સરસ્વતીચંદ્ર ભાગ ૪/મધુરી માટે મધુરી ચિન્તા.

From Ekatra Wiki
Revision as of 10:31, 23 July 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મધુરી માટે મધુરી ચિન્તા.|}} {{Poem2Open}} કુમુદની કથા થોડાક અવસરમા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મધુરી માટે મધુરી ચિન્તા.

કુમુદની કથા થોડાક અવસરમાં – થોડીક ઘડીઓમાં – પરિવ્રાજિકામઠમાં અને વિહારમઠમાં સુપ્રસિદ્ધ થઈ ગઈ. સંસારધર્મ અને અલખ ધર્મ એ ઉભયના મિશ્રણથી એક જીવનમાં છવાયેલાં બે વિવાહવાળાં જીવનની કથા સર્વ સાધુજનોને ચમત્કાર ભરેલી લાગી અને તેને માટે અનેક શાસ્ત્રાર્થ અને અનેક ચર્ચાઓ આ ઉભય મઠમાં થવા લાગી. આ સંબંધમાં મધુરીના નામ સાથે નવીનચંદ્રજીનું નામ પણ ગવાયું, પરંતુ મધુરીની સાથેનું એનું વર્તન અધર્મ ગણાયું. તેમ જ બીજી રીતે વિષ્ણુદાસ સ્વામીનો એના ઉપરનો પક્ષપાત વધારે ઉચિત ગણાયો. આટલી વાતમાં સર્વ એકમત થયાં. ચર્ચાનો વિષય માત્ર એટલો જ રહ્યો કે અલખ સંપ્રદાય પ્રમાણે આ બે પ્રેમી જીવનનો યોગ કરાવવો, કે ન ક૨ાવવો અને કરાવવો તો કેવા વિધિથી કરાવવો.

કુમુદ સાધુસ્ત્રીઓમાં રાત્રે સુતી. થોડી વાર તેને સરસ્વતીચંદ્રના વિચાર થયા અને આંખ ઘડીમાં મીંચાય ને ઘડીમાં ઉઘડે. એની બેપાસ મોહની અને બંસરી સુતાં હતાં તે એના ઉપર અને એના મુખ ઉપર ઉચાં થઈ દૃષ્ટિ નાખતાં હતાં અને પાછાં સુઈ જતાં હતાં.

પ્રાતઃકાળે સરસ્વતીચંદ્રને સાધુવેશમાં જોઈ કુમુદના ચિત્તને અત્યન્ત ધક્‌કો લાગ્યો હતો. આ મઠમાં સાંભળેલી વાતોથી એ ધક્‌કો જતો રહ્યો અને​એના મનનો કેટલોક ભાર પણ જતો રહ્યો. તે કંઈક સ્વસ્થ થઈ સુતી, પણ નેત્ર મીંચાય ત્યાં પ્રાતઃકાળનું ચિત્ર પ્રત્યક્ષ થાય અને ઉઘડે ત્યાં વિચાર સુઝે.

“આવા પુરુષ ત્યાગી હોય તે સારું કે સંસારી હોય તે સારું ?” “એ સંસારમાં હોય તો કેટલા પ્રાણીનું કેટલું કલ્યાણ કરી શકે? હું તો ભાગ્યહીન છું તે છું પણ આવું રત્ન આ ભસ્મમાં અદૃશ્ય થાય તે તો અનિષ્ટજ !” “હું હવે તેમને શું ક્‌હેવા કથવાની હતી ?” “અરેરે ! એમની ભવ્ય સુન્દર આકૃતિ પ્રાતઃકાળના ચંદ્ર જેવી નિસ્તેજ થઈ ગઈ છે – અંહી તેમને આવું ખાવાપીવાનું અને આવાં સ્થાનોમાં સુઈ ર્‌હેવાનું – એવા કષ્ટ તપમાં તો શરીર આમ સુકાય જ ! ” “– પણ તેમના મુખની આનન્દમુદ્રા તો એવી ને એવી જ છે.” “સઉએ તમને બોલાવવા પ્રયત્ન કર્યો ન કર્યો થયો !” “મિતાક્ષર – તે પણ આગ્રહી સાધુજનની ચતુરતાએ ક્‌હડાવ્યા.” “નક્કી, એમનો શોકશંકુ ઉંડો છે. ઉંડો ઉંડો પણ છે!” “તેમણે નક્કી મને એાળખી !” થોડી વારમાં તેના નયન પાસે પ્રિય મૂર્તિ ઉભી થઈ તે જોતી જોતી કુમુદ સ્વપ્નશ થઈ સ્વપ્નમાં લવી.

