહત ભાન કરાવે છે. સિંહગતિથી પગલાં ભરે, ગંભીર મેઘનાદનું બોલતાં ભાન કરાવે, અને પરિચય પડે તેમ તેમ સ્વભાવવૃક્ષનું ઉગવું થાય, તે સર્વમાં મલ્લરાજની યુવાવસ્થાનું પ્રતિબિમ્બ પડતું સુંદરગિરિનો એક યોગિરાજ મલ્લરાજના મૃત્યુના સમાચાર જાણતો ન હતો તેના દર્શનને વાસ્તે મણિરાજ પ્રથમ ગયા હતા ત્યારે પ્રથમ પ્રસંગે યોગિરાજે તો એને “મલ્લરાજ !” કહીને સ્વાગત આપ્યું હતું.' રાજગુરુ પ્રસન્નનાથ તો પ્રાતઃકાળે શચ્યા ઉપરથી ઉઠતાં નિત્ય મલ્લરાજ ને મણિરાજનાં પવિત્ર નામ સંભારી કાલિદાસનો શ્લોક ભણતા કે

रुपं तदोजस्वि तदेव वीर्यं तदेव नैसर्गिकमुन्नतत्वम् । न कारणात्स्वाद्विभिदे कुमारः प्रचर्तितो दीप इव प्रदीपात् ॥*[૧] મણિરાજ તેના પિતા પેઠે સાધારણ ઉંચા પુરુષો કરતાં પણ અર્ધી વ્‍હેંત ઉંચો હતો, અને તેની સાથે શરીર પણ સાધારણ પુષ્ટ હતું એટલે આજના કેટલાક રશિયન લોક આવે છે તેના જેવી ઉંચાઈ પ્હોળાઈ હતી. રામ, કૃષ્ણ, અને પાંડવ, આદિ પ્રાચીન કાળના પુરુષો પણ ઓછામાં ઓછા આટલા ઉંચા હશે એમ વિદ્યાચતુર ક્‌હેતો. સ્વાભાવિક રીતે સ્ત્રી નીચી અને પુરુષો ઉચા હોય ત્યારે કેટલીક મડમોનાં શરીરઆગળ આપણા પુરુષોને લજજાસ્પદ થવું પડે એમ હોય છે, તો સાધારણ રીતે સાહેબ લોકો આપણા કરતાં શરીરે પણ ઉંચા પ્હોળા અને બળવાળા હોય એમાં કાંઈ નવાઈ નથી. પણ મણિરાજનું શરીર તો યુરોપિયનોનું પણ માન મુકાવતું, અને એના બીજા ગુણ તો તેઓ જાણે ત્યારે જાણે પણ પ્રથમ દૃષ્ટિપાતે જ એનું જ્ઞાત્ર શરીર જોઈએ લોક પ્રસન્ન થતા અને એને માન આપવા પ્રેરાતા. वपुर्व्यूढोरस्कं ननु भुवनरक्षाक्षममिदं એ કવિવાક્ય સત્ય પડતું હોય તેમ મણિરાજની વિશાળ છાતી દેખી તેની પ્રજાને પોતાના

*

"એ રૂપનું એાજ જ ! વીર્ય એ જ ! “એ જોઈ લ્યો ઉન્નતતા સ્વભાવે ! "એ બીજ-પિતાર્થી ન ભિન્ન પુત્ર “દીવાથી દીવોપ પ્રકટ્યો જ જાણે !”

​રાજાનું અભિમાન આવતું. ગુણસુંદરીના ઉતારા પાસે એ આવે છે ત્યાર પ્‍હેલાં તો એને જોઈ, એનું અભિમાન આણી, કંઈ કંઈ લોક એનો રસ્તો રોકનાર મળ્યા. ચારણ અથવા એવી જ કોઈ વર્ણની, કાળી પણ બળવાળી, કદ્રુપી પણ ઉંચી અને અાંખમાં રાજભક્તિથી ભરેલી, ચારેક મનહરપુરીની સ્ત્રીયો, ભીંડમાંથી આગળ નીકળી આવી, મણિરાજના સામી ઉભી રહી, હાથ ઉંચા કરી, ઓવારણાં લેતી, મ્‍હોટે પણ વીરસ્વરે ગાવા લાગી અને તેમાં સ્ત્રીકંઠનો લલકાર ભરવા લાગી.

“પધારો ! પધારો રે ! મહારાજ મણિરાજ રે ! “મહારાજ મણિરાજ ! ( ધ્રુવ ) “મ્‍હોડે મુંછ ઉગે હજી રે, પણ સાવજનું બાળ ! “મૃગયા રમવા ચ્‍હડતો ત્યારે જાણે જ એ જમરાજ રે ! મહા‌‌૦ ૧. “ધરતી બધી ધ્રુજતી રે એવો ચરણનો ધબકાર, “સાવજ પેઠે પગલું ભરે ત્યાં સાવજ ભાગી જાય રે ! મહl o ૨ “જાળવે મલ્લરાજની ગાદી મલ્લ મણિરાજ, “જીવજો ! જીવજો ! - એમ કરે વસ્તી બધી પુકાર રે ! મહા૦ ૩ “જીવજો ! જીવજો ! જીવજો ! જીવજો ! કરે પવન પુકાર રે ! ! મહા૦ ૪ સ્ત્રીયો ગાતી જાય, ઓવારણાં લેતી જાય, અને આંગળીના ટચાકા ફોડતી જાય. ગાઈ રહી કે આશીર્વાદ દેઈ સ્ત્રીયો રસ્તાની એક પાસ પાછી હઠી ખસી ગઈ અને મહારાજને માર્ગ આપ્યો.

