ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયારામ-૧ દયાશંકર

From Ekatra Wiki
Revision as of 07:27, 16 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દયારામ-૧/દયાશંકર'''</span> [જ.ઈ.૧૭૭૭/સં. ૧૮૩૩, ભાદરવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દયારામ-૧/દયાશંકર [જ.ઈ.૧૭૭૭/સં. ૧૮૩૩, ભાદરવા સુદ ૧૧ ઉપર ૧૨, શનિવાર-અવ. ઈ.૧૮૫૩/સં.૧૯૦૯, મહા વદ ૫, સોમવાર] : પદકવિ. ચાણોદ (જિ. વડોદરા)ના વતની. જન્મ ચાણોદમાં કે મોસાળ ડભોઈમાં. જ્ઞાતિએ સાઠોદરા નાગર. પિતા પ્રભુરામ ભટ્ટ. માતા રાજકોર. જ્ઞાતિધર્માનુસાર ઇષ્ટદેવ હાટકેશ્વર પણ પિતાના સમયથી કુલધર્મ વૈષ્ણવ પુષ્ટિમાર્ગ. ૧૦-૧૨ વર્ષની ઉંમરે માતાપિતાનાં અવસાન થતાં દયારામને અન્ય કુટુંબીઓનો આશ્રય મળ્યો ને એમને ચાણોદ તથા મોસાળ ડભોઈ રહેવાનું થયું. ઉત્તરાવસ્થામાં એ ડભોઈમાં જ સ્થાયી થયેલા પરંતુ ક્યારથી એ પ્રમાણભૂત રીતે નિશ્ચિત થતું નથી. બાળપણમાં દયારામનું સગપણ થયેલું એવી માહિતી મળે છે, પરંતુ એમણે લગ્ન કર્યા નહીં અને પોતાનું સમગ્ર જીવન શ્રી કૃષ્ણસેવામાં સમર્પી અનન્યાશ્રયી પુષ્ટિમાર્ગીય મરજાદી વૈષ્ણવ તરીકે વીતાવ્યું. એમણે વલ્લભલાલજી મહારાજ પાસે બ્રહ્મસંબંધ લીધો હતો અને ત્રણ વાર ભારતયાત્રા તથા સાત વાર શ્રીનાથજીની યાત્રા કરેલી એમ કહેવાય છે. દયારામે ડાકોરનિવાસી પુષ્ટિમાર્ગીય વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ સાથે સંપર્ક - કદાચ નાનપણમાં જ - થયેલો. એમણે દયારામની પુષ્ટિભક્તિને દૃઢ બનાવેલી તથા સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન સમજાવેલું તથા યાત્રાની પ્રેરણા આપેલી એમ કહેવાય છે. દયારામનું ઔપચારિક શિક્ષણ ઝાઝું હોય એમ દેખાતું નથી, પરંતુ એમણે ભાગવતાદિ પુરાણો, ગીતા-આદિ અન્ય ધર્મગ્રંથો, સાંપ્રદાયિક સાહિત્ય અને ભક્તિસાહિત્યોનો અભ્યાસ કર્યો હશે એમ એમના ગ્રંથો જોતાં સ્પષ્ટ સમજાય છે. દયારામના શિષ્ય-સેવકોમાં રતનબાઈ સોનારણ સાથેનો એમનો સંબંધ ચર્ચાસ્પદ બન્યો છે. એ બાળવિધવાએ દયારામની પ્રભુસેવામાં સહાય કરી હતી અને માંદગીમાં પરિચર્યા કરી હતી. રતનબાઈનો સંપર્ક, દયારામનો રંગીલો, શોખીન સ્વભાવ ભક્ત નહીં પણ પ્રણયી છે એવો આક્ષેપ થયો છે, પરંતુ દયારામની ગરબીઓ એક લાંબી પરંપરાનો વારસો છે અને દયારામે એમના જીવનકાળમાં પરમ ભગવદીય તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. દયારામ સુરીલો કંઠ ધરાવતા સંગીતજ્ઞ હતા અને એમની કીર્તનબેઠકો સંગીતસ્પર્ધામાં પલટાઈ જતી હશે એવું કેટલીક અનુશ્રુતિઓ બતાવે છે. એમની આ સંગીતજ્ઞતાનો લાભ એમની ગેય કવિતાને ભરપૂર મળ્યો છે. કવિ ૧૨ વર્ષની માંદગી ભોગવી ડભોઈમાં અવસાન પામ્યા. દયારામ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પ્રેમલક્ષણા ભક્તિધારાના કાળાનુક્રમે છેલ્લા અને ગુણવત્તાની દૃષ્ટિએ એક પ્રમુખ પ્રતિનિધિ છે. કાવ્યવાણીની અદોષતા, સ-રસતા અને અર્થઘનતાનો સ્વીકાર એમણે કર્યો છે એમ ‘સતસૈયા’ના ૧ દુહાને આધારે કહી શકાય, પણ તેઓ સ્પષ્ટપણે કહે છે કે કવિતા તો સાધન છે અને સાધ્ય છે શ્રીકૃષ્ણભક્તિ. આમ દયારામની સકલ અક્ષરોપાસનાના અધિષ્ઠતા શ્રીકૃષ્ણ છે. પુષ્ટિસંપ્રદાયમાં દૃઢ આસ્થા હોવાથી દયારામે પોતાની કૃતિઓમાં પુષ્ટિભક્તિને નિરૂપણવિષય બનાવી છે, એટલું જ નહીં પણ એમણે પુષ્ટિપથસ્થાપિત શુદ્ધાદ્વૈત વેદાંતનું પ્રતિપાદન કરતા અને અન્ય મતનું સાંપ્રદાયિક અભિનિવેશથી ખંડન કરતા ગ્રંથો રચ્યા છે. એમાં દયારામ પ્રતિપાદિત કરે છે કે બ્રહ્મ સત્ય છે અને જગત પણ સત્ય છે તેમ જ જીવ બ્રહ્મ નહીં, પરંતુ અંશી બ્રહ્મના અંશો છે ને મોક્ષ નહીં પણ પ્રેમભક્તિ દ્વારા પુરુષોત્તમરૂપ શ્રીકૃષ્ણની રાસલીલાનાં પ્રકટ દર્શન એ જ ચરમ લક્ષ્ય છે. જગતને અસત્ય, જીવ-બ્રહ્મને એક અને બ્રહ્મને નિર્ગુણ લેખનારને તેઓ ‘કાણો’ ‘ગમાર’ એવાં વિશેષણોથી નવાજે છે ! દયારામની પ્રામાણિક કૃતિઓ ઈ.