ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામ ભક્ત-૩-રામદાસ

Revision as of 05:07, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામ(ભક્ત)-૩/રામદાસ'''</span> [ઈ.૧૬૦૪માં હયાત] : અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિ. તેઓ સૌરાષ્ટ્રના કુતિયાણાના, ખંભાતના અથવા અમદાવાદ જિલ્લાના હોવાનું અનુમાન થયું છે, પર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રામ(ભક્ત)-૩/રામદાસ [ઈ.૧૬૦૪માં હયાત] : અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિ. તેઓ સૌરાષ્ટ્રના કુતિયાણાના, ખંભાતના અથવા અમદાવાદ જિલ્લાના હોવાનું અનુમાન થયું છે, પરંતુ તે માટે ચોક્કસ કોઈ આધાર નથી. આ કવિની ‘એકાદશસ્કંધ’ કૃતિમાં ‘ભટ નારાએણ વૈકુંઠ કથા કહી રે’ એવા ઉલ્લેખ પરથી એમને નારાયણ ભટ્ટ તરીકે ઓળખાવવામાં આવેલા, પરંતુ વાસ્તવમાં નારાયણ નામ કવિના ગુરુનું હોવાની સંભાવના વ્યક્ત થઈ છે. એમની ‘યોગવાસિષ્ઠ’ કૃતિમાં આવતા વિશ્વનાથ નામ પરથી એ નામના પણ કવિના ગુરુ હોવાની સંભાવના વ્યક્ત થઈ છે. ભગવદ્ગીતાનો દુહા-ચોપાઈ બંધમાં અધ્યાયવાર સાર આપતી ને ગીતાનો પહેલો ગુજરાતી અનુવાદ ગણાતી ‘ભગવદ્-ગીતા/ભગવદ્-ગીતાનો સાર/ભગવંત-ગીતા’ (ર.ઈ.૧૬૦૪/સં.૧૬૬૦, આસો સુદ ૧૨, રવિવાર; મુ.), ભાગવતના ત્રીજા સ્કંધના ૨૪થી ૩૩ અધ્યાયમાં વર્ણવેલા કપિલ મુનિના જીવનપ્રસંગને ૫ કડવાં ને ૩૩૧ પંક્તિઓમાં સારાનુવાદ રૂપે આપતું ને મુખ્યત્વે કથાના જ્ઞાનભાગ પર ધ્યાન કેન્દ્રિત કરતું અલ્પ કાવ્યશક્તિવાળું ‘કપિલમુનિનું આખ્યાન’ (મુ.), આરંભના ૨ કડવાંમાં એકાદશીકથા અને બાકીનાં ૩ કડવાંમાં મત્સ્યપુરાણ આધારિત અંબરિષકથાને વર્ણવતું ‘અંબરિષ-આખ્યાન’, સારાનુવાદ જેવી ૧૫ કડવાંની ‘ભાગવત-એકાદશસ્કંધ’ અને ૨૧ સર્ગની ‘યોગવાસિષ્ઠ’ એ એમની કૃતિઓ છે. ‘ગૂજરાતી હસ્તપ્રતોની સંકલિત યાદી’ ‘રાસલીલા-પંચાધ્યાયી’ કૃતિ આ કવિની માને છે, તથા ભાગવતના તૃતીય, ષષ્ઠ, અને દશમ સ્કન્ધના રચિયતા કોઈ સારસ્વત બ્રાહ્મણ રામ(દાસ)ને અને આ રામ(ભક્ત)ને એક ગણે છે, પરંતુ ‘ગુજરાતના સારસ્વતો’માં આ બન્ને કવિઓને જુદા ગણવામાં આવ્યા છે. રામકૃષ્ણને નામે જે ‘ભગવદ્-ગીતા’ મળે છે તે આ રામભક્તની છે. કૃતિ : ૧. શ્રી ભગવદ્ગીતા પ્રાકૃત ભાષા પ્રબંધ (રામભક્ત), પ્ર. શા. કરશનદાસ મોહનલાલ, ઈ.૧૯૦૫; ૨. ત્રણ ગુજરાતી ગીતાઓ, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૮૭(+સં.); ૩. સગુકાવ્ય. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ.;  ૬. સંશધન અને અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૬-‘મધ્યકલીન ગુજરાતી સાહિત્યમાં અંબરીષકથા’;  ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. ફાહનામાવલિ : ૨; ૧૧. ફૉહનામાવલિ. [ચ.શે.]