સરસ્વતીચંદ્ર ભાગ ૪/સૌંદર્યનો ઉદ્યાન અને કુસુમનો વિકાસ.
अनाघातं पुष्पं किस्रलयमलूनं कररुहै : अनाविद्धं रत्नं मधु नवमनास्वादितरसम् । अखण्डं पुण्यानां फलमिव च तद्रूपमनधम् न जाने भोक्तारं कमिह समुपस्थास्यति विधिः ॥ અણસુંઘ્યું ફુલ, નખવડે પણ અણચુંટી કળી, અણવીંધ્યું રત્ન, અણચાખ્યું નવું મધ, ખંડિત થવા ન માંડેલું પુણ્યોનું ફલ; એ સર્વના જેવું ડાઘ વગરનું આનું રૂપ છે, તેને ભોગવવા કીયા ભોગવનારને વિધાતા મોકલશે એની મને સમજણ પડતી નથી, ”સુંદર કન્યા શકુન્તલા વિષયે દુષ્યન્તને આવી ચિંતા પડી હતી. તે શ્લોકમાંથી “तद्रूपमनघम” – “ડાઘ વગરનું આનું રૂપ” એટલા શબ્દોને ઠેકાણે “मेधा हि दुहितु” – “દીકરીની મેધા એટલે બુદ્ધિના ચમકારા” એટલા શબ્દ ગુણસુંદરીએ મુકી દીધા હતા, અને એ શબ્દોથી વારંવાર તે ઉગતી કુસુમની ચિન્તા કર્યા કરતી હતી. તેમાં હાલમાં તો એક પાસથી કુમુદની ચિન્તા અને બીજી પાસથી કુસુમની ચિન્તા, એ બે દુ:ખથી ભરેલાં બે ત્રાજવાંના ભાર એના મનની દાંડીને બે પાસથી નમાવતા હતા.
માતાને પુત્રીનું દુ:ખ અસહ્ય શલ્યરૂપ થાય છે તેનો અનુભવ ગુણસુંદરીને હવે પૂર્ણ કળાથી થવા માંડ્યો. જુવાનીમાં શ્વશુરકુટુંબના ત્રાસદાયક ભારનીચે ચગદાઈ કુટુંબિનીને યોગ્ય ઉદાર સ્વભાવથી, કુલીન વહુને સ્વાભાવિક ક્ષમાથી, ચતુર નારીના લક્ષણરૂપ ધૈર્યથી, શૂરી સ્ત્રીઓમાં સ્ફુરતી ધુરંધરતાથી, પતિની સાથે એકજ ધુરીએ જોડાઈ પતિનો ભાર હલકો કરવા તેની સાથે દોડવામાં પાછળ ન પડવાના પતિવ્રત ઉત્સાહથી, કુટુંબજાળ જોત ઉકલી જતા સુધી ગુણસુંદરી શરીરમાં, બુદ્ધિમાં, અને સર્વે વાતમાં સતેજ રહી ટકી હતી. એ જાળમાંથી મુક્ત થતાં, પતિની સમૃદ્ધિ વધતાં, દરિદ્ર દશાના ધર્મના અનુભવને અંતે રત્નનગરીના પ્રધાનની પત્નીના સમૃદ્ધિધર્મમાં ચતુર ભાગ લેવામાં આ આર્યા આગળ પડી હતી. પણ એ સમૃદ્ધિને સમયે બે પુત્રીઓની ચિંતા તેને પ્રથમ કાળની ચિંતાઓ કરતાં અધિક દુઃસહ લાગી. દુઃખકાળે ઉછરેલી દુઃખોમાં ધાવેલી રંક કુમુદસુંદરીની બુદ્ધિસુંદરતા ભોગવવા મળેલો મૂર્ખ સ્વામી એ સુંદરતા ભોગવી શક્યો નહી ત્યારે ઉછળતી કુસુમસુંદરીની સુંદરતા ભોગવનાર જડતો પણ ન હતો. એ બે દુ:ખ વચ્ચે કયું દુઃખ અધિક ગણી સંભારવું અને કીયા દુઃખને ન્યૂનઃ ગણી ભુલવું તે તેમની માતાને સુઝતું ન હતું.
મેના રાણીના બાગમાંથી પોતાને ઘેર આવી આ દુ:ખી અબળા એક આરામખુરશી ઉપર પડી અને મુખ ઉપર છાતી ઉપરનો છેડો ઢાંકી થોડી વાર મનમાં ને મનમાં રોઈ અંતે આંખો લોહી, મુખ ઉઘાડી, કુમુદને સંભારી, પ્રમાદધનને ઉદ્દેશી તેને ઠપકો દેઈ તેની પાસેથી ન્યાય માગતી હોય તેમ, કંઈક ક્રોધથી અને કંઈક દયામણે મ્હોંયે, ગાવા લાગી –
[1]“नैसर्गिकी सुरभिणः कुसुमस्य सिद्धा "मूर्ध्नि स्थितिर्न चरणैवताङनानि “ "અથવા – બેટા પ્રમાદધન ! તને ગુણ ઓળખતાં જ ન આવડ્યા તો તેનો સ્વાદ તું શી રીતે ભોગવે ?
"गुणा गुणेज्ञेषु गुणा भवन्ति ते निर्गुणं प्राप्य भवन्ति दोषाः। "सुस्वादुतोयाः प्रभवन्ति नद्यः समुद्रमासाद्य भवन्तपेयाः ॥ “અરેરે ! મીઠી નદીને ખારા સમુદ્રમાં ભેળવી ખારી કરી નાંખવાનું પાપ તે તો મારેજ માથે – સમુદ્રને શો ઠપકો દેવો ? તે તો મૂળથીજ ખારો હતો. મીઠાં સાસરીયાની લાલચે ખારો વર આપનાર મૂર્ખ માબાપ તો અમે જ ! મૂર્ખાઈ અમારી ને ફળ ભાગવે બિચારી કુમુદ ! શો માબાપનો તીર્થ ધર્મ ? હરિ ! હરિ !” આંખમાંથી આંસુની ધારા ચાલી રહી.
વળી મેનાનાં બાગમાં બોલતી કુસુમને સંભારી વિધાતાને ગુંચવાયલે મુખે ક્હેવા લાગી -
"अखण्डं पुण्यानां फलमिव च मेधा हि दुहितुर् "न जाने भोक्तारं कमिह समुस्थास्यति विधिः"|| એટલું બોલી ફરી દીર્ઘ નિઃશ્વાસ મુક્યા અને દુઃખથી થાકી, ઉભી થઈ બારી બ્હાર પોતાની વિશાળ વાડીઉપર દૃષ્ટિ ઠારી આશ્વાસન શોધવા લાગી.
આ વાડી રત્નનગરી અને મુંબાઈ બેના નમુનાઓના મિશ્રણરૂપ હતી. પ્રધાનપદે ચ્હડ્યા પછી મહારાજની ઈચ્છાનુસાર અને નવી પદવીને
*સુગન્ધિ કુસુમની સ્થિતિ તો સ્વભાવથી જ મસ્તક ઉપર સિદ્ધ છે; પગ વડે લાતો ખાવી એ તેની સ્વાભાવિક સ્થિતિ નથી; ભવભૂતિ.
યોગ્ય પ્રાસાદ – મ્હેલ –માં વિદ્યાચતુરને જવું પડ્યું હતું અને તે પ્રાસાદ નગરીની બ્હાર એક મ્હોટા ઉદ્યાનમાં[2] હતો. આ પ્રાસાદ અને ઉદ્યાનની વ્યવસ્થા પ્રધાનપત્નીએ લીધી હતી, અને સંસ્કૃત તથા ઈંગ્રેજી વિદ્યાઓની રસિકતાને અનુસરી તેમાં સામગ્રી સજવામાં આવી હતી. નવા વૈભવને અનુસરી, દિને દિને નવા ગ્રન્થો – નવા અતિથિઓ – અને નવાં અવલોકનમાંથી સૂચનાઓ લેઈ સારગ્રાહિણી આ સામગ્રીઓમાં ફેરફાર કરતી. ગ્રીષ્મ, વર્ષા, અને હેમંતાદિ ઋતુઓ, પ્રાત:કાળ, મધ્યાન્હ, સાયંકાળ, રાત્રિના પ્રથમ પ્રહર, ચંદ્રિકાસમય, અન્ધકારસમય, મિત્રમંડળને ફરવા બેસવાના પ્રસંગ, રાજવર્ગ અને લોકવર્ગના મેળાવડા, સ્ત્રીવર્ગની સમર્યાદ ગોષ્ઠીઓ, દમ્પતીના એકાંત વિનોદવિહાર, સુખના ઉત્સાહ, શોકના અવસાદ, પ્રધાનચિન્તાને આવશ્યક વિચારોત્તેજક ઉત્સાહક સ્થાન, અને સ્ત્રીજાતની રંક ચિન્તાઓની ઝીણી જાળીઓની ગાંઠો ઉકલી જવા યોગ્ય ખુણાઓ: આવા અનેક પ્રસંગો, સ્થાનો, અને વિષયોને યોગ્ય કુંજો, ગલીઓ, ફુવારા, ઝરા, ન્હાનાં તળાવો, ઝાડોની ઘટાઓ, રેતીનાં અને ઘાસનાં ઉઘાડાં મેદાન જેવા ભાગો, ઉંડી ગુફાઓ, નીચાં કોતર, ઉંચા પર્વતનાં અનુકરણ અને કૃત્રિમ મીનારાઓ: આ સર્વે આ ઉદ્યાનના જુદા જુદા ભાગમાં ગુણસુંદરીની ચિન્તાએ ખડાં કર્યા હતાં. પ્રધાનને પોતાની સમૃદ્ધિ સાચવનારી ૫ત્ની મળી એમ સર્વ કોઈ ક્હેતું. આ ઉદ્યાનનું નામ મણિરાજે સૌંદર્ય-ઉદ્યાન પાડ્યું હતું. એમાં રાજા અને રંક, વિદ્વાન અને મૂર્ખ, બાલક–યુવાન-અને વૃદ્ધ, સર્વને પ્રસંગે પ્રસંગે આમંત્રણ થતું; અને તેમનો સત્કાર કરી, તેમનાં હૃદય ઉધાડી, ચતુર પ્રધાન પ્રજાનાં સુખદુ:ખ સમજવા પ્રયત્ન કરતો, તેમનું પ્રોત્સાહન કરવામાં તેમ જ તેમને અંકુશમાં રાખવાનાં સાધન પામતો અને સર્વ લોક ઉપર ભયપ્રીતિનું રાજ્ય કરી, મહારાજની આજ્ઞાઓ સર્વત્ર વર્તાવતો, મહારાજના પિતાના હૃદયમાં પ્રજારૂપપત્ની પરનો પ્રણય ભરતો અને એ પ્રિયાને અનુનય કરવાની તત્પરતા અને દક્ષિણતામાં આ યુવાન નાયકને કેળવતો, પ્રજાના પ્રવાહની લગામો ઉદય-દિશા ભણી ખેંચતો, અને રાજ્યના મહારથિનું સારથિપણું સિદ્ધ કરતો. આ સર્વે ધર્મકાળે ગુપ્ત રહી ધર્મમાં વર્તતી એ ધર્મની સહધર્મચારિણી પતિના તેજનું આધાન ધરવા સમર્થ હતી, અને પત્નીહૃદયરૂપ ક્ષેત્રમાં પ્રધાનઉત્સાહનાં બીજ આ સોન્દર્ય-ઉદ્યાનમાં વવાતાં.