૧૮૦૭ (‘અજામિલઆખ્યાન’)થી ઈ.૧૮૩૦ (માધવરામ વ્યાસને પદ્યરૂપે પત્ર)નાં રચનાવર્ષો દર્શાવે છે. પરંતુ રચ્યાસંવત ન ધરાવતી ઘણી કૃતિઓ આ પૂર્વે કેટલાક સમય પહેલાં અને આ પછી જીવનના અંતકાળ સુધી રચાયેલી હશે એમ માનવામાં બાધ નથી. એ રીતે દયારામનો કવનકાળ પચાસેક વર્ષનો ગણી શકાય. મુખ્યત્વે ગુજરાતી અને વ્રજ/હિંદીમાં ને કવચિત મરાઠી ને સંસ્કૃતમાં મળતી દયારામની કૃતિઓમાં એક મોટો ભાગ તો પદ-ગરબી પ્રકારની લઘુ રચનાઓનો છે, જે ૬૦૦ જેટલી થાય છે. અન્ય નાનીમોટી કૃતિઓ પણ ૩૦૦ જેટલી સંખ્યામાં મળે છે, જેમાંની ઘણી સાંપ્રદાયિક છે. કવિની દીર્ઘ કૃતિઓમાં સૌથી વધુ નોંધપાત્ર છે ‘પદ’ નામે ઓળખાવાયેલાં ૧૦૯ કડવાંની ‘રસિકવલ્લભ’(ર.ઈ.૧૮૨૮/સં.૧૮૮૪, શ્રાવણ સુદ ૧૧, ગુરુવાર; મુ.) કેવલાદ્વૈતસિદ્ધાંતનું ખંડન અને શુદ્ધાદ્વૈતસિદ્ધાન્તનું મંડન કરવાના ઉદ્દેશથી ગુરુશિષ્યસંવાદ રૂપે રચાયેલી આ કૃતિમાં દયારામનો સાંપ્રદાયિક તત્ત્વવિચારનો અભ્યાસ અને એની સંપ્રદાયનિષ્ઠા સબળ રૂપે વ્યક્ત થયાં છે ને પૌરાણિક દૃષ્ટાંતો તથા ઉપમાદિક અલંકારોથી કેટલીક લોકભોગ્યતા આવી છે તેમ છતાં કાવ્યની રસાત્મકતા એમાં આણી શકાઈ નથી. વ્રજભાષાનાં ઉદ્ધરણો ને કવિએ રચેલાં ૫ સંસ્કૃત શ્લોકો ધરાવતી, દુહા, કવિત એ રોળા છંદની ૧૮૨/૧૮૩ કડીની ‘પુષ્ટિપથરહસ્ય’  (મુ.) વલ્લભાચાર્ય અને તેમના કુળસમગ્રની સેવાપૂજાનું મહિમાગાન કરે છે ને પૌરાણિક તેમ જ ઔપમ્યમૂલક દૃષ્ટાંતોના તથા શબ્દચાતુર્યના વિનિયોગથી ધ્યાન ખેંચે છે. શ્રીકૃષ્ણવિષયક પ્રેમલક્ષણા ભક્તિનો એકાંતિક મહિમા કરતી, ૧૦૧ ચંદ્રાવળાની ‘ભક્તિપોષણ’  (મુ.)માં લોકભોગ્ય દૃષ્ટાંતનિયોજન છે. દુવૈયા છંદની ૭૦ કડીની, ‘નાટક’ તરીકે ઓળખાવાયેલી ‘બ્રાહ્મણભક્તિવિવાદ’  (મુ.)માં ૨ બ્રાહ્મણબંધુઓના સરળ રોચક સંવાદ રૂપે વેદવિહિત કર્મમાર્ગ કરતાં શ્રીકૃષ્ણ સેવાભક્તિમાર્ગ ચડિયાતો છે એવું પ્રતિપાદન થયું છે. ૧૬ કડીના ‘દ્વિદલાત્મક સ્વરૂપનો ગરબો’ (મુ.)માં સંપ્રદાયસંમત રાધાકૃષ્ણનું એકત્વ સુંદર દૃષ્ટાંતોથી સ્ફુટ કરવામાં આવ્યું છે. ૫૫ કડીનો ‘શુદ્ધાદ્વૈતપ્રતિપાદન-માયામતખંડનનો ગરબો’ (મુ.) પણ સાંપ્રદાયિક તત્ત્વવિચારની નાનકડી કૃતિ છે. આ પ્રકારની કેટલીક મુદ્રિત કૃતિઓ એમાં વ્યક્ત થતી વેદાંત-પુરાણાદિવિષયક વિદ્વત્તા, દયારામચરિત્રની બિનઆધારભૂત હકીકતો તેમ જ ધવલ ધન્યાસી રાગનો વિનિયોગ વગેરે જુદાં જુદાં કારણોથી દયારામની હોવાનું સંદિગ્ધ ગણવામાં આવ્યું છે. દયારામે ૧૩ વર્ષની ઉંમરે રચેલી ઠરતી, ૬૬ કડીની ‘તત્ત્વપ્રબંધ’ (ર.ઈ.૧૭૯૦/સં.૧૮૪૬, શ્રાવણ વદ ૮), ૩૨૨ કડીની ‘સદ્ગુરુ-સંતાખ્યાન’, ૩૬૭ કડીની ‘ભક્તિ દઢત્વ’, ૨૭૨ કડીની ‘ધર્મનીતિસાર’, ૧૮૬/૨૮૩ કડીની ‘શુદ્ધાદ્વૈતસિદ્ધાંત/શુદ્ધાદ્વૈતદર્શન’, ૧૮૦ કડીની ‘સારનિરૂપણ’, ૧૭૨ કડીની ‘પ્રેમભક્તિ’, ૧૫૦ કડીની ‘સિદ્ધાન્તસાર’, ૧૧૪ કડીની ‘નિ:સાધનતા’, ૮૪ કડીની ‘સારશિક્ષા’, ૮૧ કડીની ‘સ્વલ્પાપારપ્રભાવ’, ૭૨ કડીની ‘રસિકભક્ત’, સમશ્લોકી ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા-પ્રાકૃતભાષા-પદ્યબંધ’, ૧૧ ઢાળની ‘ગુરુશિષ્ય સંવાદ’ અને કેટલીક પ્રકીર્ણ કૃતિઓ. દયારામ પાસેથી ઘણી બોધાત્મક કૃતિઓ પણ મળે છે. એમાં ૫૨ કુંડળિયાની ‘પ્રબોધબાવની’(ર.ઈ.