ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/‘મૃગાવતીચરિત્ર-ચોપાઈ-રાસ’

Revision as of 11:19, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘મૃગાવતીચરિત્ર-ચોપાઈ/રાસ’'''</span> [ર.ઈ.૧૬૧૨] : ખરતરગચ્છના જૈન સાધુ સકલચંદ્રના શિષ્ય સમયસુંદરકૃત દુહા અન સંગીતના રાગનિર્દેશવાળી ચોપાઈની વિવિધ દેશીઓના ૩૮ ઢાળની, ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘મૃગાવતીચરિત્ર-ચોપાઈ/રાસ’ [ર.ઈ.૧૬૧૨] : ખરતરગચ્છના જૈન સાધુ સકલચંદ્રના શિષ્ય સમયસુંદરકૃત દુહા અન સંગીતના રાગનિર્દેશવાળી ચોપાઈની વિવિધ દેશીઓના ૩૮ ઢાળની, ત્રણ ખંડમાં વિભક્ત ને કવિ દ્વારા ‘મોહનવેલ’ એવા અપરનામથી ઓળખાવાયેલી આ રાસકૃતિ(મુ.) ભગવાન મહાવીરના સમયમાં થઈ ગયેલા કૌશામ્બીનરેશ શતાનીકની રાણી મૃગાવતીના, જૈનોમાં સુપ્રસિદ્ધ, ઐતિહાસિક ચરિત્ર પર આધારિત છે. સગર્ભા મૃગાવતીને લોહીની વાવમાં સ્નાન કરવાનો જાગેલો દોહદ, ભારંડ પક્ષી દ્વારા થયેલું મૃગાવતીનું અપહરણ, ૧૪ વર્ષે રાજા-રાણીનું થયેલું પુનર્મિલન, મૃગાવતીના ચિત્રમાં સાથળનો તલ બતાવવા નિમિત્તે રાજાએ ચિત્રકારનો જમણો હાથ કાપી નાખવાની કરેલી શિક્ષા, મૃગાવતીથી કામમોહિત બનેલા ઉજ્જયિનીના રાજા ચંડપ્રદ્યોતની કૌશામ્બીનરેશ પર ચડાઈ, શતાનીકના મૃત્યુ પછી મહાવીર સ્વામીના સમવરણ પ્રસંગે મૃગાવતીએ લીધેલી દીક્ષા અને અંતે તેને પ્રાપ્ત થયેલું કેવળજ્ઞાન-એ મૃગાવતીજીવનના મુખ્ય કથાપ્રસંગોની વચ્ચે કેટલીક અવાંતરકથાઓ ગૂંથી કવિએ આ કૃતિને કામ પર શીલના વિજ્યની ધર્મબોધક કથા બનાવી છે. મૃગાવતીસૌંદર્યવર્ણન, મૃગાવતીનો વિરહવિલાપ કે કૌશામ્બીનગરીવર્ણન, શબ્દ ને અર્થના અલંકારો, રૂઢિપ્રયોગો, કહેવતોનો યથેચ્છ વિનિયોગ, સિંધ પ્રાંતની બોલી અને અન્ય ભાષાઓના ઉપયોગ એ સૌમાં કવિની કવિત્વશક્તિ અને ભાષાપ્રભુત્વ પ્રગટ થાય છે. સીધા પ્રચારબોધથી પણ મહદ્અંશે કવિ મુક્ત રહ્યા છે.[જ.ગા.]