આ સુન્દરતાના ઉદ્યાનમાં ન્હાની કુસુમનો વિકાસ કરવાનાં સ્થાન રચવામાં માતા જાગૃત ર્હેતી. ઉદ્યાન તૈયાર કરતાં ત્રણેક વર્ષ ગયાં હતાં અને ભાગ્યહીન કાળમાં જન્મેલી કુમુદ પરગૃહમાં જવા યોગ્ય થઈ ત્યાં સુધી આ ઉદ્યાન સંપૂર્ણ થયો ન હતો, અને સરસ્વતીચંદ્રનો સંબંધ પળવાર એના ભાગ્યાકાશમાં ચમકારા કરી રહ્યો એટલો કાળ એ આ ઉદ્યાનનો લાભ પામી એના વિયોગ સાથે ઉદ્યાનથી પણ જુદી પડી, અને એનું દુર્ભાગ્ય એને જોતજોતામાં પરગૃહમાં ઘસડી ગયું, જે વિધાતાએ એનાં ભાગ્યનો અસ્ત કર્યો તેણે કુસુમને ઉદય કર્યો, અને કુટુંબોપાધિથી જે માતાએ પ્રથમ પુત્રી કુમુદને પારકે હાથે ઉછરવા દીધી હતી તે માતાએ બીજી પુત્રી કુસુમને પોતાના હાથમાં લીધી. પ્રધાનના આવાસનો જે ભાગ સ્ત્રીવર્ગ માટે રાખેલો હતો તેની પાછળનો ઉદ્યાનભાગ કુસુમને માટે તૈયાર કરાવ્યો હતો. આ ઉધાન-ભાગમાં કુસુમને એકાંત બેસવા, ઉઠવા, અભ્યાસ કરવા, શરીરને વ્યાયામ આપવા, વિનોદ લેવા, અને સર્વથા નિર્દોષ સ્વતંત્રતાં લઈ વિકાસ પામવા, જેટલી સામગ્રી જોઈએ તેનો સંભાર ભરેલો હતો. છતાં ઉગતી યુવાવસ્થાની સ્વતંત્રતાને સ્થાને અયોગ્ય નિરંકુશતા પેસી જવા પામે નહીં, કુસંગતિનો વા સંચાર કરી શકે નહી, વર્જ્ય કરવાના મનોવિકાર ચેપી રોગની પેઠે ફાટી નીકળે નહીં, સદભ્યાસવચ્ચે દુરભ્યાસ ડોકીયાં કરે નહી, અને ઉત્કૃષ્ટ વૃક્ષો વચ્ચે કાંટાવાળાં ઝાડ ઉગે નહી: તે સર્વ વિષયોમાં સજ્જ ર્હેવા એવી વ્યવસ્થા રાખી હતી કે આ કુસુમોદ્યાનના સર્વે ગુપ્ત પ્રકટ ભાગો ઉપર પોતાની આરામખુરશી ઉપરથી, પોતાના હીંદોળા ઉપરથી, અને પોતાની અને સુંદરગૌરીની બારીઓમાંથી, બેસતાં, ઉઠતાં અને જતાં આવતાં નિત્ય દૃષ્ટિ પડ્યાં કરે. પ્રિય પુત્રીનો બુદ્ધિપ્રભાવ સ્વતંત્ર વિકાસ પામે અને અગમ્ય સ્થાને સરી જાય નહી એ બે ફળ એક જ વૃક્ષ ઉપર એક જ ઋતુમાં આણવા ઉપર સૌંદર્ય-ઉદ્યાનની ધાત્રીની અનિમિષ ધારણા હતી.
અંતર્દુ:ખથી થાકી, બાહ્ય આશ્વાસનો શોધવા, ગુણસુંદરી બારી આગળ ઉભી ત્યાં નીચેના કુસુમેદ્યાન ઉપર દૃષ્ટિ ગઈ અને કામાર્ત્તાને ચંદ્રદર્શન પ્રતપ્ત કરે તેવી રીતે કુસુમોદ્યાનમાં વિકસતી રમણીય કુસુમનું દર્શન તો માતાને પ્રતપ્ત કરવા લાગ્યું.
માતાની દૃષ્ટિ પડી તે વેળાએ નિર્દોષ કુસુમ પોતાના ઉદ્યાનમાં એવું શું કરતી હતી કે માતાને સન્તાપ થાય ?
બારી નીચે પાસે એક માંડવો હતો, તેને ચારે પાસે લાકડાની ચીપોની જાળી હતી, અને છતને ઠેકાણે ચાર પાસનાં વૃક્ષોની શાખા- ઓને આધાર આપી જાળીને મથાળે થઈને વચલા ભાગમાં એકબીજા સાથે ગુંથાઈ જાય એમ વાળવામાં આવી હતી. જાળીની ચારે પાસ વેલાઓ ચ્હડાવી દીધા હતા તેના ઉપરનાં લીલાં પાંદડાઓના ઉપર ભુરાં, ધોળાં, પીળાં, કાળાં, અને લાલ ફુલોએ ભાત પાડી હતી. લીલા રંગથી પુત્રીની આંખોની સંભાળ રાખવાના આ સુન્દર , માંડવા વચ્ચે ભુરા, લાલ અને ધોળા કાચની ખુરશીઓ બાંક, અને ટેબલ ગોઠવેલાં હતાં તેમાં કુસુમ પુસ્તકો સાથે કાળ ગાળતી.
આ માંડવામાંથી નીકળવાના દ્વાર આગળ બટમોગરા અને ગુલાબના છોડ દ્વારપાળ પેઠે ઉભા રાખેલા હતા. એ દ્વાર સામે ન્હાનો સરખો પાણીનો કુંડ હતો. એ કુંડની બે પાસ પીતળની જાળીઓ અને બે પાસ પગથીયાંવાળા આરસના આરા બાંધેલા હતા. ગુણસુન્દરી બારી આગળ ઉભી તે વેળા કુસુમ એક પાસની જાળી આગળ આવી ઉભી હતી. એને શરીરે વસ્ત્ર ન જેવાં હતાં. ધોળો ગવનનો ચણીઓ પ્હેર્યો હતો. પણ તેનો કચ્છ વાળી દીધો હતો, અને ઝંઘા અને પગ ઉઘાડાં હતા તે સાથે સાથે રોપેલી કેળાના થાંભલા જેવા દેખાતા હતા, અને તેનો રંગ કેળમાંથી નીકળી આવેલા ગર્ભના જેવા રંગવાળા ચણીયામાં મળી જતો હતો. કચ્છ વાળેલા ચણીઆની ઉભી કલ્લીઓ કેળાના માથાનાં પાંદડાં જેવી હતી. ચણીયાને મથાળે કમળ નાળ વીંટી દીધી હોય તેમ નેફો અને નાડું લાગતાં હતાં; અને નાડાના શિરોભાગની ગાંઠ આગળ અને તેની નીચે ચાર પાંચ અાંગળ સુધી તંગ કરેલા બે પાસથી ખેંચાતા નેફાની ગાંઠ પાસેની ચણીયાની ફાટમાંથી દીસી આવતા બીડેલા કમળપુટના જેવા ઉદરભાગને શિરે, પરાગમાં ભરાઈ ધોળેા–પીળો થયેલા ભ્રમર કમળ- દળ ઉપર બેઠો હોય તેના જેવું, નાભિમંડળ બેઠેલું દૂરથી પણ દેખાતું હતું. આના ઉપર એવા જ વસ્ત્રની ચોળી પહેરેલી હતી તેના અધોભાગ અને નેફાની વચ્ચે પણ ઉજવલ શરીર, ચણીયો ક્હાડવા કેડની ઉપર ચ્હડાવેલી સુવર્ણમેખલા જેવું, ચંદ્રોદય પ્હેલાં કોમલ તેજના પટાવાળા પ્રાચીમુખ જેવું, નયનને હરનારું થઈ પડ્યું હતું. તસતસતી ચોળીના આગલા ભાગમાં બોરીયાને ઠેકાણે રુપાના આંકડાની હાર હતી, અને ભરાતા શરીરની ખેંચતાણથી એ આંકડા વચ્ચે દેખાઈ આવે એમ ર્હેવા દેઈ ચોળીની બે કોરો એક બીજાથી દૂર તણાઈ જઈ વચ્ચેના મોહક શરીરને ગુપ્ત રાખવાના યત્નમાં હારતી હતી. આવી રીતે દીસી આવતી ઉદરભૂમિમાંથી ઉગતી ગૌર અંગની ઉભી રેખા એક વેલી પેઠે કશાને આધારે ટેકાઈ ચળકતી હતી, તેને વચગાળે પર્વે પર્વે ફુલ જેવા રુપાનાં આંકડા સૂર્યતેજથી વિશેષ ચળકાટ મારતા હતા, અને વેલીને શિરે બે પાસ સુંદર ઘાટવાળાં ગોળ ફળ ઝુકી રહ્યાં હતાં. આ સુન્દર રૂપ-વાડીને યોગ્ય કોઈ ભેાક્તા ન દેખતી હોય તેમ મુખપર ઉપર બે હાથની હથેલીઓ ઢાંકી કુસુમ જાળી આગળ ઉભી રહી હતી, અને એ ઢાંકેલા મુખનીચેનું રૂપ ફરી ફરી નખથી સ્કંધસુધી જોઈ બારીએ ઉભેલી માતા નિઃશ્વાસ મુકતી હતી, અને મનમાં ફરી ફરી ગાતી હતી કે–
“ न जाने भोक्तारं कमिह सगुपस्थास्यति विधि: ॥ “ ઓ પ્રભુ ! આને માટે ત્હેં કીયા નરને સરજેલો છે ? મને તો કોઈ દેખાતો નથી. તો એને જ શું કરવા સૄજી ? ”
આમ વિચાર ચાલે છે એટલામાં કુસુમ પાસેના એક પાતળા ઝાડે બાઝી, તેનો વાંસો લટકતા કેશભારથી ઢંકાઈ ગયો, જોતા જોતામાં ઉંચે ચ્હડી, બે શાખાઓના વચાળામાં ઉભી રહી, અને આકાશમાંથી નાજુંક વાદળી તુટી પડે તેમ કુંડમાં કુદી પડી, પા ઘડી પાણીને ચીરી પાણી તળે અદશ્ય થઈ પાછી ઉપર આવી, અને પાણીની સપાટી ઉપર હલેસાંથી તરતી રંગેલી નાની વિહારતરણિ [3]પેઠે સુંદર હાથના ટુંકા વામ ભરતી ભરતી તરવા લાગી. પાણીમાં પડી તે વેળાએ કપાયેલાં પાણીની છોળો ઉંચી ઉછળી અને ચોપાસ વૃષ્ટિગૃહ થયું. કુસુમ એવાજ વૃષ્ટિગૃહ (ફુવારા) વચ્ચે પાણી ઉરાડતી રમતી રમતી ભીના લાંબા કાળા કેશભારને શરીર ઉપર તરાવતી ખેંચતી જાતે તરવા લાગી, અને પુત્રીના કળવિકાસને ગર્વથી સ્ફુરતી પણ तन्वताબીજે વિચારે દુઃખમાં ડુબી જતી માતાની દૃષ્ટિ અાંસુના વર્ષાગૃહ વચ્ચે પુત્રીની પાછળ તરવા લાગી.
એટલામાં સુન્દર પાછળથી આવી, ગુણસુન્દરીની પાછળ ઉભી રહી અને ક્હેવા લાગીઃ “ચંદ્રકાંતભાઈ જોડેના ખંડમાં એકલા અત્યંત શોકમાં બેઠેલા છે.”
ગુણસુંદરી વિચારમાંથી જાગી. ચંદ્રકાંતવાળા ખંડમાંથી સ્વર આવતો હતો તે સાંભળતી બ્હાર ઉભી. ચંદ્રકાંત શોકમગ્ન મુખથી એક ખુરશી
* જાલી બોટ
પર પડી, માથે હાથ મુકી, મનમાં એક શ્લોક ફરી ફરી ગાતો હતો પણ પાસેથી કાન માંડનારથી તે સંભળાતું હતું.