“ભૈરવી ! ત્હારી આશિષ મને પ્‍હોંચી ગઈ. ક્‌હે ત્‍હારા છોકરા ખુશીમાં છે?” મહારાજના મુખમાંથી સ્વર નીકળતામાં સ્ત્રીના પુત્રોનું ટોળું પાછળથી આગળ આવ્યું, અને ભૈરવીનો પુત્ર પૃથ્વી ઉપર નીચો પડી સલામો કરતો બોલ્યોઃ

“મહારાજ, જેના રાજ્યમાં સસલાં અને હરણસરખાં ખુશીમાં ફરે છે તેને ત્યાં ભૈરવીના દીકરા ખુશીમાં હોય એમાં તો પુછવું શું ? - આ મ્‍હારા ભાઈઓ.” સર્વે પ્રણામ કરવા લાગ્યા. ​“કેમ બાપુ, તમારો હાલનો તલાટી કેવો છે ?” મણિરાજે પુછ્યું.

“વાહ, મહારાજ, આપે અમારે સારું ચિંતા કરી ત્યાં શું ક્‌હેવું ? એ તલાટીને નિત્ય અહીયાં જ રાખજો.”

ભૈરવી આગળ આવી બોલી: “દીકરા, હજી તને બરોબર બોલતાં ન આવડ્યું; એમ ક્‌હે કે આવા તલાટી અમને નિત્ય આપજો એટલે તલાટીના ગુણ પણ ગવાય અને એનું આગળ ઉપર કલ્યાણ કરવાની ભલામણ પણ થાય. એ તલાટી આવો ભલો ને ચતુર છે તેને અહીંયાં જન્મારો રાખે તો એ નોકરીમાં વધે ક્યારે ?” પુત્રને આવી રીતે ઠપકો દેતી ભૈરવીને સાંભળી મણિરાજને કાંઈક સ્મિત થયું તે જોઈ ભૈરવી અચકીઃ “મહારાજ, કૃપા કરો. અમો ગામડીયાનાં બાળક આવું ગાંડુંઘેલું જ બોલે, પણ આપના રાજ્યમાં અમારે બહુ સંભાળ રાખવી પડે છે. કોઈ અમલદારનું જરાક ઘસાતું અમારે મ્હોંયેથી બોલાય છે એટલે તરત આપ રોગ પરખવા પાકી તપાસ કરો છો અને અમારાં વચનમાં સત્ય જણાય તો આપના ગમે તેવા વ્‍હાલા અમલદારને પણ શિક્ષા કરતાં ૨જ વાર લગાડતા નથી. ત્યારે એવા રાજ્યમાં કોઈનું જરીક વાંકું બોલતાં વિચાર કરી, સો ગળણે ગળી પાણી પીયે નહી તો બોલતાં બોલતાં પાપ લાગે.”

“ ત્યારે, ભૈરવી, કેવું રાજ્ય હોય તો તને ગમે ?” મણિરાજે હસીને પુછયું.

ભૈરવી અકળાઈને બોલીઃ “મહારાજ, જુવો, વળી આ મ્હારાથી બોલતાં ભુલ થઈ મહારાજ, રાજ્ય તો છે એવું ને એવું જ રાખજો, પણ અમારે લીધે કોઈને શિક્ષા કરો તે અમને તેનો નીસાસો લાગે, અને તમારી પાસે બોલાઈ જતાં વધારે ઓછું બોલતાં તમે ખરી વાત જાણી જાવ છો !”

“ત્યારે ત્હારે મ્‍હારી પાસે ખરું બોલવાનું નહીં ?”

“ ના બાપજી, જો જો પાછો એવો અર્થ લેતા. આપનાં તો અમે છોરુ, તે આપની પાસે સાચું બોલીયે તે તો શી નવાઈ? – પણ આપનાથી તો કાંઈ સંતાડવું પણ ન જોઈએ, પણ અમલદારોની તલાસ કરી તેને શિક્ષા કરતાં દયા રાખજો, આપના શીકાર કરતાં આપના અમલદાર ગયા?” ​“ભૈરવી, એ શું કહ્યું ?”

“હા, સિંહને મારીને આપ રડો છો કે આને માર્યો તો આપના અમલદારોને શિક્ષા કરતાં તો દયા આણવી જ જોઈએ.” છોકરાના સામું જોઈ ભૈરવી બોલી: “બોલ, છોરા બોલ.પેલું જોડ્યું છે તે બોલી લે.”

ભૈરવીનો પુત્ર પ્રીતિથી ને ઉલ્લાસથી બોલવા લાગ્યો :

“તરવાર કડે,*[૧] બન્ધુક કરે, ધરતો ધરતીપતિ તાકી જ જ્યાં, “વનરાજ ઉભો પળ જોઈ રહે, વનમાં અંહી આ શૂર માનવ કયાં ? “માનવ ક્યાં? અંહી માનવ ક્યાં ? કંઈ એમ વિચાર કર્યો ન કર્યો, “દીઠી–દીઠી ન–ગોળી ગઈ શિરમાં, વનરાજ, તીહાં જ ઠર્યો જ ઠર્યો. “જીવતો મરતો ન કળાય પશુ, હલકારક દૂર ઉભા ડરતા, “મણિરાજ ભરે ડગ, ના જ ધરે ડર, સિંહશિરે જ ધર્યા કર આ ! “વનરાજતણે જમરાજ મણિ વનરાજની પાસ ઉભો રડતાં, “વનરાજ ગયો ! શૂર, હાય, ગયો ! વન શૂન્ય હવે વનરાજ જતાં.” પુત્ર બોલી રહ્યો કે ભૈરવી બોલીઃ “મહારાજ, વધારે બોલીયે તો કાંઈ ગાંડું ઘેલું બોલાઈ જવાય. માટે હવે તો આ અમારા આ સુખશંકર મહારાજ શાસ્ત્રની બે વાત બોલે તે સાંભળો.”