૧૮૧૪/સં. ૧૮૭૦, ફાગણ વદ ૩; મુ.) સૌથી વધુ નોંધપાત્ર છે. અનેક રસપ્રદ લોકાક્તિઓને આધારે સચોટ રીતે ભક્તિવૈરાગ્યવિષયક બોધ આપવામાં કવિનું કૌશલ પ્રગટ થાય છે. ૬૧ કડીની ‘ચિંતાચૂર્ણિકા’ (મુ.) મનુષ્યને પજવતી સર્વ ચિંતાઓમાંથી મુક્ત થવા શ્રીવલ્લભકુલોત્પન્ન ગુરુનું શરણ આદિ ઉપાયો પ્રબોધે છે અને ૩૩ કડીની ‘મનમતિ-સંવાદ’ (મુ.)માં મનને ભગવદ્ભક્તિ તરફ વળવાનો બોધ સદ્બુદ્ધિ દ્વારા અપાયો છે. આ બંને કૃતિઓ લોકગમ્ય દૃષ્ટાંતો ને લોકોક્તિઓના ઉપયોગથી નોંધપાત્ર બને છે. ૧૦૧ કડીની ‘શ્રીકૃષ્ણનામ મહાત્મ્ય માધુરી’ (મુ.) તથા ૭૧ કડીની ‘શ્રીકૃષ્ણનામમાહાત્મ્ય-મંજરી’ (મુ.) ભગવાનના નામસ્મરણથી નીપજતા પ્રભાવો વીગતે વર્ણવે છે, ૪૫૪ કડીની ‘હરિદાસચંદ્રિકા/હરિભક્તિચંદ્રિકા’ (મુ.) હરિભક્તનાં લક્ષણો વર્ણવી એનું મહિમાગાન કરે છે, ૧૯ + ૪૫ કડીની ‘શિક્ષાભક્તિવિનવણી’ (મુ.) ભક્તિ ને વિનવણીનો મહિમા વર્ણવે છે, તો ‘વિનયબત્રીસી’ (મુ.) ભગવાન પાસે કરેલી ધર્મમય જીવનની યાચના નિરૂપે છે. ૫૨ કડીની ‘ભક્તિવેલ’ (મુ.) તથા ૨૫ કડીની ‘શ્રીકૃષ્ણસ્તવનમંજરી’ (મુ.)માં ભક્તિબોધ નિમિત્તે ઈશ્વરી કૃપાનાં દૃષ્ટાંતો નોંધાયેલા છે, તો ૫૨ કડીની ‘કાળજ્ઞાનસારાંશ’ (મુ.)માં હરિભજન કરવાની પ્રેરણા મળે એ હેતુથી પુરાણકથિત મૃત્યચિહ્નો વર્ણવાયાં છે. ૧૩૧ કડીની ‘શિક્ષાપરીક્ષાપ્રદીપ’ (મુ.) ૬૦ કડીની ‘વ્યવહાર ચાતુરીનો ગરબો’ (મુ.), ૩૬ કડીની ‘ભક્તિદૃઢાવનો ગરબો’(મુ.), આ ઉપરાંત ૩૫ કડીની ‘ચેતવણી’(મુ.), ૫૧ કડીનો માધવરામ વ્યાસને પત્ર (ર.ઈ.૧૮૩૦/સં.૧૮૮૬ ચૈત્ર વદ ૩, રવિવાર; મુ.) તથા અન્ય કેટલીક બોધાત્મક કૃતિઓ આ કવિની મળે છે. ‘પ્રાચીનકાવ્યમાળા : ૧૩’ માં મુદ્રિત ‘કવિત’ નામે ઓળખાવાયેલા મનહર છંદની ૯ કડીની ‘મૂર્ખલક્ષણાવલિ’ તથા ૧૦૫ કડીની ‘વ્રજમહિમાનો ગરબો’ અભિવ્યક્તિની દૃષ્ટિએ દયારામના કર્તૃત્વ વિશે શંકા જગાડે એવી કૃતિ છે. બીજી કૃતિમાં તો કવિના પિતાનું નામ પણ ‘પ્રભાશંકર’ નોંધાયું છે ! દયારામની તત્ત્વવિચારાત્મક અને બોધાત્મક કૃતિઓની સાથે એમની નામસંકીર્તનાત્મક કૃતિઓ પણ ઉલ્લેખનીય છે. આ પ્રકારની ૧૯ કૃતિઓ મુદ્રિત મળે છે, જે ૬-૭થી ૬૬ જેટલી કડીઓમાં વિસ્તરે છે. એમાં ‘શ્રીકૃષ્ણઅષ્ટોત્તરનામચિંતામણિ’ વગેરે શ્રીકૃષ્ણનામમાળાઓની બહુલતા છે. પણ તે ઉપરાંત ગુરુનામ, ભક્તનામ વગેરેનું પણ એમાં સંકીર્તન છે. ‘પુરુષોત્તમ-પંચાગ’ને નામે ઓળખાવાયેલી કૃતિમાં ‘શ્રીવલ્લભઅષ્ટોત્તર-શતનામ’ ‘શ્રીરાધાઅષ્ટોત્તરશતનામ’ અને ‘શ્રી વ્રજભક્તઅષ્ટોત્તરશતનામ’નો સમાવેસ થયો છે. કવિની આ પ્રકારની કૃતિઓના વિષયવ્યાપનો ખ્યાલ ૮૪ અવતાર, ૮૪ કે ૨૫૨ વૈષ્ણવ, મહાપ્રભુની ૮૪ બેઠકો ને વલ્લભના પરિવારની એ નામયાદી કરે છે ને એમનો મહિમા ગાય છે તે પરથી આવશે. ભુજંગપ્રયાત, દુવૈયા, નારાચ, સવૈયા આદિ વિવિધ છંદોમાં વહેતી આ સંકીર્તનવાણી કવિની નામશબ્દોની સમૃદ્ધિ અનેૈ વર્ણવિન્યાસકુશલતાની દૃષ્ટિએ ધ્યાન ખેંચે છે અને એમના ભક્તહૃદયની સાથે સાથે કવિસંગીતજ્ઞ-વ્યક્તિત્વને ઉપસાવે છે. દયારામે ‘રસિકવલ્લભ’ જેવી સાંપ્રદાયિક વિચારણાની કૃતિઓમાં આખ્યાનનો કડવાબંધ પ્રયોજ્યો છે તે ઉપરાંત પૌરાણિક કે ભક્તચરિત્રવિષયક વૃત્તાન્તોને વણી લેતી કેટલીક આખ્યાનાત્મક રચનાઓ પણ આપી છે. દયારામના કડવાં સાઠેક કડીઓ સુધી વિસ્તરતાં જોવા મળે છે અને ‘કડવા’ માટે કેટલીક વાર ‘મીઠા’ નામ પ્રયોજાય છે. બહુધા સીધું કથાકથન કરતાં એમનાં મોટાં ભાગનાં આખ્યાનો ભાગવતાધારિત છે. એમાં ૫ મીઠાંનું ‘નાગ્નજિતીવિવાહ’(મુ.) પ્રૌઢિયુક્ત કથનશૈલી, નાગ્નજિતીના મનોભાવોના આલેખનને હાસ્યનિરૂપણની લેવાયેલી તકથી, ૯ કડવાંની ‘અજામિલાખ્યાન’ (ર.