“ लावण्यद्रविणव्ययो न गणितः केशो महानर्जितः “ स्वच्छन्दं चरतो जनस्य हृदये चिन्ताज्वरो निर्मितः ॥ " एषापि स्वगुणानुरुपरमणाभावाद्वराकी इता " को ऽ र्यश्चेतसि वेधसा विनिहितस्तन्वीमिमां तन्वता ॥[4] આ શ્લોક ગુણસુંદરીના દુ:ખ સાથે સુસંવાદી થયો. ગુણસુંદરી રતબ્ધ બની. ચંદ્રકાંત બડબડ્યો “સરસ્વતીચંદ્ર, તું સ્વછન્દ વિહાર કરતો હતો તેમાંથી તારા હદયમાં ચિન્તાજ્વર પ્રકટાયો તે તું આમ ભટકે છે, જેને માટે તું આટલા જ્વરમાં સપડાયો તેને બીચારીને વાનરકરમાં ફુલ ગયા જેવું થયું. અને તેનું કારણ પણ તું જ!”
ગુણસુંદરીએ સુંદરનો ખભો હાથ વડે ડાબ્યો.
વળી ચંદ્રકાંત બેાલવા લાગ્યો: “હરિ ! હરિ ! બની જોડ ત્રુટી ! બનવાની જોડની પાંખો વચ્ચે વધારે ને વધારે જ અંતર પડે છે – હરિ ! હરિ ! બની બનાઈ બન રહી – અબ બનનેકી નાહી – ”
ગુણસુંદરીએ છાતી ઉપર હાથ ડાબ્યો અને કાન આતુરતાથી ધર્યો. ચંદ્રકાંત પ્રથમ બોલવા અને પછી નિ:શ્વાસ મુકી ગાવા લાગ્યો: “ એક વાર જોડ થઈ હત તો થઈ હત. હવે બીજી જોડ બંધાવી અશક્ય.
“ કયાં તુજ તે વૈરાગ્ય, રસિક ! તુને ભટકાવી લઈ જ જશે ? “ કયાં હરિણાક્ષી હરિણી સમી સ્વચ્છન્દ વિહારવને ફરશે ? " પકડાઈ ગયો પળવાર અલિ સરસિજઉરે રજનિ પડતાં, " થયું પ્રાત, ગયો ઉડી, ના સપડાય અનુભવી દક્ષિણ કંઈ કરતાં ! “ ફરવું સ્વચ્છન્દ ગમ્યું તુજને, કરવું મૃગીને સ્વચ્છન્દ ગમ્યું, " નહી મન્મથજાળ સમર્થ દીસે, ઉભયે સ્વચ્છન્દપણું જ વર્યું !” દુ:ખી બીચારા લક્ષ્મીનંદન ! તમારી વૃદ્ધાવસ્થામાં જે ભાગ્યબળે તમે પોતાના દુ:ખનું નિમિત્ત થઈ પડ્યા, તે જ ભાગ્યને બળે તમારા પુત્રને બંધમાંથી છોડ્યો. નહી પરણું - નહી પરણું - ક્હેનાર પુત્ર પિતાને પ્રસન્ન રાખવાના જ હેતુથી વીંધાવા તત્પર થયો, અને એ હેતુ સધાય
* પ્રાચીન શ્લોક.
એમ નથી એમ જાણતાં માથે પડતી જાળમાંથી છલંગ મારી ન્હાસી ગયો ! હવે એને મ્હારે કયાં શોધવો ? ”
ચંદ્રકાંત વિચારનિદ્રામાં પડી ગયો, અને સુન્દરગિરિનું સ્વપ્ન તેમ ખડું થયું.
“સુન્દરભાભી, આ સાંભળવાથી નથી સુખ આપણને – અને – નથી તેમને. સરસ્વતીચંદ્ર જડશે તોપણ તેમાં કુસુમનો સ્વાર્થ સધાય એમ નથી. એક પાસની ના હોય તો બીજી૫ાસને મરડીએ. પણ બે પાસનું વાંકું ત્યાં સીધું કરવું કઠણ. સરસ્વતીચંદ્રને પુત્ર જેવા ગણ્યા છે ને તેમને માટે કાળજું બળે છે માટે તેમને શોધવાનો સ્વાર્થ તો એટલો ખરો. બાકીની વાતમાં મન ઘાલવું તે નકામું છે.” ગુણસુંદરી ધીમે રહી બોલી.
“ભાભીજી, મ્હારાં જેવાં તો ધીરજ હારે. પણ સઉને ધીરજ આપનાર તમારા જેવાં અનુભવી માણસ નિરાશ થાય એ નવાઈ છે. જુવો છોકરવાદીની પણ ઋતુ છે તે બેને બેઠી છે ને બેની ઉતરશે. મને એણી પાસથી રંજ બ્હીક નથી લાગતી. પણ કુમુદના ઉપર જેમ આટલી પ્રીત તેને મન કુમુદની બ્હેન અણખપતી ચીજ વસે તો બ્હીક ખરી. ” સુન્દર બોલી.
ચંદ્રકાંતનો સ્વર ફરી નીકળ્યો ને આ વાતો ફરી બંધ થઈ. તેના મુખ ઉપર કંઈક સ્મિત, કંઈક હાસ્ય, ફરક્યું.
“કુસુમસુંદરીનો કુમારિકા ર્હેવાનો અભિલાષ રમણીય છે. તપોવનના હરિણના હૃદય પેઠે એનું હૃદય બાલભાવના ઉત્સાહથી ભરેલું છે, વ્યવહારસૃષ્ટિની રચનાના ભયનો લેશ દેખી શકતું નથી, નિર્દોષ સ્વતંત્ર વિહારનાં સ્વપ્નથી મોહ પામે છે, સંસારની ભેાગસૃષ્ટિના દોષ જોઈ શકે એટલી એની બુદ્ધિ ચકોર છે, ધારેલ અભિલાષ પૂર્ણ કરવાના માર્ગ શોધી શકે એટલી એની તર્ક-શક્તિ છે, અવલોકન કરી નવા વેશ ક્હાડે એવી દક્ષ છે – અને – અને મ્હારા મિત્રને રમકડાં પેઠે એ રમાડે અથવા – મિત્રને રમવાનું રમકડું થાય એવી એ રમતીયાળ છે.”
ગુણસુંદરી ફરી સ્તબ્ધ બની અને ચિત્ર પેઠે ઉભી. એની પાછળ હાથ નાંખી એને ડાબી સુંદર ઊભી. પણ આ સર્વ ખેલ લોકાચારથી વિરુદ્ધ છે. વિદ્યાચતુર જેવું રાજકીય પાણીમાં ઝબકોળાયેલું માણસ આવાં મતતન્ત્ર (theories) વડે દોરાય એ અશક્ય છે, પણ આને આટલા કાળ સુધી આમણે કુમારી રાખી છે તે પણ નવાઈ છે જો એના જેવો વિદ્વાન, દ્રવ્યવાન, વીર, અને દૃઢ આગ્રહી પુરુષ મુંબાઈનગરીના સ્વતંત્ર પવનમાં પ્રાણગ્રાહી થયો હોય તો તો નક્કી આવા રમણીય સ્વતંત્ર પક્ષીને લગ્નના પઞ્જરમાં પુરે નહીં. એ પક્ષીને વિશાળ આકાશમાં ઉડતું જોવાનો મને અને મ્હારા જેવાઓને લોભ થાય એમ છે પણ આ તો દેશી રાજ્યનાં બાંધેલા પાણીમાં બંધાઈ ગયેલાં માછલાંઓને અસ્વાભાવિક અને અવ્યવહારિક લાગવા જેવી વાત ! પ્રિય મુંબાઈ ! મ્હારી સ્વતંત્ર અમરાવતી ! નિર્ધન હોઈને ત્હારા સ્વતંત્ર વિશાળ સાગરમાં તરવું અને એનાં મોજાંને માથે ચ્હડવું એ દિવ્ય અધિકાર આ દેશી રાજ્યના મ્હોટમ્હોટા મિથ્યાભિમાની રાજાઓથી ને પ્રધાનોથી સમજાય એમ નથી ! એમને મન મ્હારા જેવા રંક મનુષ્યો છોકરવાદી, ધેલા, મૂર્ખ, અને નિર્માલ્ય ! મ્હારા જેવાઓને મન રાજાઓ, પ્રધાનો, અને શ્રીમંતો દ્રવ્ય-કપાસનાં મેલાં ગાંઠાવાળાં ગોદડાં જેવાં છે ! મ્હારે તે દ્રવ્ય અને અધિકાર ચરણ તળેની ધુળ જેવાં છે !
“ Awake, my St. John ! and leave all meaner things “ To low ambition and to pride of kings. [5]
“પવિત્ર પ્રિય ભર્તુહરિ ! ત્હારા હદયનો परमार्थ મ્હારા રંક હૃદયમા કટાયો છે.
“अधिगतपरमार्थान् पण्डितान् माङ्वसंस्थाः तृणामिव लधु लक्ष्मीर्नैव तान् संरुणद्धि । अभिनवमदलेखाश्यामगण्डस्थलानाम् न भवति विसतन्तुर्वारणं चारणानाम् ॥" ચંદ્રકાંતે ઓઠ કરડ્યો, તેને કપાળે ભ્રૂકુટી ચ્હડી અને, પગ ભૂમિપર ઠબકાર્યો :
“ Well, I feel my heart elated and buoyant Poor as I am, I must find out my noble bird from its most hidden recesses, and rely upon my own strong arm, single and unaided, rather than suffer further delay
*"An Essay on Man" -Alexander Pope
at the hands of the proud indifference that reigns supreme within bosoms where my own dear business has no status !”
સુન્દર કંઈ સમજી નહીં. ગુણસુન્દરી સાંભળી રહી – નીચું જોઈ રહી. અધિકાર-જાળથી અદૂષિત સ્ત્રી - ચિત્તમાં સરસ્વતીચંદ્ર ઉપરની પવિત્ર પ્રીતિના આ સ્વતંત્ર સંસ્કારનો પ્રતિધ્વનિ થયો. પોતાના સ્વામીને માથે આવેલો આરોપ અયોગ્ય છે એમ ક્હેવાયું નહી.
ચંદ્રકાત હસ્યો.
“ મ્હારું ચાલે તો પ્રધાનજીને પુછું કે –
[6]“*वैखानसं किमनया व्रतमाप्रदानात् “ व्यापाररोधि मदनस्य निषेवितव्यम् । “ अत्यन्तमेव सद्दशेक्षणवल्लभाभिर् " आहोनिवत्स्यति समं हरिणाङ्गनाभि: ॥ “Here is an angel that can shake to the roots the foundations of society in my beloved Bombay, and revolutionize the fortunes of her sex in that my city of Gods, if only He – He would stoop - stoop to conquer – her.”
“That's pretty nearly impossible: He won't stoop any longer.”
એકદમ એનો સ્વર બંધ થઈ ગયો. તે આરામ ખુરશીમાં ડુબી ગયો અને તેના મનમાં મૂક વિચારભાષા ઉદય પામી.
“I have committed a serious blunder. This loud soliloquy is a bad habit : out of place, out of time, and out of tune in this land of intellectual and sentimental bondage. Nay ! we, Bombay fools, have loose and quarrelsome tongues and restless verbosity from which these men here who study and practise the ways of the business of life, are quite free, and their art is worth acquiring,
* શાકુન્તલ.
There-too-my noble friend has got this nobleart by birth and by instinct, while the pest of pauperism has left me a low-bred fool. Suppose, my wild utterances have assailed the sacred ears of my sweet hostess, what a wretched and ungrateful idiot must I have proved myself to her mind and how must I have marred its sweetness with my sour effusions ?”