[૧]"त्वत्स्नेहसंविदवलम्बितबीवैतानि किंवा मयापि न दिनान्यतिवाहितानि ॥" મોહની અને બંસરી બેઠાં થઈ સાંભળવા લાગ્યાં, ફરી તે લવી.”

[૨]"शोकशङ्कु: मर्माणि कृन्तन्नपि किं न सोढः ॥" મોહની ધીમેથી બંસરીને ક્‌હેવા લાગી: “બંસરી, અલખના કામતંત્રમાં કહી છે તે गुहा सेयम परंपरा."

બંસરી – “હા, એમજ–

[૩]"देहादाभ्यन्तरा लज्जा कज्जास्वाभ्यन्तरं मः ततः कामस्ततो भाशा गुहा सेयं परंपरा ॥" મોહની – “માધવે કહી હતી તેવી જ આ અવસ્થા.

૧. ત્હારા સ્નેહના જ્ઞાનથી મ્હારા જીવનને ટેકવનાર કેટલા દિવસ મ્હેંપણ નથી ગાળ્યા ?–ભવભૂતિ.
ર. મર્મને કાપતા શેાકશંકુને પણ મ્હેં શું વેઠ્યો નથી ? –ભવભૂતિ.
૩.દેહથી આભ્યંતર લજજા, લજજાથી આભ્યંતર મન. તેથી કામ, નેતેથી ભાષા:– આવી ગુફામાંની ગુફાઓ મુગ્ધામાં હોય છે.

​ [૧]"वयोऽवस्थां तस्याः शृणुत सुहृदो यत्र मदनः प्रगल्भव्यापारश्चरति हृदि मुग्धश्च वपुषि ॥" છેટે ચરણસંચાર સંભળાયો. ભક્તિમૈયા અને વામની મઠમાં આવ્યાં. મોહની અને બંસરી સામાં આવ્યાં.

“સર્વ વ્યવસ્થા થઈ ગઈ : ” વામની બોલી.

ભક્તિ૦– વિહારમઠના કુંજવનમાં યમુનાકુંડ પાસે મંડપ બંધાશે, ત્યાં ચંદ્રેાદયકાળે રાસલીલા આરમ્ભાશે. તે પ્હેલાં સાયંકાળે ગુરુજી સર્વ સાધુમંડળની નિરીક્ષા કરી લેશે. નવીનચંદ્રજી ગુરુજી સાથે ફરવા નીકળશે. રાસલીલામાં તેમનું આકર્ષણ કરવાનું બાકી છે. મધુરીમૈયાને ક્યાં ક્યાં લેવી તે વિચારવાનું છે.

મોહની – તમે ધારો છો તેવું સુલભ કામ નથી.

બંસરી– સંસારે બનાવેલી સંપ્રત્યયાત્મ પ્રીતિની પ્રતિજ્ઞા તેની અલખ પ્રીતિને ફળવા દે એમ નથી.

મોહની– ત્હારી ભુલ છે. એવાં બન્ધન માલતીએ તોડ્યાં હતાં ને મદયન્તિકાએ પણ તોડ્યાં હતાં.

ભક્તિ૦– એ બન્ધનમાં એને રાખવી કે ન રાખવી એ વિચાર શ્રી અલખ ભગવાનનો છે, આપણું કામ એટલું છે કે તપ્ત લોહને તપ્ત લોહનો યોગ કરાવવો: तप्तेन तप्तमयसा घनाय योग्यम् . [૨] આપણા હૃદયે ધારેલો યોગ અનવસર હોય તે મન્મથ અનંગ જ ર્‌હેશે અને શરીર ધરી રતિને નહીં વરે.

મોહની – તે તો અવતાર ધરી ચુક્યા છે.

ભક્તિ – તેણે અવતાર ધર્યો છે કે નહી તે તો તેને અવતાર આપનાર શ્રી યદુનન્દન જાણે. તું અને હું ન જાણીયે.

બંસરી – ત્યારે આપણું કર્તવ્ય શું ?

ભક્તિ – દૃષ્ટિ પડે અને સત્ય જણાય તે પછી જ ધર્મ જણાય. નવીનચંદ્રજીને મધુરીની અવસ્થા વિદિત થાય તે પછી તેના હૃદયમાં શું લખ થાય છે તેનાં આપણે સાક્ષી થવું. તેમની બેની વાસનાઓ આપણને લખ થાય

૧. સાધુ સુહૃદયવાળી તે પ્રિયાના વયની અવસ્થા શુણો ! એના હૃદયમાંમદન પ્રગલ્ભપણે પોતાના વ્યાપાર ચલાવ્યે જાય છે અને એના શરીરમાંમુગ્ધપણે સંતાઈ ર્‌હે છેઃ -ભવભૂતિ.
ર. કાલિદાસ. “તપેલા લોહ સાથે તપેલું લોહ ઘટાવવું યોગ્ય છે.