ઈ.૧૮૦૭/સં. ૧૮૬૩, ભાદરવા સુદ ૧૫, બુધવાર; મુ.) પુરાણાદિનાં સૂત્રો ઉદ્ધૃત કરીને અપાયેલા વિસ્તૃત ભક્તિબોધથી અને ૮ કડવાંની ‘સત્યભામાવિવાહ’ (મુ.) ભોજનાદિના વીગતપ્રચુર વર્ણનોથી ધ્યાનાર્હ બને છે. વર્ણન, સ્તુતિ, કથાકથન બધાંમાં પ્રસ્તાર બતાવતું ‘વૃત્રાસુરનું આખ્યાન’ (મુ.), ૧૯ કડવાંએ અધૂરું રહેલું છે. ૩ મીઠાંનું ‘રુકિમણીવિવાહ/હરણ’ (મુ.), ૩ કડવાનું ‘રુકિમણીસીમંત’ (મુ.), ૩૭ કડીનું ‘મીરાં-ચરિત્ર’ (મુ.) અને ૨૩ કડીનું ‘કુંવરબાઈનું મામેરું’ પ્રાસાદિક અભિવ્યક્તિ ધરાવતી પણ એકંદરે સીધું કથાકથન કે પ્રસંગવર્ણન કરી જતી કૃતિઓ છે. દયારામની આ આખ્યાનરચનાઓમાં સાંસ્કૃતિક અધ્યયનની કેટલીક સામગ્રી છે, પરંતુ કલાદૃષ્ટિએ એમણે એમાં કોઈ વિશિષ્ટ સિદ્ધિ દાખવી નથી. એ કૃતિઓનું ભાષારૂપ તળપદા ને લોકબોલીના શબ્દો, કહેવતો, ઉપમાદિ અલંકારો ને શબ્દાલંકારોની પ્રચલિત લઢણોથી બંધાયેલું છે. દયારામની કેટલીક વિશિષ્ટ કથાત્મક રચનાઓ પણ મળે છે. ‘શ્રીમદ્ભગવદ્ગીતામાહાત્મ્ય’ (ર.ઈ.૧૮૨૩/સં.૧૮૭૯, શ્રાવણ વદ ૮, મંગળવાર; મુ.)માં એકેએક અધ્યાયનો મહિમા પ્રગટ કરતી ૧૮ અલગઅલગ કથાઓ રજૂ કરવામાં આવી છે, તો ૧૩૧ કડીની ‘દશમસ્કંધલીલાનુક્રમણિકા’ને અન્ય ૨ લઘુકૃતિઓ (મુ.) દશમસ્કંધના કથાપ્રસંગોનો ક્રમશ: ઉલ્લેખ કરે છે. ૨૭ કડીની ‘શ્રીકૃષ્ણ ઉપવીત/જનોઈ’ (મુ.) ઉપરાંત કેટલાક ગરબાઓ શ્રીકૃષ્ણના આ જીવનપ્રસંગોનું વર્ણન કરે છે. જેમ કે, ૫૬ કડીનો ‘શ્રીકૃષ્ણપ્રાગટ્ય/જન્મખંડનો ગરબો (મુ.) શ્રીકૃષ્ણના જન્મપ્રસંગને વર્ણવે છે, ૩૪ કડીનો ‘મોહિનીસ્વરૂપનો ગરબો’ (મુ.) મહાદેવને શ્રીકૃષ્ણે મોહિનીસ્વરૂપ બતાવેલું તે પ્રસંગને આલેખે છે ને વિસ્તૃત સૌન્દર્યવર્ણનનો આશ્રય લે છે તો ૧૪ કડીનો ‘અદલબદલનો શૃંગારનો ગરબો’ (મુ.) કૃષ્ણરાધા એકબીજાનો વેશ પહેરે છે તે પ્રસંગનું નિરૂપણ કરે છે. ગોપીના કાત્યાયનીવ્રત અને વસ્ત્રહરણના પ્રસંગને આલેખતા ૧૭ અને ૬૧ કડીના ૨ ગરબા (મુ.), કૃષ્ણના ચરિત્રથી રિસાયેલી રાધાને મનાવવા જતી લલિતાનો પ્રસંગ આલેખતો, ૩૪ કડીએ અપૂર્ણ રહેલો ‘માનલીલાનો ગરબો’ (મુ.) એક, કૃષ્ણની બાળચેષ્ટાઓને આલેખતો અને બીજો ગોપીની ફરિયાદના પ્રસંગને આલેખતો એવા ૨૬-૨૬ કડીના ૨ બાળલીલાના ગરબા (મુ.) તથા રાસલીલાના આખાયે પ્રસંગને હૃદયંગમ રીતે આલેખતા ૨ ગરબા (મુ.) - ૩૩ કડીનો ‘રાસલીલાનો ગરબો’ તથા ૨૦૨ કડીનો ‘રાસપંચાધ્યાયીનો ગરબો’ દશમસ્કંધ આધારિત અન્ય વૃતાન્તમય રચનાઓ છે. ૫૭ કડીનો ‘વિરુદ્ધધર્માશ્રય એ અકળચરિત્રનો ગરબો’ (મુ.) પૌરાણિક અવતારો રૂપે ભગવાને કરેલાં વિરુદ્ધ કાર્યોને વર્ણવતી લાક્ષણિક કૃતિ છે. પ્રસંગવર્ણનાત્મક અન્ય દીર્ઘકૃતિઓમાં ભુજંગપ્રયાતની ૧૯૮મી કડીએ અપૂર્ણ, શ્રીકૃષ્ણરૂપવર્ણન, વૃંદાવનવર્ણન અને રાસલીલાવર્ણનને સમાવતી ‘શ્રીકૃષ્ણસ્તવન માધુરી’ (મુ.)નો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. જેમાં હનુમાન અને ગરુડ એકબીજાના સ્વામીઓ રામ અને કૃષ્ણના જીવનની પુરાણપ્રસિદ્ધ હકીકતોનો આધાર લઈ એમની નિંદા કરે છે અને અંતે રામકૃષ્ણનું એકત્વ સૂચવાય છે એ લાવણીની ૪૧ કડીનો વિનોદાત્મક ‘હનુમાન ગરુડ-સંવાદ’ (મુ.) પણ વિશિષ્ટ પ્રકારની વૃત્તાન્તગર્ભિત રચના છે. વસ્તુકથન માટે ૧ પદ ટૂંકું પડતાં અનેક પદમાળા રૂપે વિકાસ પામેલ કેટલીક કૃતિઓ પણ દયારામ પાસેથી મળે છે. એમાં ભાગવત-દશમસ્કંધ-આધારિત ઉદ્ધવસંદેશનો પ્રસંગ આલેખતી ૨૧ પદની ‘પ્રેમરસ-ગીતા’(મુ.) વત્સલ, વિપ્રલંભ અને કરુણના અસરકારક આલેખન તેમ જ તળપદી વાગ્ભંગીઓ ને દૃષ્ટાંતોની મર્મવેધકતાથી સૌથી વધુ નોંધપાત્ર બનતી કૃતિ છે. દયારામનાં મળતાં પદોમાં વત્સાસુરવધ જેવા પ્રસંગોનું વર્ણન એકથી વધુ પદોમાં વિસ્તરતું હોય એવું પણ જોવા મળે છે. ‘પ્રાચીન કાવ્યમાળા : ૧૩’માં મુદ્રિત કેટલીક વૃત્તાન્તાત્મક કૃતિઓ હસ્તપ્રતની અપ્રાપ્યતા તથા આંતરિક સામગ્રી ને અભિવ્યક્તિગત પ્રમાણોથી દયારામની હોવાનું સંદિગ્ધ લેખાયું છે તેમાં ૨૧ પદની ‘પત્રલીલા’ (ર.