આત્મપરીક્ષકને જાત ઉપર રોષ ચ્હડ્યો. આ છેલાં વાકય પણ મ્હોટેથી બોલાઈ ગયાં, અને તેની સાથે એ પ્રસંગ વિનેદયોગ્ય ગણી ગુણસુન્દરી હસતી હસતી છતી થઈ અને એ ખંડમાં આવી. સુંદર પણ પાછળ આવી.
“ચંદ્રકાંતભાઈ ખારાખોટા સ્વાદ વગરનું ગળપણ જીભને કે પેટને કોઈ ને રુચે નહી. અમારા રજવાડામાં અમે ખરી ખોટી મીઠાઈ રાખીએ તે વચ્ચે તમે મશાલો ચખાડો ત્યારે જ ઠીક લાગે. માટે અમને કે તમને કોઈને દોષ દેવાનું નથી, ” ગુણસુન્દરી ટેાળ કરી બોલી.
ગુણસુંદરીને જોઈ તથા સાંભળી ચંદ્રકાંત આભો બન્યો. પોતાના મનનું ભય ખરું પડયું. પોતાથી બોલાયલું શું શું સંભળાયું હશે અને શું શું નહીં સંભળાયું હોય એ વિચાર અને ગુંચવારાની ગાંઠ ઉકેલતાં પ્હેલાં મેધાવિની પ્રધાનપત્નીના પ્રશ્નને ઉત્તર દેવો આવશ્યક લાગ્યો.
“ગુણસુંદરી બ્હેન, સરસ્વતીચંદ્ર જેવા મિત્રો જોતાં મ્હારા મનમાં મુંબાઈનગરીનું અભિમાન વધે છે અને એજ નગરીમાં ઉછરેલા મ્હારા જેવા બ્રહ્મબન્ધુઓની ગ્રામ્યતા જોઈ એ અભિમાન ઉતરી જાય છે. અધુરામાં પુરું મ્હારા ખોવાયલા રત્નના વિયોગ પછી એ રત્નના સહવાસથી જરી તરી આવેલા સંસ્કાર પણ મ્હારામાંથી જતા ર્હેવા લાગ્યા છે, અને હવે તો સિંહીએ પાળેલા ઉંટને મળેલું ડ્હાપણું શોધવા વૃત્તિ થાય છે.”
"એ શું ડ્હાપણ ?
“પંચતંત્રમાં કથા છે કે સિંહના બચ્ચાં ભેગું ઉછરેલું ઉંટ તે સર્વની જનની સિંહી પાસે બડાશો મારવા લાગ્યું ત્યારે જનનીએ કહ્યું કે
“शूरोसि कृतविद्योऽ सि सुवृतोऽ सि च पुत्रक । “यस्मिन् वंशे त्वमुत्पन्नो गजस्तत्र न हन्यते ॥ આ ઉપરથી સિંહના બચ્ચાંઓના સહવાસને વાસ્તે પોતાને અયોગ્ય ગણી ઉંટ ત્યાંથી ન્હાસી ગયું. હું ગમે તેવો પ્રયત્ન કરું છું તોપણ કુલીન સંસ્કારો મ્હારામાં આવતા નથી, મ્હારા ઉપર ઉપકાર કરનાર કુલીન જનોનું હું મ્હારી ગ્રામ્ય રીતિથી અપમાન કરી બેસું છું, અને તેમને જે ઉચ્ચ આચાર સહજ છે તેનો વિચાર થતાં પણ મને વાર લાગે છે, એમ છતાં વિચાર થાય છે ને તે પ્રમાણે આચાર કરવા જઉં છું તો હાથમાં આવેલું પક્ષી ઉડી જાય છે. માટે મ્હારે પણ ઉંટની પેઠે જવું એમ વિચાર થાય છે.”
ગુણસુંદરી હસીને બોલી: “પણ તમારા ભાગ્યમાં તો ઉંટનું સદ્દભાગ્ય પણ નથી. ઉંટ સિંહગૃહ મુકી ઉંટોમાં ગયું, પણ તમે તો સરસ્વતીચંદ્રનો સહવાસ શોધવા જાવ છો. એટલે ઉંટનું દૃષ્ટાંત પણ બેઠું નહી. ”
“એનામાં એક ગુણ એવો છે કે જેમ જેમ મ્હારી છુટી જીભની ગ્રામ્યતા એ વધારે વધારે અનુભવે છે તેમ તેમ મ્હારા ઉપર વધારે વધારે પ્રીતિ રાખે છે; અને એની પ્રીતિ વધે છે એટલે મ્હારું ચિત્ત અવશ થઈ એની પાછળ ભટકે છે, ગુણસુંદરી બ્હેન, એ ગ્રહની પાછળ હું ઉપગ્રહ પેઠે ભટકું છું – તે મ્હારી ઈચ્છાથી નહી પણ એના આકર્ષણથી. ગંભીર અને નરમ બની જઈ રંક મિત્ર બોલ્યો.
ગુણસુંદરીને એની દયા આવી.
“ચંદ્રકાંતભાઈ, જે ચંદ્રના તમે આટલા કાંત છો એ ચંદ્રના કાંતને હાથમાં આવેલા અમે જવા દેઇએ તો અમે પણ એ ચંદ્રનાં કિરણને અયોગ્ય જ ઠરીએ. શું તમે એમ ધારો છો કે સરસ્વતીચંદ્રને માટે મ્હારું હદય બળતું નથી?” આટલું બોલતાં બોલતાં ગુણસુંદરીની આંખમાં અાંસુની ધારા ચાલવા લાગી, અને એનો સુંદર હસ્ત એ અાંસુ લ્હોવા જતાં જાતે જ એ આંસુથી ન્હાવા લાગે અને હસ્તકમળ ઉપર ઝાકળના વર્ષાદ પેઠે અાંસુ દીપવા લાગ્યાં.
ચંદ્રકાંતનું હૃદય ઓગળ્યું. ચતુર સ્નેહાળ પદ્મિનીનાં વચનામૃતથી આ હૃદયમાં નવો જીવ આવ્યો, અને સરસ્વતીચંદ્રના શોકમાં કુમુદસુંદરીની માતાને પ્રત્યક્ષ ભાગ લેતી જોઈ ચંદ્રકાંત પોતાને પોતાનાજ કોઈ અવનવા કુટુંબમાં અવતરેલો અને ઉભેલો ગણવા લાગ્યો.
ગુણસુંદરી આગળ બેાલવા લાગી.
“ચંદ્રકાંત ભાઈ, હું પુત્રવિનાનીને ઈશ્વરે સરસ્વતીચંદ્ર જેવો ઉત્તમ પુત્ર આપેલો મ્હારા દુર્ભાગ્યથી ખોવાયો, રંક અને ભાગ્યહીન કુમુદનો ઘા મને ઘણી પાસથી પડ્યો. હોય ! પુત્રીઓ તો સ્ત્રીજાતિને સ્વભાવસિદ્ધ રંક દશા માટે નિર્માયલી જ છે. પણ સરસ્વતીચંદ્ર જેવા પુત્રનું સુખ જોઇ હું સુખી થાત અને મને માતા જેવી તેમણે એકવાર ગણેલી તેમ ગણવાનું મ્હારી દુ:ખી દશામાં એ ચુકત નહી. એમની પાસે મ્હારા હૃદયની વરાળ કંઈક નીકળી શકત તો હજીએ મ્હારા હૃદયમાં કંઈ કંઈ ઉભરા છે તે એ પુત્ર પેઠે શમાવી શકત. થોડાક દિવસના સહવાસમાં અમારી સાથે જેમણે ઘણીક માયા કરી છે, તે શું આ વેળાએ અંહી હોય તો મ્હારી દાઝ ન જાણે ? શું મ્હારું દુઃખ એમને કહું તો એમને મ્હારી દયા ન આવે ? શું એ દુ:ખ ટાળવું એમના હાથમાં છે એવી એમની ખાતરી કરું તો મ્હારું મ્હોં એ તરછોડે ? આને સ્વાર્થ કહો કે સ્નેહ કહો, પણ મ્હારા પુત્રના મિત્ર ગણી તમારી પાસે હું કાળજું ઉઘાડું છું ”
ગુણસુંદરીનાં આંસુ આટલું બોલતામાં સુકાવા લાગ્યાં હતાં અને તેના ડાઘ એના ગાલ ઉપર પડેલા હતા. ચંદ્રકાંતનું હૃદય આ જોઈ વધારે રંક થયું.
“ચંદ્રકાંતભાઈ, આટલી તો સ્વાર્થની કથા. જ્યાં સ્નેહ ત્યાં સ્વાર્થ, અને તેવો આ મ્હારો સ્વાર્થ કે પુત્રજેવાની પાસે હૃદયનાં મર્મસ્થળ ઉઘાડવાનો લોભ રાખું છું. પણ જો એમના દુ:ખથી મને દુ:ખ થાય અને એમને સુખી જોઈ સુખી થઉં એટલે એમના ઉપર મ્હારો સ્નેહ છે એમ કહું તો એ પણ સ્વાર્થ કેમ નહી ? માટે એને પણ સ્વાર્થ કહો કે સ્નેહ કહો, પણ એ સ્વાર્થ પણ મ્હારું કાળજું બાળે છે. કોણ માબાપનો એ પુત્ર આજ કેવે ઠેકાણે હશે ? એણે ત્હાડતડકો ક્યારે દીઠેલાં છે ? કુસુમના પિતા એના સ્વભાવનો વાંક ક્હાડે છે પણ મને તો બીજો જ વિચાર થાય છે, જેણે મશરૂની તળાઈમાં અર્ધુ આયુષ્ય ક્હાડયું હોય અને વાળ સરખા જેને ખુંચ્યા ન હોય તેને ભીષ્મપિતામહ પેઠે બાણશય્યા પર પળવાર પણ સુવું પડે તો તે સુંવાળું માણસ કેટલું ચમકે ? ખમા ખમા સાંભળનાર અનેતમજેવા દેવાંશી મિત્રો, જેની અહર્નિશ ચિન્તા કર્યા કરતા હશે એવા કોમળ અને સ્વસ્થ મન ઉપર પૂજ્ય પિતાએ થોડા પણ હથોડાના ઘા માર્યા હશે તેનાથી એ સલક્ષણા મનવાળા પિતૃભક્ત મનસ્વીને આટલું ઓછું આવે તો તેમાં શી નવાઈ છે ? અરેરે ! અપર માના પુત્રના દુઃખનું આ જગજાણીતું દૃષ્ટાંત થયું. ગુમાનને માટે એમના મનમાં ઓછી ભક્તિ ન હતી. એ ગુમાનનો સ્નેહ આવો ખેાટો દેખનાર, મ્હારા તાજા જ ઉત્પન્ન થયેલા સ્નેહને ખરો શી રીતે ગણે ? પણ હું સત્ય કહું છું કે જેવી મ્હારી બે પુત્રીઓની ચિન્તા મને રાત્રિ દિવસ બાળ્યાં કરે છે તેવી જ ત્રીજી ચિન્તા તમારા મિત્રની મ્હારા હૃદયમાંથી ખસતી નથી, ચંદ્રકાંત, જગતમાં એક લોહીનો સંબંધ ક્હેવાય છે તે ખોટો ને પારકા લોહીના સ્નેહ તે ખરો એ વાત સરસ્વતીચંદ્રના સંબંધમાં તમે અનુભવો છો તો મ્હારી સ્થિતિ પણ એવી જ સમજજો. જો આપણાં હૃદય પારદર્શક હત તો તમે આ વાત પ્રત્યક્ષ દેખત.”
બુદ્ધિમતી પણ્ડિત નારીની પાસે સ્ત્રીજાતિનો સ્વાભાવિક સ્નેહ કેવા ઉદ્દગાર કહડાવી શકે તે ચંદ્રકાંતે આજ પ્રત્યક્ષ અનુભવ્યું. મિત્ર પ્રતિ સ્નેહ રાખવાનો એનો ગર્વ ગુણસુંદરીના સ્નેહ આગળ નમી ગયો, અને આંખો લ્હોતો લ્હોતો એ બેાલવા લાગ્યો.
