સુન્દરમ્ની શ્રેષ્ઠ વાર્તાઓ/પની
ફડ! ફડ! ફડ! એ સંત તુલસીદાસનું રામાયણ જ ભજવાતું હતું. ઝીણિયો ખરો તુલસીભક્ત હતો. ચારેક તુલસીની માળાઓ પહેરતો, કાળા કપાળમાં ગોપીચંદનનું ટીલું કરતો અને સામેના મંદિરના બાવાજી તલસીરામાયણ વાંચતા હોય ત્યારે સૌ કરતાં વધારે ભક્તિભાવથી તે સાંભળતો. આજે વહેલા પ્રભાતે જ તેણે તુલસીદાસને યાદ કર્યા હતા કે ‘ઢોર ગમાર શુદ્ર અરુ નારી, યે સબ તાડન કે અધિકારી!' હું ચોકીને પથારીમાં બેઠો થઈ ગયો. કમળા ‘વસન્તવિજય' ભણી નહોતી. નહિ તો જરૂર બોલી ઊઠત કે, ‘નહિ નાથ! નાથ! ન જાણો કે સ્હવાર છે.’ તેણે તો બરછટ લોટ જેવા કરડે અવાજે મને સુણાવી દીધું કે, ‘સૂઈ રહો છાનામાના! વારવા ગયા તો બિચારીને વધારે માર પડશે.' અને હું ચુમાઈને પથારીમાં પડ્યો પડ્યો અમારા દખણાદા કરાની અડોઅડ પતરાંના ઊભા કરેલા ઓરડામાં તુલસીપ્રસાદનું થઈ રહેલું વિતરણ સાંભળી રહ્યો. રોજ તો હું અમારા મેડા નીચે, મેડા પર ચડવાના રસ્તામાં જ બંધાતી ભેંસને દોહવાનો સણણણ ચણણણ અવાજ થતો ત્યારે જાગતો. પણ આજે તો ઝીણિયાએ જ એલારામ વગાડી મેલી. જય રઘુવીર! ફડફડ અવાજ થોડી વાર ચાલુ રહ્યો અને પછી તે દબાવેલા છતાં કાળજું વીંધી નાખે તેવાં ડૂસકાં સંભળાવા લાગ્યાં. હું ઊઠીને બે હાથની પહોળાઈના અમારા છજામાં જઈને ઊભો. ઝીણિયો ખૂંખારતો બહાર નીકળ્યો. એના એક હાથમાં બીડી હતી, બીજામાં કળશે જવાનો લોટો. જાણે કંઈ જ ન બન્યું હોય તેમ બીડી ફૂંકતો તે ચાલ્યો ગયો. ભીંત પાછળનાં ડૂસકાંને વારતી કમળા બોલી ‘પની! પની! લે બેન, છાની રહે હવે.’ અને માનો હાથ ફરતાં બાળક છાનું રહે તેમ ડૂસકાં અટક્યાં. હજી વાદળ લાલ થયું ન હતું. ભેંસ દોહવાવાનો અવાજ સાંભળવા હું ઉત્સુક હતો. સામેના મંદિરમાં બાવાજીએ હજી પરભાતિયાં શરૂ નહોતાં કર્યા. ત્યાં તો થોડી વાર ઉપરનો અવાજ લાઉડસ્પીકરમાંથી આવતો હોય તેમ ફટાફટ! ફટાફટ! તથા ‘તારી બૂનને હાહુ કરું'નાં સુભાષિતો સંભળાવા લાગ્યાં. સમજાયું, તુલસીદાસજી! ભેંસ દેતી ન હતી એટલે આ મંત્રતંત્રપ્રયોગ અજમાવતો હતો. મારો, બાપુ અમારે તો દૂધનું કામ. ઠીક. આ એલારામની અસરથી તો હવે બપોરે છોકરાં ભણાવતાં પણ ઊંઘ નહિ આવે. ‘આટલા બધા વહેલા ઊઠ્યા છો પણ દહાડે નહિ સૂવા દઉં, હોં! રામનવમીની રજા છે ને?' કમળાનો ચાદરમાંથી ગોટપોટ થતો અવાજ આવ્યો. હો! હો! રામનવમી! કેટલો ભુલકણો! જેને આખી નિશાળ યાદ રાખવા તલસે તે રજાનો તહેવાર જાહેર કરનાર હું પોતે જ તેને ભૂલી જાઉં! કળજુગનો જ પ્રતાપ! અને આજે રામનવમી છે એ હકીકતથી જ આજનો દિવસ આમ તાડનસંગીતથી શા માટે શરૂ થયો તેનો ખુલાસો મળી ગયો. તાડનનાં ચાર અધિકારીમાંથી બને તો તુલસીપ્રસાદ મળી ગયો હતો. શૂદ્ર અને ગમાર બે બાકી હતા. જોઈએ તુલસીદાસ ખરેખર કાંતદ્રષ્ટા હતા કે નહિ તે આજે રામનવમીએ જ સમજાશે. અને સમજાયું કે તે હતા જ. થોડી જ વારમાં ગામના મુખી એક અંત્યજનને ખાસડે ખાસડે મારતા કનેના રસ્તેથી નીકળ્યા. ‘સાલી જાત વંઠી છે! તે ખેતરમાં નહિ આવું! તે તું નહિ આવે તો તારો બાપ આવશે!’ અને હવે ચોથો અધિકારી કોણ થશે? થડ દઈને મારા માથામાં કશું અફળાયું. કમળાએ ફેંકેલું એ દાતણ હતું. માથું ચંચવાળતાં મેં દાતણ મોંમાં ખોલ્યું. મંદિરની ધજાને સૂરજ ભગવાનના હાથ સૌથી પહેલાં અડ્યા અને હાર પાઠાન્તર ‘ઢોલ' પણ હોય તો તેના ઉદાહરણ રૂપે રોજના કરતાં વિશેષ કડેડાટીથી મંદિરમાં નોબત વાગી. ધન્ય પ્રભુ! તુલસીદાસે રામનવમીએ ગાવાનું ગીત લખ્યું હોય તો તે શોધવા હું આશ્રમ ભજનાવલિ' લેવા ઘરમાં ઊપડ્યો. આવ્યું, આવ્યું હાથ. શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવભય દારુણં નવકંજલોચન કંજમુખ... હું મોમાં દાતણ સાથે ગણગણવા લાગ્યો. ત્યાં દાદર પર ખખડાટ થયો. સાગરમાંથી નીકળતી લક્ષ્મી પેઠે પની દૂધનો વાટકો લઈ ઉપર ચડતી હતી. મને જોઈ તે ખમચાઈ, મલકી અને તરત જ પોતાના મરકતા હોઠને લૂગડાના છોડાથી ઢાંકી લઈ દાદરો ચડી રસોડામાં ચાલી ગઈ. આજે પર્વને દિવસે વિશેષ શુચિતા પ્રાપ્ત કરવા મેં પોણો-એક કલાક દાતણ ચલાવ્યું. સૂરજ નારાયણ ઠેઠ મંદિરને છાપરે ચડી આવ્યા. મંદિર અને અમારા ઘરની વચ્ચે આવેલા કૂવાની દોઢેક હાથની પાળ પર તેમનાં તેજ પથરાયાં. એકેક બબ્બે સ્ત્રીઓ પાણી ભરી ભરીને જતી હતી અને તેમનાં બેઢાનાં ખાલી પારણાંમાં પાણી નહિ પણ તેજથી ભરેલાં કચોળાં જાણે મૂકી જતી હતી. એ કૂવા ઉપર પની પણ અમારું પાણી ભરતી હતી. પાણી ખેંચતી પનીને હું તો જગતનું શ્રેષ્ઠ કહું. આટલો માર પડ્યા પછી પણ સ્ફૂર્તિથી અને સ્વસ્થતાથી એ કામ કરતી હતી. તે કમરથી ઝૂકી સરસરાટ ઘડો મુકતી અને હાથને ઠેઠ માથા સુધી ઊંચો લઈ જઈને ચારેક લાંબે લસરડે ઘડો ઉપર થઈ આવતી. જોનારની આંખ તેના હાથની ગતિ સાથે કૂવામાં ઝબકોળાતી અને આકાશમાં ઊછળતી. ‘પાણી થઈ ગયું છે. પહેલાં નાહી લો. પછી જ ચા મળશે!' કમળાની થઈ અને નહાતાં નહાતાં જ મોં ધો લોઈ લેવાનું વિચારી, સાબુ અને ધોતિયુંટુવાલ લઈ દાદરો ઊતરી અમારા દશદિશાથી ઘેરાયેલા ઓટલિયા બાથરૂમ ઉપર હું પહોંચ્યો. પની ગરમ પાણી લઈ ગઈ હતી. ‘નહાવ માસ્તર સાબ, હું ટાઢું આપું છું.' કહી પાણીનો ભરેલો ઘડો લઈ પની કને ઊભી રહી. આ સહેજ રમતિયાળ છોકરી કોક કોક વાર કહેતી કે, ‘માસ્તર સા'બ, ચાલો, તમારા નહાવાનો રેલો ઠેઠ ભાગોળે મોકલું!' અને આજે જાણે એવા જ ચડસે તે ચડી ગઈ. ગરમ પાણીથી શરૂ કરેલું જ્ઞાન છેવટે કૂવાના હૂંફાળા પાણીનું સ્નાન જ બની રહ્યું અને નહાતાં નહાતાં મારી દૃષ્ટિ સામે કુવા ઉપર પાણી ખેંચતી. પનીના શરીરના ગતિ-કાવ્યને જોવામાં મગ્ન થઈ ગઈ. તેનું ઓઢણું કલ્લી થઈ એક બાજુએ ખેસની પેઠે લટકતું હતું. કાપડાની કસને છેડે ફૂમતું ઝૂલતું હતું. કેળના પાન જેવો તેનો વાંસો કુમળા પ્રકાશમાં તગતગતો હતો અને કંઠી પહેરેલી ડોક પર ગોઠવાયેલા ઘાટીલા અંબોડામાંથી થોડાક બહાર રહી ગયેલા વાળને વાંકડિયું છોગું તેની ડોક સાથે ઊંચુંનીચું થતું હતું. ‘અરે, ગમાર છો કે શું તમે? નહાવાનું બંધ રાખો કે હવે કચરો નાખું!’ કમળાનો છજામાંથી અવાજ આવ્યો ને આપણે ઝટ લઈને માથે ટુવાલ ઓઢી લીધો. કારણ કચરો પડ્યો તો મારે જાતે જ પાણી ખેંચીને તે સાફ કરવો પડે તેમ હતું. અને રામનવમીના લગભગ નવ વાગ્યે હું, કમળા અને પની તુલસીપ્રતાપે પ્રાપ્ત થયેલા દૂધવાળી ચા પીવા બેઠાં. સોડિયામાંથી હાથ કાઢી પનીએ કપ લીધો. મારી સામે મલકી અને ટેવ પ્રમાણે લૂગડાથી હોઠ ઢાંકવા ગઈ; પણ એમ તો ચા પીવાનું અટકી પડશે જાણી વધુ મૂંઝાઈ. છેવટે તે હસીને મારી તરફ પૂંઠ કરીને બેઠી. એ પૂંઠ જોતાં મને આજે સવારમાં સૌથી પહેલાં સાંભળેલો અવાજ યાદ આવ્યો. હું કમકમી ઊઠ્યો. પણ પની પૂરી સ્વસ્થતાથી ચા પીતી હતી. (૨) એક નાનકડા ગામમાં આમ દહાડા ગુજરે છે. આપણે ‘નેહાર્યો’માં ભણાવવા જઈએ છીએ. કમળા બેઠી બેઠી રોફ લગાવે છે. પની અમારું પાણીછાણી કરે છે. અમારા ઘરનો ધણી ભેંસ ઉપર દહાડા ગુજારે છે. સામે મંદિરમાં આરતી થાય છે. ઘર કને થઈને રસ્તા ઉપર આખા ગામનું લોક પસાર થાય છે અને ફળિયાની વચ્ચે આવેલા કૂવા ઉપર પાણી ભરનારીઓની ઠઠ જામે છે ને કવાની આસપાસ મઝાનો કાદવ તૈયાર થાય છે. ગામડાગામમાં સૌથી વધુ આબરૂદાર કોઈ હોય તો તે નિશાળનો માસ્તર. પછી ભલેને તેનો પગાર પંદર કે પચીસ રૂપરડી હોય – એવા આબરૂદારની ધણિયાણી કમળા આમ ફળિયામાં કહો કે આંગણામાં કૂવો હોય છતાં કાંઈ જાતે પાણી ભરવા જાય? અમારા પાડોશમાં જ એટલે કે આ દખણાદા કરાની પાસે ઊભા કરેલા પતરાના ખોરડામાં રહેતા એક ઠાકરડાની વહુને અમે, ના ના કમળાએ કામ કરવા બાંધી. પણ એ નોકર હતી કમળાની, મારી નહિ. હું કંઈક કામ ચીંધું અને કમળાનો મિજાજ ઠેકાણે ન હોય તો તરત તેને હુકમ મળી જતો ‘રહેવા દે પની. થશે એ તો. જા. આટલું કરી આવ.' પણ કમળામાહાત્મ્ય અહીં લંબાવવા ઇચ્છા નથી. પની ભારે કામઢી હતી. અમારા જેવાં બીજાં પાંગળાં બૈરાંવાળાંને ત્યાં પણ તે કામ કરતી હતી. સીમમાંથી ઘાસ વાઢી લાવતી હતી અને ઝીણિયાનું ઘર સંભાળતા હતા. ચામડાના સાટકા જેવી એની બાવીસેક વરસની કાયામાં કદી થાક દેખાતો ન હતો. તેના શામળા પણ નમણા મોં પર હંમેશાં મારે માટે એક મિત રહેતું. મને જોઈને એ પહેલાં તો શરમાતી; પણ પછી તો એની લાક્ષણિક રીતે તે મરડાતા હોઠ પર લૂગડાની કિનાર ઢાંકી લેતી અને તેની એકલી હસતી આંખો તે પહેલાં કરતાં પણ વધારે આકર્ષક લાગતી. પનીની અમારે ત્યાંની ડ્યૂટી વહેલી સવારથી શરૂ થઈ જતી. નીચેથી પટેલને ત્યાંથી દૂધ લઈને તે ઉપર આવતી. અમારી