ઈ.૧૮૦૬), ૫ પદની ‘મુરલીલીલા’, ૧૨ પદની ‘રૂપલીલા’ તેમ જ સૂરદાસમાંથી અનુવાદ રૂપે રચાયેલી ૨ કૃતિઓ - ૬૪ પદની ‘કમળલીલા’ તથા ૧૧૧૭ કડીની ‘સારાવલી’ (ર.ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, શ્રાવણ સુદ ૧૨, રવિવાર) - નો સમાવેશ થાય છે. દયારામે ઘણાં મધ્યકાલીન પરંપરાગત કાવ્યરૂપો પ્રયોજ્યાં છે. ૧૨ કડી ઉપરાંત શાર્દૂલવિક્રીડિત અને માલિનીવૃત્તના ૧-૧ શ્લોકમાં પ્રત્યેક ઋતુનો સંદર્ભ ચિત્રાત્મક રીતે વર્ણવતી ‘ષડ્ઋતુવર્ણન’(મુ.) રાધાવિરહને નિરૂપતી વિશિષ્ટ રચના છે. એમાં વર્ષાઋતુથી માંડી પ્રત્યેક ઋતુમાં રાધાની વિરહવ્યથા ઉત્તરોત્તર ઉત્કટતા પામતી જાય છે અને અંતે ગ્રીષ્મમાં શ્રીકૃષ્ણનાં ભાવાત્મક દર્શન કરીને વિરહમુક્તિ અનુભવાય છે એવો વિકાસક્રમ આલેખાયો છે. મહિના-વિષયક દયારામની ૪ રચનાઓ (મુ.) છે. તેમાં ૬૧ કડીની ‘રસિયાજીના મહિના’ સૌથી વધુ નોંધપાત્ર કૃતિ છે. એમાં પ્રકૃતિનાં ને નાયિકાની સ્થિતિનાં વિરોધોનાં માર્મિક ચિત્રો ઉપસાવાયાં છે ને લાક્ષણિક સ્ત્રી-મનોભાવોને અભિવ્યક્તિ મળી છે. બીજી અગત્યની કૃતિ પુરુષોત્તમ માસ સાથે ૧૩ માસના વિરહભાવનું હૃદયંગમ વર્ણન કરતી ‘કૃષ્ણવિરહના/રાધિકાવિરહના દ્વાદશમાસ’ છે. એમાં પ્રત્યેક માસનું વર્ણન દુહાની ૫ કડી અને ૧ શ્લોકમાં થયું છે. મહિનાવિષયક અન્ય ૨ કૃતિઓ તે ૧૫ કડીના ‘તેરમાસ’ તથા ૧૨ કડીના ‘વહાલમજીના મહિના’. તિથિ-પ્રકારની દયારામની ૨ રચનાઓ (મુ.) મળે છે - ‘પંદર તિથિનો ગરબો’ અને ‘સોળ તિથિઓ-હીરાવેધ’. બંનેમાં ગોપીના વિરહભાવ ને કૃષ્ણપ્રેમના અનુભવનું આલેખન છે, પણ બીજી રચના તિથિઓના શ્લેષપૂર્વક થયેલા ઉલ્લેખથી જુદી તરી આવે છે. ‘સાત વાર અને માનચરિત્રનો ગરબો’માં પણ વારનાં નામો શ્લેષપૂર્વક ગૂંથાયાં છે. એમાં રિસાયેલી રાધાને સખીની સમજાવટ વર્ણવાયેલી છે. ૩૧ કડીનો ‘મન પ્રબોધનો કક્કો’ (મુ.) બોધાત્મક કૃતિ છે. દયારામનો કવિપદયશ જેના પર વિશેષે નિર્ભર છે એવું એમનું સર્જન તો છે લગભગ ૬૦૦ની સંખ્યાએ પહોંચતી ગરબો-ગરબી-ધોળ આદિ પ્રકારની લઘુ પદ રચનાઓ (ઘણી મુ.), જેમાંની કેટલીક રચનાઓની નોંધ આગળ લેવાઈ ગઈ છે. એ સિવાય, મનોરમ દૃષ્ટાંતકળાથી પ્રેમના ગૂઢ, ગહન સ્વરૂપની ઊંડી સમજ વ્યક્ત કરતો ૨૯ કડીનો ‘પ્રેમપરીક્ષા’નામક ગરબો વગેરે અનેક સુંદર કૃતિઓ એમાં જડી આવે છે. દયારામની આ રચનાઓમાં કૃષ્ણવિષયક ભક્તિશૃંગારનું આલેખન કરતી અને હીંચના તાલને કારણે સમૂહગત નૃત્યક્ષમતા ને ગેયતા ધરાવતી પદરચનાઓ ગરબીઓતરીકે ઓળખાવાઈ છે. દયારામનાં એ સૌથી વધુ લોકપ્રિય એવાં ઊર્મિકાવ્યો છે. એમાં દયારામે કૃષ્ણ અને ગોપાંગનાઓનાં પરસ્પરના અનુરાગ, કામણ, રિસામણાં-મનામણાંની ભાવાવસ્થાઓને આત્મનિવેદન, સંવાદ, કથન જેવી વિવિધ અભિવ્યક્તિછટાઓમાં શબ્દસ્થ કરતાં ગુજરાતી ભાષાની ભાવક્ષમતાની જે ગુંજાયશો પ્રગટ કરી છે એ તેમનું અવિસ્મરણીય કવિકર્મ છે. અન્ય પદોઆત્મ-અનાત્મનો વિવેકબોધ, આત્મનિરીક્ષણ, વિનમ્રતા, પશ્ચાતાપ, દાસ્ય, દીનતા આદિ ભાવોને આલેખતાં ભક્તિવૈરાગ્યનાં પદો છે અને એમાંથી ઉત્કૃષ્ટ પુષ્ટિજીવ તરીકેનું દયારામનું વ્યક્તિત્વ પમાય છે. ૫૦૦ ઉપરાંત કડીઓમાં શૃંગારરસના આલંબનરૂપ નાયિકાભેદનું વિવરણ રજૂ કરતી અને