“ગુણસુંદરીબ્હેન, મ્હારા નમાયા મિત્રને આપનાં જેવાં માતા છે તે જાણી મને જેટલું સુખ થાય છે તેટલું જ દુ:ખ તેને લીધે આપને થતું દુ:ખ દેખી થાય છે પણ આજ સુધી હું એમ જાણતો હતો કે સરસ્વતીચંદ્રની ચિન્તા કરનાર મ્હારા શીવાય બીજું કોઈ નથી; તે મ્હારો ગર્વ આજ ઉતરી ગયો, મ્હારા શોકમાં આપના જેવાં સમદુ:ખભાગી છે એ જાણી મને આશ્વાસન મળે છે, અને હું સાધનહીન અને દ્રવ્યહીન રંક પુરુષ આ પુરુષરત્નનો શોધ કરવા જતાં હાંફી જતો હતો તેને હવે આપના જેવું સમર્થ અવલંબન મળ્યું જાણી હું પોતાને બળવાન ગણવા લાગ્યો છું, મ્હારા મિત્રનાં માતુ:શ્રી ચંદ્રલક્ષ્મી જાણે આયુષ્યમતાં છે અને મ્હારે તેમના સમક્ષ અને તેમના આશ્રય નીચે રહી તેમના અતિ પ્રિય પુત્રરત્નનો શોધ કરવાનો છે એવું સુંદર ભાન આજ મને આપ આ સૌંદર્યઉદ્યાનમાં કરાવો છો.”
ચંદ્રકાંતને ગુણસુંદરી ઉત્તર આપે તે પ્હેલાં નવીન વેશ ધરી કુસુમ આવી અને આ કથામાં ભંગ પાડી સઉની વચ્ચે-હાંડીયો વચ્ચે ઝુમ્મર પેઠે – ઉભી. તરત તરી સ્નાન કરી આવ્યાનું લક્ષણ એના ચળકાટ મારતા મુખ અને કેશ ઉપર હતું, મુલતાની સ્ત્રીયોની પેઠે વસ્ત્ર ઉપર એક પાતળો કેશરી છેડો માથે ચ્હવી છાતીની ઉપર હોડી લીધો હતો, અને નાકે માત્ર એકલા એક જ મોતીની નથ પ્હેરી હતી. કુસુમોદ્યાનમાંની એક “નદી”માંથી લાંબી નાળવાળું શતપત્ર કમળ આણી, નાળ છાતીના છેડા ઉપર જનોઈની પેઠે નાંખી, કમલનો પત્રભાર ખભા ઉપર પાછળ લટકતો લેઈ, નાળના મૂળ આગળનો છેડો પોતાના કરકમળમાં એવી રીતે રાખ્યો હતો કે નાળને બે છેડે કમળપત્ર હોય એવી ભ્રાંતિ પળવાર થાય. એના બીજા હાથમાં એક પુસ્તક હતું અને પુસ્તકનાં પાનાં વચ્ચે આંગળી રાખી હતી.
તરંગમાં રમતી રમતી કુસુમ સર્વની વચ્ચે આવી ઉભી. ઉભેલાં માણસો કાંઈ કામ-કાજ કરતાં ન હોય અને તેમની વાતોમાં વિઘ્ન થવાનો સંભવ જ ન હોય તેમ, સૂર્ય આકાશમાંથી તાપનું વમન કરતા હોય તેવી વેળાએ તાપને તાપનું કામ કરવા દેઈ અચીંતી ઝરમર ઝરમર વૃષ્ટિ થાય તેમ, માતા અથવા કાકી બેમાંથી એકના ઉપર પણ દૃષ્ટિ ન નાંખતી, માત્ર ચંદ્રકાંતને જોતી, બાલિશ બાલકી, જેવી અંદર આવી તેવી જ એને ક્હેવા લાગી.
“ચંદ્રકાંતભાઈ આજ તમારું કામ પડ્યું છે. સરસ્વતીચંદ્ર અંહી આવ્યા હતા ત્યારે તેમનું રચેલું આ પુસ્તક મને આપી ગયા હતા. એમણે એક નવીન કવિતા જોડેલી હતી તે છાપેલી ન હતી, પણ એક કાગળના કડકા ઉપર લખેલી હતી અને તે કાગળ મ્હારા વાળા પુસ્તકમાં ભુલથી રહી ગયો હતો. કુમુદબ્હેન સુવર્ણપુર જતાં પ્હેલાં મને એ જડ્યો હતો અને એમને દેખાડ્યો હત તો એ મને એ કવિતાનો અર્થ સમજાવત, પણ એ વાંચ્યાથી બ્હેનને વેદના થશે જાણી મ્હેં એમને કાગળ આપ્યો નહી. અર્થ સમજવા સારુ એ કવિતા તમારી પાસે આણી છે.”
“લાવો જોઈએ ” કહી ચંદ્રકાંતે પત્ર લીધો અને મિત્રના હસ્તાક્ષર જોઈ મિત્રનાં જ દર્શન થયાનો અનુભવ કરી, તેમાંની કવિતા વાંચી, એ ગળગળો થઈ ગયો. “ હરિ ! હરિ !” કહી, મ્હોં ઉપર હાથ ફેરવી, મુગ્ધાને ક્હેવા લાગ્યો.
“કુસુમબ્હેન, હું અર્થ સમજાવું. પણ પ્હેલી સરત એ કે તમારે એ કવિતા ગાવી, અને બીજી સરત એ કે તમે એમાંથી જાતે કેટલું સમજ્યાં છો તે કહી બતાવો તો બાકીનો અર્થ સમજાવું ગુણસુંદરી બ્હેન, મ્હારા મિત્રને આ કવિતા પ્રિયતમ હતી – એના જીવનનો સાર આમાં છે.”
ચંદ્રકાંતે પત્ર ગુણસુંદરીને આપ્યો, ગુણસુંદરી તે વાંચવા લાગી, અને ઉત્સુક કુસુમની અધીરાઈ હાથમાં ન રહી. “તમે વળી ગુણીયલને કયાં આપ્યો ? એને વાંચતાં વાર લાગશે ત્યાર પ્હેલાં તો તમે અર્થ પણ સમજાવી ચુકયા હત !” ઓઠ ફફડાવતી કુસુમ બોલી.
ગુણસુંદરી વાંચતી અટકી નહી. એના ખભા પાછળથી સુંદર એ પત્ર ઉપર દૃષ્ટિ નાંખવા લાગી. ચંદ્રકાંત હસતો હસતો બોલ્યોઃ “ પણ મ્હારી બે સરતો પુરી કરો ત્યાર પછી હું સમજાવું કે નહી ?”
“વારુ, ચંદ્રકાંતભાઈ, તમે વળી સરતો ક્યાં નાંખી ? સમજાવો ને જ એટલે ઝટ પાર આવે. ” કવિતાના અર્થભોગની આતુર મુગ્ધા વિલંબનાં નિમિત્ત સહી શકી નહી.
“અમારી સરતો તો ખરી. તમે અમારી સરત પાળો તો અમે તમારી પાળીયે.”
“ચાલો–ત્યારે. પણ ગાયા વગર વાંચું તો ? ”
“ના. એ તો સરત પુરેપુરી પાળો.”
કુસુમ લજજાવશ થઈ અને એના ગાલ ઉપર જણાઈ આવી. લજજા અને જિજ્ઞાસાનાં પરસ્પર - વિરોધક આકર્ષણ વચ્ચે ખેંચાતી મુગ્ધાના રમણીય મનોવિકાર તેની મુખમુદ્રા ઉપર દોલાયમાન થતા ચંદ્રકાંતે જોયા, અને એ સુંદર જ્યોત્સનાના દર્શનથી શ્રમિત અાંખે ઝળઝળીઅાં આવ્યાં હોય એવો એ થઈ ગયો ને મનમાં ક્હેવા લાગ્યો : “સરસ્વતીચંદ્ર ! સરસ્વતીચંદ્ર ! આ રમણીય સૃષ્ટિને ત્યજી તું ક્યાં ભરાઈ ગયો છે? – અરેરે! – “ થીઓસોફિસ્ટ” મત પ્રમાણે ત્હારા લિંગદેહને અત્રે મોકલી આ કૌતુક જોવાની શક્તિ તો આપ ! ત્હારા શબ્દો અને ત્હારા વિચાર સ્થળે સ્થળે અલાદીનની મુદ્રા પેઠે કેવાં સત્વ ઉભાં કરે છે તે જો તો ખરો !”
લજજાનો જિજ્ઞાસાએ પરાજય કર્યો, અને નીચું જોઈ રહી, અત્યંત બલાત્કારથી – હઠયોગથી – લજજાને ઉરમાં ડાબી નાંખી, જિજ્ઞાસુ મુગ્ધા ગાવા સારુ ઓઠ ઉઘાડવા સ્પષ્ટ પ્રયત્ન કરવા લાગી. તે ઓઠનો પ્રયત્ન દેખતો ચંદ્રકાંત મનમાં ગણગણ્યો –“ द्दिदलकन्दलकम्पनलालितः ॥"
ઓઠમાંથી સ્વર નીકળે ત્યાર પ્હેલાં સુન્દરગૌરી હસી પડી, કુસુમની મનદોલાને હીંદોળવા લાગી, અને એના કાનમાં ક્હેવા મંડી:
“કુસુમ, મ્હારી કુસુમ,– નથી સાકર ગરજ સમાન ગળી.”
જાગેલા જેવી કુસુમ કાકીને ધક્કો મારી બોલી : “શું કાકી ! અમથું અમથું શાને માટે આવું બોલતાં હશો જે?” હસતી હસતી સુંદર સઉ સાંભળે એમ બોલી : “ચંદ્રકાંતભાઈ પાસેથી જોઈતી વાત સાંભળવાની ગરજે લાજને આઘે મુકી ગાવાનો ચાળો કર્યો - એ જ – શીરા સારૂ શ્રાવક થઈ ! બીજું શું ?”
કુસુમની જિજ્ઞાસાએ દેખીતી લાજ મુકી, અને બોલીઃ “જાવ ત્યારે એમ ચંદ્રકાંત મ્હારા ભાઈ, તેમની પાસેથી કાંઈ સારો બોધ પામવાને માટે તેમની આજ્ઞા પાળું – એનું નામ શીરો હોય તો અમે શ્રાવક, પછી કાંઈ?"
સુંદર પાછી પડી બોલી.
“મોઈ ગા ત્યારે, ચંદ્રકાંતભાઈ પણ તારી પરીક્ષા કરશે – જેણે મુકી લાજ, તેને ન્હાનું સરખું રાજ્ય.”
કુસુમ હસી પડી અને બોલી : “હા-હા-! એ ખરું. મ્હારે એ રાજ્ય. ચાલો, ચંદ્રકાંતભાઈ, તમે તમારે સાંભળી લ્યો. કાકી તો મને ઘેલી ગણી વેળા વીતાડશે. હું ગાઉં છું – પણ આ તો લાવણી છે તે પુરુષોનો રાગ મ્હારાથી નીકળવાનો નહી – માટે અમસ્તું વાંચવા જ દ્યો ને !"
“હવે કાંઈ છટકી જવાશે ? ” ચંદ્રકાંત બોલ્યો.
“લ્યો, ત્યારે ગાઈશ, પણ રાગમાં ભુલ ન ક્હાડશો.”
“ભુલો નીકળે ને ક્હાડીએ નહીં ? ”
“પુરુષના રાગ મને ન આવડે. ”
“ત્યારે તમારી ચતુરાઈમાં એટલો વાંધો."