સુખશંકર આગળ આવી બોલવા લાગ્યો: “ મહારાજ સિંહણ પાસે તેનાં બચ્ચાં ગેલ કરી રહ્યાં હોય તેમને સ્પર્શ કરનારની જે દશા થાય છે તે આપની નિર્દોષ પ્રજાને કનડનારની થાય છે એ યોગ્ય છે. રાજાપ્રજાની પરસ્પર પ્રીતિ એવી જ જોઈએ. પણ એ બીચારા તલાટીની હવે સઉને દયા આવે છે.”

“બદલી થયા પછી તલાટી તમારી પાસે આવી ગયો હશે?”

“ના, બાપજી. એમ કાંઈ એની છાતી ચાલે એવું આપનું રાજ્ય છે ? પણ આ બાઈનું જ કાળજું બળે છે.”

“કેમ, ભૈરવી, ત્યારે તું એવી ઈચ્છા રાખે છે કે એ તલાટી ઉપર પાછી દયા કરવી જોઈએ ?”

“હા, બાપજી,” ભૈરવી મલકાઈને બોલી.

“બહુ સારું. એમ થશે.”

* કડ = કેડ

​ભૈરવી મણિરાજને પગે પડી અને ઉઠી ખસી ગઈ. મણિરાજ ચાલવાનું કરે છે ત્યાં આ સઉ જોઈ રહ્યો હતો એવો એક લંગોટીયો ગોસાંઈ હાથ ઉંચો કરી વચ્ચે આવ્યો ને બોલ્યોઃ

“દેખો, મહારાજ, રાજકી પાસ રિક્તપાણિ નહીં જાના ઐસા શાસ્ત્રકા બચન હય, ઓર આપને તો હુકમ કીયા હય કે અમારી પાસ કીસીને નજરાણા કરના નહી તો ફીર ક્યા કરે? એક પાસસે શાસ્ત્ર કા ઉલંઘન હોવે ઔર દુસરી પાસસે રાજાકા આજ્ઞાભંગ હો જાવે તો પીછે આપકી પાસ આને મેં બડા સંકટ પ્રાપ્ત હો જાતા હય.”-

મણિરાજને હસવું આવ્યું અને બોલ્યો: “સાધુદાસજી, આપકુ તો હમ ભેટ કરે ઔર ગોસાંઈકી પાસસે તો માત્ર આશીર્વાદ લેનેકા મેરેકું અધિકાર હય.”

“અચ્છા, મહારાજ. લેકીન ઈતના ગોપીચંદનકા તો સ્વીકાર કરના ચઈએ. શ્રી ઠાકોરજીછી પ્રસાદી હય ઔર રિક્તપાણિ આના નહી ઉસ લીયે હમને આશીર્વચન અબ ગુજરાતી કબીતમે તયાર કીયા હૈ સો લે લો.”

“બોલો, સાધુદાસ.”

ઉંચો, લંગોટી વગર કોઈપણ વસ્ત્ર વગરનો, આખે શરીરે ગોપીચંદન ચોળી ઉભેલો, ગોસાંઈ તરતી નસોવાળા ઉંચા હાથ કરી બોલવા લાગ્યોઃ

“શૂર ખરો ને ખરી દયા, મહારાજ મણિરાજ ! “શરણ સંતના ! જોઈ તને થરથર દુષ્ટ-સમાજ ! “પ્રીતિ ખરી ને ભય ખરું! મહારાજ મણિરાજ ! “સજ્જનવત્સલ નામ શુણી, થરથર દુષ્ટસમાજ ! “થરથર દુષ્ટસમાજ નામ શુણતામાં થાતા ! “ધરી આશા દેઈ આશિષ સંત અંતર મલકાતા. “તે આશિષને આશરે મણિરાજરાજ્ય જુગ જુગ તપો ! “ચતુર ચતુર તુજ સારથિ રથ તુજ લેઈ રણમાં ધપો.” રામચંદ્ર આગળ સામળ કવિએ વાનર અંગદ પાસે કવિત બોલાવ્યાં છે એમ મણિરાજ પાસે ગોસાંઈ આ કવિત ગાઈ રહ્યો ત્યાં એની દૃષ્ટિમાં એમ લાગ્યું કે મ્હારી પાછળ કોઈ ઉભું રહ્યું છે તેના ઉપર મહારાજ દૃષ્ટિ કરી રહ્યા છે. ગોસાંઈ પાછળ જુવે છે તો ફુલનો થાળ હાથમાં લઈ બાળક કુસુમસુંદરી સીપાઇઓ સાથે ઉભી રહેલી અને જોડે ચંદ્રકાંત ઉભેલો. પ્રધાનકન્યા ક્યારની આમ ઉભી હતી તેનું ભાન થતાં ગોસાંઈ શરમાયો અને આઘો ખસી જઈ બોલ્યો; “કુસુમબ્હેન, આગળ આવો, મહારાજને પુષ્પે વધાવો.” ​ઉંચા પર્વત પાસે આઘેથી કોમળ અને સ્મિતમય સુંદર ઉષા [3] આવવા લાગે તેમ કુસુમ થાળ લેઈ મહારાજ મણિરાજ પાસે ધીમે ધીમે આગળ આવી.

