ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/‘રુક્મિણીહરણ’-૨

Revision as of 05:29, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' ‘રુક્મિણીહરણ’-૨ '''</span> : ભગવતની રુક્મિણીહરણની કથા પર આધારિત ને દેવીદાસના ‘રક્મિણીહરણ’ની અસર ઝીલતું પ્રેમાનંદનું આ જો કે મધ્યમકક્ષાનું આખ્યાન (મુ.) છે, પરંતુ ગુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘રુક્મિણીહરણ’-૨  : ભગવતની રુક્મિણીહરણની કથા પર આધારિત ને દેવીદાસના ‘રક્મિણીહરણ’ની અસર ઝીલતું પ્રેમાનંદનું આ જો કે મધ્યમકક્ષાનું આખ્યાન (મુ.) છે, પરંતુ ગુજરાતીમાં રચાયેલી રુક્મિણીહરણવિષયક કથાને આલેખતી કૃતિઓમાં અવશ્ય નોંધપાત્ર છે. પ્રેમશૌર્યની આ કથામાં પ્રારંભનાં ૧૨ કડવાંમાં કવિએ કૃષ્ણ અને શિશુપાલ વચ્ચે રુક્મિણી માટે થનાર યુદ્ધની ભૂમિકા તૈયાર કરી છે અને એ ભૂમિકા તૈયાર કરવામાં નારદમુનિના પાત્રને કલહપ્રિય બતાવ્યું છે. ૧૩થી ૧૮ કડવાં સુધી કૃષ્ણ અને બલરામના પહેલાં શિશુપાલ સાથે અને પછી રુક્મૈયા સાથેના યુદ્ધની કથા છે. અંતિમ ૭ કડવાંમાં કૃષ્ણ-રુક્મિણીનો લગ્નોત્સવ આલેખાયો છે. કૃતિના પ્રારંભમાં રુક્મિણીની કૃષ્ણ સાથે લગ્ન કરવાની ઉત્સુકતા એ કૃષ્ણ સાથે થયેલા વિવાહ ફોક થવાથી જન્મેલા સંતાપમાંથી કવિએ કેટલુંક વિપ્રલંભનું આલેખન કરવાની તક મેળવી લીધી છે, તો પણ શૃંગાર નહીં, વીર જ આખ્યાનનો મુખ્ય રસ છે. શિશુપાલ અને રુકમૈયા સાથેના યુદ્ધનું વર્ણન કવિનાં અન્ય યુદ્ધવર્ણનોમાં બહુધા બને છે તેમ અહીં પણ હાસ્યના રંગથી રંગાયેલું છે. ખરેખર તો કવિનું રસજમાવટ કરવાનું કૌશલ અહીં ઓછું છે. રુક્મિણીના વિવાહ કોની સાથે કરવા એ બાબત પિતા-પુત્ર વચ્ચે પડેલા ઝઘડા વખતે “આ ઘર-વઢવાડે વિનાશ થાશે” કહી ઝઘડો શાંત પાડતી રુક્મિણીની માતા, રુક્મૈયાને મારી નાખવા કૃષ્ણ તૈયાર થાય ત્યારે “એને મારો તો તાતની આણ રે” કહી ભાઈને બચાવતી રુક્મિણી કે કૃષ્ણ સાથે નાસી આવેલી રુક્મિણીના મનમાં લગ્ન વખતે માતાપિતાની ખોટ સાલતી હતી તેને દૂર કરવા શંકર-પાર્વતીએ આપેલું રુક્મિણીનું કન્યાદાન વગેરે સ્થાનોએ પ્રસંગો ને પાત્રોને કવિ કેવી સહજ રીતે ગુજરાતી બનાવે છે તે અનુભવાય છે. ‘દશમસ્કંધ’ અંતર્ગત ૨૦ કડવાંમાં પ્રેમાનંદે નિરૂપેલી રુક્મિણીવિવાહની અધૂરી કથા કાવ્યગુણમાં આ આખ્યાન કરતાં ચડિયાતી છે. એટલે ઉમાશંકર જોશી આ આખ્યાનના પ્રેમાનંદકર્તૃત્વ વિશે શંકા સેવે છે, પરંતુ એ સિવાય એને પ્રેમાનંદનું ન માનવા માટે બીજું કોઈ ચોક્કસ પ્રમાણ અત્યારે ઉપલબ્ધ નથી. [જ.ગા.]