“તમે ગાઈ બતાવો તો હું બરાબર ગાઉં. ”
“એવી કાંઈ આપણી સરત નથી. ”
“લ્યો ત્યારે ભાઈની પાસે બ્હેનની ભુલો પડશે તો ભાઈને લાજ !”
આ પ્રશ્નોત્તરનો આમ પરિણામ આવતો જોઈ, સુન્દર બોલી. “ગા બાપુ, ગા. ગાવાની થઈ તે તું કાંઈ ગાયા વગર ર્હેનારી હતી ? ચંદ્રકાંતભાઈને માથે ગાડવો ઢોળી નાંખીને પણ તું ગાવાની. તે ગાઈ દે એટલે અમે તો જાણીયે કે કુસુમ આવી લાવણીયો ગાય છે."
“હં ! હવે તમને ઉત્તર શું કરવા દેઉં કે શીરો મ્હોંમાં જતાં વા લાગે ? – લ્યો, ચંદ્રકાંતભાઈ, સાંભળો ”
થોડી વાર નીચું જોઈ, અાંખો મીંચી, માતાપાસેથી કાગળ લીધા વિના મ્હોડેથીજ કુસુમ લાવણ્યમયી (લાવણી) ગાવા લાગી, અને પુરુષના લલકારમાં સ્ત્રીકંઠનું લાલિત્ય અને બાળચેષ્ટાનો ઉત્સાહ ભરવા લાગી. ગાન મન્દ અને સ્થિર સ્વરે વિકસવા લાગ્યું.
“મચી રહ્યો કોલાહલ આજે, દશે દિશે ગાજે ! “તે તળે સરે કો ભિન્ન ચિત્ર સંસાર ! જગત ના જાણે ! ૧ “તરી રહે ઉપર વ્યવહાર, “સઉ સરી જતા જ પ્રવાહ, “સઉ દિવસ ભભુકતો તેજે, “રવિ સળગી રહે જગદેહે, “તે નીચે નિશા નિજ ખેલ જમાવતી, અંધ સોડ્યું વાળી! “સ્ત્રીચરિત કરતી નિશા દિવસનું રૂપ ધરી આ જામી ! ૨ “નભ ઉડુગણથી ઉભરાતું, “તિમિરોદર ઘણું ઉપસાતું, “ઉર ચિત્ર સ્વપ્ન ભણી ધાતું , "જગ મદનતન્ત્રી ધરી ગાતું : – “તે નહી દેખું, નહીં શુણું, રજનિ જ્યાં રૂપ દિવસનું ધારે; “ઓ રજનિ ! ધુંઘટ ઉઘાડ! નીરખવા તને ચિત્ત લલચાયે. ૩ “એ રજનિ ! ત્હારે કાજ “મુકી દઈશ હું આ સઉ સાજ ! “ઓ રજનિ ! જોવા તુંને, “આ બુદ્દબુદ ફોડીશ હું તે ! “ગૃહજાળ, લક્ષ્મીની જાળ રચી મુજ શિરે રહે બુદ્દબુદને ; “ એ બુદબુદ ફોડી, તોડી બન્ધીના બન્ધ, જોઈશ હું તુંને. ૪ “ઓ રજનિ ! જોવા તુંને મુને અભિલાષ ઘણો છે આજે ! “બહુ બહુ વર્ષ અભિલાષ ઉંડો ઉરમાં ધર્યો છે સાચે ! પ “હું ચન્દ્ર ! રજનિ, તું રજનિ ! જીવ હું, તું જ જેમ પરલોક; “ તુજ તિમિરવીશે તરીજોઈશ-“ઉભો તુજ સમો ક્યાં જ પરલોક?” ૬ “તોડી જ સજડ આ બન્ધ, “હું જોઈશ, રજનિ, તુજ ફન્દ ! "મુજ નવો થશે અવતાર ! “નવું તેજ પ્રકટશે અાંખ ! “મુજ સરવા થાશે કાન ! “ શુણી શકીશ હું યમનું ગાન ! “આ દમ્ભ થકી, આ ઢોંગ થકી સરી પડીશ રસાતળમાં હું ! “આ નાટકના પટને ચીરી પેસીશ - જ્યાં વણવેશ નિશા તું. ” ૭ કુસુમ ગાઈ રહી ત્યાં સુધી સર્વ એકચિત્ત હતાં. લાવણી ગવાઈ રહી એટલે એકાદ મીનીટ કોઈ બેાલ્યું ચાલ્યું નહી, અને કુસુમ પણ શ્રાંત લાગી. અંતે ચંદ્રકાંત બોલ્યોઃ “બ્હેન કવિનું કવિત્વ કવિતાનું ગાન સાંભળી પ્રફુલ્લ થાય છે. આ કવિતાને ગવાતી સાંભળવાને એનો કવિ પ્રત્યક્ષ નથી. તે હત તો પોતાના ચિત્તને પુછી ગાન રસિકતાને કેવું ભાવ્યું તે ક્હેત. પણ હું તો રંક ઘરમાં ર્હેનાર છું તેને મન તો આ નવીન પક્વાન્ન મધુર લાગ્યું એ વિના બીજી પરીક્ષા નથી. હવે આપણી બીજી સરત પુરી કરો."
એ આ બોલે છે એટલામાં “આવું છું ” કરી કુસમ હરિણની ત્વરાથી ગઈ અને આવી, સાથે એક પ્હોળી અને ઉંચાઈ વગરની પેટી લાવી પેટી ઉઘાડતી ઉધાડતી બોલી:
“ચંદ્રકાંતભાઈ, મ્હોંડે બોલીને તમને મ્હારો સમજેલો અર્થ ક્હેવાની સરત નથી. આ કવિતા ઉપરથી મ્હેં ચિત્ર ક્હાડેલાં છે તે જોઈને હું શું સમજી છું તે જોઈ લ્યો. ?
“કાનને મધુરતા ચખાડી; હવે અાંખને ચખાડો.” ચંદ્રકાંત બોલ્યો.
“કુસુમને બધી વાતનો રસ, અને કોઈ વાતે એને શીખવનાર મળતું નથી તે જાતે જોઈજોઈને શીખે છે. એની આ ગતિમાં નિત્ય વિકાસની સામગ્રી ભરવી એવી એના પિતાની આજ્ઞા છે, પુત્રીનો ઉચ્ચગ્રાહી વિકાસ લેાકાચારવિરુદ્ધ છે અને એ વિકાસને ઉદાર અને ઉદાત્ત ગ્રાહક ન મળે તો કન્યાને દુ:ખમય આયુષ્ય ગાળવું પડે છે, માટે મને તો આ વિકાસ રાત્રે ઉજાગરા અને દિવસે ચિંતા કરાવ્યાં કરે છે, પણ ગૃહપતિની આજ્ઞા છે માટે તે પ્રમાણે ઉમંગથી વેલીઓને આધાર આપીએ તેમ કુસુમની સર્વ શક્તિઓને આશ્રય આપું છું.” ગુણસુંદરી બોલી.
“દેશી રજવાડાનાં બન્ધન મ્હેં નિન્દ્યાં તેનો અત્યારે પશ્ચાત્તાપ કરવો પડે છે. જે ભૂમિમાં શ્રીમાન્ વિદ્વાનો પોતાની અનાથ કન્યાઓને લોકમાં ભયંકર ગણાતી પણ વસ્તુતઃ શક્તિરૂપ સરવસ્તીદેવીનો પવિત્ર પ્રકાશ સમર્પે છે તે ભૂમિમાં, આર્યજનોનાં ખુંચી લીધેલાં શસ્ત્ર પાછાં આપવાની છાતી ચલવી શકે તો ઇંગ્રેજોને થાય તેવું, ઉદાર અને ઉદાત્ત પુણ્ય થાય છે. હબસીઓના દાસત્વના બંધ છોડનાર ઈંગ્રેજોને પ્રિય સ્વતંત્રતા - પૂજા આપના મંદિરમાં થાય છે, અને "વિધાચતુરભાઈને ઈશ્વરે આપેલો વૈભવ એક મહાપવિત્ર સમારમ્ભ પાછળ ખરચાય છે, ગુણસુંદરી બ્હેન, આપના ગૃહપતિએ આવી ઉદાર આજ્ઞા કરી અને આપના જેવાં પવિત્ર આર્યા એ આજ્ઞાને આવી ચતુરતાથી પાળે છે ને તેનું આ ફળ હું જોઉં છું તેથી પળવાર મ્હારા મિત્રની દેશભક્તિનો એક અભિલાષ સિદ્ધ થવા જાય છે અને મને તેનો આનંદ થાયછે. – કુસુમબ્હેન, તમારાં ચિત્ર બતાવો.”
કુસુમસુંદરીએ પોતાની સુકટની સુગંધિત સુંદર પેટી ઉઘાડી. એને મુખમલની રાતી ગાદીથી ભરેલી હતી, પતિની સ્તુતિ સાંભળી પ્રફુલ્લ થયેલી માતાના હાથમાં પુત્રીએ એક ચિત્ર મુક્યું, અને તે ઊપર દૃષ્ટિ ઠારી ગુણસુંદરીએ ચંદ્રકાંતના હાથમાં મુકયું.
ઈંગ્રેજ અધિકારીઓની સ્ત્રીઓને ગુણસુંદરી ક્વચિત મળતી, અને તેમની પાસેથી કુસુમ દિગ્દર્શક ચિત્ર – Perspective drawing –ના સાધારણ નિયમો શીખી હતી, અને અનુકરણ અને કલ્પનાશક્તિના આશ્રયથી એની કળા કંઈક વધી હતી.
પ્રથમ ચિત્ર એક મ્હોટા જાડા ચિત્રપટને યોગ્ય પત્ર ઉપર ક્હાડેલું હતું. આ ચિત્રપટના બે ભાગ પાડેલા હતા. ઉપલા ભાગમાં વાદળાં, નદીઓ, નદી મુખે સમુદ્ર, દ્રવ્યવાન મનુષ્યોના ઘોડાઓ અને ગાડીઓ, સેનાઓની છાયા, ઈત્યાદિ પદાર્થ સૂક્ષ્મ માપથી ક્હાડેલા હતા, અને સૂર્યનું પ્રબળ તેજ તેમની ઉપર પડતું ચિત્રેલું હતું. એ ભાગની નીચે પૃથ્વીના એક ગોલાર્ધની વર્તુલ રેખા પટના એક ખુણાથી બીજા ખુણસુધી ક્હાડી હતી. એ રેખાની નીચે રાત્રિના અંધકારની કાળી છાયા ક્હાડી હતી. એ છાયા વચ્ચે કાળું વસ્ત્ર પ્હેરી, વર્તુલરેખાને ઉંચી કરતી સ્ત્રી “રજનિ” ચિત્રી હતી. તે પોતાના વસ્ત્રનું સોડીયું વાળી ઉભી થવા પ્રયત્ન કરતી હતી, તેના શિરના કેશ રેખાને ચીરી ઉપર નીકળતા હતા, અને ચારે પાસની સૃષ્ટિને મ્હોટા કિરણ–પરિવેશ (Halo) વચ્ચે સમાવતી હતી.
ચંદ્રકાંત આ ચિત્ર આંખો પ્હોળી કરી જોઈ રહ્યો અને લાવણીનો પ્રથમ ભાગ વાંચવા લાગ્યો.
"ચંદ્રકાંતભાઈ, આ રેખાના ઉપલા ભાગમાં બધે કોલાહલ છે – સૃષ્ટિના મ્હોટા પ્રવાહ અને સૂર્યનો પ્રકાશ છે. રેખાની નીચે રાત્રિ છે. તે સોડીયું વાળે છે, અને વચલી રેખાને ફોડી એના વાળ, બ્હાર, ઉગી નીકળે છે. આ કેશ રેખા ઉપર ઉગે છે ત્યાં તેજવાળું રૂપ ધારે છે. રેખા ઉપર પણ એક રીતે તો રાત્રિ જ છે. પણ આ રાત્રિના વાળના પ્રકાશથી સર્વ પ્રકાશે છે અને રાત્રિ દિવસનું રૂ૫ ધારે છે – આ સર્વ ચિત્ર મ્હેં લાવણી ઉપરથી ચિત્ર્યું છે - પણ એ ચિત્રનો ભાવાર્થ અને ઉદ્દેશ શો છે તે મ્હારાથી સમજાતો નથી.”