ન્હાની સરખી નદી આગળ નીચે નમી આકાશનો ઉંચો મેઘ ધારારૂપી હાથ નદી સુધી લાંબા કરે તેમ મણિરાજે કુસુમના હાથમાંનો થાળ નીચાં નમી પોતાના હાથમાં લીધો, એક હાથમાં તે થાળ રાખી બીજે હાથે એક અંજલિ ભરી પુષ્પ ચંદ્રકાંતને આપ્યાં, બીજી અંજલિ ભરી કુસુમની અંજલિમાં આપ્યાં, ત્રીજી અંજલિ ભરી પોતે સ્વીકાર્યો, અને બાકીનાં પુષ્પપસમેત થાળ જોડે ઉભેલા રાજપુત્રને આપી સહયાયીઓમાં અને વસ્તીમાં વ્હેંચવા આજ્ઞા આપી. આ સર્વ ક્રિયા તેના હાથ કરતા હતા તે જ સમયે જેમ હાથમાંથી પુષ્પ અપાતાં હતાં તેમ મુખમાંથી સ્મિત અને અક્ષર ચાલતા હતા. “ચંદ્રકાંત, તમે ક્યાંથી ? ક્ષમા કરજો, તમે પાછળ ઉભેલા એટલે મ્હેં દીઠા નહી. કુસુમબ્હેન, તમારાં માતુઃશ્રીએ બ્હારવટીયા પકડાયાના શુભ સમાચાર જાણ્યા હશે – કુમુદબ્હેન થોડી વારમાં આવશે.”

નીચું જોઈ લજજાભરી બાળા બોલી: “સર્વ મહાપુરુષો તો દર્શન આપી પછી કૃપા કરે છે પણ આપનાં પગલાંનો ચમત્કાર તો પગલાં થયાં પ્હેલાંથી જ જણાય છે. મહારાજ ! ગુણીયલે ક્‌હાવ્યું છે કે

"उदेति पूर्वं कुसुमं ततः फलं "हनोदयः प्राक्तदांतरेअं पयः "निमित्तनैमित्तिकयोरयं क्रम- "स्तव प्रसादस्य पुरस्तु संपदः ॥"[4] “ મહારાજ, આ સંદેશો ક્‌હાવતાં ક્‌હાવતાં ગુણીયલે આનંદ કે ઉપકારનાં આંસુ પાડ્યાં છે તે હું મ્હારા ભણીથી આપને વિદિત કરું છું.”

મણિરાજ અને ચંદ્રકાંત ઉભયને આ સાંભળી પોતપોતાના નેત્રમાં કાંઈક જળ જણાયું. “ કુસુમબ્હેન, ગુણીયલબાને ક્‌હેજો કે એ તો તમારા ગુણનું પુણ્યફળ છે. ઈશ્વર સદ્ગુણને કસેછે પણ અંતે ફળ આપતાં ઉદાર થાય છે.” – “ચંદ્રકાંત, માતાનો સ્નેહ અપૂર્વ છે.”

ઉગે મેધ પ્રથમ, વૃષ્ટિ પછી જણાય, નિમિત્ત પુંઠે નૈમિત્તિકો ક્રમથી આવે: મુકી કૃપાની આગળ સંપત્તિ, તે તો આપે !!( અત્રે આપે - એટલે તમે ) –કાલિદાસનું શાકુંતલ, ​ “કુમુદસુંદરીનું અમંગળ ગયું જાણી ગુણસુંદરીબાને અતુલ આનંદ થયો હશે અને મ્હારા ઉપર પણ હું ન્હાનો હતો ત્યારથી મ્હારાં માતુ:શ્રી જેટલી પ્રીતિ રાખે છે. કુસુમબ્હેન, ગુણસુંદરીબાને ક્‌હેજો કે પ્રધાનજી પણ થોડીવારમાં આવશે. ક્‌હો, પણ આટલી વાર સુધી છેક પાછળ કેમ ઉભાં રહ્યાં હતાં ?”

કુસુમ મ્હોં મલકાવી બોલીઃ “મહારાજ, પિતાજીએ એક પ્રસંગે વાત કહી હતી કે આપને મહાભારતના શાંતિપર્વમાં ભીષ્મપિતામહે કરેલા ઉપદેશ અતિ પ્રિય છે, અને તેમાંનું એક વાક્ય તો આપને પ્રિયતમ છે તે વાકય મને સાંભરી આવ્યું, અને તે વાક્યનો ઉપદેશ પાળતા આપને જોવાનું મને મન થયું, અને તેની સાથે એમ પણ વિચાર થયો કે એ આજ્ઞા મહારાજ પાળતા હોય તેવે પ્રસંગે વચ્ચે આવવાથી આપની આજ્ઞાનો ભંગ જેવું થાય.”

“એમ ? એ કીયું વાક્ય ? બોલ જોઈએ !” મણિરાજે આતુરતાથી પુછયું.

આ રમ્ય વિનોદ-નાટકમાં પાત્રો પર સર્વ મંડળ આતુરતાથી દૃષ્ટિ કરી રહ્યું, સર્વ લોક સ્તબ્ધ થઈ એક ટશે જોઈ રહ્યા. ઓસરીના ઓટલા ઉપરના ચકામાંથી ગુણસુંદરી અને સુંદરગૌરી, અમૃતપાન કરવાનો પ્રસંગ હોય તેમ, પુત્રીના મુખ સામી પ્રિયદ્રષ્ટિ ભરવા લાગ્યાં. ચંદ્રકાંત મનમાં અકળાયોઃ “ઓ સરસ્વતીચંદ્ર, ત્હારું ભાગ્ય ક્યાં ફુટ્યું છે ? કોણ જાણે ક્યાં અત્યારે જાતે આથડે છે અને મને અથડાવે છે !- આ રત્ન જો તો ખરો ! - અરેરે ! પણ ત્હારે બ્રહ્મચારી ર્‌હેવું છે ને આને મીરાંબાઈ થવું છે ! એ જોગ ક્યાં ખાશે ! મ્હારી વકીલાત તમે બે જણે મળી વાંધામાં પાડી છે.”