સાથે ચા પીતી અને પછી પાણી ભરીકરીને તે સીમમાં ચાલી જતી. બપોરના વાસણમૂસણ તો હું ‘નેહાર્ય’માં ગયો હોઉં ત્યારે પતતાં. કામવાળી આટલી પડોશમાં જ મળી ગઈ એથી ગણતરીબાજ કમળા બહુ પ્રસન્ન રહેતી. ભવિષ્યમાં ચોવીસે કલાકની શેઠાણી થવાની આવડત તે બરાબર કેળવતી જતી હતી. પણ એક સગવડ ઊભી કરીએ છીએ ત્યાં બીજી અગવડ ભગવાન મોકલી જ આપે છે! અમે થોડા જ દિવસમાં જોઈ લીધું કે પનીને એનો ધણી ઝીણિયો ઢોર માર મારે છે. અમે ખાવા બેઠાં હોય ને સમમમ થડ કરતો એક અવાજ કરા પાછળથી આવે ને મારા હાથમાં કોળિયો થંભી જાય. આડી ભીંત હતી એટલે આંખોને તો દેખાતું ન હતું. પણ આ અમારાથી ચારેક ડગલાં પર જ આ તુલસીપ્રસાદ વહેંચાઈ રહ્યો છે એ ખ્યાલ આવતાં મારા હોશકોશ ઊડી જતા. કમળા દાળનો સબડકો ચસચસાવીને મોંમાં ઠેલતી અને આથેલું મરચું કરડતાં બોલતી, ‘સીધેસીધા ખાઈ લો હવે.’ ગામડાગામમાં મહેતાજીને રહેવા જેવાં બહુ ઘર હોતાં નથી; નહિ તો અમે ઘર બદલી નાખ્યું હોત. પહેલાં એક-બે વાર દયાથી પ્રેરાઈ હું પનીને બચાવવા ગયો હતો. પણ પછી જણાયું કે મારી એ દખલગીરીને લીધે પનીને રાહતને બદલે વિશેષ માર જ મળ્યો હતો. એ ગુજરતા ત્રાસની પાડોશમાં બને તેટલો જીવનનો લહાવ લેતાં અમે રહેતાં હતાં. ઝીણિયો લગભગ આધેડ હતો. કેડેથી જરા વાંકો વળેલો હતો. માટી જેવો રંગ અને કરડકણી આંખો અને પાતળી મૂછોમાં તેનો ચહેરો ઘણો અળખામણો લાગતો. તે એક મોટા બાગમાં રાતે રખેવાળીનું કામ કરતો અને દિવસે કનેના શહેરમાં જઈ વખત બગાડતો અને કારણ હોય કે ન હોય તોય બૈરીને મારઝડ કર્યા કરતો. સાંભળ્યું હતું કે તે ઘણો વહેમી હતો. તેની પહેલી વારની સ્ત્રી તેને મૂકીને નાસી ગઈ હતી. એટલે આ નબાપી, મામાએ પરણાવીને વેઠ ઉતારેલી, સોહામણી પની ઉપર તે બરાબર કબજો રાખવા મથતો હતો. રાતે તે ઘેર એક બે આંટા ખાઈ જતો અને પની પેશાબપાણી માટે ઘડી બહાર ગઈ હોય તોય વહેમાઈને મારતો. પણ એ તો હોય. એમ જ ચાલે. શરીર પર સોટા પડે તે વાગે તો દરેકને જ. પણ ભગવાને જગતમાં હજી પૂરો સામ્યવાદ સ્થાપ્યો નથી તે સદ્ભાગ્ય છે. પનીની શક્તિ અજબની હતી. આ માર પણ ભૂખ પેઠે જ ભગવાને આપેલી વસ્તુ છે એમ માની તે શાંતિથી દહાડા કાઢતી હતી. આંખનાં આંસુ લૂછતી તે થોડી વારમાં જ કામે ચડી જતી અને મને જોતાં પહેલાંના જેવું જ પણ સહેજ વિષાદભર્યું સ્મિત કરતી. (૩) ઉનાળો ગયો. આષાઢ બેઠો. ચોમાસું આવ્યું. અને અમારા માથા પરનાં તથા પડોશના ઓરડાનાં છાપરાં પરનાં પતરાં પર વર્ષોનું તડાતડ સંગીત શરૂ થયું. પનીના છાપરાનાં પતરાં જૂનાં અને કાણાં પડેલાં હતાં. જેવી ઉપરથી વર્ષાની ધારાઓ પડતી તેવી જ એના ઓરડામાં પણ પડતી હતી. ચોમાસામાં પની મોટે ભાગે ભીંજેલી જ રહેતી. એના માથા પર ઓઢણું લગભગ ચોટેલું જ રહેતું. મોં પર આડાંઅવળાં બે-ચાર પાણીનાં