ગુણ૦ - "કુસુમ ! સંસારના અનુભવ થયા પછી તું તે સમજીશ.”
કુસુમ - “અનુભવ થશે તે સઉ સમજે અનુભવ થયા પ્હેલાં સમજાવો ત્યારે ખરાં.”
ચંદ્ર૦ - “જુવો, ત્યારે હું અનુભવ આપું. સરસ્વતીચંદ્ર મુંબઈમાં હતા ત્યાં સુધીનો દિવસ, અને પછીની રાત. જ્યાં સુધી મુંબાઈમાં વિદ્યા, લક્ષ્મી, વૈભવ, મિત્રો, માતાપિતા, અને એવા એવા સંસારના પ્રકાશ એની આંખ આગળ ચળકાટ મારતા હતા ત્યાં સુધી દિવસ હતો. હવે એને રાત પડી.”
કુ૦ – “પણ એ દિવસ અને રાત્રિને ઉપર નીચે કેમ કહ્યાં, અને રાત્રિ દિવસ કેમ બને ?”
ચં૦ - “માણસ માટીમાંથી ઉત્પન્ન થાય અને માટીમાં જાય. Dust thou art, to Dust returnest, એ માટી તે આપણી ખરી રાત્રિ અને જન્મમરણની વચલો દિવસ દેખાય છે, પણ એ નાટકના વેશ જેવો છે, રાત્રિ નાટકનો વેશ ભજવનાર અને આ દિવસ એ એનો ખેાટો વેશ.”
ગુણસુંદરી ગણગણી: " - જન્મમરણની વચલો તે દિવસ– मध्ये*[૧] व्यक्तमनादिविभ्रमवशदव्यक्तमाद्यन्तयोः"
કુસુમને નવા વિચારનો ચમકાટ થયો, એની આંખો ચળકવા લાગી, અને ઓઠે આંગળી મુકી, બોલી ઉઠી. “ હા, હા. માટે જ ક્હેલું છે કે,
“Dust thou art to dust returnest, “Was not spoken of the soul. “એટલે જન્મમરણની વેળાએ માટીની ભાઈબંધી છે; એ માટી - એ રાત અને એ રાત્રિને જોનાર જીવ જુદો. એ રાત્રિની ભાઈબંધી કરે તે સત્ય વાત દેખે. બાકી દિવસ તે ખોટો. પણ તમે સરસ્વતીચન્દ્રના મુંબાઈના દિવસને દિવસ કહ્યા, ને પછીની રાત્રિ, એ રાત્રિદિવસ એક પદાર્થ શી રીતે ?"
ચં૦ – “આયુષ્યનાં દિવસરાત્રિ ઈશ્વર આપે છે તેમ સંપત્તિ વિપત્તિનાં દિવસરાત્રિ પણ એ જ આપે છે. લક્ષ્મી ચંચળ ક્હેવાય છે. તમારી હોડેલી કસુંબી ચાદરનો રંગં કાચો છે તેમ લક્ષ્મી પણ કાચો રંગ છે, સંપત્તિ
* ચંડકૌશિક
માત્ર એવી છે એ ચાદર – એ વિપત્તિ – એ ખરી રાત્રિ, અને એ ચાદર ઉપર આ કાચા રંગ ચ્હડે અને માણસની આંખને ઠગે એટલે એ જ ચાદરને દિવસ ક્હેવાની.”
કુ૦ - “હં. હં. એટલે – એટલે - જુવો ને કે કુમુદબ્હેનનો વિવાહ રહ્યો ત્યાં સુધી દિવસ. સરસ્વતીચંદ્ર નાઠા અને બ્હેનને સુવર્ણપુર જવાનું થયું એટલે આ ચિત્રની ગોળ રેખા ઉપર રજનિના વાળ છે તેમાં એ ભરાવા માંડ્યાં, ને હવે એ રેખાનો ધુમટ ભાંગ્યો અને રજનિના ખોળામાં એ ઉતરી પડ્યાં. –”
ગુણસુંદરીનાં આંખમાં આંસુની ધારા ચાલી. બાલભાવવાળીએ બોધની ધુનમાં એ કાંઈ દીઠું નહી. એ આગળ બોલવા લાગી.
“વળી જુવો, મહારાજ મલ્લરાજના આયુષ્યને પ્રસંગે મેનામાતાને દિવસ હતો. મહારાજ શંકરરૂપ થયા એટલે મેનામાતા આ શ્મશાન જેવા સંસારમાં મહાદુ:ખે જીવે છે તે રાત્રિ.”
ચંદ્ર૦ — “એમ જ.”
કુ૦ – “સઉને દિવસ ઉતરવાનો અને રાત્રિ ચ્હડી આવવાની. કુમારાં હઈએ એ રાત્રિ. પરણે એટલે દિવસ ને સૌભાગ્ય ત્રુટે એટલે પાછી રાત્રિ. એ પરણવું - એ દિવસ - તે તે ઢોંગ ને ધતુરા ને બાકીની બધી રાત્રિ એ તે ખરી વાત. ચાલો હવે આગળ સમજાવો.”
ચંદ્ર૦ — “જેટલું ચિત્ર આપ્યું તેટલું સમજાવ્યું.”
કુ૦ - “લ્યો, ત્યારે, આ બીજું ચિત્ર.”
સુન્દરે એ બીજું ચિત્ર વચ્ચેથી ઝડપી લીધું અને એ બેાલવા લાગી :- “ના, ચંદ્રકાંતભાઈ અમારે એ ચિત્ર જોવાં નથી ને એ કવિતા એને સમજાવવીયે નથી. જેમાં ને તેમાં કુમારાં ર્હેવાની વાત આણે છે, એને તે હવણાંની ઘેલછા લાગી છે તે આપણે વધારવાની નથી.”
કુસુમ કાકી સામી આંખો ક્હાડી જોઈ રહી.
“કાકી, આપો છો કે નથી આપતાં ? – પછી ક્હેશો કે બોલી !”
સુંદર - “શું બોલવાની હતી જે? શ્રીકૃષ્ણને ખાણીયે બાંધ્યા હતા તેમ તને પણ બાંધીને પરણાવવાની છે. હવે બહુ લાડ જવા દે.”
કુસુમ.– “એમાં લાડ શાનાં? બોલાવો છો ત્યારે બોલું છું: તમારે તે આવી રાત્રિ કેમ ને મ્હારે તે આ દિવસના ઢોંગ ધતુરા કેમ જોઈએ ? વધારે બોલાવશો તો વધારે બોલીશ.” ગુણ૦ - "સુન્દરભાભી, એ તો ચમકી છે. એને કરવા દો કરવું હોય તે. આજ એ વેશ ભજવે એટલો ભજવવા દો કે આપણે પણ જાણીએ તો ખરાં કે એનું ચાલે તો આટલું કરે ! સૌ જાણી લઈશું એટલે પછી હું, તમે અને એના પિતા."
કુસુમ - "લો, ગુણિયલ પણ વળી કાકીની ગાડીમાં બેસી ગયાં."
ચંદ્રકાંત - "બ્હેન, હવે આપણું પ્રકરણ આગળ ચલાવો."
કુસુમ - "હા, એ જ. એ બધાં વાતો કરીને વહાશે. લો આ."
કાકીના હાથમાંથી ચિત્ર ખૂંચવી લઈ ચંદ્રકાંતને આપ્યું.
એ ચિત્રમાં રાત્રિનો કાળો રંગ ચીતર્યો હતો. ઉપર આકાશ જેવા ઘૂમટમાં તારાઓ, મધ્ય ભાગમાં અંધકારના ઉદરમાં છવાઈ ન દેખાતો પણ તારાઓના પ્રકાશથી આભાસે જણાતો પર્વત અને ઝાડોની ઝાંખી છાયાઓ, વચ્ચે એક પુરુષ સ્વપ્નમાં હસતો પડેલો, એક ખૂણામાં એક સ્ત્રી છાતી પર સારંગી અને સારંગી પર આંગળી મૂકી ગાઢ નિદ્રામાં પડેલી, અને બીજા ખૂણામાં મુખ આગળ ફાનસ ધરી તે ફાનસના પ્રકાશથી પાછળથી એ મુખ પરના અવયવ ન દેખાતાં તેને સ્થાને માત્ર માથાનો ગોળાકાર જ દેખાય એમ ઉભેલી એક સ્ત્રી : એટલી વિગત આ ચિત્રમાં હતી.
ચંદ્રકાંતે ચિત્ર હાથમાં લીધું ત્યાં કુસુમ બોલી : "આ રાત્રિનું ચિત્ર છે. ઉપર ઉડુગણ છે, તિમિરનું ઉદર પર્વત અને ઝાડોથી ઉપસાય છે, આ પુરુષને વિચિત્ર સ્વપ્ન થાય છે, જગત-માયા રૂપી આ સ્ત્રી સારંગી વગાડતી વગાડતી ઊંઘે છે, અને અંધકારભરેલા પોતાના મુખ આગળ આ રાત્રિ દીવો ધરે છે એટલે વચ્ચે દીવો આવવાથી અંધકારમાં જરી દેખાતું હતું તેટલું પણ એનું મુખ દેખાતું બંધ થાય છે અને અંધારામાં માત્ર ફાનસના તેજ જેવો આભાસ થાય છે - રાત્રિએ દિવસનું રૂપ ધરવાનો આમ આરંભ કર્યો એટલે આ વલે થઈ."
ચંદ્રકાંત - "પ્રથમ ભાગનો અર્થ સમજ્યાં એટલે આનો તો હવે વગર સમજાવ્યો સમજાશે."
કુસુમ - "માટીમાં ભળવાનું તે માટી એ રાત્રિ. એને માથે આકાશમાં તારાઓ કયા?"
ચંદ્રકાંત - "એની રાત્રિમાં ઊંચું જોનાર શું દેખે?"
કુસુમ - "સાધારણ અજવાળી રાત્રે તો સારા વિચાર સૂઝે, કારણ એક જણે કહ્યું છે કે
“The midnight moon serenely smiles "O’er Nature’s soft repose; “Come, dear Emilia, and enjoy “Reflection's favourite hour. “પણ આવું તે સુખભરેલાં ચાંદરણામાં સુઝે, દુ:ખની અંધારી રાત્રે તો માણસની બુદ્ધિ બ્હેર મારી જાય છે – તે – મ્હેં દીઠું છે.”
ચંદ્ર૦ – “ક્યાં ?”
કુ૦ - “ચાલો ને. હું નહી કહું, ડાહ્યાં ડાહ્યાં માણસો દુઃખમાં કેવાં થાય છે તે તાજું જ જોયું છે.”
ગુણસુંદરી હસી: ”મ્હારું નામ દેવા જતી હતી, ખરું ?"
કુસુમ હસી: “લ્યો ત્યારે એ જ.”
સુંદરગૌરી: “લે, દુઃખમાં શું સારું સુઝે તે હું કહું – સુખે સાંભરે સોની ને દુઃખે સાંભરે રામ.”
કુ૦ – “હં ! કાકી ભણ્યાં તો નથી. પણ અનુભવી છો તે સમજો છો. ત્યારે શું મેનારાણીને ત્યાં શંકરનાં પદ આજ ગવાય છે તે સુખમાં નહી ગવાતાં હોય ? ”
ગુણ૦- “ ના."