મહારાજ પાસે વધારે બોલવા પ્રયત્ન કરતાં મુગ્ધ કન્યાના ગાલ ઉપર ગુલાબી રંગના શેરડા પડી ગયા, નયનકળી પળવાર મીંચાયા જેવી લાગી, અને અંતે પાંદડાંના અાચ્છાદનમાંથી અચીન્તી ફુલની કળીયો ફુટવા માંડે તેમ દંતકલિકાઓ દેખાઈ અને કુસુમ શ્લોક બોલીઃ

“पुत्रा इव पितृर्गेहे विषये मानवाः । “मिर्भया विचरिष्यन्ति स राजा राजसत्तमः ॥"[5] “મહારાજ ! આપ જેવા પિતાની પાસે આપની પ્રજા આવી ઉભી ર્‌હે અને આપ તેને લાડ લડાવો એ સુંદર દેખાવ જોવાનું તે મને મન કેમ ન થાય ?”

મણિરાજનો અંતરાત્મા પ્રસન્ન થયો. કુસુમને રજા આપી ચંદ્રકાંતને સાથે લઈ તેની સાથે વાર્તાવિનોદ કરતો કરતો મહારાજ મણિરાજ ચાલ્યો અને માર્ગમાં ચંદ્રકાંતની સાથે શાંતિપર્વની સ્તુતિ કરવા લાગ્યોઃ “ચંદ્રકાંત, સત્ય પુછો તો આવા ગંભીર શબ્દમાં રાજાઓને ઉપદેશ કરેલો મ્હેં બીજે સ્થળે વાંચ્યો નથી. તમે તો ઘણાં પુસ્તક વાંચ્યાં હશે. તો ક્‌હો, રાજધર્મ અને રાજકાર્યનું તત્ત્વ આ શ્લોક કહું છું તેના જેવું બીજે ક્યાં છે ?”

"भवितव्यं सदा राज्ञा गर्भुणीसहधर्मिणा "कारण्ं च महाराज शृणु येनेदमिष्यते ॥ "यथा हि गर्भिणी हित्वा स्वं प्रियं मनसोऽनुगम "गर्भस्य हितमाध्यत्ते तथा राज्ञाप्यसम्शयम ॥ "वर्त्तितव्यं कुरुश्रेश्ठ सदा धर्मानुवर्तिना "स्वं प्रियं तु परित्यज्य यद्यल्लोकहितं भव्वेत ॥[6] “ મ્હારા શયનખંડમાં અને વ્યવહારખંડમાં સોનેરી અક્ષરે આ ! શ્લોક મ્હેં કોતરાવી રાખ્યા છે.”

આ વાર્તાવિનોદ કરતા કરતા મણિરાજ અને ચંદ્રકાંત અદ્રશ્ય થયા. તેમની પાછળ અનુયાયી વર્ગ પણ અદ્રશ્ય થયો. ગામને બીજે છેડે તંબુ તાણ્યા હતા ત્યાં સઉ ગયા. આણી પાસ કુસુમસુંદરી લીલાભરી પાછી ગઈ અને મા અને કાકીની પાસે ઉભી. કાકીને શ્રુંગાર–અલંકાર-ભરી ભત્રીજી વ્હાલી લાગી, અને મણિરાજ પાસે મધુર અને ચતુર વાર્તા કરી આવી તે ચિત્રની મુદ્રાના આવેશમાં સુંદરગૌરી કુસુમને બળથી છાતી સરસી ચાંપવા લાગી અને નીચી વળી એને એક ચુંબન પણ કરી દીધું. ગુણસુંદરી આ બેના યોગ ઉપર આનંદથી જોઈ રહી અને તેમને એકટશે જોતાં જોતાં મનમાં બોલી: “ઘડી ઉપર અતિશય દુ:ખ હતું, ઘડીમાં આનંદ થઈ ગયો; શો આ બે જણને આનંદ થઈ ગયો છે ? ઈશ્વરની ગતિ ન્યારી છે.”

*“ રાજાએ સદા ગર્ભિણીના જેવો ધર્મ પાળવો. જે કારણથી આવું ઇષ્ટ છે તે, હે મહારાજ, સાંભળો. જેમ પોતાના મનને અનુકૂળ નિજ પ્રિયનો ત્યાગ કરી ગર્ભિણી ગર્ભનું હિત ધારે છે તેમ, હે કુરુશ્રેષ્ઠ, ધર્મનું અનુવર્તન કરનાર રાજાએ પણ પોતાનું પ્રિય હોય તેનો તો ત્યાગ જ કરીને લોકનું જે જે હિત હોય તે નિઃસંશય કરવું:”–મહાભારતમાં શાંતિપર્વમાં ભીષ્મપિતામહે યુધિષ્ઠિરને કહેલું વચન.