મુખ્ય સ્વામિની રાધાનું સ્વરૂપ પ્રત્યક્ષ થાય એવો ઉદ્દેશ ધરાવતી ‘અલૌકિકનાયકનાયિકાલક્ષણ ગ્રંથ’  (મુ.) હિંદી રીતિધારાના લક્ષણગ્રંથોની પરંપરાની કૃતિ છે, જોકે ધવલધન્યાશ્રી રાગની આ કૃતિનું દયારામનું કતૃત્વ કે. કા. શાસ્ત્રીની દૃષ્ટિએ સંદિગ્ધ ગણાય. ગુજરાતી તથા વ્રજ/હિંદીમાં ચાલતી ‘ચાતુરચિત્તવિલાસ’ (મુ.) સમસ્યા, અવળવાણી આદિ કૂટ કાવ્યની શૈલીએ પુરાણાદિની કથાઓને, વ્યવહારચિત્રને ને કૃષ્ણમહિમાને રજૂ કરે છે. દયારામે જેમાં શ્રીજીના દર્શનના સ્વાપ્નિક અનુભવો વર્ણવ્યા હોય ને જાત સાથે ગોષ્ઠિ કરી હોય તેવી ૫૭ કડીની ‘સ્વાંત:કરણ સમાધાન’ વગેરે કેટલીક ફુટકળ પદ્યરચનાઓ ને ‘નિકુંજનાયક શ્રીનાથજીને વિનવણી’ (મુ.), ‘મનપ્રબોધ’, ‘પ્રત્યક્ષાનુભવ’ વગેરે ગદ્યરચનાઓ મુદ્રિત મળે છે એ દયારામના અધ્યાત્મ-અનુભવ અને અંતસ્તાપના નિવેદન રૂપે નોંધપાત્ર છે. દયારામની અન્ય ગદ્યરચનાઓમાં ૧૫ પ્રકરણની ‘પ્રશ્નોત્તરમાલિકા’ (મુ.) શિષ્યગુરુનાં ૧૫ પ્રશ્નોત્તરમાં ૪ વૈષ્ણવ મતો અને શાંકરવેદાંતના સિદ્ધાંતો રજૂ કરી શુદ્ધાદ્વૈત વેદાંત અને પુષ્ટિભક્તિ રીતિભાવનાનું સમર્થન કરે છે. દર્શનશાસ્ત્રના દુરુહ સિદ્ધાંતોની સુગમ સમજ આપતી આ કૃતિમાં કર્તાની બહુશ્રુત વિદ્વત્તાનો નિચોડ છે. ‘પ્રશ્નોત્તરમાળા’ (મુ.)માં ધર્મબોધ અને વ્યવહારબોધના ૧૦૮ ટૂંકા પ્રશ્નોત્તર છે, તો ‘હરિહરાદિસ્વરૂપ તારતમ્ય’ (મુ.)માં શિવજીની સામે શ્રીહરિનું પરબ્રહ્મપણું કેટલીક પૌરાણિક કથાઓના આધાર સાથે સ્થાપિત કર્યું છે. પદ્મપુરાણાન્તર્ગત ‘શ્રીમદ્ભગવદગીતા મહાત્મ્ય’ને એમણે ગુજરાતી ગદ્યમાં ઉતારેલ છે, તેમાંનાં ચરિત્રવર્ણનોમાં કથાકાર પુરાણીની શૈલી ધ્યાન ખેંચે છે. પોતાની વ્રજભાષાની કૃતિ ‘સતસૈયા’ તથા ગુજરાતી-વ્રજ કૃતિ ‘ચાતુરચિત્ત વિલાસ’ તેમ જ ગોપાલદાસના ‘વલ્લભાખ્યાન’ની ગદ્યટીકા (મુ.)માં શબ્દોના પર્યાયો આપી વિવરણપદ્ધતિએ અર્થોદ્ઘાટન કરવાનો પ્રયત્ન છે, જે અર્થ ક્યારેક ભાવાનુવાદ પણ બનતો દેખાય છે. ગદ્યમાં આ ઉપરાંત, દયારામ પાસેથી ‘વલ્લભનામ માહાત્મ્યનિરૂપણ’ (મુ.), ‘જ્ઞાનપ્રકરણ’ તથા ‘સત્સંગ વિશે’ની નોંધો (મુ.), ‘કલેશકુઠાર’ના ૩ દુહા પરની નોંધ (મુ.) અને અન્ય પ્રકીર્ણ રચનાઓ (કેટલીક મુ.) મળે છે. દયારામે વ્રજ-હિંદી ભાષામાં વિપુલ પ્રમાણમાં અને નોંધપાત્ર રચનાઓ કરી છે. એમાં ‘રસિકરંજન’ (મુ.) ‘સંપ્રદાયસાર’ (મુ.), ‘પુષ્ટિપથસારમણિદામ’ (મુ.), ‘સિદ્ધાંતસાર’ (મુ.) જેવી તત્ત્વવિચારાત્મક કૃતિઓ છે. આ પ્રકારની કૃતિ ‘ભક્તિવિધાન’ (મુ.) શોભાચંદ્રની કૃતિને જ મુખ્યત્વે સમાવતી હોય તેવી છે. એનું દયારામનું કર્તૃત્વ સ્થાપિત થતું નથી. ‘કલેશકુઠાર’ (મુ.), ‘કૌતુકરત્નાવલી’ (મુ.) વગેરે બોધાત્મક, તો ‘પુષ્ટિભક્તરૂપમાલિકા’ (મુ.) આદિ ઘણી નામમાળાઓ પણ એમણે રચેલી છે. ‘વિષ્ણુસ્વામીની પરચરી’ (મુ.), ‘અકલચરિત્રચંદ્રિકા’ અને ‘શ્રીમદ્ભાગવતાનુક્રમણિકા’ (ર.ઈ.૧૮૨૩/સં.૧૮૭૯, ફાગણ વદ ૨; મુ.) ચરિત્રવર્ણનાત્મક ને પ્રસંગવર્ણનાત્મક કૃતિઓ છે, તો શ્રીજી, ગુરુ આદિના માનસદર્શનના અનેક પ્રસંગોને વર્ણવતી ‘અનુભવમંજરી’ (મુ.), ‘પ્રમેયપચાવ’ (મુ.) આ બીજી કૃતિના સાંધણ સમી ‘સ્વાંત:કરણસમાધાન’ (મુ.) વગેરે કૃતિઓ આત્મકથાનાત્મક અને આત્મનિવેદનાત્મક છે. ‘વૃંદાવન વિલાસ’ (મુ.) જેવી વર્ણનાત્મક કૃતિઓ અને લાવણી, રેખતો આદિ અનેક પદ્યબંધોમાં ચાલતા ઘણાં પદો (મુ.) પણ દયારામે રચ્યાં છે. એમની ‘સતસૈયા’ (ર.ઈ.૧૮૧૬/સં.૧૮૭૨, ભાદરવા સુદ ૮ ગુરુવાર; મુ.) સુક્તિસંચયની કાવ્યપરંપરામાં કલાત્મકતા અને સરસતાની દૃષ્ટિએ અગત્યનું સ્થાન મેળવે એવી કૃતિ છે, તો એકથી ૧૦૮ સુધીની સંખ્યાઓ ધરાવતી વસ્તુઓની સૂચિ કરતી ‘વસ્તુવૃંદદીપિકા’ (ર.