કુસુમ – “ત્યારે તારાઓ તે ઈશ્વરના ઉંચા વિચાર – તે આવી રાત્રિમાં સુઝે."
ચંદ્ર૦ – “અને તારાઓ દેખાય છે ન્હાના – પણ છે મ્હોટા.”
કુસુમ૦ - “એ પણ ખરું; પણ અંધકારના પેટમાં ઝાડ અને પર્વત મુકયાં તે શું ?”
ગુણ૦ - “તે દિવસે ત્હારા પિતાએ ટેનીસનની કવિતા વાંચી હતી તેમાં શોક શું ક્હે છે તે વર્ણવેલું સાંભરે છે?”
કુસુમ –“ હા. શોક ક્હે છે –
“The stars,” she whispers, “ blindly run, “A web is wov'n across the sky ! “From out waste places comes a cry, “And murmurs from the dying sun.” “પણ સરસ્વતીચંદ્ર તો રાત્રિના સ્વરને સત્ય ગણે છે અને ટેનીસને તો તેને અસત્ય ગણ્યો છે તે ?”
ચંદ્ર૦- “તે કડીયો બોલો જોઈએ."
કુસુમ૦ -
"Come, Sorrow, Cruel fellowship, “Priestess in the vaults of Death ! “Oh sweet and bitter in a breath “What whispers from thy lying lips ?” “આમાં શોકની જીભને જુઠી ગણી.”
ચંદ્ર૦ - “પણ એને મૃત્યુના મન્દિરના ઘુમટમાં મીઠો ઉપદેશ કરનારી ગણી – અને સરસ્વતીચંદ્ર પણ –”
કુ૦ – “એમ જ ગણે છે એ વાત ખરી. હવે હું કહું, માયાની સૃષ્ટિના પર્વતો આ અંધકારમાં નાશ નથી પામતા, પણ એમના એમ ઉભા છતાં દેખાતા નથી અને દિવસે ન દેખાતા તારા રાત્રે દેખાય છે; તે દિવસે જુઠો અને રાત્રિયે જુઠી; પણ રાત્રે જે દેખાય છે તે વધારે ઉત્તમ છે, અને માટે જ લલચાઈને કહ્યું કે
“ઓ રજનિ ! ઘુંઘટ | ઉઘાડ ! ” સુંદર૦ – “જો એતો ગીતાજીમાં કહ્યું છે કે સંસારીની રાત તે યોગીનો દિવસ, ને યોગીની રાત તે સંસારીનો દિવસ.
ચંદ્ર૦ -“કુસુમબ્હેન, તમારાં કાકી ક્હે છે તેમજ છે. ચારે પાસ કોલાહલ મચી ર્હે એ દિવસ અને આવી શાંતિ તે રાત્રિ – તે દિવસને ન દેખતાં આવી રાત્રિને દેખનાર યોગીઓ ત્રણ જાતના હોય છે. કનિષ્ટ જાતના યોગીમાં જગતના સંસ્કાર ર્હે છે, અને જયારે દિવસના અનેક કોલાહલમાં માણસોનાં મન વિક્ષેપ પામે છે ત્યારે આવા યોગીઓનાં મન અમુક સંસ્કારને જ જુવે છે અને ભોગવે છે, અને તેટલાજ સંસ્કાર ઉપર લગ્ન થયેલું ચિત્ત એ સંસ્કારના મોહની મદિરા પીને ઉન્મત્ત થઈ પોતાનું ગાન કર્યા કરે છે - આવી રાત્રિ તેના મદને વધારે છે; મદ કરાવે તે મદન. આવા યોગી, મદનતંત્રી વગાડતા, આવી રાત્રિમાં ગાયાં કરે છે.”
કુસુમ૦ - “બાબર પાદશાહ બાલક અવસ્થામાં દુ:ખી થયો અને કાકાઓએ એને ક્હાડી મુકયો ત્યારે પર્વત ઉર બેસી કવિતા ગાતો હતો અને તંત્રી વગાડતો હતો – તેની પેઠે જ આ ગાન ખરું કની ?”
ચંદ્ર – “એને કાંઈ મોહ ન હતો; પણ पीत्वा मोहमयी प्रमादमदिरामुन्मत्तभूत जगत् એવું તમે કાલ ભર્તૃહરિના શતકમાંથી ગાતાં હતાં તેના જેવો કોઈ મદ ચ્હડે અને –”
ગુણ – “એ એ આગળ જતાં શીખશે, બીજી જાતના યોગીની વાત ચલાવો.” “આગળ કેમ?” એમ બેાલવા જતી જતી કુસુમ અટકી, અને વિચાર કરી બોલી. બીજા યોગીની હકીકત ક્હો ત્યારે. ચંદ્ર – “બીજી જાતના યોગીઓમાં બાબર પાદશાહ જેવા કવિલોક આવ્યા. આવી રાત્રિના દર્શનથી જ તેમનાં હૃદય દ્રવે છે અને તેમના મગજમાં વિચિત્ર સ્વપ્ન આવે છે અને તેવાં સ્વપ્ન પાછળ એ લોક દોડે છે. તેથી કહ્યું કે,
“ઉર ચિત્ર સ્વપ્ન ભણી ધાતુ.” કુસુમ૦ - “વારુ, મધુસેવન કરનારાઓની બુદ્ધિ સતેજ થતી હશે ખરી ? માઘમાં આવ્યું છે કે. -
"मधुरया मधुबोधितमाधवी "मधुसमृद्धिसमेधितमेघया॥ ચંદ્ર – “એ મેધા તે માત્ર મંદ ચ્હડાવે.”
કુસુમ – “હા,એમ તો ખરું.કારણ તરત જોડેનીજ લીટીમાં છે કે,
“मधुकराङगनया मुहुरुमन्द - “भ्रमद्लौ मदलौल्यमुपाददे ॥ “આવી મેધાથી મદ થયો અને મદથી મધુકરી મધુકર પાસે ભમવા–” પોતે શું બોલે છે તેનું ભાન આવતાં મુગ્ધા શરમાઈ બોલતી બંધ પડી અને મનમાં સંસ્કૃત વિદ્યાને ગાળો દેવા લાગી. “બળ્યું, આ સંસ્કૃત ! બે માણસમાં બેલાતાં શરમાવે અને એનાથી અંજાઈએ તો કુમારાને પરણાવે.” મ્હોટે સાદે બોલી “વારુ, ત્રીજી જાતના યોગીની વાત ક્હો જોઈએ.”
“ત્રીજી જાતના યોગી એ રાત્રિનો ઘુંઘટ ઉઘાડે અને લક્ષ્મી આદિ ઢોંગ છોડી રાત્રિને જોવા નીકળી પડે તે.” ચંદ્રકાંત બેાલ્યો.
“સરસ્વતીચંદ્ર પેઠે ?” કુસુમે પુછયું.
ચંદ્ર૦ – “એ તો તમે જાણો.”
કુ૦ – “ઠીક, પણ હવે તો આ ચિત્રો નહી દેખાડું.”
ચંદ્ર૦ – “કેમ?”
કુ૦ – “આ પુરુષ અને સ્ત્રીને ઉંઘતાં કર્યાં છે તેની મુખમુદ્રા ફેરવવી પડશે.”
ચંદ્ર૦ – “શી રીતે ?”
કુ૦ – “અર્થ સમજ્યાં ત્યારે પોતાની ભુલ જાતે જણાઈ આ ચિત્ર ખોટાં પાડ્યાં છે. કેમ ખરાં કરવાં તેતો વિચારવું પડશે. પણ એક કવિતામાં બે જાતની આંખો કહી છે તેવી આ સ્ત્રી પુરૂષની આંખો કરવા જેવું છે.”
ચંદ્ર૦ – “શી કવિતા છે?"
કુ૦ – “સાંભળો.”
“રસસુંદરીની સુંદરતા જગ જોતું ઉઘાડી આંખે ! “રસસુંદરીના રસ ભોગવતું – જગત મીંચેલી આંખે.” ગુણ૦ – “આ કવિતા કોની ? કુસુમ !”
કુસુમ શરમાઈ ગઈ. નીચું જોઈ બોલી. “બ્હેનના ઉપર સરસ્વતીચંદ્રે કાગળ લખ્યો હશે તેના એક ફાટેલા કડકા ઉપર હતી.”
સુન્દર૦ - “તે વારું, તે તું બ્હેનના કાગળો એમ ચોરતી ફરે છે કે શું ? લાજ નથી આવતી ?”
કુસુમ૦ – “લ્યો. ભુલ તો ખરી, પણ એમાં ચોરી શાની ? એણે કાગળનો કડકો રઝળતો નાંખ્યો ત્યારે મ્હેં વાંચ્યો. કાંઈ આંખો આઘી મુકીને ફરીયે ? બાકી, પ્હેલા ચાર અક્ષર વાંચતાં કાગળ આઘે મુકવો જોઈએ તે કરવું ન સુઝ્યું એટલી ભુલ.”
સુંદર૦ – “બધું તો ઝીણવટથી સુઝે અને આટલી મ્હોટી વાત ન સુઝી.”
કુસુમ૦ – “લ્યો. હવે ક્ષમા કરો. થયું તે થયું. પણ ચંદ્રકાંતભાઈ હવે આ કડીમાંની બે જાતની આંખો જેવી આંખો આ સ્ત્રીપુરુષની ક્હાડી તમને દેખાડીશ, કાકી તો ક્હેશે. પણ વારુ બાળક છીયે તે આવું વાંચવા સમજવાનું મન તો થાય.”
એક ચાકર એટલામાં આવ્યો. વિદ્યાચતુરે ચંદ્રકાંતને જરાશંકરને ઘેર જમવ્યા બોલાવ્યો હતો. વળી માંદા સામંતને જોવાને રાણો ખાચર આવ્યો હતો તેને મળવાનો તથા રાજ્યનીતિના વિષય તેની જોડે ચર્ચવાને મણિરાજે પોતાના રાજપુરુષોનો ન્હાનો મેળાવડો યોજ્યો હતો. તેમાં ભાગ લેવાને પણ ચંદ્રકાંતને આમંત્રણ હતું. આ સઉ સંદેશો ચાકરે પ્હોંચાડ્યો. ચંદ્રકાંત વસ્ત્ર પ્હેરવા ઉઠયો. પ્હેરતાં પ્હેરતાં સરસ્વતીચંદ્ર અને કુસુમના યોગ-અયોગના વિચાર કરી ઉંડા નિઃશ્વાસ મુકવા લાગ્યો, અને દુઃખી હૃદયથી પ્રધાન પાસે જવા નીકળ્યો.
સ્ત્રીવર્ગ પોતાના ખંડમાં ગયો. જતાં જતાં સુંદર, કુસુમનો અંબોડો ઝાલી નીચો ખેંચી, તેનું મ્હોં ઉંચું કરી, ચુમ્બન દેઈ પુછવા લાગી: “મધુકરીનું મધુકર પાછળ ભમવાનું તું ગાતી ગાતી બંધ પડી. તે તું હવે નક્કી સરસ્વતીચંદ્રને પરણવાની!” અત્યંત ક્રોધથી રાતીચોળ થઈ કૌમારક વ્રતની ઉત્સાહિની બાળા, કાકીને ધક્કો મારી, સૌંદર્ય-ઉદ્યાનમાં પોતાના અભ્યાસના માંડવામાં ન્હાસી ગઈ. માતા ગુણસુંદરી કુસુમના વિકાસ વિશેષ જોઈ વધારે ખિન્ન થઈ, વધારે ચિંતામાં પડી, અને જેઠાણીનાથી પણ એકલી પડી સૈાંદર્યઉદ્યાનમાં મનની અમુઝણ ક્હાડવા જેવું નિર્મક્ષિક સ્થાને અધીરે ધીમે પગલે શોધતી વેલાઓમાં અદૃશ્ય થઈ.