​ ખરેખર ઈશ્વરની ગતિ ન્યારી જ નીવડી. દુ:ખ પછી સુખની ને સુખ પછી દુઃખની ઘડી ઉભી હોય, કુસુમરૂપ - આનંદમૂર્તિને વિધવા કાકીરૂપ શોકમૂર્તિએ જ અલક્ષ્યસૂચક ચુંબન કર્યું હોય, તેમ માનચતુરની સાથેના બે સ્વારે સુભદ્રા આગળથી ઘોડાને મારી મુક્યા હતા તે વીજળીની ત્વરાથી ગુણસુંદરીની ઓસરી ભણી ઘોડા દોડાવતા આવ્યા અને એકદમ ઉતરી, અંદર આવી, શ્વાસ અને દુઃખભર્યે મ્હોંયે કુમુદસુંદરી નદીમાં તણાયાના સમાચાર ક્‌હેવા લાગ્યા. સમાચાર ક્‌હેવાઈ ર્‌હેતા સુધી સર્વ પ્રતિમાઓ પેઠે રહ્યાં અને તે પછી શોકની આગ આખા ઘરમાં ભભુકવા લાગી. ગુણસુંદરી બેઠી હતી ત્યાંની ત્યાં લમણે હાથ દેઈ જડ થઈ ગઈ અને બોલ્યા ચાલ્યા વિના નેત્રમાંથી આંસુ ઉપર આંસુ સારવા લાગી. ગરીબ સુંદરગૌરી સામી બેસી મ્હોં વાળવા લાગી: “ઓ મ્હારી કુમુદસુંદરી રે ! બેટા, આ શો કેર કર્યો? ઓ બ્હેન – મ્હારી ઉછેરેલી - મ્હારી લડાવેલી – હું દુઃખીયારીની દીકરી ! આ દોહ્યલું તે કેમ વેઠાશે !” બાળક પણ સમજણમાં આવેલી કુસુમે હજી તો શ્રૃંગાર ઉતાર્યા ન હતા તે પણ આ અચીંત્યા દુઃખના ભાર નીચે શ્રૃંગારસમેત ડબાઈ. માની પાસે - માની સામે – બેસી પડી – માની હડપચી ઝાલી કુસુમ રોતી રોતી ક્‌હેવા લાગી; “ગુણીયલ, તું કેમ આમ ઢીલી થઈ ગઈ? આપણે તો છત્રની છાયામાં છીયે તે કેમ ભુલી ગઈ? મહારાજને ક્‌હાવ તો ખરી. વડીલ બ્હેનને લીધા વગર નહીં આવે ! પિતાજી હમણાં આવશે. - અરેરે ! ત્હારું ધૈર્ય ગયું !” ઘરમાં પરિવારમાં પુછાપુછ અને રડારોળ થઇ રહી. અંતે કુસુમ ઉઠી, ઓસરીબ્હાર જોવા લાગી, અને જુવે છે તો કુમુદસુંદરીના ગાડીવાને મોકલેલો સ્વાર હાથમાં પોટકું રાખી ઘોડો દોડાવતો આવતો દુર દેખાયો, અને દેખાતામાં કુસુમ બુમ પાડી ઘરમાં ગઈ: “ગુણીયલ, ઉઠ, ઊઠ. બીજો એક સ્વાર વેગભર્યો આવે છે !” સ્વારની વાત સાંભળતાં સર્વ પોતપોતાના શોકપ્રકાર તજી વેગથી ઓસરીમાં ગયાં અને બારણે જોવા લાગ્યાં. સ્વાર આવ્યો, ઉતર્યો, અને અંદર આવ્યો.

“કુમુદબ્હેન ઉગરી?” કુસુમે આગળ દોડી પ્રથમ પુછયું.

સ્વાર દીન મુખે બોલ્યો: “ ઈશ્વર કરે તે ખરું. ગુણસુંદરીબા, બ્હારવટીયાઓમાંથી બ્હેન ઉગર્યાં ત્યારે નદીમાં તણાયાં. એમની ગાડીમાં આ એમની પોટલી હતી તે ગાડીવાને મોકલી છે. વડીલ અને બીજું મંડળ બ્હેનની પાછળ દોડ્યું છે તેની વાટ જોતો ઉભો છે."

ગુણસુંદરીને આંખમાં આંસુ માતાં ન હતાં. એણે પોટલી તો લીધી પણ રંક મુખ કરી સ્વારને પુછવા લાગી: “ભાઈ, કાંઈ પત્તો લાગે એમ ​છે? એનો કાગળ કાલ જ આવ્યો હતો ને એના પેટમાં મ્હારી સાથે કાંઈ કાંઈ વાતો કરવાની હશે તે સઉ એમની એમ રહી !”

“ગુણસુંદરીબા, હવે ગભરાવું નકામું છે. નદી કોઈના હાથમાં નથી, પણ તમારે પુણ્યે સારાં વાનાં થશે એમ આશા રાખજો. નીકર બ્હારવટીયાઓમાંથી ઉગરવું સ્હેલું ન હતું. પણ જેને રામ રાખે તેને ગામ શું કરે ? ઈશ્વરની દયા છે ને તમારું પુણ્ય છે. ગાડીવાન બીચારો રડતો હતો અને ક્‌હેતો હતો કે સાસરામાં બ્હેન લક્ષ્મીજી પેઠે પૂજાતાં હતાં, પુણ્યશાળીનાં છોરુ પુણ્યશાળી જ હોય ! ઈશ્વર આવાં બે ઘરમાં તાળાં નહીં વાસે !”

ગુણસુંદરીનું હૃદય આથી તૃપ્ત થયું નહીં. પોતાની ખરેખરી યુવાવસ્થાનું પ્રથમ ફળ, કુટુંબના અસહ્ય ભારને સમયે લોકાચારને વશ રહી જેને લાડ સરખું લડાવ્યું ન હતું અને તેની ખરી અનાથ બાલ્યાવસ્થામાં મા વગરની હોય એવી રીતે તેને સુંદરની પાસે નાંખી મુકી જેની પોતે કાંઈ પણ સંભાળ લીધેલી ન હતી એવી, સુશીલ રંક સ્વભાવની બાળકી, જેણે કોઈ દિવસ કોઈના સામે ઉચ્ચાર સરખો ક્‌હાડ્યો ન હતો, જેને હીનભાગ્યે સરસ્વતીચંદ્ર સરખા વરે ત્યાગ કર્યો અને પ્રારબ્ધે કરાવેલી ઉતાવળને બળે પ્રમાદધનની સત્તામાં ફેંકી દીધીઃ આવી પુત્રીના ગુણ અને દુર્ભાગ્ય સંભારી સંભારી ગુણસુંદરી પળવારમાં દુ:ખીયારી થઈ ગઈ અને જગતમાં કશાથી પણ હવે સુખ થવાનો સંભવ ન લાગ્યો. નદીમાંથી પાછી આવે એ આશા નિષ્ફળ લાગી. લમણે હાથ દેઈ બારણાં વચ્ચે તે બેઠી, અને એને શી રીતે શાંત કરવી તે કોઈને સુઝ્યું નહીં. બેઠી બેઠી તે માત્ર અત્યંત ધીમે સ્વરે રોવા લાગી અને મ્હોં વાળી ભરાઈ આવેલું હૃદય ખાલી કરવા લાગી.

