ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીમ-૨

From Ekatra Wiki
Revision as of 10:03, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભીમ-૨'''</span> [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : વતન સિદ્ધપુર પાટણ કે પ્રભાસ પાટણ એ નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી. કોઈ નરસિંહ વ્યાસને ત્યાં રહી ‘પ્રબોધપ્રકાશ’ની રચના કર્યાનો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભીમ-૨ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : વતન સિદ્ધપુર પાટણ કે પ્રભાસ પાટણ એ નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી. કોઈ નરસિંહ વ્યાસને ત્યાં રહી ‘પ્રબોધપ્રકાશ’ની રચના કર્યાનો તેમ જ કોઈ પુરુષોત્તમની પણ એ કૃપા પામ્યા હોવાના ઉલ્લેખો તેમની કૃતિઓમાં મળે છે. એમની કૃતિઓ ‘હરિલીલાષોડશકલા’ (ર. ઈ.૧૪૮૫/સં. ૧૫૪૧, વૈશાખ સુદ ૭, ગુરુવાર; મુ.) અને ‘પ્રબોધપ્રકાશ’ (ર. ઈ.૧૪૯૦/સં. ૧૫૪૬, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર; મુ.)નાં રચનાવર્ષોને આધારે તેઓ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધમાં હયાત હોવાનું કહી શકાય. ‘હરિલીલાષોડશકલા’ પંડિત બોપદેવના સંસ્કૃત કાવ્ય ‘હરિલીલાવિવેક’નો કંઈક આધાર લઈને, ૧૬ કલા(વિભાગ)માં સંક્ષેપમાં ભાગવતકથાનો સાર આપતું, દુહા, ચોપાઈ, વસ્તુ વગેરે છંદોના બંધવાળું લગભગ ૧૩૫૦ કડીનું કાવ્ય છે. મોહરાજા પર વિવેકરાજા વિજય મેળવી અજ્ઞાનમાં ઘેરાયેલા જીવ-પુરુષને પ્રબોધજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે એવા રૂપકાત્મક વસ્તુવાળો ‘પ્રબોધપ્રકાશ’ શ્રીકૃષ્ણમિશ્રના સંસ્કૃત નાટક ‘પ્રબોધચંદ્રોદય’નો મુખ્યત્વે ચોપાઈબંધની ૫૪૬ કડીઓમાં થયેલો સારાનુવાદ છે. આ કાવ્ય જયશેખરસૂરિના ‘ત્રિભુવનદીપક-પ્રબંધ’ પછીનું બીજું અધ્યાત્મલક્ષી રૂપકાવ્ય ગણાયું છે. આ બંને કાવ્યોમાં મૂળ કૃતિઓના સંસ્કૃત શ્લોકો અને બહારનાં સુભાષિતોને વણી લેવાની કવિની લાક્ષણિકતા ધ્યાન ખેંચે છે. કવિને નામે અન્ય ૫ પદ (૪ ગુજરાતી અને ૧ સંસ્કૃત) મળે છે. એ સિવાય અન્ય રચનાઓ પણ એમણે કરી હોવાનું મનાય છે, પરંતુ તેમને કોઈ હસ્તપ્રતોનો આધાર નથી. કૃતિ : ૧. પ્રબોધપ્રકાશ, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૩૬ (+સં.); ૨. હરિલીલાષોડશકલા, સં. અંબાલાલ બુ. જાની, ઈ.૧૯૨૮ (+સં.);  ૩. બૃકાદોહન : ૪ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય; ૩. પ્રાકકૃતિઓ; ૪. ભાલણ, ઉદ્ધવ અને ભીમ, રામલાલ ચુ. મોદી, ઈ.૧૯૪૧; ૫. ભીમ અને કેશવદાસ કાયસ્થ, કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૮૧;  ૬. ગૂહાયાદી; ૭. ડિકૅટલૉગબીજે. [ર.સો.]