ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સીતારામ-ચોપાઈ’

From Ekatra Wiki
Revision as of 05:11, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘સીતારામ-ચોપાઈ’'''</span> : ખરતરગચ્છના સકલચંદ્રશિષ્ય સમયસુંદરની ૯ ખંડ, ૬૩ ઢાળ ને ૨૪૧૭ કડીમાં રચાયેલી આ રાસકૃતિ(મુ.) કવિની સર્વોત્તમ રચના છે. કૃતિને અંતે રચનાવર્ષનો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘સીતારામ-ચોપાઈ’ : ખરતરગચ્છના સકલચંદ્રશિષ્ય સમયસુંદરની ૯ ખંડ, ૬૩ ઢાળ ને ૨૪૧૭ કડીમાં રચાયેલી આ રાસકૃતિ(મુ.) કવિની સર્વોત્તમ રચના છે. કૃતિને અંતે રચનાવર્ષનો નિર્દેશ નથી, પરંતુ અન્ય પ્રમાણો પરથી કવિએ કૃતિની રચના ઈ.૧૬૨૧થી ઈ.૧૬૨૪ દરમ્યાન કરી હોય એમ લાગે છે. મુખ્યત્વે પ્રાકૃત કવિ ‘સીયાચરિઉ’ અને કંઈક અંશે ‘પઉમચરિય’ને આધાર રૂપે લઈ રચાયેલી આ કૃતિમાં જૈનપરંપરામાં પ્રચલિત રામકથાને કવિએ અહીં આલેખી છે. આમ તો શીલનો મહિમા વર્ણવવાનું કવિનું પ્રયોજન છે, પરંતુ સાધુજનને માથે મિથ્યા કલંક ચડાવવાનું કેવું ફળ મનુષ્યે ભોગવવું પડે છે એ પ્રયોજન પણ એમાં ભળ્યું છે. એટલે કૃતિના આરંભમાં કવિએ સીતાના વેગવતી તરીકેના પૂર્વજન્મની કથા આલેખી છે. જૈનપરંપરાની રામકથાને અનુસરવાને લીધે વાલ્મીકિકૃત રામાયણની કથા કરતા ઘણી જગ્યાએ પ્રસંગનિરૂપણ બદલાયું છે. જેમ કે ભામંડલની સીતા સાથે લગ્ન કરવાની ઇચ્છા, પરંતુ સીતાની સગાઈ રામ સાથે થઈ ગઈ એની ખબર પડતાં વિદ્યાધરોમાં વ્યાપેલો રોષ, દેવોએ આપેલા ધનુષ્યને જો રામ ઊંચકે તો જ સીતા સાથે તે લગ્ન કરી શકશે એવી વિદ્યાધરોએ જનકરાજા પાસે મૂકેલી શરત, વનવાસગમન દરમ્યાન ભયાનક વર્ષાથી બચવા યક્ષે રામને માટે બનાવેલી નગરી, રામના અયોધ્યાગમન પછી ભરતે લીધેલી દીક્ષા, સીતાની શોકે સીતા પાસે રાવણના પગનું ચિત્ર દોરાવી સીતા રાવણને ચાહતી હતી એવી રામ પાસે અને પ્રજામાં વહેવડાવેલી વાત, વનમાં ગયેલી સીતાને વજ્રજંઘ રાજાએ આપેલ આશ્રય, અગ્નિપરીક્ષામાંથી પસાર થયેલી સીતાને પુન: પટરાણી બનવા રામે કરેલી વિનંતિ ને સીતાએ એ વિનંતિનો અસ્વીકાર કરી લીધેલી દીક્ષા, ઇન્દ્રે લક્ષ્મણની રામ પરની પ્રીતિની પરીક્ષા કરવા જતાં લક્ષ્મણનું થયેલું મૃત્યુ વગેરે. જૈનધર્મનો પ્રભાવ બતાવતી ને બોધાત્મક બનતી હોવા છતાં કવિએ વિવિધ રસોના નિરૂપણ તરફ લક્ષ આપ્યું હોવાને લીધે કૃતિ કાવ્યત્વની દૃષ્ટિએ પણ આસ્વાદ્ય બની છે. રામ-રાવણયુદ્ધ વખતે વીર ને ભયાનકનું નિરૂપણ, સીતાત્યાગ વખતે રામની વ્યથા કે લક્ષ્મણના મૃત્યુ વખતે એની રાણીઓનો કે રાવણવધ વખતે મન્દોદરીનો વિલાપ, સીતાના રૂપસૌંદર્યનું વર્ણન વગેરેમાં કવિની આ શક્તિ દેખાય છે. પોતાની અન્યકૃતિઓની જેમ અહીં પણ પોતાના સમયની લોકપ્રચલિત કહેવતોને નિરૂપણમાં વણી લઈને કવિએ પોતાની અભિવ્યક્તિ અસરકારક બનાવી છે. જેમકે “ઊંઘતઈ બિછાણઉ લાધઉ, આહીંણઇ વૂંઝાણઉ બે”, વિવિધ રાગની અનેક દેશીઓથી સધાતું ગેયત્વ કૃતિની બીજી ધ્યાન ખેંચતી લાક્ષણિકતા છે.[જ.ગા.]