“ન મ્હેં લડાવ્યાં લાડ, પુત્રી, “દુઃખમાં દીધો ભાગ રે; “સુખ દેવા મને મળ્યું ન, પુત્રી, “માગ, માગ, કંઈ માગ રે !

“હાય ! હાય રે ! કુમુદ મ્હારી મીંચાઈ! ... ૧

“ન્હાનપણેથી કરી નમાઈ, “નિર્દય મ્હારી જાત રે ! “દયા ન આણી મ્હેં તો કાંઈ, ​ “મુક્યો મુસળભાર રે !

“હાય! હાય રે ! કુમુદ મ્હારી કચરાઈ ! ૨

“દીકરી મ્હારી ! તું બહુ ડાહી ! “મનમાં મનના સમાવી રે ! “વરાળ સરખી ત્હેં નથી ક્‌હાડી, “માને પણ ત્હેં વાહી રે !

“હાય ! હાય રે ! કુમુદકળી કરમાઈ! ૩

“માથી વ્હાલી કરી નદીને, “દીકરી ક્યાં ગઈ મ્હારી રે ? “કાળજડે મુજ કટાર દઈને “નદી કરી ત્હેં વ્હાલી રે !

“હાય ! હાય રે ! કુમુદ મ્હારી ક્યાં તું ગઈ?” ૪

ઘડીવાર દુ:ખી માતાએ માથું નાંખી દીધું . અંતે હૃદય ખાલી થતાં ધૈર્ય આવવા લાગ્યું, અને આંસુ લોહી નાંખી, બોલીઃ “કુસુમ, ગાંસડી છોડ, જોઈએ.” કુસુમે ગાંસડી છોડી તો ઉપર જ વનલીલાનો કાગળ. તેમાં પ્રમાદધન, કૃષ્ણકલિકા, અને બીજા ક્ષુદ્ર માણસોની ખટપટના સર્વ વર્તમાન વનલીલાએ સાંભળેલા તે એણે લખ્યા હતા. એ પત્ર વાચતાં જ ગુણસુંદરીનાં નેત્ર ફરી ગયાં અને મનમાં પત્ર વાંચતાં વાંચતાં વચ્ચે મ્હોટે સ્વરે બોલીઃ “સુંદરભાભી, જો કુમુદ નદીમાં ડુબી હોય તો કસાઈને ઘેરથી ગાય છુટી સમજજો ! અરેરે ! આ દુ:ખ મને તે શી રીતે જણવે ?” વળી વનલીલાએ પત્રના છેલા ભાગમાં કવિતા જોડી ક્‌હાડી લખી હતી તે મનમાં એકવાર વાંચી - બે વાર વાંચી.

“મ્હારાં કુમુદ સલક્ષણાં બ્હેન, હરભડશો માં અધઘડી રે, “તમને જાળવશે પરમેશ, ફરતી એની છાંયડી રે. ૧ “દુર્જન મુકે ન જાત-સ્વભાવ જાણે સઉ આંધળાં ! “એની આંખે આવે અંધારાં, પગે થાય પાંગળાં. “કાળકાની ફુટી આંખ, દીઠી ન એણે મને, “પુઠ એની હવે મુકું નહીં જ, ઘણું વ્હાલાં છો તમે. ૩ “વાંકો વાળ તમારો ન થાય, હૈયે ધૈર્ય ધારજો; “એને કરીશ ફજેત ફજેત, શા છે એના ભાર જો ૪ “જશે વાત પ્રધાનને કાન, દેવી બધું જાણશે, “બોર બોર જેવાં આંસુ રાંડ વંઠેલી એ પાડશે. ૫ ​ “બ્હેન અલક ખલકની પેઠે એનો પગ ટાળશે, “ભોળા ભાઈનું છોડવી ભૂત તમોને બોલાવશે. ૬ “મ્હારા સમ જો રજ ગભરાવ; ચતુર વિદ્વાન છો; “પ્રભુ ઉપર છે તમ જોર, પ્રભુનાં દાસ છો. ૭ “સત્ય આખર છે તરનાર, જુઠાં જખ મારશે; “વ્હાલી વનલીલાને સંભારી કુમુદ સમ પાળશે.” ૮ વાંચી, વિચાર કરી, ગુણસુંદરી બોલી ઉઠી: “સુંદરભાભી, ગજબ થયો છે. ચંડિકાભાભીના જેવું દુઃખ કુમુદને જોઈ લ્યો.” દીકરીના દુઃખથી માતાની આંખમાં ફરી આંસુ ઉભરાયાં.

“હેં ! એ ફુલથી તે એ કેમ વેઠાયું હશે? ભાભી, એ દુઃખનું માર્યું માણસ જીવ ક્‌હાડી નાંખે હોં ! આ નદીમાં અમસ્તી પડી નથી, લ્યો ! નક્કી, જાણી જોઈને એ દુ:ખમાંથી છુટવા પડેલી ! ઓ મ્હારી બ્હેન ! અમારે મ્હોંયે વાત કરવા જેટલી વાટ તો જોવી'તી ?” સુંદર પ્હાડો જોતી જોતી દુઃખભરી બોલી અને બોલતાં બોલતાં એની આંખમાં વધારે આંસુ ભરાયાં, અને આંસુભરી આંખે વળી બોલી: “દુ:ખ ખમવાને તો મ્હારી પેઠે દુઃખમાં ઘડાયલાંનું જ ગજું હોય - પણ, ઓ મ્હારા ફુલ, ત્હેં તે આ વજ્રનો માર કેમ સહ્યો હશે ? બ્હેન, મ્હેં તો તને કદી રોતી જોવાઈ નથી તે તને આ શું થયું હશે ?” કુસુમે પણ આંસુમાં આંસુ ભેળવ્યાં, અને અંતે આંસુમાં બનેવી ઉપરનો ક્રોધ ભેળવી ભમર ચ્હડાવી.

