ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવરાજ-૧
Revision as of 12:02, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવરાજ-૧'''</span> [ઈ.૧૫૩૪ સુધીમાં] : જ્ઞાતિએ પુષ્ક...")
દેવરાજ-૧ [ઈ.૧૫૩૪ સુધીમાં] : જ્ઞાતિએ પુષ્કરણા બ્રાહ્મણ અવટંકે ભટ્ટ. મેવાડના વતની. વસંતઋતુમાં વિશ્વનાથના પૂજનાર્થે રચાયેલા એમના ‘કાશીવિલાસ’ (લે.ઈ.૧૫૩૪; મુ.)માં ગુજરાતી કડી અને એના અનુવાદ રૂપે સંસ્કૃત કડી એમ કુલ ૪૬ કડી છે. ગુજરાતી કડીઓમાં ઘણે સ્થાને આંતરયમકનો આશ્રય લેતાં અને શબ્દરચનાદિમાં ‘વસંતવિલાસ’નો પ્રભાવ વ્યક્ત કરતા આ કાવ્યને કવિએ ફાગુકાવ્ય તરીકે કલ્પેલું છે એમ જણાઈ આવે છે. કાવ્યમાં અલંકારો અને ઉક્તિવૈચિત્ર્યની મદદથી કાશીનું વર્ણન અને તેનું મહિમાગાન કરવામાં આવેલું છે. કૃતિ : સ્વાધ્યાય, ફેબ્રુ. ૧૯૬૭ - ‘દેવરાજ ભટ્ટ રચિત ‘કાશીવિલાસ’ સં. અગરચંદ નાહટા. સંદર્ભ : ૧. વિદ્યા, જાન્યુ; ૧૯૭૨ - ‘કાશીવિલાસ અને વસંતવિલાસ’, હ. ચૂ. ભાયાણી; ૨. ફાહનામાવલિ : ૨. [કી.જો.]