૮૬મે
વર્ષો પૂર્વે ‘પ્રવાલદ્વીપ’ અને ‘વિદિશા’થી આપણો પરિચય, ને એ ક્ષણથી જ આપણે સહપાન્થ, સમાનધર્મા, સહૃદય; તમારા આયુષ્યના અંતિમ દિવસ લગી સદા આપણે મિત્રો,
અભિસારિકા-૧
પુરુષ": તમે શું અંધકારની અભિસારિકા છો?
તમે શું મેઘાચ્છાદિત અમાવાસ્યાની એકાકી તારિકા છો?
તમને પૂર્ણિમાના પ્રકાશની એવી તે આ શી લજ્જા?
તમે પ્રદીપશૂન્ય શયનખંડની વાસકસજ્જા?
તમે શું અકલ્પ્ય કો એકાન્તની કારિકા છો?
તમે શું કોઈ મનુષ્યના હૃદયનો પ્રેમ જાણ્યો છે?
તમે શું કદી પૃથ્વીના સૌંદર્યનો આનંદ માણ્યો છે?
તમે શું તમિસ્રલોકના પૌરજનોની પરિચારિકા છો?
અભિસારિકા-૨
સ્ત્રી" હું તો પ્રકાશના પથની અભિસારિકા,
હું તો યુગેયુગે દિગ્દિગંતે ધવલોજ્જવલ ધ્રુવતારિકા.
હું પૃથ્વીની પાન્થ, ચિરચંચલ, હું નથી ગૃહવાસી;
હું વૈશાલીમાં, વિદિશામાં, સર્વત્ર હું નિત્યપ્રવાસી;
હું તો વાસવદત્તા, વસંતસેના, કેટકેટલી કારિકા.
હું મર્ત્ય એવા મનુષ્યોની ક્ષણક્ષણાર્ધની સંગિની,
હું સ્વયં સૌંદર્ય, સ્વયં આનંદ, હું તો અપ્તરંગિની;
હું તો વિસ્મયલોકના મનેર માનુષની પરિચારિકા.