ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/‘પ્રશ્નોત્તરમાલિકા’

From Ekatra Wiki
Revision as of 12:25, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘પ્રશ્નોત્તરમાલિકા’'''</span> : ધીરાકૃત કાફી પ્રકારનાં ૨૧૭ પદની માળા(મુ.). શિષ્યગુરુ વચ્ચેના પ્રશ્નોત્તર રૂપે રચાયેલી આ કૃતિમાં જપમાળાના ૧૦૮ મણકાની જેમ ૧૦૮ પ્રશ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘પ્રશ્નોત્તરમાલિકા’ : ધીરાકૃત કાફી પ્રકારનાં ૨૧૭ પદની માળા(મુ.). શિષ્યગુરુ વચ્ચેના પ્રશ્નોત્તર રૂપે રચાયેલી આ કૃતિમાં જપમાળાના ૧૦૮ મણકાની જેમ ૧૦૮ પ્રશ્ન-પદો છે ને ૧૦૮ ઉત્તર-પદો છે. દરેક પ્રશ્નને આખું પદ આપવામાં આવ્યું છે તેથી પ્રશ્ન સ્ફુટ રૂપે મુકાય છે, વ્યવહારના અનુભવના સંદર્ભમાં શંકા ઉઠાવાય છે ને એમાં શિષ્યના સંશયગ્રસ્ત મન ને જિજ્ઞાસુવૃત્તિને વ્યક્ત થવાનો અવકાશ મળે છે. ઉત્તર પણ ૧ નાનકડા પદમાં સમાવવાનો હોઈ સ્વાભાવિક રીતે જ નાના નાના પ્રશ્નોનો આશ્રય લેવાય છે - બ્રહ્મને કોણ પામી શકે? શાસ્ત્ર અને ગુરુની શી આવશ્યક્તા છે? વાસના વિના વ્યવહાર કેમ સંભવે? સ્વર્ગસુખ તે શું ? નરક શું ? સ્વતંત્રતા શું ? પરતંત્રતા શું ?દાન કોને કહેવાય ? - વગેરે. ઉત્તરો કશી તર્કજાળ વિના સીધા પ્રતિપાદન રૂપે અપાયેલા છે ને દૃષ્ટાંતના વિનિયોગથી એમાં લોકભોગ્યતા આવી છે. તે ઉપરાંત ગુરુએ શિષ્યને આત્મીયભાવે કરેલા ઉદ્ગારોને પણ એમાં સ્થાન મળ્યું છે. આ રીતે આ પ્રશ્નોત્તરીની શૈલીમાં પ્રવાહિતા, વિશદતા અને જીવંતતાના ગુણો છે. ‘પ્રશ્નોત્તરમાલિકા’માં ધીરાભગતની વૈચારિક ભૂમિકા અદ્વૈતવેદાંતની છે, જો કે, એનું ક્રમબદ્ધ શાસ્ત્રી નિરૂપણ કરવાનો એમાં આશય નથી. આરંભમાં મોક્ષોપાસના માટે જ્ઞાન અને કર્મ બન્નેની આવશ્યકતા એ દર્શાવે છે - એમાં ગીતાનો પ્રભાવ હોઈ શકે - પણ પછીથી જ્ઞાન એટલે કે આત્મજ્ઞાનનું પ્રતિપાદન સાતત્યથી થયેલું દેખાય છે. યોગ, સાંખ્ય, મીમાંસાના માર્ગો ને દાનસ્નાનાદિ કર્મોને એ મોક્ષોપાસનામાં અનાવશ્યક લેખે છે તેમ જ ધન કોને કહેવું, તો જ્ઞાન-એવા ઉત્તરો આપે છે. સ્વર્ગસુખ, દુ:ખ, વગેરેની અહીં થયેલી લાક્ષણિક વ્યાખ્યાઓમા ંપણ કવિનો જ્ઞાનલક્ષી દૃષ્ટિકોણ દેખાઈ આવે છે. કવિએ કરેલી કેટલીક વ્યાખ્યાઓ વિલક્ષણ છે. જેમ કે, પ્રાણીમાત્રનો દ્રોહ ન કરવો, તેનું નામ દાન. વર્ણાશ્રમધર્મ વિશેનું ધીરાભગતનું દૃષ્ટિબિંદુ નોંધપાત્ર છે. વર્ણાશ્રમધર્મનું પાલન કરવું તે કર્તવ્ય કે આત્મામાં વિશ્વાસ કરવો તે કર્તવ્ય, એવા પ્રશ્નના ઉત્તરમાં એ વર્ણાશ્રમધર્મની નિરર્થકતા બતાવે છે, ને આત્મામાં વિશ્રાન્તિને જ કર્તવ્ય ગણાવે છે. શાસ્ત્રીય વાદાવાદના રૂપમાં નહીં તો પણ સારદોહનની રીતે અહીં વેદાન્તવિચારના ઘણા મુદ્દાઓ-બ્રહ્મનું એકત્વ, એની નિરૂપાધિકતા, જગતનું મિથ્યાત્વ, દ્વૈત, માયાનું સ્વરૂપ, લિંગદેહકારણદેહ વગેરે સ્પર્શાયા છે ને જ્ઞાનમય જીવનની સાધના વ્યવહારમાં કેમ ચરિતાર્થ થાય તેનો માર્ગ બતાવાયો છે.[ર.દ.]