ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખીમડો-ખીમરો-ખીમો-૧

From Ekatra Wiki
Revision as of 06:49, 5 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખીમડો/ખીમરો/ખીમો-૧'''</span> [ઈ.૧૫મી સદી પછી) : માર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ખીમડો/ખીમરો/ખીમો-૧ [ઈ.૧૫મી સદી પછી) : માર્ગી કે નિજિયાપંથી સંત. કોટવાળ તરીકે ઓળખાવાયેલા આ સંત મેઘવાળ(હરિજન) ચમાર કે વણકર હોવાનું નોંધાયું છે. મૂળ રાજસ્થાનના પોકરણ તરફના વતની ને પછી ઢેલડી(આજનું મોરબી કે એની પાસેનું ગામ)માં નિવાસ. રામદેવ-પીર(ઈ.૧૫મી સદી)ની પરંપરાના આ સંતનો સમય ચોક્કસ નિશ્ચિત થઈ શકે તેમ નથી. મોરબીના રાવત રણસિંહે કુદૃષ્ટિ કરેલી એથી જીવત્સમાધિ લેતાં પત્ની દાડલદે સાથે ખીમડાએ પણ સમાધિ લીધી હોવાના તથા પશ્ચાત્તાપ પામેલા રાવતને એમણે દીક્ષા આપી હોવાના ઉલ્લેખો ધરાવતાં ૨ પદો(મુ.) મળે છે તે આ સંતનાં રચેલાં હોવાનું માનવામાં મુશ્કેલી છે. આ સિવાય, આગમવાણીનાં તથા રૂપકાત્મક અધ્યાયબોધનાં ૩ પદ (મુ.) આ સંતની નામછાપવાળાં મળે છે. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ (+સં.); ૨. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦;  ૩. સત્ સંદેશ, ડિસે. ૧૯૫૨ - ‘ખીમડો અને દાડલદે’, સંતદાસ મોહન(+સં.). સંદર્ભ : સોરઠી સ્ત્રીસંતો, કાલિદાસ મહારાજ, સં. ૨૦૧૪. [ર.સો.]