ટીપાં બાઝેલાં જ હોય અને કાપડાની બહારના હાથ તથા પોયણા જેવી પાતળી ચામડીવાળું, ઘેરદાર ઘાઘરાના નેફામાં અર્ધી ઢાંકેલી અને અર્ધ ઉઘાડી નાભિવાળું તેનું પેટ પાણીથી ભીંજાઈને આછી ચળક માર્યા કરતાં. કોણ જાણે કેમ. હમણાંહમણાંની મારઝૂડ ઓછી થઈ લાગતી હતી. મને કંઈ કારણ ન સમજાયું, એક દિવસ સાંજે જમી કરીને અમે બેઠાં હતાં ત્યારે કમળાએ વાત ઉપાડી. ‘આપણે બીજી કામવાળી શોધવી પડશે!' હું ચમક્યો. પનીનું કામ તો બરાબર હતું: પણ કમળાને મારા સવાલના જવાબ આપવાની ટેવ ન હતી. તે સત્તાશીલ અવાજે પોતાનું કથિતવ્ય બોલી નાખતી. તેમાં તમારે સવાલ કરવાનો હોય જ નહિ. માત્ર અમલ જ કરવાનો હોય. ‘પની છે તે બેજીવસોની છે. હવે બેચાર મહિનામાં એને સુવાવડ આવશે. અને અહીં તો ધાર્યા નોકરેય મળે તેમ નથી; માટે ભાળમાં રહેજો. બેએક મહિના માટે તો જોઈએ જ. એ લોક તો દસ દહાડામાં ઊભાં થઈ જાય. પણ આપણાથી કાંઈ સવા મહિનો પૂરો થયા વગર રખાય નહિ.' ‘ભલે!' કહી મેં માથું ઝુકાવ્યું. મને વાંચતો મૂકી કમળાદેવી પોઢી ગયાં. હા, હવે મને સમજાયું. પનીના મોંની રેખાઓ વધારે પુષ્ટ થવા માંડી હતી અને એના ખુલ્લા રહેતા પેટ પર ચણિયાનો નફો નાભિને ઢાંકી ધીરે ધીરે ઊંચો ચડ્યો જતો હતો. ખરેખર પનીમાં જાણે નવો જીવ આવ્યો હતો. બીજે દિવસે મેં કહ્યું, ‘નોકર તો શોધી લાવીશ પણ પનીને આપણે પગાર તો આપવાનો ચાલુ રાખીશું ને?' ‘શું કહ્યું તે?' જાણે મારો સવાલ જ અશકય હોય તેમ કમળાએ પૂછ્યું અને પછી ઉમેર્યું, ‘એ તમારે જોવાનું નથી. હું કહું તેટલું કરો.’ અને મારી કનેથી ઊઠીને તે ચાલી ગઈ. નોકરની શોધમાં મને બહુ સફળતા ન મળી. શ્રાવણ બેસી ગયો હતો. છજામાં ઊભો ઊભો હું સોમવારની અર્ધી રજાનો લહાવો લેતો હતો. કમળા અંદર ઓટલા આગળ માથે ગૂંથતી બોલતી હતી ‘યાદ રાખજો, નોકર વગર હું હેરાન થવાની નથી. બધું કામ તમારે માથે ના નાખી દઉં તો! પાણી ભરાવીશ અને વાસણેય મંજાવીશ! આ નોકર જાતનો શો ભરોસો? કાલે ઊઠીને ક્યાંયે હોય! આ છાપરીનું ભાડું નથી આપ્યું તે કઈ ઘડીએ ઘરવાળો ખાલી કરાવશે તે શું કહેવાય? અને વળી હમણાં હમણાં તો ઝીણિયો કહેવાય છે કે જુગારની લતે ચડ્યો છે. વળી પોલીસને લાંચ આપીને છૂટ્યો તો છે; પણ..અને બળ્યું એ જાત તો બહુ ખરાબ. કહે છે પોતાની બૈરીય વેચી દે! શું કરું? બીજો મળતો નથી તે આવા નોકર રાખવા પડે છે!...લો, આજે તો શહેરમાં જાવ ત્યારે મારે સારું વેણી લાવજો, હોં!’ મને થયું આ બાઈસાહેબને વાણિયાબામણ નોકર જોઈએ છે કે શું? કમળાને ચાટલામાં તાકતી મૂકી હું ફરવા નીકળ્યો. શહેરને રસ્તે એક ગરનાળા પાસે ઝીણિયો છાકટા જેવો ચાર-પાંચ જણ ભેગો બેઠો હતો. જુગાર જ રમાતો હતો. મને જોઈને તે પીધેલા અવાજે બોલ્યો, ‘એ માહિતર શાબ, આવો આવો! બે હાથ રમતા જાઓ!’ હું તો ચાલ્યો જ ગયો, પણ પાછળથી તેનો ઘેનમાં લહેરાતો અવાજ સંભળાયો ‘આ મોટા શાહકાર જોયા! દમડી તો છૂટતી નથી. અરે જરૂર પડે તો બૈરી વેચી દઈએ, બૈરી! આપણી જ છે ને?' જન્માષ્ટમી આવી, આજે આખા જગતનું દુ:ખ મોચન કરનાર પ્રભુ જન્મવાના હતા. પણ મારું દુ:ખ દૂર થવાનો સંભવ મને જરાયે ભાસતો ન હતો. મારે બીજી કામવાળી કે કામવાળો લાવવો ક્યાંથી? જો મને પ્રાર્થના કરવાની આદત હોત તો એમ જ કરત કે, હે પ્રભુ! આ ફેરા તો તું અમારો – ના ના કમળાનો નોકર થઈને અવતરજે! કોઈ કહે છે કે હવે ચમત્કારનો જમાનો ગયો, તો કોઈ કહે છે કળિયુગમાં શ્રદ્ધા વહેલી ફળે છે. આર્દ્ર હૃદયની બધી પ્રાર્થનાઓ ફળતી હશે કે કેમ તે તો મને ખબર નથી; પણ કોણ જાણે મારી તો એકાએક ફળી ગઈ. | આજના ઉપવાસનું ફરાળ તૈયાર કરવા માટે હું બટાટાને છોલતો હતો અને કમળા સ્ટવ પેટાવતી હતી ત્યારે પની દાદરો ચડીને આવી. મને જોઈને સહેજ મલકી. તેણે પાછા હોઠ હમેશની પેઠે ઢાંકી લીધા અને ઊભી રહીને બોલી ‘કમુબેન, છે તે મેં એક જણને કહ્યું છે તે આવશે હવે. જરા ઘરડી છે પણ કામ ચોખ્ખું કરે છે ને હાથની ચોખ્ખી છે. લાવો, પાણી ખાલી થયું હોય તો ભરી આપું.’ ‘પાણી તો ખાસ નથી. પણ જા, માસ્તરને નવાડ.' કમળા બોલી અને પછી મારા તરફ નજર ફેરવી ‘અરે, અર્ધો કલાકથી છોલવા બેઠા છો ને હજી બે જ બટાકા છોલ્યા છે! જાવ, નાહી આવો.’ જોકે મેં લગભગ દસેક બટાકા છોલ્યા હતા. જેની ગણિતની શક્તિ આટલી બધી મંદ હોય તેની સાથે વાત જ શી કરવી? થોડી વારે પનીનો અવાજ આવ્યો. ‘હેંડો ક.. માસ્તર સા'બ, નવાડું. ચાલો.’ હું મનમાં જ હસ્યો. આ બે સ્ત્રીઓને મન જાણે હું છોરુ જ છું! હું નીચે જઈને દશ દિશાઓથી રક્ષાયેલા એવા અમારા બાથરૂમ-ઓટલા ઉપર બિરાજ્યો અને પનીએ ઘડે ઘડે મને નવાડ્યો. આજે એની ગતિ જરા મંદ હતી, પણ એ જ હાથનો વેગવંતો ઊંચો લસરકો, ઢળકતું ઓઢણું, કાપડાની કસનું ફૂમતું અને અંબોડાનું છોગું! ઝળહળતા આકાશની ભૂમિકા ઉપર એક રમણીય ગતિચિત્ર બની મારી આંખમાં ઝિલાયે ગયું. ટુવાલને મારી ટેવ મુજબ આખા મોં પર નાંખીને માથું કોરું કરતાં મેં પૂછ્યું ‘પની, કાં? આજે તો મેળામાં જવાની ક ને!’ ‘જવાની, માસ્તર સા'બ!’ બહુ મંદ સ્વરે તે બોલી અને એક આછો નિસાસો તેના મોંમાંથી નીકળતો મેં સાંભળ્યો. તેનું મોં જોવા મેં મારું મોં ખુલ્લું કર્યું. પણ એટલામાં તો તે ઘરમાં ચાલી ગઈ હતી. કોક દૂર પ્રાંતમાં ખેચાઈ જતા પક્ષીના આર્ત અવાજ જેવો તેનો શબ્દ મારા કાનમાં રણકી રહ્યો. ‘જવાની!’ (૪) અને અમેય ધણીધણિયાણી જન્માષ્ટમીનો મેળો જોવા નીકળ્યાં. કમળાએ જરિયાન કોરની સાડી અને કબજો ચડાવ્યાં. કાને પેલાં લટકણિયાં અને કાંડે ઝગારા મારતા પાટલા ચડાવ્યા અને જગતને નવાજવા માટે દેવીજી નીકળી પડ્યાં. મેળો! માણસોમાં મેળો અને મેળામાં માણસો! મેળામાં માણસો જાય છે કે માણસોમાં મેળો આવે છે? હું કોક યુક્લિડની પ્રૌઢિથી ડગલાં ભરતો વિચાર કરી રહ્યો હતો. એ મોટો માનવસાગર લહેરાતો હતો. હજારો માથાં, હજારો જીભો, હજારો આંખો કોણ જાણે કોક અદૃશ્યના આદેશને અનુસરતાં અહીં વ્યાપૃત થઈ રહ્યાં હતાં. લોકોનો કોલાહલ, ધક્કાજક્કી બધુંય ખૂબ આકર્ષક લાગતું હતું. અને તેમાં બાળકો, પગે ચાલતાં, કેડે તેડેલાં કે ખંધોલે બેઠેલાં, અને તેમનાં મોં જેવા પ્રફુલ્લ રંગનાં રમકડાં, ફક્કી, દડા, ફિરકીઓ, ચકરડીઓ! લોકોના પ્રવાહમાં અટવાતાં, ઠેલાતાં, રોકાતાં, ધકેલાતાં અમે મેળાને આ છેડેથી પેલે છેડે ગયાં અને આવ્યાં. કમળા જાણે કોકને શોધતી હતી. ‘પની, પની આવી છે કે નહિ?' પનીના ભાવિ બાળક માટે તેણે થોડાંક રમકડાં પણ લીધાં. મારો એ દિવસ ઘણો સુખરૂપ ગયો. કમળાએ રમકડાં લીધાં પછી મેં તેને કહ્યું. ‘આ તો બહુ સારું થયું. પણ તારી પનીને પોયરું આવે ત્યાં લગી મને આ રમકડાં રમવા દઈશ કે?’ કમળાએ લાકડાનો ઘૂઘરો મારા હાથમાં માર્યો. જાવ હવે, તમેય તે!' અને તેના મોં પર વિષાદની છાયા ઘડીક ચડી આવી. રમકડાની પોટલીને બાળકની પેઠે છાતી સરસી ચાંપી કમળા મારાથી આગળ ચાલી ગઈ. દિન ઊતરતે અમે ઘર તરફ વળ્યાં. ઢળતા સૂરજનાં કિરણો લોકનાં મોં ઉપર પથરાતાં હતાં. દરેક જણ કંઈક આનંદની પ્રસાદની ખરીદી વળતું હતું. કમળા પણ પ્રસન્ન હતી. ગામની ભાગોળે પેસતાં મને થયું, આજે પ્રભુ અવતર્યા હોય કે ન અવતર્યા હોય પણ પ્રભુનો આનંદ તો આજે જગત પર અવતર્યો જ છે. આ સૃષ્ટિ! આ સોનેરી કિરણો, આ લોકોનાં પ્રફુલ્લ વદનો, આ પક્ષીઓ, આ મહોરેલી કુદરત!' અને કોક સુંદર પિરોજી રંગનો હવામાં આમતેમ ઊડતો, તેજમાં તગતગતો ફુક્કો આપોઆપ જ ફૂટી જાય તેમ એ પ્રભુનો આનંદ ફૂટ્યો! સામેથી જ નિશાળના બે છોકરા અમારા તરફ દોડતા આવતા હતા. બંને મારા હોશિયાર વિદ્યાર્થીઓ હતા. મેં ધારેલું કે આજે કશી ખુશાલીની કહાણી લઈ આવતા હશે, પણ તેમના મોં પર એક જાતનો ગભરાટ હતો. ‘સાહેબ, સાહેબ!' કરતા બંને મારી બે પડખે થઈ ગયા અને એકબીજાની પૂર્તિ કરતા બોલ્યા ગયા. સ્વપ્નમાં કંઈ સંભળાતું હોય, ઓથારમાં હૃદય ઉપર કોઈ પથરા ઠોકતું હોય તેમ મને સંભળાયું. ‘સાહેબ, પની કૂવામાં પડી છે. આપણા ફળિયાના કૂવામાં જ. તે કાઢીને આપણા ઓટલા પર જ સુવાડી છે. છે ને તે સાહેબ, એને લઈ જવા ચાર જણા આવ્યા હતા. દારૂ પીધેલા હતા અને કહેતા હતા કે ઝીણિયાએ પૈસાને બદલે બૈરી આપવાની કહી છે તે ચાલ આપી દે હવે. ઝીણિયો કહે, આ બૈરી લઈ જાઓ આવે તો, અને ચારે જણા પનીને ખેંચીને લઈ જવા મંડ્યા. પની તો કહે છે મેળામાં જવા નીકળી હતી. પણ ફળિયામાં તો કોઈ હતું નહિ. આ અમે મંદિરમાં પાંચેક જણ હતા. તે ગાળાગાળી ને ઝપાઝપી થતી સાંભળી બહાર નીકળ્યા. ત્યાં તો પેલાઓના હાથમાં છટકીને પનીએ કુવામાં ભૂસકો માર્યો. પેલા તો ઝીણિયાને બેચાર ડાંગો લગાવી નાસી ગયા અને અમે છોકરા તો શું કરીએ? બેપાંચ મોટા માણસ આવ્યા ત્યારે તેને કાઢી.’ અને પછી એકે ઉમેર્યું ‘સાહેબ, હજી થોડો થોડો જીવ છે, હોં!' અને બીજો બોલ્યો, ‘ચાલો! ચાલો!' અને અમે ચાલ્યા. નાનકડું ટોળું અમારા ઘર આગળ ભેગું થયું હતું. કૂવાની પાસે ઝીણિયો કાદવમાં અર્ધો બેભાન પડેલો હતો. ટોળામાં થઈને અમે ઓટલા કને પહોંચ્યા. મારી નહાવાની જગા ઉપર પનીને સુવડાવેલી હતી અને તેની પાસે એક ડોસી બેઠી બેઠી તેનાં કપડાં ઠીકઠાક કરતી હતી. કૂવામાંથી કાઢયા પછી પનીને બચાવવા માટે કોઈએ કશું જ કર્યું નહોતું. બેચાર જણ સિવાય બાકીનું ટોળું નર્યા કુતુહલથી આ સ્ત્રીના શરીર તરફ તાકી રહ્યું હતું. થોડી થોડી વારે કોઈ કંઈક બબડીને ચાલ્યું જતું હતું. અને અચાનક કાદવમાં ખરડાયેલો ઝીણિયો ભૂત જેવો એક ભયાનક ચિત્કાર કરીને ઊઠ્યો અને ટોળામાં ધસ્યો ‘ક્યાં છે? ક્યાં મરી ગઈ? કૂવામાં પડીને તું ક્યાં છટકવાની છે? તારું મડદુંય હું તો આપી દઈશ. ચાલ ઊઠ, મોટી સૂતે છે તે!' અને આગળ ધસતો ઝીણિયો પોતે જ પોતાના આવેશનો માર્યો ભોંય પર પટકાયો, કોકે તેને એક ઠોકર મારતાં કહ્યું, ‘ખરો બહાદુર, બૈરીનો વેચનાર!’ હું પની પાસે ગયો. તેનામાં કશું ખાસ રહ્યું ન હતું. કમળાએ, પેલી ડોસીએ અને બીજાં એકબે જણે મળીને પનીને ઊંચકી. અને તેને તેના ઓરડામાં લઈ ગયાં. ડોસીએ તેને માટે છાણથી ભોંય લીપી સાથરો કર્યો. કમળા ઉપર જઈને દહીં, ઘીનો દીવો તથા પોતાનું એક કોર લગડું પણ લઈ આવી. નાનકડા બારણાની અંદર લોકોનાં માથાંની ભીંસ હતી. તેમાંથી રસ્તો કરી ધીરે ધીરે ગામનો મુખી અંદર આવ્યો. તેણે પંચાતનામું કર્યું. કમળાએ લોકોને જરા બહાર કાઢી પનીને કોરું લુગડું, નવું કપડું વગેરે પહેરાવ્યાં. પનીના મોં પર કશી વિકૃતિ નહોતી. ત્યાં હમેશની પ્રસન્નતા હતી. તેના હોઠ સહેજ ખુલ્લા હતા અને તેમાંથી તેના મોતી જેવા દાંત દેખાતા હતા. મને થયું આ હમણાં પની આંખ ઉઘાડશે અને મને જોતાં શરમાઈને લુગડાની કોરથી હોઠ ઢાંકી લેશે! ત્યાં તો કમળા એકદમ આકળવિકળ થતી દેખાઈ. તેની નજર પનીને ફૂલેલા પેટ પર ગઈ હતી. તેને કંઈ યાદ આવ્યું હોય તેમ તેનું શરીર કમકમી ઊઠ્યું અને તે છૂટી પોકે રડી પડી. ડોશી ધીરે રહી પનીના પેટ પર લૂગડું બરાબર ઢાંકી લીધું. સંધ્યાકાળ થયો હતો. ડોસીએ ઘીનો દીવો સળગાવી પનીના માથા પાસે મૂક્યો અને એ દીવો જોતાં જ મને અંધારાં આવ્યાં. સામેના મંદિરમાં રોજની પેઠે આરતી શરૂ થઈ અને પ્રભુનાં નગારાં ગાજી ઊઠ્યાં. ધન્ ધન્ ધન્! કડડધન્! કડડધન્! આરતી ગાતા ભક્તોમાં બાવાજીનો અવાજ નોખો તરી આવતો હતો અને એ અવાજમાં સંત તુલસીદાસની બાની સંભળાતી હતી સિરી રામચંદ્ર કપાળુ ભજ મન હરણ ભવભયદારુણે... [‘પિયાસી']