ઈ.૧૮૧૮/સં. ૧૮૭૪ શ્રાવણ વદ ૮; મુ.) અને ‘પિંગળસાર’ (મુ.) દયારામની બહુશ્રુતતાનો વિસ્મયકારક અનુભવ આપણને કરાવે છે. આ ઉપરાંત દયારામને નામે ‘વ્રજવિલાસામૃત’ (ર.ઈ.૧૮૨૬/સં.૧૮૮૨, આસો સુદ ૫; મુ.), ‘સપ્તભૂમિકા’, ‘રાગમાળા’, ‘તાલમાળા’ વગેરે કેટલીક કૃતિઓ નોંધાયેલી છે. સર્વ કૃતિઓ દયારામનું ભાષા અને પદ્ય પરનું પ્રભુત્વ દર્શાવે છે. દયારામે મરાઠીમાં ‘નરસિંહ મહેતાની હૂંડી’ (મુ.) અને સંસ્કૃતમાં સ્તોત્રાદિ પ્રકારની કૃતિઓ રચેલી મળે છે. કૃતિ : ૧. અનુભવમંજરી, સં. જીવણલાલ છ. જોશી, ઈ.૧૯૬૮; ૨. કૌતુકરત્નાવલી અને પિંગલસાર, સં. જીવનલાલ છ. જોશી, સં. ૧૯૯૫; ૩. દયારામ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૬૦ (+સં.); ૪. દયારામ કાવ્ય સુધા, સં. પ્રાણશંકર વૈ. વ્યાસ, ઈ.૧૯૧૬ (સં.); ૫. દયારામ કાવ્યામૃત, સં. રણછોડભાઈ હ. જોશી, નાથજીભાઈ ગિ. જોશી, ઈ.૧૯૪૯ (+સં.); ૬. દયારામકૃત કાવ્ય, પ્ર. નારાયણભિકશેટ, સખારામભિકશેટ, સં. ૧૯૩૨; ૭. દયારામકૃત કાવ્યમણિમાલા : ૧, સં. છોટાલાલ ગિ. જોશી, ઈ.૧૯૧૪ (+સં.); ૮. દયારામકૃત કાવ્યમણિમાલા-૨, સં. છોટાલાલ ગિ. જોશી, વસંતરામ હ. શાસ્ત્રી, ઈ.૧૯૧૬ (+સં.); ૯. દયારામકૃત કાવ્યમણિમાલા : ૩ અને ૪, સં. છોટાલાલ ગિ. જોશી, જગજીવનદાસ દ. મોદી, બંનેની ઈ.૧૯૨૪ (+સં.); ૧૦. દયારામકૃત કાવ્યમણિમાલા : ૫, નાથજીભાઈ ગિ. જોશી, વસંતરામ હ. શાસ્ત્રી, ઈ.૧૯૨૯ (+સં.); ૧૧. દયારામકૃત કાવ્યમણિમાલા : ૬, સં. નારાયણદાસ ૫. શાહ, ઈ.૧૯૪૮; ૧૨. દયારામ કૃત કાવ્યસંગ્રહ (૨ ભાગમાં) સં. નર્મદાશંકર લાલશંકર, ઈ.૧૮૬૦; ૧૩. દયારામકૃત ભક્તિનીતિ કાવ્યસંગ્રહ, પ્ર. હરજીવન પુરુષોત્તમ, ઈ.૧૮૭૬; ૧૪. દયારામ ગદ્યધારા, સં. કેશવરામ કા. શાસ્ત્રી, જીવનલાલ છ. જોશી, ભા. ૧ અને ૨ - ઈ.૧૯૮૧, ૩ - ઈ.૧૯૮૩; ૧૫. દયારામ રસથાળ, સં.જીવનલાલ છ. જોશી, સં. ૨૦૦૧; ૧૬. દયારામ રસધારા, સં. કેશવરામ કા. શાસ્ત્રી, જીવનલાલ છ. જોશી, ભા. ૧ - ઈ.૧૯૭૧, ર - ઈ.૧૯૭૩, ૩ અને ૪ - ઈ.૧૯૭૫, ૫ અને ૬ -ઈ.૧૯૮૧, ૨-ઈ ૧૯૭૩, ૩ અને ૪ - ઈ.૧૯૭૫, ૫ અને ૬ - ઈ.૧૯૮૧, ૯ - ઈ.૧૯૮૦; ૧૭. દયારામ રસસુધા, સં. શંકરપ્રસાદ છ. રાવલ, ઈ.૧૯૪૩ (+સં.); ૧૮. દયારામ વાકસુધા, સં. જીવનણલાલ છ. જોશી, ઈ.૧૯૪૧; ૧૯. દયારામ સતસઈ (સટીક), સં. અંબાશંકર નાગર ઈ.૧૯૬૮; ૨૦. દયારામ સાગર લ્હેરી, સં. જીવણલાલ છ. જોશી, સં. ૧૯૯૮; ૨૧. પુષ્ટિપથરહસ્ય, સં. ગોવિંદલાલ વાડિયાવાલા, સં. ૨૦૦૧ (+સં.); ૨૨. પુષ્ટિપથરહસ્ય તથા બીજું કાવ્યસાહિત્ય, પ્ર. ભક્ત કવિશ્રી દયારામભાઈ સ્મારક સમિતિ, સં. ૨૦૦૩; ૨૩. પ્રબોધબાવની, સં. માધવ મો. ચૌધરી, સં. ૨૦૦૬; ૨૪. પ્રશ્નોત્તરમાલિકા, સં. છગનલાલ હિ. જોશી, ઈ.૧૯૩૧ (+સં.); ૨૫. ભક્તવેલ, પ્ર. નટવરલાલ ઈ.દેસાઈ, ૧૯૫૦; ૨૬. ભક્તિપોષણ, પ્ર. શુદ્ધાદ્વૈત સંસદ, ઈ.૧૯૪૮ (સુધારેલી બીજી આ.); ૨૭. ભક્તિપોષણ, પ્ર. રણછોડદાસ વરજીવનદાસ, ઈ.૧૯૧૩ (બીજી આ.); ૨૮ રસિકવલ્લભ, સં. કેશવરામ કા. શાસ્ત્રી, ઈ.૧૯૬૧; ૨૯. રસિકવલ્લભ, સં. જેઠાલાલ ગો. શાહ. ઈ.૧૯૩૩, ઈ.૧૯૬૩; (સુધારેલી બીજી આ.) (+સં.); ૩૦. વ્રજવિલાસામૃત, પ્ર. ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, ઈ.૧૯૩૩;  ૩૧. પ્રાકામાળા : ૨, ૧૧, ૧૩, ૩૨. પ્રાકાસુધા : ૩; ૩૩. પ્રેમરસમાળા, પ્ર. બાજીભાઈ અમીચંદ, ઈ.