ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સાખીઓ’-પ્રીતમ

From Ekatra Wiki
Revision as of 10:19, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘સાખીઓ’(પ્રીતમ)'''</span> : ૨૪ અંગોમાં વિભક્ત અને સાધુશાઈ હિન્દીમાં રચાયેલી પ્રીતમની ૬૩૭ સાખીઓમાં ‘ચેતવણી-૨ની ૯૫ ગુજરાતી સાખીઓ ઉમેરતાં ૭૩૨ સાખીઓ મુદ્રિત સ્વરૂપે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘સાખીઓ’(પ્રીતમ) : ૨૪ અંગોમાં વિભક્ત અને સાધુશાઈ હિન્દીમાં રચાયેલી પ્રીતમની ૬૩૭ સાખીઓમાં ‘ચેતવણી-૨ની ૯૫ ગુજરાતી સાખીઓ ઉમેરતાં ૭૩૨ સાખીઓ મુદ્રિત સ્વરૂપે મળે છે. એ સિવાય પણ કેટલીક સાખીઓ કવિએ રચી હોવાની સંભાવના છે. વિવિધ અંગોમાં વહેંચાયેલી સાખીઓમાં આગલા અંગની છેલ્લી સાખી સાથે બીજા અંગની પહેલી સાખીને જોડી કવિએ દરેક અંગ વચ્ચે અનુસંધાન કર્યુ છે. ઈશ્વર, માયા, જ્ઞાન, ભક્તિ, સંત, સદ્ગુરુ, વૈરાગ્ય ઇત્યાદિ વિશેના કવિના વિચારો સંકલિત રૂપે જાણવા માટે આ સાખીઓ મહત્ત્વની છે. વિવિધ દૃષ્ટાંતો અને ઉપમાઓથી ઘણી જગ્યાએ કવિના વક્તવ્યમાં ચમત્કૃતિ આવી છે. ‘ચેતવણી-૨’ની સાખીઓ અલંકારયુક્ત ઉદબોધનશૈલીથી વધારે પ્રભાવક બની છે.[ચ.શે.]