​તે પછી વિચાર કરવો કે તેમનો સુન્દર યોગ કરાવવા દૂતીધર્મ પાળવો કે તેમને શાન્ત વૃત્તિ પમાડવા અલખ પરમાત્માનું બોધન કરવું.

મોહની – ભક્તિમૈયા, બહુ જ સૂક્ષ્મ દૃષ્ટિથી કહ્યું. ગુરુજી નિરીક્ષા કરવા આવે ત્યારે નવીનચંદ્રજી મધુરીનું અભિજ્ઞાન પામે એવો યોગ રચવા, અને રાસલીલાને અવસરે નવીનચંદ્રજીની વાસના દૂરથી જાણી લેવી અને તે પ્રમાણે પછીને વિચાર કરવો.

ભક્તિ૦ – યોગ્ય છે.

બંસરી – પણ મધુરીની ગુહાપરંપરામાં પ્રવેશ પામવો શી રીતે? સપ્તપદીની લખ પ્રતિજ્ઞા અને પરિશીલનના સમાવર્તનની અલખ પ્રતિજ્ઞા વચ્ચે ખેંચાતી મધુરીમૈયાના વીંધાતા મર્મ કેઈ વાસનાથી શાન્ત થશે તે પ્રથમ જાણવું વધારે આવશ્યક નથી?

ભક્તિ – એ પણ સત્ય છે.

મોહની – તેનો વિચાર કરવાને આખી રાત્રિ છે.

વામની૦ – પેલી બારીએ તાળું વાસ્યું છે?

મોહની૦ – કેમ ?

વામની૦ – નિરાશ हृદયનું પ્રેરેલું શરીર સમુદ્રમાંથી બચ્યું તેને આ બારીબ્હાર પડવાનો પણ માર્ગ છે.

બંસરી૦ - હવે તે હૃદય નિરાશ નથી.

ભક્તિ૦ - ના. પણ ઠીક કહ્યું. ચન્દ્રાવલીનું મૂર્ત્ત હૃદય આજે આપણે આણેલું છે. વામની, જા, તાળું વાસી આવ.

વામની તાળું વાસવા ગઈ.

સર્વ સ્ત્રીઓએ કુમુદની આશપાશ ધાબળીઓ પાથરી અને સુતી.

નિદ્રાવશ થતી થતી વામની બોલી.

“ભગવન્ મન્મથ! અલખનાં લખ રૂપ કેટલાં છે ? મનુષ્યાવતારનાં હૃદયને ઉદ્ધાર આપવાનાં સ્થાન કેટલાં છે? પણ શ્રી અલખની ઈચ્છા એવી છે કે યુવજનનો પક્ષપાત તો ત્હારા ઉપરજ થાય !

૧.[૧] "कति कति न वसन्ते वल्लयः शाखिनो वा "किसलयसुमनोभिः शोभमाना वभूवु: ॥

૧. વસન્ત ઋતુમાં કેટલી કેટલી વેલીઓ ને કેટલા કેટલા વૃક્ષ કળીએાથી અને પુષ્પોથી શેભિત ન થયાં? પણ યુવાનોને અને યુવતિઓને વ્હાલો તો અભિનવ કલીયોના ભારથી લચેલો માત્ર એક રસાલ (આંબો) જ થયો ! (પ્રકીર્ણ.)

​ “तदपि युवजनानां प्रीतये केवलोऽभूत् “अभिनवकलिकाभारशाली रसालः ॥” બંસરી – “રસાલોપમ રસાલ ભગવન્ સ્વયંભૂ મન્મથ ! ત્હારો અવતાર જગતને સર્વાંગથી કલ્યાણકારક છે.

“अधिश्रीरुद्याने त्वमसि भवतः पल्लवचयो “धुरीणः कल्याणे तव जगति शाखाः श्रमहराः॥ “मुदे पुष्पोल्लेखः फलमपि च तुष्टयै तनुभृतां॥ “रसाल त्वां तस्माच्छ्रयति शतशः कोकिलकुलम् ॥૧.[૧] મોહ૦ – સંસારે લેવડાવવી હોય તેટલી પ્રતિજ્ઞાઓ તે લેવડાવે. પણ યુવજનનાં હૃદયમાં સત્તા તો જેની છે તેની જ છે. મધુરી, ત્હારો ઉદ્ધાર તો એ દેવના અર્ચનમાં જ છે.