૧૮૬૬; ૩૪. બૃકાદોહન : ૧, ૪, ૫ (+સં.), ૬;  ૩૫. અનુગ્રહ, માર્ચ-એપ્રિલ ૧૯૬૧-‘શ્રી દયારામભાઈનું અપ્રગટ સાહિત્ય’, સં. જીવણલાલ છ. જોશી; ૩૬. અનુગ્રહ, ફેબ્રુ. ૧૯૬૨-‘ધવલ ધનાશ્રી રાગના ત્રણ ગ્રંથો’, સં. જીવણલાલ છ. જોશી; ૩૭. અનુગ્રહ એપ્રિલ ૧૯૬૨-‘ભક્તલક્ષણ’, સં. જીવણલાલ છ. જોશી; ૩૮. અનુગ્રહ મે ૧૯૬૨ - ‘અનન્યશરણ-સ્વરૂપદર્શન’, સં. જીવણલાલ છ. જોશી; ૩૯. અનુગ્રહ, જુલાઈ અને ઑગસ્ટ. ૧૯૬૨ - ‘દયારામ ભાઈની વાણી’, સં. જીવણલાલ છ. જોશી; ૪૦. અનુગ્રહ, નવે. તથા ડિસે. ૧૯૬૨ અને જાન્યુ. તથા ફેબ્રુ. ૧૯૬૩ - ‘દયારામભાઈનો વાણીપ્રસાદ’, સં. જીવણલાલ છ. જોશી; ૪૧. પ્રાકાત્રૈમાસિક ઈ.૧૮૮૬ અં. ૩ - ‘ષડઋતુ’, ‘પ્રબોધબાવની’, ‘મનમતિસંવાદ’ (+સં.); ૪૨. એજન, ઈ.૧૮૮૮ અં. ૧ - ‘રાસ પંચાધ્યાયી’, ‘હરિભક્તચંદ્રિકા’ ૪૩. એજન, ઈ.૧૮૮૯ અં. ૨-‘રાધિકાવિરહના દ્વાદસમાસ’; ૪૪. એજન, ઈ.૧૮૮૯ અં. ૪-‘બ્રાહ્મણભક્તવિવાદનાટક’, ‘યમુનાજીની સ્તુતિ’, ‘પદો’, ‘રાધા અષ્ટોત્તર શતનામ’, ‘શ્રીકૃષ્ણ અષ્ટોત્તર શતનામચિંતામણિ’, ‘કૃષ્ણઉપવતી’; ૪૫. એજન, ઈ.૧૮૯૪ અં. ૧ - ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા માહાત્મ્ય.’ સંદર્ભ : ૧. કવિચર્ચામાળા : ૧-૨-૩. સં. ભોળાનાથ બા. કંથારિયા, ઈ.૧૯૨૪ (બીજી આ.); ૨. કવિ દયારામનો અક્ષરદેહ; ગોવર્ધનરામ મા. ત્રિપાઠી, ઈ.૧૯૦૮; ૩. કવિરત્ન દયારામની સંપૂર્ણ જીવનકથા, ત્રિભુવન જ. શેઠ, ઈ.૧૮૯૯; ૪. દયારામ, જગજીવનદાસ દ. મોદી, ઈ.૧૯૧૮; ૫. દયારામ, પ્રવીણ દરજી, ઈ.૧૯૭૮; ૬. દયારામ અને હાફેઝ, કૃષ્ણલાલ મો. ઝવેરી, ઈ.૧૯૦૧; ૭. દયારામ એક અધ્યયન, સુભાષ મ. દવે, ઈ.૧૯૭૦; ૮. ભક્તકવિશ્રી દયારામનું આંતરજીવન અથવા દિવ્ય અક્ષરદેહ, મૂલચંદ તુ. તેલીવાલા, જેઠાલાલ ગો. શાહ, ઈ.૧૯૩૧; ૯. દયારામ શતાબ્દી સ્મૃતિગ્રંથ શ્રદ્ધાંજલિ, સં. સી. સી. શાહ, વિનોદચંદ્ર ડા. પાઠક; ૧૦. બંસીબોલના કવિ યાને ભક્તકવિ શ્રી દયારામભાઈનું જીવનદર્પણ, જેઠાલાલ ગો. શાહ, ઈ.૧૯૬૩; ૧૧. ભક્તકવિ દયારામ, પુરોહિત લાભશંકર ધનજીભાઈ; ૧૨. આપણા સાક્ષરરત્નો : ૨, ન્હાનાલાલ દ. કવિ, ઈ.૧૯૩૫ - કવિવર દયારામભાઈ; ૧૩. (ધ) કલૅસિકલ પોએટ્સ ઑવ ગુજરાત, ગોવર્ધનરામ એમ. ત્રિપાઠી, *ઈ.૧૮૯૪, ઈ.૧૯૫૮ (ત્રીજી આ.); ૧૪. ગુમાસ્તંભો; ૧૫. ગુલિટરેચર; ૧૬. ગુસાઇતિહાસ : ૨; ૧૭. ગુસામધ્ય;  ૧૮. ત્રણ જ્યોતિર્ધરો, કે. કા. શાસ્ત્રી, ૧૯૭૩ - ‘દયારામ’, ‘ભક્તકવિ દયારામભાઈ’, ‘શ્રી દયારામભાઈના ગુરુ શ્રી વલ્લભજી મહારાજ,’ ‘ભક્તકવિ દયારામભાઈની કૃતિઓનો રચનાક્રમ’, ‘ભક્તકવિ દયારામને નામે ચડેલી કૃતિઓ’; ૧૯. એજન - ‘કૃષ્ણજન કવિ દયારામભાઈ,’ ‘સમીક્ષાને પંથે’, લે. જીવનલાલ છ. જોશી; ૨૦. થોડાંક રસદર્શનો સાહિત્ય અને ભક્તિનાં, કનૈયાલાલ મુનશી, સં. ૧૯૮૯ - ‘દયારામ ગુજરાતનો પ્રણયકવિ’; ૨૧. દિવાનબહાદુર કૃ. મો. ઝવેરી લેખસંગ્રહ, સંપા. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૫૧ - ‘દયારામ અને હાફેઝ’; ૨૨. નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે * પહેલી આ. ૧૮૬૫, ૧૯૭૫ - ‘કવિચરિત્ર’; ૨૩. સાહિત્ય અને વિવેચન-૨, કેશવલાલ હ. ધ્રુવ, ઈ.૧૯૪૧ - ‘કવિ દયારામ વિશે કંઈક અથવા દયારામનું પૂર્વજીવન’;  ૨૪. ગુર્જભારતી, જુલાઈ ઑગ. તથા સપ્ટે.-નવે. ૧૯૭૭ - ‘વિવિધ લેખકોના લેખો’; ૨૫. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૬૫ - ‘દયારામ ભક્ત અને પ્રણયી’ ચંદ્રકાન્ત ટોપીવાળા; ૨૬. વૈશ્વાનર વર્ષ ૧૦ અંક. ૧-૨ અને ૩-૪, દયારામ સ્મારકાંક-‘વિવિધ લેખકોના લેખો’;  ૨૭. ગૂહાયાદી; ૨૮. ફૉહનામાવલિ. સંદર્ભસૂચિ : ૧. ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ) સંપા. પ્રકાશ વેગડ, ઈ.૧૯૮૪; ૨. દયારામ એક અધ્યયન, સુભાષ મ. દવે, ઈ.૧૯૭૦; ૩. દયારત્નમાળા : ૧ અને ૨, સં. ભોળાનાથ બા. કંથારિયા, ઈ.૧૯૨૪ (ત્રીજી આ.) અને ઈ.૧૯૨૬. [સુ.દ.]