કાગળમાં બીજી વાતો લખી હતી તેના ઉપર તર્ક કરવામાં ગુણસુંદરી ગુંથાઈ કુમુદ ઉપર આરોપ મુકવા પ્રમાદધને સંકેત કરેલો જાણી મનમાં ડ્હામ દેવાયો. નવીનચંદ્રનું નામ વાંચી તે કોણ હશે એવો સહજ પ્રશ્ન ઉઠી શાંત થઈ ગયો. કુમુદ આવે તો એનાં સુખદુ:ખ જાણવાની અને એનું સાંત્વન કરવાની પોતાની ઇચ્છા તૃપ્ત થાય એ વિચારથી માતા પુત્રીને મળવા આતુર બની ગઈ. હૃદયમાં એક પાસથી આ આતુરતા ઉભરાઈ જવા લાગી ત્યારે બીજી પાસથી નિરાશા મરણની પેઠે શૈત્ય આણવા લાગી. આ દ્વૈધીભાવ આજ સુધી વેઠેલાં સર્વ દુઃખ કરતાં વધારે અસહ્ય લાગ્યો.

કુમુદનું અમંગળ નિશ્ચિત થાય તો વનલીલાને રત્નનગરી બોલાવી, એની પાસેથી સર્વ જાણી, મરનારના મરણનો શોક સોગણો વધે અને હૃદયમાં કાંટા વાગે તો જ ગાય જેવી રંક અને નિર્મલ પુત્રીને કસાઈવાડે બાંધ્યાના મહાપાપનું પ્રાયશ્ચિત્ત થાય અને તે પ્રાયશ્ચિત્ત શોધવું જ એવો નિશ્ચય કર્યો. વર વિના સર્વ સાસરીયાં કુમુદ ઉપર પ્રીતિ રાખતાં હતાં તેનો ​પણ વિચાર થયો અને તે વિચાર થતાં તેમના કુટુંબને કસાઈવાડાની ઉપમા આપ્યાથી મહાદોષ થયો એમ લાગ્યું. સૌભાગ્યદેવી, અલકકિશોરી, અને બુદ્ધિધન એ ત્રણ નામ સ્મરણવશ થતાં પવિત્ર નામોએ પવિત્ર હૃદયમાં પવિત્ર પ્રીતિસંસ્કાર જગાડ્યા અને તેની સાથે મનનું દુઃખ ઓછું થઈ ગયું. તોપણ પુત્રીનું દુઃખ પાછું કાળા વાદળા પેઠે દૃષ્ટિ આગળ એકલું એક ખડું થયેલું હતું તે સ્પષ્ટ દેખાયું. એ દુઃખમાંથી છોડવવા વિદ્વત્તા અશક્ત નીવડી. હવે તો સર્વ દુ:ખનો સાથી, હૃદયનો મંત્રી, મ્હારી ક્રિયામાત્રનો તંત્રી, આ દુઃખમાં સમાન અનુભવનો ભોગી, મ્હારો ચતુર આવે તો જ આ વિષમ દશામાંથી છોડવે એવો વિચાર ગુણસુંદરીને થયો, અને આ સંસાર, કોટિને પ્રસંગે એ પતિને દુ:ખી સ્ત્રીનું હૃદય શોધવા લાગ્યું તેની સાથે દ્વાર આગળથી એક દાસી આવી ધીમે રહી કહી ગઈ કે પ્રધાનજી આવે છે. આ સાંભળ્યું કે સર્વ ઉઠ્યાં અને ગુણસુંદરીની દુઃખદશાની રાત્રિમાં ઉગતા ચંદ્રનાં કિરણ દેખાયાં. પતિનો સ્વર પણ બ્હાર સંભળાયો, અને અમૃતપવનની અચીન્તી લ્હેર દુ:ખી શરીરિણી ઉપર આવી.

न खलु दूरगतोऽप्यतिवर्त्तते क्षणमसाविति बंधुतयोदिते: ॥ प्रणयिनो निशामय्य वधूर्बहिः स्वरमृतैरिव निर्ववो [7]


  1. ખાતરબરદાશ
  2. જે વસ્તુ હાથમાંથી જતી રહી અને તેની કથા કરવા જેટલા શેષ ભાગ શીવાય કંઈ હાથમાં રહ્યું ન હેાય તેવો.
  3. મળસ્કું
  4. ઉગે કુસુમ પ્હેલું, ફળ પછી જ થાય,
  5. પિતાના ઘરમાં પુત્રો ફરતા હોય તેમ જે રાજાના રાજ્યમાં મનુષ્યો નિર્ભય ફરે તે રાજા રાજાઓમાં શ્રેષ્ઠ.
  6. *“ રાજાએ સદા ગર્ભિણીના જેવો ધર્મ પાળવો. જે કારણથી આવું ઇષ્ટ છે તે, હે મહારાજ, સાંભળો. જેમ પોતાના મનને અનુકૂળ નિજ પ્રિયનો ત્યાગ કરી ગર્ભિણી ગર્ભનું હિત ધારે છે તેમ, હે કુરુશ્રેષ્ઠ, ધર્મનું અનુવર્તન કરનાર રાજાએ પણ પોતાનું પ્રિય હોય તેનો તો ત્યાગ જ કરીને લોકનું જે જે હિત હોય તે નિઃસંશય કરવું:”–મહાભારતમાં શાંતિપર્વમાં ભીષ્મપિતામહે યુધિષ્ઠિરને કહેલું વચન.
  7. માઘ ઉપરથી “દૂર ગયો પણ એ ક્ષણ ના ચુકે અમૃતલ્હેર સમા સખી-શબ્દ એ પતિવ્રતા શુણતાં ઠરી, જયાં શુણ્યો ગૃહની બ્હાર પ્રિયસ્વર તત્ક્ષણ.