ભક્તિ૦– “આવી સુન્દર સુકોમળ દેહલતિકાને આવાં આવાં દુસ્તર સ્થાનોમાં ખેંચી લાવનાર પવન જેવા ભગવન મદન !

“हारो जलार्द्रवसनं नलिनीदलानि “प्रालेवसीकरमुचस्तुहिनांशुभासः ॥ “यस्येन्धनानि सरसाणि च चन्दनानि "निर्वाणमेष्यति कथं स मनोभावाग्निः॥ર.[૨] ૩[૩]“प्रासादीयति वैणवादिगहनं दीपीयति द्रात्त्कमः “पर्यङकीयति भूतलं दृषदपि श्लक्ष्णोपधानीयति ॥

૧.હે રસાલ ! ઉદ્યાનમાં શ્રીમાન તું છે, ત્હારો પલ્લવ સમૂહ કલ્યાણમાં ધુરીને સ્થાને - અગ્રે -છે, ત્હારી શાખાઓ જગતમાં શ્રમહર છે; ત્હારાં પુષ્પોનો ઉલ્લેખ પ્રમોદ - આનન્દ - આપનાર છે; ત્હારું ફળ પણ શરીરધારીઓને તુષ્ટિ - સંતોષ- આપનાર છે; માટે જ, ઓ રસાલ,કોકિલોનાં ટોળાં સેંકડો સંખ્યાબંધ ત્હારો આશ્રય શોધે છે. ( પ્રકીર્ણ )
ર.હાર, જળથી ભીનાં વસ્ત્ર, કમળપત્ર, ઝાકળના છાંટા વધાવનાર ચંદ્રકિરણ, અને સરસ ચન્દનઃ એ જેનાં કાષ્ટ છે તે મદનરૂપ અગ્નિ કેવી રીતે હોલાવાનો હતો? (બાણ)
૩કામદેવને મહિમા કેવો નમસ્કાર યોગ્ય છે? તેનાથી વાંસનું વન મ્હેલ જેવું થાય છે, અંધકાર એકદમ દીવા જેવો થાય છે, પૃથ્વીનું તળીયું પલંગ જેવું થાય છે, પત્થર પણ સુંવાળા ઉશીકારૂપ થાય છે, કચરો કસ્તુરી થાય છે, ને બીજું શું કહીયે ? જે કામદેવના દૃષ્ટિપાતથી રસાવિષ્ટ યુવકયુગલ આવા ચમત્કાર – પરતા – અનુભવે છે તે દેવને નમસ્કાર કરવા યોગ્ય છે.(પ્રકીર્ણ).

​ “कस्तूरीयति कर्दमः यूनो रसाविष्टयोः "येनालोकितयो: स वन्द्यमहिमा देवो नमस्यः स्मरः ॥" સર્વને ઉત્તર દેતી હોય તેમ કુમુદ લવી.

૧.[૧] “जलधर जलभरनिकरैरपहर परितापमुद्धतं जगतः “नो चेदपसर दूरं हिमकरकरदर्शनं वितर ॥ મોહની –“ ભક્તિમૈયા, નવીનચંદ્રજી પાસે કોઈ એવી દૂતીને મોકલો કે તે તેને સ્પષ્ટ સમજાવે કે,

૨.[૨] “वितर वारिद वारि दवातुरे “चिरपिपासितचातकपोतके । “प्रचलिते मरुति क्षणमन्यथा "क्व च भवान् क्व पयः क्व च चातकः ॥” નિદ્રામાં ને નિદ્રામાં હા ભણી ભક્તિમૈયા શાંત નિદ્રામાં પડી.

૧.હે જલધર મેઘ ! ગમે તો પાણીની મુસળધારો વર્ષાવી જગતના ઉદ્દત પરિતાપને હર ! અને તેમ તું ન કરે તો દૂર જતો ર્‌હે અને ચંદ્રકિરણનાં દર્શન કરવા દે. ( ચન્દ્રકવિ )
૨.હે મેઘ ! દ્વાગ્નિએ આતુર કરેલું આ ચાતકનું બચ્ચું ઘણા કાળથી તૃષિત છે ને પાણી ઝંખે છે તેને તું પાણી આપ. જો તે હાલ તું નહી આપે તો પછી સંસારના સંયોગ ક્ષણભંગુર છે, અને આ પવન વાઈ રહ્યો છે. તેથી ક્ષણમાં તું ક્યાં, ત્હારું પાણી કયાં ?અને આ ચાતક ક્યાં?–એવું થઈ જશે !(પ્રકીર્ણ )